રાહુલ ગાંધીએ કહ્યું હું સાવરકર નથી કે માફી માગું, સાથી પક્ષ શિવસેનાએ આપી આવી પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીના રામલીલા મેદાનમાં આજે કૉંગ્રેસ દ્વારા 'ભારત બચાવો' રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી મોદી સરકારના કેટલાક નિર્ણયોના વિરોધમાં કરવામાં આવી હતી.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં કરવામાં આવેલી રેલીમાં પોતાના 'રેપ ઇન ઇન્ડિયા'વાળા નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓ પોતાના નિવેદન અંગે માફી નહીં માગે.
તેમણે રામલીલા મેદાનમાં કહ્યું, "મારું નામ રાહુલ સાવરકર નથી. મારું નામ રાહુલ ગાંધી છે. હું સચ્ચાઈ માટે માફી નહીં માગું. મરી જઈશ પરંતુ માફી નહીં માગીશ."
તેમણે કહ્યું, "માફી વડા પ્રધાન અને તેમના આસિસ્ટન્ટ અમિત શાહે માગવાની છે. પહેલાં અર્થવ્યવસ્થા આપણી તાકાત હતી... છે નહીં હતી. પહેલાં 9 ટકા જીડીપી ગ્રોથ રેટ હતો અને આજે ડુંગળી પકડીને બેઠા છે."
શુક્રવારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના 'રેપ ઇન ઇન્ડિયા'વાળા બયાન પર સંસદમાં અને સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સહિત ભાજપના અનેક સાંસદોએ સંસદમાં તેમના નિવેદનનો વિરોધ કર્યો હતો.

શિવસેનાનો અલગ રાગ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ દરમિયાન રાહુલ ગાંધીના સાવરકરવાળા નિવેદન પર ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ નિવેદન આપ્યું છે.
એમણે સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે રાહુલ ગાંધી 100 જનમ લેશે તો પણ સાવરકર નહીં બની શકે. સાવરકર વીર હતા, દેશભક્ત હતા અને બલિદાન આપ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે એમ પણ કહ્યું કે અનુચ્છેદ 370, ઍર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક, નાગરિકતા સંશોધન કાયદા પર જે ભાષા રાહુલ ગાંધી બોલે છે તે પાકિસ્તાનની છે. તેઓ સાવરકરના માર્ગે વીર નહીં બની શકે.
રાહુલ ગાંધીએ આપેલા સાવરકર નથી કે માફી માગું નિવેદન પર મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના સાથી પક્ષ શિવસેનાએ પણ પ્રતિક્રિયા આપી છે.
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે અમે પંડિત નહેરૂ અને મહાત્મા ગાંધીને માનીએ છીએ, તમારે વીર સાવરકરનું અપમાન ન કરવું જોઈએ. સમજદાર માણસોને આનાથી વધારે કહેવાનું હોતું નથી.
સોનિયા ગાંધીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, CONGRESS/TWITTER
કૉંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં જ નરેન્દ્ર મોદીની સરકાર પર પ્રહાર કર્યા હતા.
એમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધીને અનેક સવાલો કર્યા.
સોનિયા ગાંધીએ કહ્યું કે, કામધંધો સરખો નહીં ચાલવાને લીધે લોકો બૅંકનું કરજ સમયસર ચૂકવી નથી શકતા અને આખા પરિવાર સાથે આત્મહત્યાના સમાચારો આવી રહ્યા છે.
આખો દેશ પૂછી રહ્યો છે કે સબકા સાથ, સબકા વિકાસ ક્યાં છે. અર્થવ્યવસ્થા કેમ તબાહ થઈ ગઈ અને રોજગારી ક્યાં જતી રહી.
નરેન્દ્ર મોદીની શૈલીમાં કાર્યકરોને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, આની તપાસ થવી જોઈએ કે નહીં? જે કાળાં નાણાંને બહાર કાઢવા માટે નોટબંધી કરવામાં આવી હતી કે કાળું નાણું બહાર કેમ ન આવ્યું? એ બ્લૅક મની કોની પાસે છે?
આની તપાસ થવી જોઈએ કે નહીં? અરધી રાતે જે ધૂમધામથી સ્થિતિ લાદવામાં આવી એ પછી મોદી સરકારનો ખજાનો ખાલી કેમ થઈ ગયો?
આની તપાસ થવી જોઈએ કે નહીં? કે આરબીઆઈનું ખીસું કાપીને જે લાખો કરોડો રૂપિયા મોદી સરકારે લઈ લીધા એ ક્યાં ગયા?
આપણી નવરત્ન કંપનીઓ કેમ વેચવામાં આવી રહી છે અને કોને વેચવામાં આવી રહી છે?

અદાણીને મોદીએ 50 કોન્ટ્રાક્ટ આપી દીધા : રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતાં કહ્યું, "હિંદુસ્તાનના દુશ્મનો ઇચ્છતા હતા કે હિંદુસ્તાનની અર્થવ્યવસ્થા નષ્ટ થઈ જાય. જે દુશ્મનોએ ના કર્યું તે આપણા વડા પ્રધાને કરી બતાવ્યું તેમ છતાં તેઓ પોતાને દેશભક્ત કહે છે."
"તેમણે તમામ રૂપિયા દેશના બે-ત્રણ ઉદ્યોગપતિઓને આપી દીધા છે. આ દેશમાં ઘણા ઇમાનદાર ઉદ્યોગપતિઓ છે. આ દેશને ખેડૂત બનાવે છે, નાના દુકાનદારો બનાવે છે તો ઇમાનદાર ઉદ્યોગપતિઓ પણ બનાવે છે."
"છેલ્લાં પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીએ અદાણીને 50 કોન્ટ્રાક્ટ આપ્યા છે. એક લાખ કરોડ રૂપિયાથી પણ વધારે. દેશના ઍરપૉર્ટ આપી દીધા, કોન્ટ્રાક્ટ વિના આપી દીધા. કેમ આપ્યા. આને તમે શું કહેશો. આને તમે ચોરી નહીં કહો, ભ્રષ્ટાચાર નહીં કહો તો શું કહેશો."
તેમણે કહ્યું, "નરેન્દ્ર મોદીએ તમારા બધાના ખિસ્સામાંથી પૈસા છીનવી લીધા છે. મોબાઇલના ચાર્જ વધારી દીધા છે અને કેટલાક ઉદ્યોગપતિઓનું કરજ માફ કરી દે છે."
રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ તમામ પૈસા છીનવીને પોતાના ત્રણ-ચાર ઉદ્યોગપતિ મિત્રોને આપી દીધા. દેશની અર્થવ્યવસ્થાને ભાંગી નાખી.
તેમણે કહ્યું, "ખેડૂતો, મજૂર અને યુવાનોના ખિસ્સામાં પૈસા નથી. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને સરકારને એ પણ ખબર નથી કે કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે."
"સત્તા માટે આપણા વડા પ્રધાન કંઈ પણ કરી દેશે. ટીવી પર નરેન્દ્ર મોદી દિવસભર જોવા મળે છે, એક જાહેરાતના લાખો રૂપિયા થાય છે. તો આ જાહેરાતના પૈસા કોણ આપે છે. આ જાહેરાતના પૈસા એ લોકો આપે છે, જેને મોદી તમારા પૈસા છીનવીને આપે છે."
"આસામ, નાગાલૅન્ડ, મિઝોરમ, મણિપુર, કાશ્મીર જાઓ તો ખબર પડશે કે નરેન્દ્ર મોદીએ શું કારનામું કર્યું છે, આ પ્રદેશોને સળગતા કરી દીધા છે. ધર્મના નામે ભાગલા પાડી દીધા છે."
નાગરિકતા કાયદો, મહિલાઓ પર હિંસા, બેરોજગારી અને બંધારણ પર હુમલા જેવા મામલોને લઈને કૉંગ્રેસે આ રેલીનું આયોજન કર્યું છે.

લોકો અવાજ નહીં ઉઠાવે તો બંધારણ નાશ પામશે : પ્રિયંકા ગાંધી

ઇમેજ સ્રોત, ANI
આ રેલીમાં કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જો લોકો સરકાર વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવશે નહીં તો આપણું બંધારણ નાશ પામશે.
તેમણે કહ્યું કે જો આ સ્થિતિમાં આપણે અવાજ ઉઠાવીશું નહીં અને ડરથી આપણે બેઠા રહીશું અને શાંત રહીશું તો બંધારણ નાશ પામશે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તમારી પાસેથી કામ ઝૂંટવી લેવામાં આવી રહ્યું છે અને બીજી તરફ નોકરીઓ ઝૂંટવવામાં આવી રહી છે, પરંતુ દરેક બસ સ્ટોપ અને ન્યૂઝ પેપરમાં મોદી છે તો મુમકીન છે લખેલું જોવા મળે છે.
તેમણે કહ્યું, "ભાજપના રાજમાં છેલ્લાં 45 વર્ષોમાં બેરોજગારીનો દર સૌથી વધારે છે, 4 કરોડ લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે. ડુંગળી 100 રૂપિયે કિલો છે. "
ભારત બચાવો રેલીમાં કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના મોટા નેતાઓ હાજર છે.
આ રેલીમાં કૉંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ પણ હાજર રહ્યા છે અને દેશમાંથી હજારો કાર્યકર્તાઓ આવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














