દાદાસાહેબ ફાળકેએ જ્યારે કહ્યું 'ઝેર ખાવાના પૈસા પણ નથી'
- લેેખક, વંદના
- પદ, બીબીસી સંવાદદાતા
દાદાસાહેબ ફાળકેના નામ ઉપર ફિલ્મ કલાકારોને દેશનું સર્વશ્રેષ્ઠ સન્માન આપવામાં આવે છે.
એમણે 1913માં પ્રથમ ફીચર-ફિલ્મ રાજા હરીશચંદ્ર બનાવી હતી અને એ રીતે ભારતીય સિનેમાનો પાયો નાંખ્યો હતો.

ઇમેજ સ્રોત, Chandrakant Pusalkar
જોકે, આજની પેઢી માટે ધુંડિરાજ ગોવિંદ ફાળકે અથવા દાદાસાહેબની ઓળખ કદાચ દર વર્ષે આપવામાં આવતા પુરસ્કાર સુધી જ સીમિત થઈ ગઈ છે.
દાદાફાળકેના દોહિત્રી ઉષા પાટણકરે 2013માં બીબીસીને કહ્યું હતું કે "આ વાતનું તેમને ગૌરવ હતું પરંતુ મારા નાનાજીનું મૃત્યુ થયું તો ગૃહનગર નાસિકના બધા સિનેમા થિયેટરો ખુલ્લા રાખવામાં આવ્યા, કોઈએ શો પણ બંધ નહોતો રાખ્યો."
ઉષા પાટણકરે કહ્યું કે, "આવી કેવી દુનિયા છે કે આટલી જલદી ભૂલી ગઈ. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેમના બાળકોને ફિલ્મથી નફરત થઈ ગઈ હતી."
" મને લાગે છે કે મારા નાનાની કદર કરવામાં નહોતી આવી. તમને લાગે છે કે તેમને સન્માન મળ્યું?"

પૈસાની થપ્પીઓ બળદગાડામાં આવતી

ઇમેજ સ્રોત, Chandrakant Pusalkar
તેમના નાના દાદાસાહેબ ફાળકે કેવી રીતે સિનેમામાં સફળતાને શિખરે પહોંચ્યા હતા તેના કેટલાક કિસ્સાઓ સાંભળીને ઉષા પાટણકર મોટાં થયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉષા પાટણકર એમનાં નાની અને માતા પાસેથી આ કહાણીઓ ખૂબ રસ લઈને સાંભળતાં હતાં.
તેઓ કહે છે, "જ્યારે દાદાસાહેબની કારકિર્દી ખૂબ સરસ ચાલતી હતી એ સમય દાદાસાહેબનાં દીકરી એટલે કે મારાં માતાએ જોયો હતો."
"જાણે તેઓ રાજપરિવારના સભ્ય હોય એમ બાળપણમાં માતાનાં કપડાં પેરિસની પ્રખ્યાત લૉન્ડ્રીમાં ધોવાઈને આવતા. એટલી કમાણી હતી કે બળદગાડામાં ભરીને રૂપિયાની થપ્પીઓ ઘરે લાવવામાં આવતી. "

'ઝેર ખાવાનાય પૈસા નથી'

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ પછી સમય બદલાયો અને પરિવારની પરિસ્થિતિ એટલી કથળી ગઈ કે દાદાસાહેબ ફાળકેની મદદ કરવા માટે તેમના પત્નીએ ઘરેણાં વેચવાં પડ્યાં, ઘરનાં વાસણ એક-એક કરીને વેચવાની જરૂર પડી હતી.
દાદાસાહેબના પૌત્ર કિરણ ફાળકેએ કહ્યું, "દાદાસાહેબ ફાળકેના મૃત્યુ બાદ તેમના પુત્રની નાણાંકીય પરિસ્થિતિ બહુ દયનીય હતી."
"જેમ-તેમ કરીને તેમનું ગુજરાન ચાલતું હતું. એટલે દાદાસાહેબની વસ્તુઓને સંભાળીને રાખવા બાબતે તેમના પુત્ર કંઈ ખાસ પ્રયત્નો ન કરી શક્યા અને તેઓ સિનેમા વિશે વાત નહોતા કરતા."
"દાદાસાહેબની અમુક ફિલ્મ તો એટલી ખરાબ પરિસ્થિતિમાં હતી કે મારા પિતાએ મારી સામે તેમને સળગાવી દીધી."
ત્યાં ઉષા પાટણકરે ભૂતકાળમાં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "મેં એવો પત્ર વાંચ્યો હતો જે મારા દાદાજી એટલે કે દાદાસાહેબ ફાળકેએ પોતાના મોટા પુત્રને લખ્યો હતો."
"તેમાં તેમણે લખ્યું હતું કે બેટા થોડા પૈસા મોકલી આપજો, અમારી પાસે ઝેર ખાવાનાય પૈસા નથી."

પત્ની કરતાં ફિલ્મોનું એડિટિંગ

ઇમેજ સ્રોત, Chandrakant Pusalkar
કિરણ ફાળકેએ જણાવ્યું કે "દાદાસાહેબનાં પત્ની સરસ્વતીબાઈનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. તેઓ ફિલ્મનું સંપાદન કરતાં હતાં, દીવાના પ્રકાશમાં ફિલ્મ ધોવી, બધાં કલાકારો માટે રસોઈ બનાવવી, આ બધાં કામ તેઓ સંભાળી લેતાં."
"ફાળકેનાં મોટાં પુત્રી મંદાકિનીને પ્રથમ બાળ કલાકાર માનવામાં આવે છે જેમણે કાલિયા મર્દનમાં કામ કર્યું હતું."
સરસ્વતીબાઈએ પોતાના ઘરેણાં ગીરો મૂકીને પ્રથમ ફિલ્મ માટે નાણાંની વ્યવસ્થા કરી હતી.
તે વખતે મહિલાઓ ફિલ્મમાં કામ કરે તે બરાબર માનવામાં નહોતું આવતું.
ફાળકેને રાજા હરીશચંદ્ર માટે અભિનેત્રી નહોતી મળી રહી.

રેડલાઇટ એરિયામાં અભિનેત્રી શોધવા ગયા

ઇમેજ સ્રોત, Getty Images
ચંદ્રશેખર કહે છે, "દાદાસાહેબ મુંબઈના રેડ લાઇટ એરિયામાં ગયા. ત્યાં મહિલાઓએ તેમને પૂછ્યું કે કેટલાં પૈસા મળશે, તેમનો જવાબ સાંભળીને તે મહિલાઓએ કહ્યું કે આટલા તો અમને એક રાતમાં જ મળી જાય છે."
"એક દિવસે તેઓ હોટલમાં ચા પી રહ્યા હતા ત્યારે એક ગોરા છોકરાને જોઈને તેમને વિચાર આવ્યો કે આને જ ફિલ્મમાં છોકરીનો રોલ આપી દઊં."
"એ છોકરાનું નામ સાલુંકે હતું. પછી તેણે તારામતીની ભૂમિકા ભજવી હતી.''
દાદાસાહેબની પ્રથમ ફિલ્મ બનાવવા પાછળના સંઘર્ષ પર આધારિત એક મરાઠી ફિલ્મ 'હરીશચંદ્રાચી ફૅક્ટ્રી' બનાવવામાં આવી હતી જેને ભારત તરફથી ઑસ્કાર માટે નામાંકિત કરવામાં આવી હતી.
ફિલ્મના નિર્દેશક પરેશ મોકાશીએ દાદાસાહેબ ફાળકે ઉપર ઘણો અભ્યાસ કર્યો હતો.
તેઓ કહે છે, "ફાળકેજી વિચિત્ર મિશ્રણવાળા વ્યક્તિ હતા. આ એક વ્યક્તિની અંદર બહુ મોટો શાસ્ત્રી છુપાયેલો છે, કલાકાર પણ છે પરંતુ તેઓ બહુ એસેન્ટ્રિક પણ હતા."
"તેઓ જાણતા હતા કે જો ફિલ્મોને ઉદ્યોગનો દરજ્જો મળે તો આ કેટલું ક્રાન્તિકારી પગલું હશે."

પરિવાર વિખરાઈ ગયો

ઇમેજ સ્રોત, Chandrakant Pusalkar
સામાન્ય રીતે લોકો જાણીતા લોકોનું મહિમામંડન કરે છે. તેમનાંમાં કોઈ કમી કે કોઈ ખોટ હોય જ નહીં એમ ઇમેજ બનાવે છે.
ઉષા પાટણકર સ્પષ્ટપણે કહે છે ફાળકેનાં પુત્ર-પુત્રીઓએ દાદા સાહેબનું મોટાપણું તો જોયું જ છે પરંતુ તેમી ખામીઓ પણ જોઈ છે.
ઉષા કહે છે, "જે મોટી હસ્તીઓ હોય છે, તેમના બાળકો સાથે ઘણી વખત આવું થતું હોય છે. પરિવાર તરફ દાદાસાહેબ બહુ ધ્યાન આપી શકતા નહોતા."
"સિનેમા જ બધું હતું. મારા સૌથી નાના મામા તો ભણ્યા પણ નહોતા. આર્થિક પરિસ્થિતિ કથળી ગઈ હતી."
"આ જ કારણ છે કે ફિલ્મો પ્રત્યે ફાળકે પરિવારના કોઈ પણ સભ્યની કોઈ રુચિ નહોતી જાગી. "
ઉષા કહે છે, "દાદાસાહેબના બાળકો તો એવું પણ કહેતા કે તેમને ફિલ્મોથી નફરત છે કારણકે તેમને લાગતું હતું કે ફિલ્મોને કારણે તેમની જિંદગી સુધરી ન શકી."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
દાદાસાહેબ ફાળકેએ 1944માં ફરી ફિલ્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ તેમને પરવાનગી નહોતી મળી અને તેમને આ અંગેનો પત્ર મળ્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું.
તેમના દોહિત્ર ચંદ્રશેખર પુસાલકરે બીબીસીને કહ્યું હતું, '' અંતિમ વર્ષોમાં દાદાસાહેબ અલ્ઝાઇમર્સથી પીડાતા હતા. પરંતુ તેમના પુત્ર પ્રભાકરે તેમને કહ્યું કે ચાલો નવી ટેકનિકથી નવી ફિલ્મ બનાવીએ. ''
''તે વખતે બ્રિટિશ રાજ હતું અને ફિલ્મ બનાવવા માટે લાઇસન્સ લવું પડતું હતું. જાન્યુઆરી 1944માં દાદાસાહેબ ફાળકેએ લાઇસન્સ માટે પત્ર લખ્યો હતો.''
''14 ફેબ્રુઆરી 1946ને દિવસે જવાબ આવ્યો કે તેમને ફિલ્મ બનાવવાની પરવાનગી નહીં આપી શકાય. તેમને એવો આઘાત લાગ્યો કે બે દિવસની અંદર તેમણે છેલ્લો શ્વાસ લીધો. ''
દાદાસાહેબ ફાળકેએ લંકાદહન, મોહિની ભસ્માસુર જેવી પૌરાણિક ફિલ્મો બનાવી હતી.
કહેવાય છે કે તેમણે ટેકનિકની મર્યાદાઓ હોવા છતાં તેમણે કેટલાય પ્રયોગો કર્યા અને ભારતીય સિનેમાને એક આધાર આપ્યો.
પરંતુ ફિલ્મોમાં જેમ-જેમ ધ્વનિ અને મોટા નાણાંનું ચલણ વધ્યું, દાદાસાહેબનો ભપકો ઘટતો ગયો.

વિરાસત વિસરાઈ

દાદાસાહેબ ફાળકેના પૌત્ર કિરણ કહે છે, "નાસિકમાં દાદાસાહેબના બંગલાને સંઘરી લેવા માટે કોઈ ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા નહોતા."
"તે બંગલો બહુ જર્જર હાલતમાં હતો અને પછી તેને પાડીને નવી ઇમારત ઊભી કરવામાં આવી હતી."
"જોકે બંગલામાંથી ઘણી મૂલ્યવાન વસ્તુઓ મળી આવી હતી."
દાદાસાહેબ ફાળકેના પરિવારજનોની બસ એટલી ઇચ્છી હતી કે તેમને ભારત રત્ન સન્માન આપવામાં આવે.
તેમણે પોતાના જીવનમાં 90થી વધુ ફીચર-ફિલ્મો બનાવી હતી. આજે દુનિયામાં ભારતીય સિનેમાની એક ખાસ ઓળખ છે પરંતુ પાયો સદી પહેલાં દાદાસાહેબ ફાળકેએ મૂક્યો હતો.
2015માં મુંબઈની એક સરકારી ઇમારત પર દાદાસાહેબનું ચિત્ર બનાવવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ અમિતાભ બચ્ચને કર્યું હતું.
(આ લેખ સૌપ્રથમ 6 મે 2013ના રોજ પ્રકાશિત થયો હતો)


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












