લતા મંગેશકર : બહેન આશા ભોસલે સાથે તીવ્ર હરીફાઈ વચ્ચે પ્રેમાળ સંબંધોની કહાણી

લતા મંગેશકર અને આશા ભોસલેએ પોતપોતાની આગવી ઓળખ બનાવી, સાથે ગીતો ગાયાં તેમ છતાં તેમની વચ્ચેની સ્પર્ધાનો મુદ્દો કોઈને કોઈ રીતે ચર્ચાતો જ રહ્યો.

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, લતા મંગેશકર અને આશા ભોસલેએ પોતપોતાની આગવી ઓળખ બનાવી, સાથે ગીતો ગાયાં તેમ છતાં તેમની વચ્ચેની સ્પર્ધાનો મુદ્દો કોઈનેકોઈ રીતે ચર્ચાતો જ રહ્યો.
    • લેેખક, અમૃતા કદમ
    • પદ, બીબીસી મરાઠી

"સાંગલીમાં અમારા ઘરની પાસે એક શાળા હતી. તેમાં મારું નામ લખાવવામાં આવ્યું હતું. તે એ સમયે પ્રાથમિક શાળા કહેવાતી. હું પહેલા દિવસે સ્કૂલે ગઈ. બોર્ડ પર શ્રી ગણેશાય નમઃ લખેલું હતું. મેં પણ તે લખી દેખાડ્યું. શિક્ષકે કહ્યું, તને દસમાંથી અગિયાર માર્ક્સ. મને બહુ આનંદ થયો. હું ઘરે ગઈ અને મારી માતાને એ વાત કહી.

બીજા દિવસે હું દસ મહિનાની વયની આશાને કાખમાં લઈને શાળાએ ગઈ હતી. શિક્ષકે કહ્યું, આ નહીં ચાલે... નાનાં બાળકોને લઈને શાળામાં આવવાનું નહીં. હું ગુસ્સે થઈ ગઈ અને આશાને તેડીને ઘરે પાછી ફરી. શિક્ષક મારા પર બરાડ્યા હતા એટલે હું ફરી સ્કૂલે જઈશ જ નહીં એવું પણ કહી દીધું. ખરેખર તો તે ગાંડપણ હતું, પરંતુ એ પછી હું ક્યારેય શાળાએ ગઈ જ નહીં."

પોતે ક્યારેય સ્કૂલમાં અભ્યાસ કર્યો જ નથી એ જણાવતાં લતા મંગેશકરે એક મુલાકાતમાં ઉપરોક્ત કિસ્સો કહ્યો હતો.

મારા કારણે તેણે શાળા છોડવી પડી હતી, એવું કહીને આશા ભોસલેએ તે સ્મૃતિને એક વીડિયોમાં સંભારી હતી.

મારી જે દીદીએ શાળામાં ક્યારેય અભ્યાસ જ કર્યો ન હતો, તેનું બાદમાં ડૉક્ટરેટની છ-છ માનદ પદવીઓ વડે સન્માન કરવામાં આવ્યું હતું, એવું પણ આશા ભોસલેએ જણાવ્યું હતું.

પોતાની દીદી સાથે શાળાએ ગયેલાં આશા ભોસલેએ સમય જતાં મોટી બહેનના પગલે ચાલીને સિનેસૃષ્ટિમાં પ્રવેશ કર્યો હતો.

પોતાની આવડત વડે અતિશય મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રતિષ્ઠા મેળવનાર મંગેશકર કુટુંબની આ બન્ને બહેનોના અંગત જીવન અને કારકિર્દીનો પ્રવાસ કેવો રહ્યો છે તે જાણવાનો પ્રયાસ આ લેખ મારફતે કરવામાં આવ્યો છે.

(આજે લતા મંગેશકરની બીજી પુણ્યતિથિ છે. આ લેખ સૌપ્રથમ સાત ફેબ્રુઆરી 2022ના દિવસે પ્રકાશિત થયો હતો)

line

નાની વયે કારકિર્દીની શરૂઆત

વિખ્યાત દિગ્દર્શિકા સઈ પરાંજપેની ‘સાઝ’ ફિલ્મ વખતે પણ આવી ચર્ચા શરૂ થઈ હતી. એ ફિલ્મ ગાયિકા બહેનોના જીવન પર આધારિત હતી.

ઇમેજ સ્રોત, LATA CALENDAR

ઇમેજ કૅપ્શન, વિખ્યાત દિગ્દર્શિકા સઈ પરાંજપેની ‘સાઝ’ ફિલ્મ વખતે પણ આવી ચર્ચા શરૂ થઈ હતી. એ ફિલ્મ ગાયિકા બહેનોના જીવન પર આધારિત હતી.

લતા મંગેશકરે આયુષ્યના તેરમા વર્ષે 1942માં 'કિતી હસાલ' ફિલ્મમાં 'નાચુ યા ગડે' ગીત ગાયું હતું.

લતાદીદીના જણાવ્યા મુજબ, આશા ભોસલેની કારકિર્દીની શરૂઆત પણ નાની વયે જ થઈ હતી. આશાજીએ 1943માં 'માઝા બાળ' નામની ફિલ્મમાં પાર્શ્વગાયન કર્યું હતું.

'ચુનરિયા' નામની ફિલ્મમાં 'સાવન આયા' ગીત ગાઈને આશાજીએ હિન્દી ફિલ્મસૃષ્ટિમાં પદાર્પણ કર્યું હતું. હિન્દી ફિલ્મમાં તેમનું પહેલું સોલો ગીત 1949માં પ્રદર્શિત થયેલી 'રાત કી રાની' માટે રેકૉર્ડ થયું હતું.

આશા ભોસલેએ પાર્શ્વગાયન શરૂ કર્યું ત્યારે ગીતા દત્ત, શમશાદ બેગમ અને લતા મંગેશકરનો દબદબો હતો. આવી દિગ્ગજ ગાયિકાઓ વચ્ચે પોતાનું સ્થાન બનાવવું એ આશા ભોસલે માટે મોટો પડકાર હતું.

આશા ભોસલેને કારકિર્દીની શરૂઆતમાં મોટા બેનર્સ કે નામાંકિત સંગીતકારો સાથે કામ કરવાની તક મળી ન હતી.

સંગીતકાર ઓ. પી. નૈયરે 1956માં 'સીઆઈડી' ફિલ્મ માટે પાર્શ્વગાયનની તક આશા ભોસલેને આપી હતી. એ પછી આશાજીનો યશસ્વી પ્રવાસ શરૂ થયો હતો.

1957માં પ્રદર્શિત થયેલી 'નયા દૌર' ફિલ્મમાંના 'માંગ કે સાથ તુમ્હારા' અને 'ઉડે જબ-જબ ઝૂલ્ફેં તેરી' ગીતો હિટ સાબિત થયાં હતાં. એ પછીના વર્ષે આવેલી 'હાવડા બ્રિજ' ફિલ્મના 'આઈયે મહેરબાં' સુપરહિટ સાબિત થયું હતું.

line

લતાદીદી – આશાજીનો સમાંતર પ્રવાસ

એકંદરે લોકોએ આ બન્ને બહેનોના જીવનને પોતપોતાના ચશ્મામાંથી નિહાળ્યું અને તેનો અર્થ તારવવાનો પ્રયાસ કર્યો.

ઇમેજ સ્રોત, BRHMANAND SINGH

ઇમેજ કૅપ્શન, એકંદરે લોકોએ આ બન્ને બહેનોના જીવનને પોતપોતાનાં ચશ્માંમાંથી નિહાળ્યું અને તેનો અર્થ તારવવાનો પ્રયાસ કર્યો.

હિન્દી ફિલ્મસૃષ્ટિમાં જે સમયે લતા મંગેશકર અત્યંત પ્રતિષ્ઠાપાત્ર બની ગયાં હતાં ત્યારે આશા ભોસલે પણ પોતાની આગવી શૈલી વિકસાવવાનો પ્રયાસ કરતાં હતાં. બે બહેનો એક જ ક્ષેત્રમાં હતી. તેથી તેમની તુલના પણ થતી હતી.

લતાદીદી અને આશા ભોસલે વચ્ચે સ્પર્ધા છે એવી ચર્ચા પણ થતી. ત્યારથી માંડીને અત્યાર સુધી લોકોમાં આ મુદ્દો હંમેશાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.

વરિષ્ઠ પત્રકાર દિલીપ ઠાકુર કહે છે, "બન્નેએ 'મેરે મહેબૂબ મેં ક્યા નહીં, ક્યા નહીં' અને 'મન ક્યું બહેકા રે બહેકા' જેવાં ગીતો સાથે ગાયાં છે. આશા ભોસલેએ પાર્શ્વગાયનની શરૂઆત કરી ત્યારે લતાદીદી પોતાનું સ્થાન બનાવી ચૂક્યાં હતાં. એ સિવાય બન્નેનું આગવું વ્યક્તિત્વ અને એ મુજબની શૈલી હતી. બન્નેએ બધાં પ્રકારનાં ગીતો ગાયાં છે."

દિલીપ ઠાકુર ઉમેરે છે, "આશા ભોસલેએ શરૂઆતમાં કેબ્રે તેમજ સહનાયિકા માટે પાર્શ્વગાયન કર્યું હતું. આશાજીએ તરત જ લગ્ન કર્યાં હતાં. તેમના પર પરિવારની જવાબદારી પણ હતી. કદાચ તેથી જ તેમણે શરૂઆતમાં જે ગીતો મળ્યાં તે ગાયાં હશે, પણ બાદમાં પોતાનો દબદબો બનાવ્યો એ વધારે મહત્વની વાત છે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

બન્નેની શૈલી અલગ-અલગ હોવાથી સમાન સમયગાળામાં કામ કરવા છતાં બન્ને વૈવિધ્યસભર ગીતો ગાતા રહ્યાં, એમ જણાવતાં બીબીસીના ભારતીય ભાષાઓના ટેલિવિઝન વિભાગનાં એડિટર વંદના એક ઉદાહરણ આપે છે.

વંદનાના જણાવ્યા મુજબ, 1971માં પ્રદર્શિત થયેલા 'કટી પતંગ' ફિલ્મમાં રાહુલ દેવ બર્મને સંગીત આપ્યું હતું. એ ફિલ્મનાં ગીતો અવિસ્મરણીય છે. એ ફિલ્મમાં લતા મંગેશકરે 'ના કોઈ ઉમંગ હે' ગીત ગાયું હતું, જ્યારે આશા ભોસલેએ 'મેરા નામ હૈ શબનમ' જેવું ક્લબસોંગ ગાયું હતું. બન્ને ગીતોનો મિજાજ વેગળો હતો.

વંદનાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં લતા મંગેશકરે કહ્યું હતું કે "હું તે કરી શકી હોત, પણ 'મેરા નામ હૈ શબનમ' ગાઈ શકી ન હોત. તે આશાના સ્વરમાં જ શોભે."

પોતાની આગવી ઓળખ બનાવવા છતાં બન્ને બહેનોએ તુલના, પ્રતિસ્પર્ધા અને વ્યક્તિગત જીવનમાં ચડ-ઊતર સંબંધી સવાલોના સામનો આજીવન કરતા રહેવું પડ્યું છે.

line

'મારું ગીત મારા જેવું હોવું જોઈએ'

આશા ભોંસલે અને લતા મંગેશકર

ઇમેજ સ્રોત, Getty Images

તમારે લતા મંગેશકર સાથે ક્યારેય સ્પર્ધા હતી કે કેમ, એવો સવાલ બીબીસીએ આશા ભોસલેને 2015માં એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.

તેના જવાબમાં આશા ભોસલેએ જણાવ્યું હતું કે "લતાદીદીની ગાયનશૈલી મારાથી બહુ અલગ હતી. અન્ય બાબતોમાં પણ અમે એકમેકથી ઘણાં જુદાં છીએ. અમે એકમેકની નજીક છીએ, પણ અમારી વચ્ચે સ્પર્ધા ક્યારેય ન હતી. અમારી વચ્ચે પારસ્પરિક સ્નેહ છે અને મને દીદી સાથે ગાવાનું કાયમ બહુ ગમે છે."

વિખ્યાત સંગીતકાર સલીલ ચૌધરીએ કોલકાતા દૂરદર્શન માટે કેટલાંક વર્ષો પહેલાં આશા ભોસલેનો ઈન્ટરવ્યૂ કર્યો હતો. તેમણે પણ લતાદીદીની સંગીતયાત્રા વિશે આશા ભોસલેને સવાલ કર્યા હતા.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

આશા ભોસલેએ તેમને જણાવ્યું હતું કે નાનીબહેન બાળપણમાં મોટીબહેનની નકલ કરતી હોય છે. હું પણ દીદી જેવું ગાવાના પ્રયાસ કરતી હતી, પરંતુ મને બાદમાં સમજાયું કે લતા મંગેશકરનું તો આટલું મોટું નામ છે. તેમના જેવું ગાવાની તક કોણ આપશે? તેમની પોતાની ઓળખ શું? લતા નહીં, પણ 'લતા જેવું' ગાતી ગાયિકા. અહીં 'જેવું' શબ્દ મને ખટકતો હતો. મારું ગીત તો મારા જેવું હોવું જોઈએ. તેથી મેં દીદી કેવું ગાય છે એ વિચાર મારા દિમાગમાંથી કાઢી નાખ્યો હતો.

"બાળપણમાં મેં કેરમન મિરાંડાનાં ગીતો સાંભળ્યાં ત્યારે મને લાગ્યું હતું કે આપણા શાસ્ત્રીય સંગીત કરતાં તે અલગ છે. એક ગીતમાં મેં તેની શૈલી અજમાવી હતી. પોતાની આગવી ગાયનશૈલી હોવી જોઈએ એ વાત મનમાં જડાઈ ગઈ અને ધીમેધીમે મારી આગવી શૈલી તૈયાર થઈ."

એબીપી માઝા નામની મરાઠી ન્યૂઝ ચૅનલના એક કાર્યક્રમમાં આશા ભોસલેએ જણાવ્યું હતું કે અમારા સંબંધમાં ક્યારેય સંઘર્ષ થયો જ નથી. એ તો લોકોનું સર્જન છે. લોકો સતત સરખામણી કરતા રહ્યા કે લતા સારું ગાય છે કે આશા? લતાદીદીની શૈલી અલગ છે, મારી શૈલી અલગ છે, અંદાઝ અલગ છે.

લતા મંગેશકરે પણ પોતાના પુસ્તકમાં લખ્યું છે, "અમારા સંબંધમાં કડવાશ અને સ્પર્ધા હોવાની વાતમાં તથ્ય નથી. કોઈ તકલીફ હોય ત્યારે અમે એકમેકની સાથે વાત કરી લઈએ છીએ."

line

કયા કારણે અબોલા થયા?

આશા ભોંસલે અને લતા મંગેશકર

ઇમેજ સ્રોત, Getty Images

મારી અને દીદીની વચ્ચે ક્યારેય સ્પર્ધા ન હતી, એવું આશા ભોસલેએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હોવા છતાં આશાજી અને મંગેશકર પરિવાર વચ્ચે થોડો સમય અબોલા રહ્યા હતા, પણ તેનું કારણ વ્યાવસાયિક ન હતું.

એ વિશે લતાદીદીએ પોતે એક ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરી હતી. તેનો ઉલ્લેખ નસરીન મુન્ની કબીરે લખેલા એક પુસ્તકમાં પણ છે.

લતાદીદીએ તે મુલાકાતમાં કહ્યું હતું, "આશાએ અમને કશું જણાવ્યા વિના લગ્ન કરી લીધાં હતાં. એ સમયે તે નાની હતી. અમારી માતાને તેથી આઘાત લાગ્યો હતો. અમે આશાને કશું કહ્યું ન હતું, પરંતુ ગણપતરાવ ભોસલેએ આશાને અમારી સાથે વાત નહીં કરવાની સૂચના આપી હતી. તેમણે અમને મળવાની પણ આશાને મનાઈ કરી હતી. એવી પરિસ્થિતિ કેટલાંક વર્ષ રહી હતી."

લતાદીદીએ એમ પણ કહ્યું હતું, "ગણપતરાવ આશાને અનેક સંગીતકારો પાસે લઈ જતા હતા. આશા તેમને બહુ પૈસા કમાઈ આપશે એવું તેમના લાગતું હતું. આશાએ તે અનેક વર્ષ સહન કર્યું હતું."

"1960માં પોતાના પતિને છોડીને આશા અમારે ત્યાં આવી ત્યારે ગર્ભવતી હતી. તેને ત્રીજું સંતાન થવાનું હતું. આશા આવ્યા પછી અમે પેડર રોડના મકાનમાં રહેવા ગયા હતા. આશાએ પણ બાજુમાં જ ફ્લેટ ખરીદ્યો હતો."

line

દીદીએ ચશ્માંમાંથી આપેલી દાદ

આશા ભોંસલે

ઇમેજ સ્રોત, Getty Images

લતા અને આશાએ સાથે ઘણાં ગીતો ગાયાં છે. તેમણે 1954માં પહેલી વખત સાથે ગીત ગાયું હતું. એ ગીત હતું 'બરખા બહાર.'

1963માં પ્રદર્શિત થયેલા 'મેરે મહેબૂબ' ફિલ્મનું 'મેરે મહેબૂબ મેં ક્યા નહીં,' ગીત હોય કે પછી 'જાનેમન ઈક નઝર દેખ લે' હોય, બન્ને બહેનોના સ્વરનો જાદુ જોઈ શકાતો હતો.

1984માં પ્રદર્શિત થયેલી 'ઉત્સવ' ફિલ્મનું 'મન ક્યૂં બહેકા રે બહેકા' બન્ને બહેનોએ સાથે ગાયેલું છેલ્લું ગીત છે.

એ ગીતના રેકૉર્ડિંગનો કિસ્સો આશા ભોસલેએ 'ઈન્ડિયન આઈડૉલ' કાર્યક્રમના મંચ પર આશા ભોસલેએ જણાવ્યો હતા.

તેમણે કહ્યું હતું, "અમે મહેબૂબ સ્ટુડિયોમાં હતાં. દીદી બાજુમાં ઊભાં હતાં. દીદી સાથે યુગલ ગીત ગાવાનું હોય એટલે પૂરતી તૈયારી કરીને જવું પડે. આપણે 100 ટકા તો ન આપી શકીએ, પણ 99 ટકા તો આપવું જ જોઈએ, એવું હું માનું છું."

"અમારા ગીતનું રેકૉર્ડિંગ શરૂ થયું. દીદીએ પહેલી લાઈન ગાઈ, 'મન ક્યૂં બહેકા રે બહેકા, આધી રાત કો.' હવે હું શું કરું? મેં તેના પછીની લાઈન ગાઈ, 'બેલા મહેકા રે મહેકા આધી રાત કો.' દીદીએ તેમનાં ચશ્માં થોડાં નીચે સરકાવીને મારી તરફ જોયું અને દાદ આપી. એ અમે બન્નેએ ગાયેલું છેલ્લું ગીત હતું, પણ મારે માટે બહુ ખાસ છે."

line

'સાઝ' બન્ને બહેનોના જીવન પર આધારિત છે?

લતા મંગેશકર

ઇમેજ સ્રોત, Getty Images

લતા મંગેશકર અને આશા ભોસલેએ પોતપોતાની આગવી ઓળખ બનાવી, સાથે ગીતો ગાયાં તેમ છતાં તેમની વચ્ચેની સ્પર્ધાનો મુદ્દો કોઈને કોઈ રીતે ચર્ચાતો જ રહ્યો.

વિખ્યાત દિગ્દર્શિકા સઈ પરાંજપેની 'સાઝ' ફિલ્મ વખતે પણ આવી ચર્ચા શરૂ થઈ હતી. એ ફિલ્મ ગાયિકા બહેનોના જીવન પર આધારિત હતી.

ખુદ સઈ પરાંજપેએ જણાવ્યું હતું કે તેમની આ ફિલ્મ લતા-આશાના જીવન પર આધારિત નથી. આ ફિલ્મની કથા વિશે સઈ પરાંજપેએ 'સય' નામના પુસ્તકમાં વિગતવાર લખ્યું છે.

તેમણે લખ્યું છે, "લતા-આશાની પરિસ્થિતિ મને હંમેશાં વિચિત્ર લાગી છે. એકબીજાને ખૂબ પ્રેમ કરતી આ બહેનો પાર્શ્વગાયન જેવા સ્પર્ધાત્મક ક્ષેત્રમાં એકબીજાને કેવી રીતે હેન્ડલ કરતી હશે? મેં મારી મૂંઝવણને સ્ક્રીન પર લાવવાનું નક્કી કર્યું હતું."

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

"ફિલ્મમાં મેં કેટલીક અન્ય સમાનતા પણ યથાવત રાખી હતી. ફિલ્મના બે મુખ્ય પાત્રો બંસી-માનસીના પિતાને નાટ્યજગતના વિખ્યાત સંગીતકાર હોવાનું દર્શાવ્યું હતું, પરંતુ ફિલ્મમાંની પ્રત્યેક ઘટના, દૃષ્ય, પાત્રો, સંવાદો અને પ્રેમસંબંધ બધું જ મારી કલ્પનાની નીપજ છે. તેને લતા-આશાના જીવન સાથે કોઈ સંબંધ નથી."

"બંસી-માનસીને એક જ સંગીતકાર સાથે ભાવુક સંબંધ બંધાય છે. આગળ જતાં બંસી અને તેની દીકરી કુહૂ બન્ને એક જ પરણીત યુવાન સંગીતકારના પ્રેમમાં પડે છે, પણ એક અકસ્માતમાં તેના મૃત્યુથી બંસીને જોરદાર આઘાત લાગે છે અને તેનું ગાયન અટકી જાય છે."

"આ વિગતને ધ્યાનમાં લેતાં એવું લાગે કે ફિલ્મમાં લતા-આશાની કથા છે, પણ એવું કઈ રીતે કહી શકાય? મારી ફિલ્મ સ્વતંત્ર છે, એવી સ્પષ્ટતા કરવા છતાં જે છાપ પડેલી તે પડી જ રહી. બે બહેનો અને બન્ને પાશ્વગાયિકા એટલું જ ધારણા બાંધવા માટે પૂરતું હતું."

એકંદરે લોકોએ આ બન્ને બહેનોના જીવનને પોતપોતાના ચશ્માંમાંથી નિહાળ્યું અને તેનો અર્થ તારવવાનો પ્રયાસ કર્યો.

એકમેક પ્રત્યેનો પ્રેમ, આદર અને ક્યારેક સર્જાયેલા તણાવ તથા હરીફાઈ વિશે ઘણું લખાયું-બોલાયું, પણ એ બધાને બાજુએ મૂકીને વિચારીએ તો એક શાશ્વત ચીજ દેખાય છે અને એ છેઃ બન્નેના સ્વરોએ આપણા જીવનમાં રોપેલો આનંદ.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો