ગ્રેટ શો-મૅન રાજ કપૂરનાં એ રશિયન હિરોઇન હવે ક્યાં છે?

સેનિયા રેબેંકીના અને રાજ કપૂર

ઇમેજ સ્રોત, Kseniya Ryabinkina

    • લેેખક, પ્રભાત પાંડે
    • પદ, બીબીસી સંવાદદાતા

'મેં તૂમસે બહૂત પ્યાર કરતી હૂં.'

જ્યારે મેં રશિયન અભિનેત્રી અને પ્રખ્યાત બેલે ડાન્સર સેનિયા રેબેંકીનાને પૂછ્યું કે શું તમે હિંદીમાં વાત કરી શકો છો તો તેમણે જવાબમાં આ લાઇન કહી.

સેનિયા રાજ કપૂરની 1970માં રિલીઝ થયેલી ખૂબ જ પ્રખ્યાત ફિલ્મ 'મેરા નામ જોકર'માં કામ કરી ચૂક્યાં છે.

ફિલ્મમાં તેમણે સર્કસમાં કામ કરતી એક ડાન્સરની ભૂમિકા નિભાવી હતી જેમને રાજૂ (રાજ કપૂર) સાથે પ્રેમ થઈ જાય છે.

14 ડિસેમ્બરના રોજ રાજ કપૂરનો જન્મદિવસ છે. તેવામાં મેં થોડા દિવસ પહેલાં વિચાર્યું કે જો સેનિયા સાથે રાજ કપૂર વિશે અને તેમની સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરવામાં આવે તો તે ખૂબ રસપ્રદ હશે.

તેઓ હાલ ક્યાં છે અને મારી સાથે વાત કરશે કે નહીં? કેમ કે 'મેરા નામ જોકર'માં ચર્ચિત ભૂમિકા છતાં સેનિયા હિંદી ફિલ્મોથી ગૂમ થઈ ગયાં.

line

આ રીતે થયો સંપર્ક

સેનિયા રેબેંકીના અને રાજ કપૂર

ઇમેજ સ્રોત, Kseniya Ryabinkina

મેં કપૂર પરિવાર સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો અને તેમના દીકરા તેમજ જાણીતા અભિનેતા ઋષિ કપૂરને પૂછ્યું કે શું તેઓ સેનિયાના સંપર્કમાં છે?

ઋષિ કપૂરે કહ્યું કે હાલ તેમની પાસે સેનિયા સાથે જોડાયેલી કોઈ માહિતી નથી.

ત્યારે મેં બીબીસી રશિયન સેવાનો સંપર્ક કર્યો અને તેમણે સેનિયાનો સંપર્ક શોધ્યો.

થોડી અવઢવ સાથે મેં તેમને ફોન પર મૅસેજ કર્યો કે શું તેઓ રાજ કપૂર વિશે વાત કરવા ઇચ્છશે.

મૅસેજ મોકલ્યો તેની માત્ર અડધી કલાકમાં તેમનો જવાબ આવ્યો, "રાજ કપૂર વિશે વાત કરવાની મને ખૂબ ખુશી થશે. પરંતુ હાલ હું ઇટલીમાં રજાઓ માણી રહી છું. તમે મને 3-4 દિવસ બાદ ફોન કરી શકો છો. ત્યારે હું મૉસ્કોમાં હોઈશ અને આરામથી તમારી સાથે વાત કરીશ."

એક અઠવાડિયા બાદ મેં તેમને ફોન કર્યો તો તેમણે તૂટી-ફૂટી અંગ્રેજી ભાષામાં વાત કરતા મને કહ્યું, "જુઓ, હું સારી રીતે અંગ્રેજી ભાષા બોલી શકતી નથી. હું તમારી સાથે વાત કેવી રીતે કરી શકીશ? હું તો રશિયન ભાષા બોલું છું."

મેં જવાબ આપ્યો કે તમે કમ સે કમ ખરાબ અંગ્રેજી તો બોલી શકો છો, હું તો રશિયન ભાષાનો એક શબ્દ પણ બોલી શકતો નથી. તો મારે તમારી સાથે અંગ્રેજીમાં જ વાત કરવી પડશે.

મેં તેમને જેવી આવડે તેવી અંગ્રેજીમાં વાત કરવાની છૂટ આપી તો તેઓ ખુશી-ખુશી તૈયાર થઈ ગયાં અને અમારી વાતો ચાલુ થઈ ગઈ.

સેનિયા હાલ પોતાના દેશ રશિયામાં રહે છે અને 74 વર્ષની ઉંમરે પણ તેમણે પોતાના બેલે ડાન્સિંગના શોખને જીવંત રાખ્યો છે.

line

રાજ કપૂર સાથે મુલાકાત

રાજ કપૂર, કૃષ્ણા રાજ કપૂર અને સેનિયા રેબેંકીના

ઇમેજ સ્રોત, Kseniya Ryabinkina

સેનિયાએ જણાવ્યું કે તેઓ ત્યારે 24-25 વર્ષનાં હતાં જ્યારે રાજ કપૂર સાથે પહેલી મુલાકાત થઈ.

રાજ કપૂર 'મેરા નામ જોકર'ની તૈયારીઓ કરી રહ્યા હતા અને મૉસ્કો આવ્યા હતા. એક સાંજ દરમિયાન તેમણે સેનિયાનો બેલે ડાન્સ જોયો અને તેમનાંથી પ્રભાવિત થઈ ગયા.

તેમણે સેનિયાને પોતાની ફિલ્મમાં કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો.

સેનિયા રાજ કપૂરના નામને ઓળખતાં હતાં કેમ કે તેમની ફિલ્મ 'આવારા' અને 'શ્રી 420' રશિયામાં ખૂબ પ્રચલિત થઈ હતી અને તેના ગીત રશિયાના લોકોના મોઢે પણ ચઢેલા હતા.

સેનિયાએ આ ઑફરનો સ્વીકાર કર્યો અને તેઓ શૂટિંગ માટે ભારત આવી ગયાં.

line

'સૌનું ધ્યાન રાખતા રાજ કપૂર'

સેનિયા રેબેંકીના અને રાજ કપૂર

ઇમેજ સ્રોત, Kseniya Ryabinkina

જોકે, ફિલ્મમાં તેમની કોઈ મોટી ભૂમિકા ન હતી પરંતુ તે અનુભવને તેઓ યાદગાર માને છે.

તેઓ કહે છે, "સેટ પર રાજ કપૂર સૌનું ખૂબ ધ્યાન રાખતા. તેમના સેટ પર નાના મોટા દરેક કલાકારને એકસમાન ટ્રીટમેન્ટ મળતી હતી. પરંતુ એક વખત કૅમેરા ચાલુ થઈ જવા પર તેઓ એકદમ કડક સ્વભાવના બની જતા. જ્યાં સુધી કોઈ બેસ્ટ શૉટ ન આપી દે, તેઓ સંતુષ્ટ ન થતા."

સેનિયા જણાવે છે કે રશિયામાં નવી યુવા પેઢી હોલીવુડ ફિલ્મો વધારે જુએ છે પરંતુ 60 અને 70ના દાયકામાં રાજ કપૂર રશિયામાં એક મોટું નામ હતું અને તેમની ફિલ્મો ત્યાં ખૂબ હિટ થતી.

line

કપૂર પરિવાર સાથે મિત્રતા

સેનિયા રેબેંકીના અને દારા સિંહ

ઇમેજ સ્રોત, Kseniya Ryabinkina

ઇમેજ કૅપ્શન, અભિનેતા દારા સિંહ સાથે સેનિયા રેબેંકીના

સેનિયા 'મેરા નામ જોકર'ના શૂટિંગ બાદ રશિયા જતાં રહ્યાં અને બેલે ડાન્સિંગમાં પોતાની કારકિર્દી ચાલુ રાખી, પરંતુ તેઓ રાજ કપૂર અને તેમના પરિવારના સંપર્કમાં પણ રહ્યાં.

તેઓ જણાવે છે કે જ્યારે તેઓ ભારત આવતા ત્યારે રાજ કપૂરના પરિવારને ચોક્કસ મળતાં. તેઓ કપૂર પરિવારની મેજબાનીના પણ ખૂબ વખાણ કરે છે.

સેનિયા રેબેંકીના

ઇમેજ સ્રોત, Kseniya Ryabinkina

ઇમેજ કૅપ્શન, સેનિયા હવે 74 વર્ષનાં થઈ ચૂક્યાં છે અને તેઓ મૉસ્કોમાં રહે છે

વર્ષ 1988માં જ્યારે તેમને રાજ કપૂરના નિધનના સમાચાર મળ્યા તો તેમને ખૂબ મોટો ધક્કો લાગ્યો.

સેનિયા જણાવે છે કે રાજ કપૂરના મૃત્યુ બાદ પણ તેઓ ઘણા ફિલ્મ સમારોહમાં ભાગ લેવા જ્યારે ભારત આવતાં, તો રાજ કપૂરના દીકરા રણધીર, ઋષિ અને રાજીવ કપૂર સાથે તેમની મુલાકાત થતી.

'મેરા નામ જોકર'નાં 39 વર્ષો બાદ 2009માં તેમના દીકરા ઋષિ કપૂરની ફિલ્મ 'ચિંટૂ જી'માં સેનિયા રેબેંકીનાએ એક નાની ભૂમિકા ભજવી હતી.

line

'ધર્મેન્દ્ર ખૂબ હેન્ડસમ'

ધર્મેન્દ્ર અને સેનિયા રેબેંકીના

ઇમેજ સ્રોત, Kseniya Ryabinkina

ઇમેજ કૅપ્શન, ધર્મેન્દ્ર અને સેનિયા રેબેંકીના

'મેરા નામ જોકર'માં ધર્મેન્દ્ર પણ મહત્ત્વની ભૂમિકામાં હતા.

સેનિયા રેબેંકીના કહે છે, "ધર્મેન્દ્ર ખૂબ જ હેન્ડસમ હીરો હતા. હું તેમની સ્માર્ટનેસની ચાહક છું."

તેમના સિવાય તેઓ કોઈ ભારતીય કલાકાર વિશે જાણે છે? આ પૂછવા પર સેનિયાએ જણાવ્યું કે તેઓ ફિલ્મકાર સત્યજીત રેને ઓળખે છે અને તેમની કેટલીક ફિલ્મો જોઈ છે. તેઓ સત્યજીત રેને મળી પણ ચૂક્યાં છે.

આ સિવાય તેઓ અમિતાભ બચ્ચનને પણ ઓળખે છે. આ સિવાય તેઓ બીજા કોઈ ભારતીય કલાકારને ઓળખતાં નથી.

અંતે મેં પૂછ્યું કે રાજ કપૂર માટે શું તેઓ કોઈ ગીત ગાવા માગશે?

સેનિયાએ થોડી હિચકિચાટ સાથે ગીત ગાયુ, "જીના યહાં, મરના યહાં... ઇસકે સિવા જાના કહાં..."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો