પાકિસ્તાનમાં આઝાદ હિંદ ફોજના 'છેલ્લા સિપાઈ' એહસાન કાદિરની કહાણી

    • લેેખક, અકીલ અબ્બાસ ઝાફરી
    • પદ, રિસર્ચર અને ઇતિહાસકાર, કરાચી

તેઓ પાકિસ્તાનમાં નાગરિક સુરક્ષા (સિવિલ ડિફેન્સ) એજન્સીના કમાન્ડર હતા. છાપાં વાંચવામાં અને એનાં કટિંગ્સ સાચવી રાખવાના શોખીન હતા.

એમણે અચાનક જ રાજકીય ભાષણ કરવાનું અને રાષ્ટ્રપતિ ફીલ્ડ માર્શલ અયૂબ ખાનની ટીકા કરવાનું શરૂ કર્યું હતું.

જ્યારે એમના એટલે કે અયૂબ ખાનના વરિષ્ઠ અધિકારીઓએ પોતાનો રિપોર્ટ તૈયાર કરીને રાષ્ટ્રપતિને મોકલ્યો તો લશ્કરી સરમુખત્યારે કોઈ પણ કાર્યવાહી કરવાનો આદેશ કરવાના બદલે ફાઇલ પર માત્ર એટલું જ લખ્યું કે, "એમને બોલવા દો, કાર્યવાહી કરવાની કશી જરૂર નથી."

એહસાન કાદિર

ઇમેજ સ્રોત, COURTESY "TAREEKH KA AIK GUMSHUDA WARQ"

ઇમેજ કૅપ્શન, એહસાન કાદિર

નાગરિક સુરક્ષા એજન્સીના એ કમાન્ડરનું નામ હતું, એહસાન કાદિર.

એહસાન કાદિર કોણ હતા? એ જાણવા માટે આપણે અતીતમાં ડોકિયું કરવું પડશે. તેઓ સર શેખ અબ્દુલ કાદિરના સૌથી મોટા દીકરા હતા. એ જ શેખ અબ્દુલ કાદિર જેમણે 1901માં ઉર્દૂની મશહૂર સાહિત્યિક પત્રિકા 'મખઝન' પ્રકાશિત કરી હતી.

સાહિત્યની દુનિયામાં 'મખઝન'ને એ ગૌરવ મળેલું કે અલ્લામા મોહમ્મદ ઇકબાલની મોટા ભાગની નજમ પહેલી વાર 'મખઝન'માં જ પ્રકાશિત થઈ હતી.

અલ્લામા ઇકબાલની સાથે સર શેખ અબ્દુલ કાદિરના સંબંધ એવા હતા કે એમના પહેલા ઉર્દુ કાવ્યસંગ્રહ 'બાંગ-એ-દરા'ની પ્રસ્તાવના એમણે લખી હતી.

સર શેખ અબ્દુલ કાદિરના ત્રણ દીકરાનાં નામ એહસાન કાદિર, મંઝૂર કાદિર અને અલ્તાફ કાદિર છે.

line

એહસાન કાદિર જ્યારે ગાયબ થયા…

કર્નલ એહસાન કાદિર પોતાનાં પત્ની અને પરિવાર સાથે

ઇમેજ સ્રોત, COURTESY "TAREEKH KA AIK GUMSHUDA WARQ"

ઇમેજ કૅપ્શન, કર્નલ એહસાન કાદિર પોતાનાં પત્ની અને પરિવાર સાથે

એહસાન કાદિરનો જન્મ 12 સપ્ટેમ્બર 1912ના રોજ થયો હતો. કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઍડ્‌મિશન મળ્યું હોવા છતાં એમણે લશ્કરમાં જોડાવાનું પસંદ કર્યું અને વર્ષ 1934માં ઇન્ડિયન આર્મીમાં ભરતી થઈ ગયા.

જ્યારે વર્ષ 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ આરંભાયું ત્યારે એહસાન કાદિરને મલાયા મોકલવામાં આવ્યા.

ઈમદાદ સાબરીએ લખ્યું છે કે,"એહસાન કાદિરે વર્ષ 1939થી 1941 સુધી સિંગાપુરમાં બ્રિટિશ સેનામાં સેવા આપી હતી અને એ દરમિયાન એમનાં પત્ની પણ એમની સાથે હતાં."

"એમની નાની દીકરી પરવીન કાદિરનો જન્મ પણ સિંગાપુરમાં થયો હતો. જ્યારે જાપાને સિંગાપુર પર હુમલો કર્યો ત્યારે એમનાં પત્ની દીકરીને લઈને ભારત પાછાં આવ્યાં, પરંતુ, એહસાન કાદિર ગુમ થઈ ગયા."

અહમદ સલીમે પોતાના પુસ્તક 'તારીખ કા એક ગુમશુદા વર્ક'માં લખ્યું છે કે, 'એહસાન કાદિરના અચાનક ગાયબ થઈ ગયાનો સમય સ્પષ્ટ નથી. એવું મનાય છે કે વર્ષ 1941ના અંતથી 1942ની શરૂઆતના કેટલાક મહિનાઓ સુધી તેઓ છુપાયેલા રહ્યા હશે.'

અહમદ સલીમે ઈમદાદ સાબરીના અહેવાલના આધારે એહસાન કાદિર ગુમ થયા પછી પહેલી વાર પ્રગટરૂપે કોઈ પ્રવૃત્તિ કર્યાની તારીખ 3 ફેબ્રુઆરી 1942 જણાવી છે, એ પ્રવૃત્તિમાં એમણે (એહસાન કાદિરે) સાઇગૉનમાં જનરલ મોહનસિંહ દ્વારા સ્થાપિત આઝાદ હિંદ રેડિયોનું સંચાલન કર્યું હતું.

line

પ્રારંભિક સમયગાળાના સાથીઓ

આઝાદ હિંદ ફોજની ટુકડીનું નિરીક્ષણ કરતા સુભાષચંદ્ર બોઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઝાદ હિંદ ફોજની ટુકડીનું નિરીક્ષણ કરતા સુભાષચંદ્ર બોઝ

તેમણે લખ્યું છે, "તેઓ ભારતીય સૈનિકોના સંદેશા રેડિયો પર પ્રસારિત કરતા હતા, જેને લાખો ભારતીયો ખૂબ ઉત્સાહથી સાંભળતા હતા. ભારતમાં બ્રિટિશ સરકાર એ પ્રસારણને અટકાવવામાં અસમર્થ હતી, પરંતુ એણે એ કાર્યક્રમો સાંભળવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પ્રતિબંધ હોવા છતાં એ રેડિયો પ્રસારણ દિવસે ને દિવસે લોકપ્રિય થતો ગયો. એ પહેલી આઝાદ હિંદ ફોજનો સમય હતો."

"પહેલી આઝાદ હિંદ ફોજના નેતા જનરલ મોહનસિંહ હતા. તેઓ પંજાબ રેજિમેન્ટની એક કંપનીના કમાન્ડરરૂપે જાપાની સેનાના હાથમાં સપડાયા હતા. જાપાનીઓના હાથે મરવાના બદલે એમણે એમ નક્કી કર્યું કે, જાપાનીઓની મદદથી ભારતમાં બ્રિટિશ શાસનને ઉખાડી ફેંકવા માટે સંઘર્ષ કરવો જોઈએ."

જાપાનીઓએ એમને પોતાનું સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું. અને, જેમને ભારતમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ લડવા માટે સંમત કરી શક્યા હતા એવા 15 હજાર ભારતીય યુદ્ધકેદીઓને જનરલ મોહનસિંહે જાપાનને સોંપી દીધા.

જાપાને જનરલ મોહનસિંહને એ યુદ્ધકેદીઓના વડા નિયુક્ત કર્યા, પરંતુ થોડા સમયમાં જ જાપાનીઓ દ્વારા કરાયેલી કેટલીક પ્રવૃત્તિઓ દ્વારા જનરલ મોહનસિંહને લાગ્યું કે પોતાના ઉદ્દેશો પાર પાડવા માટે જાપાન એમના પર વિશ્વાસ નથી કરતું પણ એમનો (જનરલનો) ઉપયોગ કરી રહ્યું છે.

ત્યાર બાદ જનરલ મોહનસિંહે પહેલી આઝાદ હિંદ ફોજના વિઘટનનો નિર્ણય કર્યો.

જાપાનીઓએ જનરલ મોહનસિંહને પકડી લીધા અને એમને સુમાત્રામાં નજરકેદ કરી દીધા. એમની ધરપકડ થવા સાથે જ એમણે બનાવેલી આઝાદ હિંદ ફોજનું વિઘટન થયું અને ફોજસંબંધી બધા દસ્તાવેજોનો સળગાવીને નાશ કરી દેવાયો.

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનનું આ જૈન મંદિર જેને પુન:સ્થાપિત કરવામાં આવ્યું, કઈ બાબતો માટે છે ખાસ?

એહસાન કાદિર અને અન્ય અધિકારીઓ ઊભી થયેલી આ પરિસ્થિતિ પર વિચાર કરતા જ રહી ગયા.

જાપાનીઓ સાથે ખેંચતાણના એ સમયે એમણે આઝાદ હિંદ ફોજને વિખેરાવા ન દીધી, બલકે, એના પુનર્ગઠનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

એમના સાથીઓમાં કર્નલ ભોંસલે, કર્નલ ક્યાની, લોકનાથન અને રાસબિહારી બોઝ સામેલ હતા. 13 જૂન 1943એ સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા જર્મનીથી ટોક્યો પહોંચ્યા હતા, ત્યારે એમનું સ્વાગત કરનારાઓમાં જાપાનના વડા પ્રધાન પણ હતા.

રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ સંભાળવા માટે મનાવી લીધા, અને એ રીતે બીજી આઝાદ હિંદ ફોજની રચના થઈ.

સુભાષચંદ્ર બોઝના નેતૃત્વએ આઝાદ હિંદ ફોજને માત્ર મજબૂત જ ન કરી, પરંતુ 21 ઑક્ટોબર 1943ના દિવસે ભારતની સ્વતંત્ર સરકારની રચનાની જાહેરાત પણ કરી.

સુભાષચંદ્ર બોઝ દ્વારા ઘોષિત કરાયેલી સ્વતંત્ર સરકારને જાપાન, બર્મા અને જર્મની સહિત નવ દેશોએ માન્યતા આપી હતી.

બે દિવસ પછી ભારતની સ્વતંત્ર સરકારે બ્રિટન અને અમેરિકા વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી દીધી, ત્યાર પછી એનું મુખ્ય મથક રંગૂનમાં સ્થાનાંતરિત કરી દીધું, જ્યાંથી તેમણે ભારત પર હુમલા કરવાની યોજના ઘડવા માંડી.

ઐતિહાસિક સંદર્ભો અનુસાર, 4 ફેબ્રુઆરી 1944એ આઝાદ હિંદ ફોજે બર્માની સરહદેથી ભારત પર હુમલો કર્યો, જ્યાં 18 માર્ચ 1944એ એણે આસામમાં ઘણાં મથકો કબજે કરીને ત્યાં ભારતની સ્વતંત્ર સરકારનો ઝંડો ફરકાવી દીધો.

પરંતુ દુર્ભાગ્યે આ એ જ સમય હતો જ્યારે પ્રશાંત ક્ષેત્રમાં જાપાનીઓએ પીછેહટ શરૂ કરી હતી, અને એમની એ હારે આઝાદ હિંદ ફોજને આપેલું સમર્થન પાછું ખેંચી લેવા માટે એમને મજબૂર કરી દીધા.

line

જ્યારે આઝાદ હિંદ ફોજે પીછેહ કરી…

સુભાષચંદ્ર બોઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુભાષચંદ્ર બોઝ દ્વારા ઘોષિત કરાયેલી સ્વતંત્ર સરકારને જાપાન, બર્મા અને જર્મની સહિત નવ દેશોએ માન્યતા આપી હતી.

ચાર મહિના પછી, 18 જુલાઈ 1944ના દિવસે આઝાદ હિંદ ફોજે પણ પીછેહટ કરવી પડી અને એણે જીતેલા પ્રદેશો પર ફરીથી બ્રિટિશ ભારતીય સેનાએ કબજો કરી લીધો.

13 મે 1945એ બર્માની રાજધાની રંગૂનને અંગ્રેજોએ પોતાના તાબે કરી લીધું. આ એ જ શહેર હતું જ્યાં આઝાદ હિંદ ફોજનું મુખ્ય મથક હતું. તેથી, રંગૂન પર જેવો અંગ્રેજોનો કબજો થયો, આઝાદ હિંદ ફોજના અધિકારીઓ અને સૈનિકોએ પણ આત્મસમર્પણ કરવા માટે મજબૂર થવું પડ્યું; અને એમને યુદ્ધકેદી બનાવી દેવાયા.

સુભાષચંદ્ર બોઝ પોતાના કેટલાક સાથીઓ સાથે રંગૂનથી ફરાર થવામાં સફળ થયા હતા. દુર્ભાગ્યે 18 ઑગસ્ટ 1945એ તેઓ જ્યારે સાઇગૉનથી જાપાન જતા હતા ત્યારે રસ્તામાં તાઈવાનના તાઈ હોકુ વિમાન મથકે એમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું અને એ દુર્ઘટનામાં એમનું મૃત્યુ થયું.

યુદ્ધકેદી બનાવેલા આઝાદ હિંદ ફોજના અધિકારીઓ અને સૈનિકોને ભારત લઈ અવાયા. અહીં પાંચ નવેમ્બર 1945એ એમના પર મુકદ્દમો ચલાવાયો.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મુંશી અબ્દુલ કદીરના પુસ્તક 'તારીખ-એ-આઝાદ હિંદ ફોજ' અનુસાર, "એ યુદ્ધકેદીઓમાં જનરલ શાહનવાઝ ખાન, કૅપ્ટન પી.કે. સહગલ અને લૅફ્ટનન્ટ જી.એસ. ઢિલ્લોંનાં નામ સૌથી ઉપર હતાં."

આ મુકદ્દમો 31 ડિસેમ્બર 1945 સુધી ચાલ્યો અને એમાં અધિકારીઓ અને સૈનિકોને વિભિન્ન સજાઓ ફટકારવામાં આવી. પરંતુ થોડા દિવસ પછી જન-આંદોલન થવાના કારણે સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો.

આઝાદ કરાયેલા યુદ્ધકેદીઓમાં એહસાન કાદિર પણ એક હતા, પરંતુ જેલ દરમિયાન કથિત રીતે એમને એટલી હદે પરેશાન કરાયેલા કે એમની માનસિક હાલત બગડી ગઈ હતી.

એમની જેલમુક્તિ પછી એમનો પરિવાર એમને લાહોર લઈ ગયો, જ્યાં એમની સારવાર કરાવી અને ધીમે ધીમે તેઓ સ્વસ્થ થઈ ગયા. 26 એપ્રિલ 1946એ એમના માનમાં સર અબ્દુલ કાદિરના ઘરે એક સ્વાગત સમારોહનું આયોજન કરાયું હતું.

line

ભાગલાનો કર્યો હતો વિરોધ

યુદ્ધકેદમાંથી મુક્તિ બાદ પોતાનાં પત્ની સાથે એહસાન કાદિર

ઇમેજ સ્રોત, COURTESY "TAREEKH KA AIK GUMSHUDA WARQ"

ઇમેજ કૅપ્શન, યુદ્ધકેદમાંથી મુક્તિ બાદ પોતાનાં પત્ની સાથે એહસાન કાદિર

એહસાન કાદિર ભારતના ભાગલાના પક્ષમાં નહોતા.

તેઓ સુભાષચંદ્રના 'સૈનિક' હતા અને તેઓ માનતા હતા કે ભારતને હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી એકતાની જરૂર છે.

વર્ષ 1947માં જ્યારે ભારતના ભાગલા થયા ત્યારે એ વિભાજનથી તેઓ ખૂબ દુઃખી થયા હતા, પરંતુ એમણે પાકિસ્તાનમાં રહેવાનું પસંદ કર્યું હતું.

પાકિસ્તાનના કમાન્ડર ઈન ચીફે એમને એક સંદેશો મોકલ્યો હતો કે જો તેઓ સ્વીકારી લે કે આઝાદ હિંદ ફોજમાં જોડાઈને એમણે ભૂલ કરી હતી અને એ માટે તેઓ માફી માગે છે, તો એમને માફ કરીને સૈન્યમાં પાછા લઈ શકાય એમ છે.

પરંતુ, આઝાદ હિંદ ફોજના કેટલાક મુસલમાન અધિકારીઓથી વિપરીત એમણે એમ કરવાનો (માફી માગવાનો) ઇનકાર કરી દીધો.

અહમદ સલીમે લખ્યું છે કે, 'સૈન્યમાં પુનઃ જોડાવાની તક ખોયા પછી પાકિસ્તાનના પહેલા વિદેશમંત્રી સર ઝફરુલ્લાહ ખાને એમને વિદેશમંત્રાલયમાં જોડાવા અને વિદેશમાં ફરજ બજાવવા માટેની ઑફર કરી હતી. એમણે એવું કહીને એ ઑફરનો અસ્વીકાર કર્યો હતો કે તેઓ દેશ છોડીને જવા નથી માગતા.'

એમણે લખ્યું છે કે, 'એહસાન કાદિરના ભાઈ મંઝૂર કાદિર સફળ વકીલ હતા. એહસાન કાદિરે પણ એ જ માર્ગ અપનાવવાની કોશિશ કરી હતી. કાયદાનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે પ્રૅક્ટિસ પણ શરૂ કરી હતી, પણ, પાકિસ્તાનમાં પરિસ્થિતિ પલટાઈ ચૂકી હતી. વકીલાતના ધંધાની ઝીણી-ઝીણી વિશિષ્ટતા એહસાન કાદિરને મોટા સ્તરનાં જૂઠાણાં લાગવા માંડી. પાખંડ એમને ફાવે એમ નહોતું, તેથી કાયદાના ક્ષેત્ર માટેનો એમનો મોહ છૂટી ગયો.'

line

મહેનત કરવાના કારણે છોડવું પડ્યું પદ

એહસાન કાદિરના નામે જવાહરલાલ નેહરુ દ્વારા લખાયેલા પત્રની ઝલક

ઇમેજ સ્રોત, COURTESY "TAREEKH KA AIK GUMSHUDA WARQ"

ઇમેજ કૅપ્શન, એહસાન કાદિરના નામે જવાહરલાલ નેહરુ દ્વારા લખાયેલા પત્રની ઝલક

પરંતુ એનું બીજું એક કારણ પણ હતું. માનસિકરૂપે તેઓ હજુ સૈન્યજીવનથી મુક્ત થયા નહોતા. જેલમાંથી છૂટ્યા પછી પણ થોડા સમય સુધી એમણે આઝાદ હિંદ ફોજની વરદી છોડી નહોતી.

નવા સ્વતંત્ર ઇસ્લામિક સ્ટેટના બ્રિટિશ કમાન્ડર ઈન ચીફ તેઓ માફી ન માગે ત્યાં સુધી સશસ્ત્ર દળમાં લેવા તૈયાર નહોતા. આખરે એમને સિવિલ ડિફેન્સ (નાગરિક સુરક્ષા વિભાગ) ટ્રેનિંગ સ્કૂલમાં કમાન્ડરનું પદ મળી ગયું. આ નવા કામમાં કમ સે કમ સેના જેવી વરદી તો હતી.

અહમદ સલીમે લખ્યું છે કે, 'નાગરિક સુરક્ષા (સિવિલ ડિફેન્સ) વિભાગ, બીજા બધા વિભાગોની જેમ, ભારતના ભાગલા પછી સમસ્યાઓથી ગ્રસ્ત હતો. કર્નલ એહસાન કાદિરે પોતાની ટેવ મુજબ અહીં પણ ખૂબ મહેનત કરી. એમણે વિભાગને સરખી રીતે કામ કરતો કરવા માટે રાતદિવસ કામ કર્યું.

' એ ધૂનમાં એમણે ફરી એક વાર ઘર છોડવું પડ્યું, પણ આ વખતે તેઓ પોતાના દેશમાં જ હતા. રાવલપિંડીમાં સ્કૂલના પ્રિન્સિપાલ તરીકેની નિયુક્તિ થયા પછી એમણે થોડો સમય મુરીમાં વિતાવવો પડ્યો. પછી એ સ્કૂલ લાહોરમાં સ્થળાંતરિત થઈ ગઈ. ત્યાર બાદ તેઓ સિવિલ ડિફેન્સ અકૅડેમીના કમાન્ડર બન્યા.'

અહમદ સલીમે લખ્યું છે કે, 'આ બધું બનતું રહ્યું એ દરમિયાન કોઈ એક એવી વસ્તુ હતી જે એમને અંદર ને અંદર બેચેન કરતી હતી. એમની ગંભીરતા આટલે પહોંચતાં સુધીમાં દબાયેલા શાંત ગુસ્સામાં ફેરવાઈ ગઈ હતી. જાણે એમણે મૌનની મુદ્રા ધારણ કરી લીધી હતી. એટલું જ નહીં તેઓ ખૂબ ઝડપથી ગુસ્સે થઈ જતા હતા. સિવિલ ડિફેન્સ એમને નાગરિકોની સુરક્ષા નહોતી લાગતી. તેઓ કદાચ ખોટી જગ્યા પર આવી ગયા હતા.'

દરમિયાન, પેલી ઘટના ઘટી, જેનો આપણે શરૂઆતમાં ઉલ્લેખ કર્યો છે, જ્યારે લશ્કરી સરમુખત્યાર અયૂબ ખાને એમની ફાઇલ પર લખ્યું હતું, 'એમને બોલવા દો. કાર્યવાહી કરવાની કશી જરૂર નથી.'

line

આઝાદ હિંદ ફોજની દુનિયા ખોવાઈ ગઈ

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

વર્ષ 1967માં તેઓ સેવાનિવૃત્ત થયા. હવે તેઓ મોટા ભાગનો સમય ઘરે જ વિતાવતા હતા. આઝાદ હિંદ ફોજની દુનિયા ક્યાંક દૂર - અતીતમાં ખોવાઈ ગઈ હતી.

જેલમુક્તિ પછી અને વિભાજન પહેલાંનાં દોઢ વર્ષમાં તેઓ આખા ભરતના રાજકીય નેતારૂપે ઊભર્યા હતા. પરંતુ ભારતના ભાગલા પછી જાતે ગુમનામીનું અંધારું ઓઢી લીધું હતું. લશ્કરી સરમુખત્યાર અયૂબ ખાન વિરુદ્ધના અસંગત અને અસંગઠિત સંઘર્ષે એમને અંદરથી એકલા પાડી દીધા હતા.

એમના ભાઈઓમાં જસ્ટિસ મંઝૂર કાદિર અને જનરલ અલ્તાફ કાદિર પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરી ચૂક્યા હતા, એમને નિષ્ફળતાનો સામનો પણ નહોતો કરવો પડ્યો.

અહમદ સલીમે આગળ લખ્યું છે કે, 'કર્નલ એહસાન કાદિરનું એકલવાયાપણું અને હતાશા જાતે ઊભાં કરેલાં નહોતાં. તેઓ એક સાચા અને અસલી મુજાહિદ (પ્રયત્નરત વ્યક્તિ) હતા, તેઓ નાયક જેવું જીવન જીવ્યા હતા, નામ કમાયા હતા. એમની ભૂલ માત્ર એટલી જ હતી કે તેઓ વિપરીત પરિસ્થિતિઓમાં અડ્જસ્ટ ન થઈ શક્યા.'

'એહસાન કાદિરને પોતાનાં પત્ની અને દીકરીઓ બાબતે સુખ જ સુખ હતું. એમનાં મોટાં દીકરી ઇંગ્લૅન્ડમાં હતાં. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી એમને (કર્નલ એહસાન કાદિરને) હૃદયરોગનો હુમલો આવ્યો. સારવાર માટે તેઓ પોતાનાં મોટાં દીકરી પાસે ઇંગ્લૅન્ડ ગયા, થોડા સમય પછી પાછા આવી ગયા અને 23 ડિસેમ્બર 1969ના રોજ હૃદય બંધ પડી જવાના કારણે એમનું નિધન થયું.'

એહસાન કાદિરનાં નાનાં દીકરી પરવીન કાદિર આગાએ સિવિલ સેવામાં કામ કર્યું અને સંઘીય સચિવના પદ પરથી નિવૃત્ત થયાં. આ એ જ પરવીન કાદિર આગા છે જેમને પરવીન શાકિરે પોતાના શાયરીસંગ્રહનું શ્રેય આપ્યું છે. પરવીન શાકિરના મૃત્યુ પછી, પરવીન કાદિર આગાએ પરવીન શાકિર ટ્રસ્ટ બનાવ્યું અને પરવીન શાકિરનાં કાર્યો અને વારસાનું જતન કર્યું.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો