CAA : સીલમપુર હોય જામિયા હોય કે જેએનયુ, પોલીસને તકલીફ શું પડે છે?

પોલીસદળ

ઇમેજ સ્રોત, Reuters

    • લેેખક, સંદીપ સોની
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર પોલીસે બળપ્રયોગ કર્યો હોવાના આરોપ લાગ્યા છે.

અગાઉ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ધરણાં-પ્રદર્શન દરમિયાન પોલીસે માર માર્યો હોવાના આરોપ પણ લાગ્યા હતા.

વાત ફક્ત દિલ્હી પોલીસની જ નથી, ગુજરાત પોલીસ પણ આવો આરોપ અનેકવાર લાગી ચૂક્યો છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે અને તાજેતરમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શનમાં પોલીસની કામગીરીની લોકોએ ટીકા કરી હતી.

તાજેતરમાં રાજધાની દિલ્હીની પોલીસ વકીલો સાથે થયેલા હિંસક ઘર્ષણને કારણે પણ સમાચારોમાં આવી હતી. ત્યારે પોલીસકર્મીઓએ પોલીસ મુખ્યાલય બહાર આ ઘટનાના વિરોધમાં પ્રદર્શન પણ કર્યું હતું.

આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ દિલ્હી પોલીસ પર વ્યંગ કર્યો હતો કે દિલ્હી પોલીસ વકીલોનો માર ખાય છે, પરંતુ જેએનયુના વિદ્યાર્થીઓ પર લાઠી વરસાવવામાં કોઈ કસર છોડતી નથી.

આ તમામ ઘટનાઓ પોલીસની કાર્યપ્રણાલિ, પ્રશિક્ષણ અને તેની સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ પર સવાલ ઊભા કરે છે.

આ સવાલોમાં પોલીસની જવાબદારી અને તેની કાર્યપ્રણાલિ પર કથિત રાજકીય પ્રભાવ પણ સામેલ છે.

આ મામલે અમે ભારતીય પોલીસસેવાના બે વરિષ્ઠ અધિકારી- ઉત્તર પ્રદેશના પૂર્વ પોલીસ મહાનિદેશક પ્રકાશ સિંહ અને અરુણાચલ પ્રદેશના પૂર્વ પોલીસ મહાનિદેશક આમોદ કંઠ સાથે વાત કરી.

line

પ્રકાશ સિંહનો પ્રતિભાવ

વિરોધ કરતાં લોકો

ઇમેજ સ્રોત, Reuters

પોલીસમાં ઘણા સુધારાની જરૂર છે. જનશક્તિની કમીને કારણે પોલીસબળ સામે ઘણા પડકારો અને જવાબદારીઓ છે. કાયદો-વ્યવસ્થા અને તપાસ-સમીક્ષાનું કામ અલગઅલગ કરવું પડશે.

પોલીસને રાજકીય પ્રભાવથી મુક્ત કરવાની જરૂર છે. પોલીસની જવાબદારી નક્કી કરવા માટે પોલીસ-ફરિયાદ પ્રાધિકરણ બનાવવું પડશે.

સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યમાં સિક્યૉરિટી કમિશન બનાવવાના દિશાનિર્દેશ આપ્યા છે. તેમાં લોકોના પ્રતિનિધિ, માનવાધિકાર કાર્યકર, ન્યાયિક વ્યવસ્થા સાથે જોડાયેલા લોકો સાથે સરકારના પ્રતિનિધિઓને સામેલ કરવાની વાત કરાઈ છે. પરંતુ આ દિશામાં કોઈ ઠોસ કામ થયું નથી.

પોલીસદળ

ઇમેજ સ્રોત, AFP GETTY

પોલીસને ટ્રેનિંગની જરૂર છે. કેટલાંક રાજ્યો સિવાય મોટાં ભાગનાં રાજ્યોમાં પોલીસની ટ્રેનિંગ જૂની ઢબે થાય છે.

ટ્રેનિંગ સેન્ટરોમાં મોટા ભાગે એવા અધિકારીઓને મોકલાય છે જેમને સરકાર પસંદ નથી કરતી અને તેઓ નિરાશા સાથે ટ્રેનિંગ આપે છે.

આવા અધિકારીઓ નવી પેઢીના પોલીસકર્મીઓના રોલ-મૉડલ બની શકતા નથી.

વર્તમાન ઘટનાઓની તસવીર ખરાબ ટ્રેનિંગનું પ્રતિબિંબ છે. પોલીસનું કામ ગમે એટલું તર્કસંગત અને ન્યાયસંગત હોય તો પણ વકીલો સામે તેઓને પાછા પાની કરવી પડે છે.

વકીલો નેતાઓ અને ન્યાયપાલિકા બંનેને પ્રભાવિત કરે છે, પોલીસ વચ્ચે પીસાઈ જાય છે.

લોકોને માર મારતા પોલીસકર્મી

ઇમેજ સ્રોત, Reuters

વિદ્યાર્થીઓ પર પોલીસ-કાર્યવાહીનો જે વીડિયો સામે આવ્યો છે, એ પણ પોલીસની અપૂરતી ટ્રેનિંગનું પરિણામ છે. પોલીસની કાર્યપ્રણાલિ કોઈ જાદુઈ છડીથી તાત્કાલિક સુધારી શકાતી નથી.

સંસાધનોની કમી, જનશક્તિની કમી- તમામ મુશ્કેલીઓ હોવા છતાં પોલીસ સારી ટ્રેનિંગ સાથે પૂરી ઇમાનદારીથી કામ કરે તો લોકોને પણ ધીમેધીમે પોલીસની મુશ્કેલી સમજાશે.

લોકો પોલીસથી એટલી પણ અસંતુષ્ટ નથી, જેટલી મીડિયામાં કેટલીક ઘટનાઓના સંદર્ભમાં દર્શાવાય છે.

line

આમોદ કંઠનો પ્રતિભાવ

પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ

ઇમેજ સ્રોત, Reuters

ટોળાં પર કાબૂ અને હિંસક પ્રદર્શનોને થાળે પાડવામાં દિલ્હી પોલીસ ઘણી વાર નિષ્ફળ રહી છે. વર્ષ 1984નાં રમખાણો અને બાદની ઘટનાઓ તેના પુરાવા છે.

જોકે દિલ્હી પોલીસની ટ્રેનિંગ યોગ્ય છે અને તેને આ રીતની ઘટનાઓને થાળે પાડવાનો મોકો મળે છે.

હિંસક પ્રદર્શનોને થાળે પાડવા માટે યોગ્ય તૈયારી, સાચી રણનીતિ બનાવવી અને લોકો સાથે સંબંધ બનાવવા માટે સુધારાની જરૂર છે.

વર્તમાન સ્થિતિની વાત કરીએ તો મુદ્દો રાજકીય છે, જેને ઊભો કરાયો છે. લોકોમાં ભાવનાઓ પેદા થઈ રહી છે. પ્રદર્શનો હિંસક થઈ રહ્યાં છે. આવા સમયે પોલીસ પાસે વધુ વિકલ્પ ન હોઈ શકે.

પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ

ઇમેજ સ્રોત, AFP GETTY

પોલીસ કોઈને માર મારે છે કે ડંડાથી મારે છે અને એ તસવીર કે વીડિયો વાઇરલ થઈ જાય તો આપણે એ પણ જોવાની જરૂર છે કે એ તસવીર કે વીડિયો આસપાસ શું હાલત છે, તસવીરનો એ હિસ્સો બહાર નથી આવતો.

પોલીસ જે સ્થિતિમાં, જે તણાવમાંથી પસાર થાય છે એ આપણને નજરે ચડતું નથી.

તસવીર અને વીડિયોમાં એ જ સામે આવે છે જેમાં માનવીય પાસું દેખાતું હોય, પરંતુ જ્યારે તપાસ પૂરી થાય ત્યારે સાચી તસવીર વિશે ખ્યાલ આવે છે.

પોલીસદળ

ઇમેજ સ્રોત, REUTERS

પોલીસની ટ્રેનિંગમાં સુધારાની જરૂરનો ઇન્કાર ન કરી શકાય. તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને ટ્રેનિંગની જરૂરિયાત હંમેશાં રહે છે.

ટોળાંને કાબૂમાં લેવું બહુ કઠિન હોય છે, ટોળાંનું એક અલગ મનોવૈજ્ઞાન હોય છે. તેમાં ફૉર્મ્યુલા ખાસ કારગત નીવડતી નથી.

પ્રકાશ સિંહ મામલે સુપ્રીમ કોર્ટે વર્ષ 2006માં પોતાના નિર્ણયમાં ઘણા સુધારાના દિશાનિર્દેશ આપ્યા હતા. સિક્યૉરિટી કમિશન સહિત અનેક મુદ્દાઓ સામેલ હતા.

ટિયરગેસ છોડતાં પોલીસકર્મી

ઇમેજ સ્રોત, Reuters

પોલીસદળમાં પ્રાથમિક સુધારાની વાત થઈ, પરંતુ મોટા ભાગે તેના પર કામ થયું નથી. પોલીસમાં સુધારો થયો નથી.

વર્ષ 1891નો પોલીસ ઍક્ટ જૂનો થઈ ગયો હતો. પણ પોલીસ આજે પણ એ આધારે કામ કરી રહી છે.

પોલીસને સ્વતંત્ર અને જવાબદાર બનાવવાની જરૂર છે. કાયદો-વ્યવસ્થા હોય કે તપાસ-સમીક્ષા- પોલીસને સ્વતંત્ર અને દરેક પ્રકારના દબાણથી મુક્ત કરવી પડશે.

પોલીસે કોઈ નેતાને નહીં પણ 'રૂલ ઑફ લૉ'ને અનુસરવું જોઈએ.

જે હાલતમાં પોલીસ કામ કરી રહી છે એ જોતાં તેમની અંદર અસંતોષ સ્વાભાવિક છે.

પોલીસકર્મીઓને પણ અન્ય લોકોની જેમ ઘર-પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો મળવો જોઈએ, જેથી તેઓ સામાન્ય જીવન જીવી શકે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો