વિજય રૂપાણીએ કહ્યું ‘ગુજરાતમાં કોમી તોફાનો ભૂતકાળ બની ગયા’ પણ વર્તમાન શું છે?

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ હાલમાં જ કહ્યું હતું કે ગુજરાતભરમાં હવે કોમી તોફાનો ભૂતકાળની વાત થઈ ચૂકી છે. જોકે તેમણે કદાચ સરકારી આંકડાઓ તરફ નજર નહીં કરી હોય.

જો કેન્દ્રની ભાજપ સરકારના જ આંકડાઓ પર નજર નાખીએ તો ખબર પડે છે કે 2012થી 2017 દરમિયાન સરકારી ચોપડે નોંધાયેલાં કોમી તોફાનોની સંખ્યા 357 છે, જ્યારે આ તોફાનોમાં મૃત્યુ પામનાર લોકોની 44 છે.

થોડાં દિવસ અગાઉ પોલીસને રાષ્ટ્રપતિપદક એનાયત કરવાના એક કાર્યક્રમમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ભાષણ આપતા કહ્યું હતું કે ગુજરાતમાં હવે કોમી તોફાનો ભૂતકાળ થઈ ગયો છે.

ગુજરાત પોલીસની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Dilip Thaker

ઇમેજ કૅપ્શન, ગુજરાત પોલીસની પ્રતીકાત્મક તસવીર

2012થી 2017 દરમિયાન ગુજરાતમાં કોમી તોફાનોથી અસરગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા સરકારી આંકડા મુજબ 1004ની છે.

જોકે આ સમય દરમિયાન સૌથી ઓછી ઘટનાઓ 2017માં (50) નોંધાઈ હોવાથી તેવું કહી શકાય કે સરકારી ચોપડે નોંધાયેલાં કોમી તોફાનોની સંખ્યામાં ઘટાડો થયો છે.

પરંતુ ગુજરાતમાં તોફાનો હવે થતાં જ નથી, તેવી મુખ્યમંત્રી વિજય રૂપાણીની વાતને ઘણા લોકો માનવા તૈયાર નથી.

ગુજરાત રાજ્યમાં મુસ્લિમ સમાજના અધિકારોના રક્ષણ માટે કામ કરતી અલ્પસંખ્યક અધિકાર મંચ નામની એક સંસ્થાના એક અભ્યાસ મુજબ 2018ના વર્ષમાં રાજ્યમાં લગભગ 13 જેટલી કોમી તોફાનોની ઘટનાઓ બની હતી.

એ ફૅક્ટ ફાઇડિંગ રિપોર્ટ પ્રમાણે કોમી તોફાનોની સંખ્યા 2018માં તેમણે જે નોંધ્યું છે તેનાથી વધારે હોઈ શકે છે.

શું કહેવું છે અસરગ્રસ્તોનું?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, DAXESH SHAH

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ વર્ષમા ઑગસ્ટ મહિનામાં આણંદના ઉંડેલ ગામમાં હિંદુ અને મુસલમાન સમાજના લોકો વચ્ચેના ઝઘડામાં બે લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ સમયે આણંદ પોલીસે આ ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

આ જ ગામમાં રહેતા દિલાવર મલિક બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "હાલમાં તો ગામમાં શાંતિ છે, પરંતુ હવે અહીંયાં લોકો પહેલાંની જેમ નથી રહેતા."

"બન્ને સમાજના લોકો વચ્ચેનું અંતર ખૂબ વધી ગયું છે અને તેમના વચ્ચેના તમામ સંબંધો ધીમેધીમે ખલાસ થઈ રહ્યાં છે."

દિલાવર મલિક આ ગામના વતની છે અને તોફાનો સમયે તેમણે પણ પોતાનું ગામ છોડીને બહાર જતું રહેવું પડ્યું હતું.

આવી જ રીતે આણંદના જ ખેરડા ગામના વતની શબ્બીર સૈયદના અને તેમના બે ભાઈઓનાં મકાનો એક ટોળાંએ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં સળગાવી દીધાં હતાં.

આ બનાવ બાદ લગભગ મુસ્લિમ સમાજના 40 લોકો પોતાનું ગામ છોડીને જતા રહ્યા હતા.

આ ઘટના વિશે વાત કરતા શબ્બીર સૈયદ બીબીસી ગુજરાતીને જણાવે છે કે 2002 પહેલાં કે પછી, અમારા ગામમાં ક્યારેય કોમી તોફાનો નહોતાં થયાં. પરંતુ 2018માં પ્રથમ વખત અહીંયાં તોફાનો થયાં હતાં.

2002ની 27મી ફેબ્રુઆરીએ સાબરમતી ટ્રેન પર ટોળાએ હુમલો કર્યો હતો

ઇમેજ સ્રોત, SEBASTIAN D'SOUZA/AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 2002ની 27મી ફેબ્રુઆરીએ સાબરમતી ટ્રેન પર ટોળાંએ હુમલો કર્યો હતો

તેમનું માનવું છે, "સ્થાનિક રાજકારણ અને બહારના લોકોનો ગામમાં હસ્તક્ષેપ વધુ હોવાથી આ તોફાનો થયાં હતાં."

તેઓ કહે છે કે વિજય રૂપાણીની વાતને માનવા તેઓ તૈયાર નથી કારણે કે તેમના ગામમાં દિવસે ને દિવસે બન્ને સમાજો વચ્ચે તંગદિલી વધી રહી છે અને લોકો એકબીજાથી ડરીને જીવી રહ્યા છે.

તેઓ કહે છે કે "અમારે માટે તોફાનો ભૂતકાળ નથી, પરંતુ વર્તમાન છે."

આવી જ રીતે હિંમતનગરના વક્તાપુર ગામમાં પણ ગત વર્ષે કોમી તોફાન થયું હતું.

આ ગામના મુસ્લિમ આગેવાન અને આ તોફાનો સમયે લોકો સાથે સતત સંપર્કમાં રહેતા સલમાન શેખે બીબીસી ગુજરાતી સાથેની વાતમાં કહ્યું કે તોફાનોની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ તોફાનો બંધ નથી થયાં.

તેઓ કહે છે કે તેમના ગામમાં ખૂબ જ નાની વાત પર બે કોમ વચ્ચે તોફાનો થયું હતું. જોકે હાલમાં આ ગામમાં બન્ને સમાજના લોકો વચ્ચે શાંતિનો માહોલ છે.

આ શાંતિના મોહાલનું શ્રેય તેઓ ગામના બન્ને સમાજોના આગેવાનોને આપે છે.

આંકડા ઓછા છે, તેનો અર્થ એ નથી કે તોફાનો નહીં થાય...

લોકો

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં તોફાનોની સંખ્યામાં ઘટાડો થયો છે એ વાત જાણતા પૂર્વ આઈપીએસ અધિકારી રાહુલ શર્માએ કહ્યું કે "આ ઘટાડાનો મતલબ એ નથી કે ગુજરાતમાં શાંતિ પ્રવર્તી રહી છે. જ્યાં સુધી બન્ને સમાજના લોકો એકબીજાના હક્ક અને અધિકારોનો આદર નહીં કરે ત્યાં સુધી આપણે એમ નહીં કહી શકીએ કે રાજ્યમાં શાંતિ છે."

તેઓ કહે છે કે "હાલમાં મુસ્લિમ સમાજ એટલો પાછળ ધકેલાઈ ગયો છે કે તે કોઈ પણ રીતે અવાજ ઉઠાવી નથી શકતો. આ પ્રકારની પરિસ્થિતિ આવનાર સમયમાં ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે."

જોકે બીજી બાજુ રિટાયર્ટ ડીજીપી ગીથા જોહરી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે "હિંદુ અને મુસ્લિમ સમાજના લોકોના તહેવારો શાંતિથી પૂર્ણ થાય છે તે સૌથી મોટી સાબિતી છે કે આ રાજ્યમાં હવે તોફાનો નથી થતાં."

"પહેલાં તો રથયાત્રા અને મોહરમ જેવા તહેવારોમાં તોફાનો થવાં તે સામાન્ય બાબત હતી. જેમાં અમદાવાદના દરિયાપુર, ગોમતીપુર, શાહપુર જેવા વિસ્તારો હંમેશાં મોખરે રહેતા હતા, પરંતુ હવે અહીંયાં શાંતિ હોય છે."

ગીથા જોહરી માને છે કે તોફાનોની સંખ્યા અને તીવ્રતા બન્નેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

શું કહે છે સામાજિક આગેવાનો?

પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસીએ આ અંગે હિંદુ અને મુસ્લિમ આગેવાનોનો પક્ષ જાણવાની કોશિશ કરી હતી.

જોકે, વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ વીએચપી પ્રવીણ તોગડિયા અને વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલે હાલ આ મુદ્દે વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

વિશ્વ હિંદુ પરિષદ સાથે જ સંકળાયેલા રણછોડ ભરવાડે બીબીસી ગુજરાતીને કહ્યું કે અત્યારે ગુજરાતમાં અનેક પ્રશ્નો છે અને હાલ આ અંગે વાત કરવી યોગ્ય નથી લાગતું.

આ વિશે જ્યારે અલ્પસંખ્યક અધિકાર મંચનાં કન્વીનર અને વકીલ શમશાદ પઠાણ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે આ વાત તદ્દન ખોટી છે કે ગુજરાતમાં હવે તોફાનો નથી થતાં.

તેમણે કહ્યું, "અમારા રિપોર્ટમાં અમે 2018માં થયેલાં 13 કોમી તોફાનોની વાત કરી છે. લોકો વચ્ચે નાનીનાની વાતોમાં ઘર્ષણ થાય છે. એ તહેવારો હોય કે પ્રેમસંબંધો. મુસ્લિમ સમાજના લોકોની પ્રોપર્ટીને નુકસાન અને જાનહાનિ થતી રહી છે.

તેઓ કહે છે, "ગુજરાતમાં 2002 પછીનાં તોફાનો બાદ મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારોમાં તોફાનો નોંધાયાં છે, જેમાં મુસ્લિમ સમાજના લોકોને નુકસાન થયું છે."

"આ નુકસાન 2002 જેટલું મોટુ નથી, પરંતુ તેમાં લોકોનાં મકાન સળગાવી દેવામાં આવ્યાં છે. લોકોને પોતાનાં ગામો છોડીને અન્ય સ્થળે જતા રહેવું પડ્યું છે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો