હિટલરના સમયમાં મોતના મુખમાંથી બચી જનારાં મહિલાઓની હિંમતભરી કહાણી

    • લેેખક, લ્યૂસી વૅલિસ
    • પદ, બીબીસી ન્યૂઝ

વેન સ્ટ્રોસને તેમનાં દાદીએ જણાવ્યું કે 1945માં નાઝી હત્યા કૂચમાંથી 9 મહિલાઓ નાસી ગઈ હતી, તેનું વડપણ પોતે સંભાળ્યું હતું. તે પછી વેનને આ વિશે વધુ જાણવા ઉત્સુકતા જાગી હતી.

તેમણે આ માટે પ્રયાસો આદર્યા અને 75 વર્ષ પહેલાં કેવી રીતે આ બહાદુર નારીઓ હત્યામાંથી બચીને નાસી તે જગતને જણાવી તેમની કદર થાય તે માટે પ્રયાસો કર્યા. આ માટે તેમણે એ જ માર્ગે પ્રવાસ કર્યો અને તેમની કહાણી જાણવા કોશિશ કરી.

હેલેન પૉડલિયાસ્કી

ઇમેજ સ્રોત, MARTINE FOURCAUT

ઇમેજ કૅપ્શન, હેલેન પૉડલિયાસ્કી

વેન 83 વર્ષીય તેમનાં દાદી હેલેન પૉડલિયાસ્કી સાથે એક મજાના દિવસે જમવા ભેગાં થયાં અને આનંદમંગળની વાતો કરી રહ્યાં હતાં.

હેલેન મૂળ ફ્રેન્ચ હતાં, જ્યારે અમેરિકન લેખિકા વેન પણ ત્યારે ફ્રાન્સમાં રહેતાં હતાં.

2002ની આ વાત છે. ભોજન સમયે બંને મજાની વાતો કરી રહ્યાં હતાં તેમાં હેલેને ભૂતકાળ યાદ કર્યો. બીજા વિશ્વયુદ્ધ વખતે ફ્રાન્સમાં રેઝિસ્ટન્ટ ચળવળમાં વડકાકીએ ભાગ લીધો હતો એ વેન જાણતાં હતાં. તે કામગીરી કેવી હતી તેના વિશે તેઓ ખાસ કંઈ જાણતાં નહોતાં.

હેલેને જણાવ્યું કે ગેસ્ટાપોના હાથે તેઓ પકડાઈ ગયાં અને બહુ ત્રાસ આપીને જર્મનીના કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં મોકલી દેવાયાં હતાં. મિત્રદળો નજીક આવતાં ગયાં તે સાથે એ કૅમ્પ ખાલી કરી દેવાયો અને તેમને કેટલાય માઈલ સુધી નાઝી હત્યા કૂચ પર ચાલવા માટે મજબૂર કરાયાં હતાં.

હેલેન તેમની વાત કરતાં કહ્યું કે, "ને તે પછી હું મહિલાઓના એક જૂથ સાથે છટકી ગઈ."

આ સાંભળીને વેન આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં.

line

યુદ્ધનું એ આખરી વર્ષ

સ્વિડિશ રેડ ક્રૉસ

ઇમેજ સ્રોત, SWEDISH RED CROSS

ઇમેજ કૅપ્શન, સ્વિડિશ રેડ ક્રૉસ

વેન કહે છે, "તેઓ હવે જીવનનાં અંતિમ વર્ષોમાં આગળ વધી રહ્યાં હતાં અને મને લાગે છે કે તેઓ પોતાની કહાની કહેવા માટે હવે તૈયાર થઈ રહ્યાં હતાં."

"ઘણા બધા આ રીતે બચી ગયેલા લોકોએ ક્યારેય પોતાના સ્વજનોને આ રીતે વાત નહોતી કરી તે રીતે તેમણે પણ વાત કરી નહોતી. લોકો સામાન્ય રીતે થોડા દૂરનાં સગાં હોય તેની સાથે જ વાત કરવા તૈયાર થતા હોય છે."

હેલેન પૉડલિયાસ્કી માત્ર 24 વર્ષનાં હતાં અને પકડાઈ ગયાં. ઈશાન ફ્રાન્સમાં રેઝિસ્ટન્સ ચળવળ માટે જાહેર સંપર્ક પ્રતિનિધિ તરીકે કામ કરતાં હતાં. તેમનું ઉપનામ પાડવામાં આવ્યું હતું કે ક્રિસ્ટિન. તેઓ બહુ કુશળ એન્જિનિયર હતાં અને જર્મની સહિત પાંચ ભાષાઓના જાણકાર હતાં.

વેન કહે છે, "રેઝિસ્ટન્સ ચળવળમાં તેઓ ઘણા ઊંચા હોદ્દા પર હતાં. તેઓ એજન્ટોનો સંપર્ક કરીને તેમની સાથે એકાદ વર્ષ કરતાં વધારે સમયથી કામ કરતાં હતાં. પેરાશૂટ્સથી કઈ જગ્યાએ માલસામાન ઉતારવો તે માટે તેઓ માર્ગદર્શન આપવાનું કામ કરતાં હતાં. તેઓ તેજસ્વી, મોભાદાર, શાંત પણ આમ બહુ મક્કમ નારી હતાં."

વીડિયો કૅપ્શન, મુંબઈ લોકલ ટ્રેનમાં 'એક રૂપિયા વાળી અમારી રેખા'થી જાણીતા કિન્નર સાથે મુલાકાત - INSPIRING

યુદ્ધનું એ આખરી વર્ષ હતું અને નાઝીદળોએ ફ્રાન્સના રેઝિસ્ટન્સ નેટવર્કને તોડી પાડવા માટે 1944માં જોરદાર હુમલો કર્યો હતો.

હુમલામાં હેલેન પણ પકડાઈ ગયાં. અન્ય આઠ મહિલાઓને પણ પકડી લેવામાં આવ્યાં હતાં. તેમાં હેલેનની શાળા વખતની એક બહેનપણી પણ હતી.

વેન કહે છે કે આ સખી એટલે સુઝાન મોડેટ (ઉપનામ ઝાઝા). તેઓ બહુ આશાવાદી, ઉદાર અને દિલદાર હતાં. રેસિઝસ્ટન્સમાં જોડાયેલા રેને મોડેટ સાથે 22 વર્ષની ઉંમરે તેઓ પરણી ગયાં હતાં. જર્મનીની ફેક્ટરીમાં કામ કરવા માટે ત્યારે યુવાનોને પકડીને લઈ જવાતા હતા. આ દંપતીએ યુવાનોને તેમાંથી બચાવીને રેઝિસ્ટન્સની ભૂગર્ભ પ્રવૃત્તિમાં જોડ્યાં હતાં અને એ બદલ બંનેને પકડી લેવાયાં હતાં.

વેન કહે છે, "સમગ્ર પેરિસમાં લોકસંપર્કનું કામ કરનારા એજન્ટોનું સંકલન કરનારા નિકોલ ક્લેરન્સ પણ તેમાં હતા." આ કામને કારણે તેમના માટે વધારે જોખમ ઊભું થયું હતું.

માત્ર 22 વર્ષના નિકોલને પણ પકડી લેવાયા. ઑગસ્ટ 1944માં પેરિસ મુક્ત થયું તેના ત્રણ અઠવાડિયાં પહેલાં તેઓ પકડાઈ ગયા હતા. તેમને શહેરમાંથી રવાના થયેલા છેલ્લા કાફલામાં બેસાડીને શહેરથી દૂર મોકલી દેવાયા હતા.

line

કોની-કોની ધરપકડ થઈ?

નાઝી હત્યા

આ રીતે ધરપકડ કરીને પેરિસથી દૂર ધકેલા દેવાયેલા કેદીમાં જેક્વેલિન ઓબ્રે દુ બોલી (જેકી) પણ હતાં. 29 વર્ષનાં જેકી બધાં મહિલાઓમાં સૌથી મોટી ઉંમરનાં હતાં અને યુદ્ધમાં પતિ ગુમાવીને વિધવા થયેલાં હતાં.

વેન કહે છે કે જેકી રેઝિસ્ટન્સના ગુપ્તચર વિભાગના નેટવર્કમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યાં હતાં. તેમના પિતા ખલાસી હતા અને વિદેશમાં હતા એટલે તેમને કાકા-કાકી ઉછેરી રહ્યા હતા.

વેન કહે છે, "પિતા પાછા આવે ત્યારે તેમની સાથે રહેવા જાય. તેઓ આમ પાછા બહુ આકરા. ખલાસીની ભાષામાં જ બોલે. ચોખ્ખું બોલે. સતત ધ્રૂમપાન કરે અને અવાજ બહુ ઘેરો થઈ ગયેલો હતો. આમ બહુ મજબૂત હતા."

વેન તેમનું વર્ણન કરતાં કહે છે કે આમ પાછા બહુ વફાદાર અને સંભાળ લેનારા.

ધરપકડ થઈ હતી ત્યારે મેડેલન વર્સિયન (લોન) અને ગીલમેટ ડેન્ડેલ્સ (ગુઇજુઇ) 27 અને 23 વર્ષનાં હતાં. બંને વચ્ચે મિત્રતા સારી હતી. બંને ઉચ્ચ મધ્યમવર્ગના ડચ પરિવારોની દીકરીઓ હતી એમ વેન કહે છે.

વીડિયો કૅપ્શન, બાળકોએ માતાનાં લગ્ન કરાવ્યાં, લગ્ન અને પ્રેમની અનોખી કહાણી

વેન કહે છે, "ડચ નેટવર્કમાં જોડાવા માટે બંને પેરિસ આવી હતી, પણ હજી ઠરી ઠામ થાય ત્યાં સુધીમાં બંનેની ધરપકડ થઈ. ગુઇજુઇ એથ્લેટિક હતી અને વધારે શાંત જ્યારે લોન હંમેશાં વચ્ચે કૂદી પડે એવી, બધાનું ધ્યાન ખેંચ્યા કરે એવી રીતે વર્તે."

વેન રેની લેબન ચેટેની (ઝિન્કા)નો ઉલ્લેખ "બહુ બહાદુર નારી" તરીકે કરે છે. લોનને એક "નાનકડી ઢિંગલી" જેવી વર્ણવે છે. ઝિન્કા બેઠી દડીની હતી અને વાંકડિયા વાળ હતા અને આગળના દાંત વચ્ચે ખાંચો હતો. તેમના પતિ સાથે મળીને ઝિન્કા બ્રિટિશ ઍરફોર્સ સૈનિકોને મદદ કરતા હતા, જેથી તેઓ ફરીથી ઇંગ્લૅન્ડ છટકી શકે.

વેન કહે છે કે ઝિન્કાની ધરપકડ થઈ ત્યારે તેમની ઉંમર 29 વર્ષની હતી. જેલમાં હતાં ત્યારે જ તેમણે દીકરીને જન્મ આપ્યો, જેનું નામ તેમણે ફ્રાન્સ રાખ્યું હતું. નવજાત સંતાનને માત્ર 18 દિવસ સુધી તેમની સાથે રહેવા દેવામાં આવ્યું અને તે પછી બાળકી તેમની પાસેથી લઈ લેવામાં આવી. બાળકીને હઠાવીને ઝિન્કાને પણ જર્મની મોકલી દેવાયા. ઝિન્કા હંમેશાં કહેતા કે તેઓ પોતાની દીકરી ખાતર જીવતાં રહ્યાં હતાં.

નાઝી હત્યા

આ ઉપરાંત એક મહિલા હતાં યોન્ને લે ગુઇલો (મેના). વેન તેમનું વર્ણન કરતા કહે છે કે કોઈ કામદાર પરિવારની કન્યા જેવી મેના હતી અને હંમેશાં બધાનો પ્રેમ પામવા આતુર રહેતી હતી. પેરિસમાં ડચ નેટવર્ક સાથે તેઓ કામ કરતાં હતાં અને એક ડચ યુવક સાથે પ્રેમમાં પડ્યાં હતાં. ધરપકડ થઈ ત્યારે મેનાની ઉંમર 22 વર્ષની હતી.

નવેય મહિલાઓમાં સૌથી નાની હતી જોસેફાઇન બોર્ડાનાવા (જોસ્સી), જેઓ માત્ર 20 વર્ષનાં હતાં ત્યારે માર્સેલમાં તેમની ધરપકડ થઈ હતી. વેન કહે છે કે જોસ્સી સ્પેનિશ હતી અને તેમનો બહુ મધુર અવાજ હતો.

જોસ્સી સરસ મજાનું ગીત ગાય ને બાળકોને ખુશ અને શાંતિ કરી દેતાં.

આ નવ મહિલાઓને રેવન્સબ્રૂકમાં મોકલી અપાયાં, જે ઉત્તર જર્મનીમાં મહિલાઓ માટે બનેલો કોન્સન્ટ્રેશન કૅમ્પ હતો. તે પછી શસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં કામ કરવા માટે લેપઝેગ લેબર કૅમ્પમાં મોકલી દેવાયાં હતાં. અહીં કામ કરતી વખતે નવેય વચ્ચે પાકી મિત્રતા થઈ હતી.

કૅમ્પમાં બહુ યાતનાજનક સ્થિતિ હતી. ભૂખ્યા રહેવું પડતું હતું, ત્રાસ અપાતો હતો અને નિર્વસ્ત્ર કરીને બરફ વચ્ચે ઇન્સ્પેક્શન માટે ઊભી રાખવામાં આવતી હતી.

આ નારીઓ મૈત્રીનું એક વર્તુળ ઊભું કરીને જેમતેમ ટકી ગઈ. વેન કહે છે કે તેમણે એકતા માટેની એક રીત બનાવી હતી. એકતાના પ્રતીક તરીકે બાઉલને ફેરવવામાં આવતો અને તેમાં સૌ કોઈ એક એક ચમચો પોતાનું સૂપ નાખતા. તે રીતે એકઠું થયેલું સૂપ જે સ્ત્રીને વધારે જરૂર હોય તેમને આપવામાં આવતું.

line

મહિલાઓને કેવી યાતનાઓ સહન કરવી પડી?

નિકોલની રેસિપી બુક

ઇમેજ સ્રોત, DROITS RÉSERVÉS

ઇમેજ કૅપ્શન, નિકોલની રેસિપી બુક

વેન કહે છે કે ભૂખ સહન કરવી મુશ્કેલ હતી, પણ આ સ્ત્રીઓ ખાણીપીણીની વાતો કરીને સહન કરી લેતી હતી.

દરરોજ રાત્રે નિકોલ પોતાની ફેવરિટ રેસિપીનું વર્ણન કરે. ઑફિસમાંથી સરકાવી લીધેલા કાગળો પર તેને લખી લેવામાં આવે. આ રીતે લખેલા કાગળો ભેગા કરીને રસોઈ વિશેનું પુસ્તક જેવું બનાવી દીધેલું અને તેના પર ફોમિંગ મેટ્રેસનો ટુકડો કવર તરીકે ચડાવ્યો હતો.

વેન કહે છે કે આ રીતે તેમણે હેલેન સાથે વાતચીત કરીને આખી કહાણી તૈયારી કરી હતી. વડકાકી તેમને કહેતા કે તમે અમને એ રીતે દર્શાવજો કે ભલે કેદમાં હોઈએ, પણ અમે હજીય સૈનિક હતાં.

એપ્રિલ 1945માં સાથી રાષ્ટ્રોએ ફેક્ટરી પર એટલી વાર બૉમ્બમારો કર્યો હતો કે નાઝીઓએ ત્યાંથી સૌને હઠાવી લેવાનો નિર્ણય કર્યો હતો એમ વેન કહે છે. તેના કારણે હત્યાની કૂચ શરૂ થઈ હતી.

જર્મનોએ આ લોકોને બીજે લઈ જવા ગામડાંના રસ્તે પગે ચાલીને રવાના કરી. 5,000 જેટલી ભૂખી અને પાતળા કપડામાં ઠંડીમાં ધ્રૂજતી સ્ત્રીઓને કૂચ કરાવીને લઈ જવામાં આવી તેના કારણે તેમના પગમાં છાલાં પડી ગયાં હતાં અને લોહી નીકળવા લાગ્યું હતું.

વેન કહે છે કે આ કૂચ કેટલી ખતરનાક સાબિત થવાની છે તેનો ખ્યાલ આ મહિલાઓને આવી ગયો હતો.

વીડિયો કૅપ્શન, World Cancer Day: કૅન્સરને હરાવી રહેલાં આ છે નમ્રતા સાહની, જેમનો અવાજ ઘરઘરમાં ગૂંજે છે

વેન કહે છે, "તે સ્ત્રીઓને સમજાઈ ગયું હતું કે તેઓ નાસી જવા કોશિશ કરે ત્યારે કદાચ મારી નાખવામાં આવશે, પણ નહિ તો ભૂખમરાથી પણ મરી જ જવાનું છે એટલે વચ્ચે એક વખતે અંધાધૂંધી જેવી સ્થિતિ હતી ત્યારે આ સ્ત્રીઓ એક ખાઈમાં કૂદી પડી."

"અંદર એવી રીતે પડી રહી કે જાણે લાશો હોય. ચારે બાજુ આ રીતે ખરેખર લાશો પડી હતી એટલે તેમની આ રીત કામ કરી ગઈ. કૂચ તેમને ત્યાં જ પડી રહેવા દઈને આગળ વધી ગઈ."

તે પછીના 10 દિવસ સુધી આ સ્ત્રીઓ હવે સરહદે અમેરિક સૈનિક ટુકડી મળી જાય તે માટે શોધ કરતી હતી.

વેન કહે છે કે ઝિન્કા અને નિકોલ બીમારી પડી ગઈ હતી અને હેલેનને ઘૂંટીમાં દુખતું હતું. ભૂખને કારણે અશક્તિ પણ હતી, પણ ગમે તેમ કરીને તેઓ બંધનમાંથી મુક્ત થઈ જવા માગતી હતી.

આ સ્ત્રીઓ જર્મનીમાં ક્યાં ફરી હતી તે જાણવા અને બીજી માહિતી માટે ત્રણ વાર જર્મનીની મુલાકાત લેવી પડી હતી અને કેટલીક ખાનગી તપાસ પણ કરવી પડી હતી. આ મહિલાઓ જ્યાંથી પસાર થયાં ત્યાંથી જ પસાર થતી વખતે વેનને ખ્યાલ આવ્યો કે રોજ કેટલું ઓછું અંતર આ સ્ત્રીઓ કાપતી હતી.

વેન કહે છે, "કેટલીક વાર તેઓ માત્ર પાંચ કે છ કિમી જ આગળ વધી હતી."

વેન કહે છે, "વક્રતા એ હતી કે ભૂખ પૂરી કરવા માટે તેમણે ખોરાક શોધવો પડે તેમ હતો અને સલામત રીતે ઊંઘ માટેની જગ્યા શોધવાની હતી. એટલે તે લોકોએ ગામડામાં જઈને લોકો સાથે વાત કર્યા વિના છૂટકો નહોતો."

"પરંતુ આ રીતે કોઈ ગામમાં જાય ત્યારે બહુ મોટું જોખમ ઊભું થતું હતું. આ સ્ત્રીઓ ફસાઈ જાય તેમ હતી અથવા ગામના લોકો જ તેમને મારી નાખે એવું બને."

2008માં હેલેન અને લોન

ઇમેજ સ્રોત, JETSKE SPANJER & ANGE WIEBERDINK

ઇમેજ કૅપ્શન, 2008માં હેલેન અને લોન

હેલેન અને લોન બંનેને જર્મન આવડતું હતું એટલે તે બંને પહેલાં ગામમાં જાય. ગામના મુખીને મળે અને વિનંતી કરે કે તેમને સૂવા માટે જગ્યા આપો અને કંઈક ખાવાનું આપો.

વેન કહે છે, "તે સ્ત્રીઓ બહુ જલદી સમજી ગઈ કે જરાય ગભરાવું નહીં. કંઈ ખોટું નથી અને કોઈ ચિંતા નથી એવી રીતે જ વર્તવાનું હતું."

તેમને ખ્યાલ આવ્યો કે અમેરિકન સૈનિકો મુલ્ડે નદીના સામા કિનારે જર્મનીના સેક્સોનીમાં છે. તે પછી હવે આ નદી પાર કરવાનો પડકાર હતો.

વેન કહે છે, "હું બ્રિજ પર ઊભી રહી અને મુલ્ડે નદીને જોતી રહી ત્યારે લાગણીમાં વહેવા લાગી હતી." સેનાની આર્કાઇવમાંથી આ સ્ત્રીઓ વિશેની માહિતી વેને એકઠી કરી હતી.

કેટલીક સ્ત્રીઓએ કેવી રીતે તેઓ બચીને નીકળી તે લેખિતમાં આપ્યું હતું. લોન વિશે ફિલ્મો બની હતી તેના નિર્માતાઓને પણ મળ્યા હતા અને આ સ્ત્રીઓના પરિવારને પણ વેન મળ્યાં હતાં.

આ બધા સંશોધનથી ખ્યાલ આવ્યો હતો કે નદી પાર કરવાની હતી તે ઘડી આ સ્ત્રીઓ માટે સૌથી કપરો સમય હતો.

વીડિયો કૅપ્શન, માત્ર એક રૂપિયામાં ઢોસો વેચતાં સાવિત્રી ભાવ કેમ નથી વધારતાં?

ગમે તેમ કરીને સામા કિનારે પહોંચ્યાં પછી હવે કેટલીક સ્ત્રીઓ માટે આગળ વધવું મુશ્કેલ બની ગયું હતું. જેકીનો શ્વાસ ચડી ગયો હતો. પરંતુ આ બધી સખીઓ મક્કમ હતી કે કોઈને પણ પાછળ છોડીને આગળ વધવાનું નથી.

બરાબર તે જ વખતે એક જીપ ત્યાં આવી અને તેમાંથી બે અમેરિકી સૈનિકો ઊતર્યા. આખરે આ નારીઓ હવે સલામત હતી. સૈનિકોએ તેમને સિગારેટ પણ પીવા આપી.

વેન કહે છે કે તેમના સંશોધનથી એ પણ ખ્યાલ આવ્યો કે આ રીતે બચીને આવ્યાં પછી રાબેતા મુજબના જીવનમાં ગોઠવાઈ જવામાં પણ આ નારીઓએ સંઘર્ષ કરવો પડ્યો હતો.

વેન કહે છે, "તેમની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. કૅમ્પમાં રહીને આવવું પડ્યું હતું એટલે સ્ત્રી તરીકે શરમની રીતે જોવાતું હતું અને આમ આ નારીઓ એકાકી પણ થઈ ગઈ હતી."

"એક જૂથમાં કેટલાય દિવસો વિતાવ્યા હતા અને તે પછી હવે છુટ્ટા પડીને એવા લોકો વચ્ચે રહેવું પડ્યું કે જેમની સાથે વાતચીત ના થઈ શકે. લોકો તેમની વાતો સાંભળવા તૈયાર નહોતા."

"એટલે મને લાગે છે કે માનસિક રીતે તેઓ એકાકી થઈ ગઈ હતી. તેમને સૈનિક તરીકે ગણવામાં નહોતી આવી એટલે તે લોકોને પણ પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસોર્ડર હોય તેવું સ્વીકારવામાં પણ ના આવ્યું."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ બધી સ્ત્રીઓ યુવાનીમાં હતી એટલે તેમને પોતાની કહાણી બહુ જાહેરમાં ના કહેવા માટે કહેવાતું હતું. તેના કારણે તેમની બહાદુરીની લોકોને જાણ પણ થઈ નહોતી.

વેન કહે છે, "રેઝિસ્ટન્સના નેતાઓ તરીકે જેમને સ્વીકારવામાં આવ્યા એવા 1,038 લોકોમાં માત્ર છ સ્ત્રીઓનો સમાવેશ થતો હતો. તેમાંથી ચારનાં મોત થયાં હતાં. આ બહુ હાસ્યાસ્પદ છે, કેમ કે રેઝિસ્ટન્સમાં 50 ટકા હિસ્સો સ્ત્રીઓનો પણ હતો."

વેન કહે છે કે કેટલીસ સ્ત્રીઓએ ભૂતકાળને ભૂલી જઈને આગળ વધી જવાનું નક્કી કર્યું. જોકે ગુઇજુઇ અને મેના વર્ષો સુધી બહેનપણીઓ રહી હતી અને એકબીજાનાં સંતાનોની ગોડમધર પણ બની હતી.

વેન કહે છે, "બહુ વર્ષો પછી આ બધી નારીઓ ફરી એક વાર એકઠી થઈ હતી ખરી. મારી કાકીએ મને વાત કરી તે અરસામાં તે લોકોનું એક રિયુનિયન જેવું થયું હતું."

line

પણ ઝિન્કાની પુત્રી ફ્રાન્સનું પછી શું થયું?

2019માં ફ્રાન્સ લેબૉન ચૅટને ડુબ્રૉક

ઇમેજ સ્રોત, FRANCE LEBON CHÂTENAY DUBROEUCQ

ઇમેજ કૅપ્શન, 2019માં ફ્રાન્સ લેબૉન ચૅટને ડુબ્રૉક

વેન કહે છે કે ત્રણ વર્ષ સુધી તેઓ ઝિન્કાને શોધતા રહ્યાં. તેઓ કહે છે, "બહુ વિચિત્ર યોગાનુયોગ હું આખરે તેમને મળી શકી, ત્યારે ખ્યાલ આવ્યો કે તેઓ હું દક્ષિણ ફ્રાન્સમાં રહેતી હતી ત્યાં નજીકમાં જ રહેતાં હતાં. કલ્પના કરો કે 70 વર્ષે મને મારી માતા વિશે આ બધું જાણવા મળ્યું એવું આશ્ચર્ય તેણે વ્યક્ત કર્યું હતું."

યુદ્ધ પછી ફ્રાન્સ ફરી તેમની માતા પાસે જઈ શક્યાં હતાં, પરંતુ ઝિન્કા ત્યારે બહુ બીમાર હતાં. તેમને કૅમ્પમાં ટીબી થયો હતો તેના કારણે વારંવાર ઑપરેશન્સ કરાવવા પડ્યાં હતાં. ઝિન્કા બહુ નબળાં પડી ગયાં હતાં અને દીકરીની સંભાળ પણ ક્યારેય રાખી શકતાં નહોતાં. તેથી ફ્રાન્સને કુટુંબના બીજા સભ્યો પાસે મોકલવા પડતાં.

ઝિન્કાનું 1978માં અવસાન થયું, પણ ત્યાં સુધી ફ્રાન્સને પોતાનાં માતા કેવી રીતે કૅમ્પમાંથી છટકીને બચ્યાં હતાં તે ખ્યાલ નહોતો. વેન કહે છે, "તેમને એ ખબર નહોતી કે માતા માટે તે કેટલી મહત્ત્વની હતી અને કઈ રીતે તેના માટે જ માતા ટકી ગઈ હતી."

હેલેન 2012માં અવસાન પામ્યાં. વેને આ વિશે લખેલા પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે છેલ્લે છેલ્લે એવું લાગતું હતું કે ભૂતકાળની ઘટનાઓને યાદ કરીને હેલેન વિચલિત થઈ જતાં હતાં.

વેન કહે છે, "યુદ્ધમાં સ્ત્રીઓને પણ ભોગવવું પડે છે તેની નોંધ લેવાતી નથી અને હું ઇચ્છું છે કે તેની નોંધ લેવાય."

વેન કહે છે કે આ સ્ત્રીઓએ એકબીજા માટે જે લાગણી અને ઉદારતા દાખવી તેને પણ યાદ રાખવી જોઈએ. "તે નારીઓએ એકબીજાને સંભાળી લીધી હતી અને મને લાગે છે તેની પણ આપણે કદર કરવી જોઈએ."

વેને પોતાની દાદીની જીવનકથા અને આ નારીઓ વિશે લખ્યું તે પુસ્તકને 'ધ નાઈન' નામ આપ્યું છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો