આલિયા ભટ્ટ - રણબીર કપૂરની લવસ્ટોરી સંજય લીલા ભણસાલીના સેટથી લગ્ન સુધી કેવી રીતે પહોંચી?
- લેેખક, મધુ પાલ
- પદ, બીબીસી સંવાદદાતા
અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂરની લવસ્ટોરી ચર્ચામાં છે. ભટ્ટ પરિવાર અનુસાર, બંને લગ્ન કરવાનાં છે. લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે.

ઇમેજ સ્રોત, Getty Images
એમની પ્રેમકથાની વાત કરીએ તો આલિયા ભટ્ટે પોતાની પહેલી ફિલ્મની રિલીઝ પહેલાં જ રણબીર કપૂર માટેના પોતાના પ્રેમને લગભગ જાહેર કરી દીધો હતો. એ વર્ષ હતું 2012 ત્યારે આલિયાની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર' આવી હતી.
ઘણા સમયથી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં લગ્નની ચર્ચાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયામાં બંનેની સાથે તસવીર આવતાં જ લોકો એમનાં લગ્નની તારીખ પૂછવા લાગે છે.
હવે લગ્નની તારીખ સાંભળવા મળી છે. આલિયા ભટ્ટના કાકા રૉબિન ભટ્ટે બીબીસી સમક્ષ એની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે, "આલિયા અને રણબીરનું લગ્ન 14 એપ્રિલે થશે. લગ્નનું રિસેપ્શન પાંચ દિવસ એટલે કે 17થી 18 એપ્રિલ સુધીનું હશે. લગ્નની વિધિ આર.કે. હાઉસમાં થવાની છે."
આલિયા અને રણબીર મુંબઈના આર.કે. હાઉસમાં લગ્ન કરશે. લગ્ન સમારંભમાં કપૂર અને ભટ્ટ પરિવારની સાથે એમના નજીકના મિત્રો પણ સામેલ થશે. આલિયા લગ્ન પહેલાં પોતાના અંગત મિત્રો સાથે એક બૅચલૉરેટ પાર્ટી પણ રાખવાનાં છે.

નીતુ કપૂરને ખૂબ ગમે છે આલિયા

ઇમેજ સ્રોત, Getty Images
આલિયા ભટ્ટ હવે કપૂર પરિવારનાં સભ્ય બનવા જઈ રહ્યાં છે. આ પહેલાં તેઓ કપૂર પરિવારની સાથે ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે.
આલિયાએ પોતાની પહેલી ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર'માં અભિનેતા ઋષિ કપૂરની સાથે કામ કર્યું હતું. ત્યાર બાદ આલિયાએ ઋષિ કપૂરની સાથે 'કપૂર ઍન્ડ સન્સ' ફિલ્મમાં પણ અભિનય કર્યો.
ઋષિ કપૂર ઘણી વાર આલિયા ભટ્ટની ઍક્ટિંગનાં વખાણ કરતા જોવા મળ્યા. એમણે ઘણી વાર એમ કહ્યું કે આલિયા આજનાં યુવા કલાકારોમાં સૌથી વધારે પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઋષિ કપૂરની જેમ રણબીર કપૂરનાં માતા અને અભિનેત્રી નીતુ કપૂર સાથે પણ આલિયાના ખાસ સંબંધ રહ્યા છે.
આલિયાનાં વખાણ કરતાં નીતુ કપૂરે કહ્યું, "હું આલિયાને ખૂબ પ્રેમ કરું છું. આલિયા ખૂબ સારી વ્યક્તિ છે અને ખૂબ પ્રેમાળ છે. તેઓ બંને એક સારી જોડી બની શકે છે અને હવે હું પણ લગ્નની રાહ જોઈ રહી છું."

આલિયાએ 'કૉફી વિથ કરણ'માં શું કહેલું?

ઇમેજ સ્રોત, Getty Images
આલિયા ભટ્ટે રણબીર કપૂર તરફના પોતાના ઝુકાવના સંકેત 'કૉફી વિથ કરણ' શોમાં આપ્યા હતા.
જ્યારે તેઓ પહેલી વાર પોતાની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર'ના પ્રમોશન માટે શોમાં ગયાં હતાં, શોના નિર્દેશક અને નિર્માતા કરણ જોહરે એમને પૂછેલું કે, "પોતાનાં લગ્નના સ્વયંવરમાં તમે કયા ત્રણ અભિનેતાને જોવા માગો છો."
આ બાબતે આલિયાએ સૌથી પહેલું નામ રણબીર કપૂરનું કહ્યું હતું. એના પછી સલમાન ખાન અને આદિત્યરૉય કપૂરનું હતું.
પછી કરણ જોહરે બીજા બે સવાલ કર્યા, જેના જવાબમાં પણ આલિયાએ રણબીર કપૂરનું જ નામ લીધું હતું. એ સવાલ હતા કે, આલિયા 'સ્ટીમી સીન' એટલે કે 'કામોત્તેજક સીન' કોની સાથે કરવા ઇચ્છશે અને લગ્ન કોની સાથે કરવા ઇચ્છશે. એમણે ત્યારે કહેલી વાત હવે હકીકત બનવા જઈ રહી છે.

આલિયા અને રણબીરની પહેલી મુલાકાત

ઇમેજ સ્રોત, Facebook
એ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે આલિયા ભટ્ટની લવ સ્ટોરીની શરૂઆત સંજય લીલા ભણસાલીના સેટ પર થઈ હતી. આલિયા ભટ્ટે એક ઇન્ટરવ્યૂમાં જણાવેલું કે એમણે ઈ.સ. 2005માં પહેલી વાર રણબીર કપૂરને જોયા હતા અને 'ત્યારે મને પહેલી વાર રણબીર માટે ક્રશ થયો હતો.'
એમણે જણાવેલું કે, "જ્યારે હું સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બ્લૅક' માટે ઑડિશન આપતી હતી ત્યારે રણબીર ત્યાં એક આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. અહીં એમને જોતાં જ હું દિલ હારી બેઠી હતી."

ક્યારે દેખાયાં સાથે?
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના અફૅરની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે આ બંનેએ નિર્દેશક અયાન મુખરજીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' સાઇન કરી.
શરૂઆતમાં લોકોને લાગ્યું કે એ વાત ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના પ્રમોશનનો ભાગ છે પરંતુ ધીરે-ધીરે એવી ગૉસિપ પણ શરૂ થઈ ગઈ કે 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગના સમયે તેઓ એકબીજા સાથે ડેટ કરતાં હતાં.
અફૅરની ખબરો ત્યારે ચકરાવે ચઢી જ્યારે આલિયા અને રણબીર સોનમ કપૂરનાં લગ્નના રિસેપ્શનમાં પહેલી વાર એકસાથે એકબીજાનો હાથ પકડીને પહોંચ્યાં. ત્યાર પછી ઘણાં અવૉર્ડ ફંક્શનમાં પણ બંને એકસાથે જોવા મળ્યાં.

કપૂર પરિવારની સાથે દેખાવા લાગ્યાં હતાં આલિયા

ઇમેજ સ્રોત, FACEBOOK
રણબીર કપૂર બોલીવૂડના એવા હીરોમાંના એક છે જેમનું નામ ઘણી અભિનેત્રીઓ જેમ કે દીપિકા પાદુકોણ, કટરિના કૈફ અને સોનમ કપૂરની સાથે જોડાઈ ચૂક્યું છે. પરંતુ એવું પહેલી વાર બન્યું કે રણબીર કપૂરના પારિવારિક સમારંભમાં એમની પ્રેમિકા અને પરિવાર એકસાથે સામેલ હોય.
આલિયા ભટ્ટ પોતાના પિતા મહેશ ભટ્ટ અને માતા સોની રાજદાનની સાથે કપૂર પરિવારના ઘણા પારિવારિક કાર્યક્રમો ઉપરાંત લંચ અને ડિનરમાં જોવા મળ્યાં. એટલું જ નહીં શશિ કપૂર અને ઋષિ કપૂરના અવસાન સમયે પણ આલિયા ભટ્ટે કપૂર પરિવારના દુઃખમાં ભાગ લીધો હતો.
રણબીર અને આલિયા ઘણી ટીવી જાહેરખબરોમાં પણ સાથે આવ્યાં છે. હવે લગ્ન પછી બંને 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં સાથે જોવા મળશે.
આ ફિલ્મનું શૂટિંગ ઘણા લાંબા સમય સુધી ચાલ્યું હતું. કોરોનાના લીધે ફિલ્મ બનવામાં ઘણો સમય થયો. આ ફિલ્મમાં રણબીર અને આલિયા ઉપરાંત અભિનેતા અમિતાભ બચ્ચન પણ જોવા મળવાના છે, જેનું નિર્દેશન અયાન મુખરજી કરી રહ્યા છે.
આ ફિલ્મ ત્રણ ભાગમાં રજૂ થશે અને એનો પહેલો ભાગ 9 સપ્ટેમ્બર, 2022એ રિલીઝ થશે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












