નેતાજી સુભાષચંદ્ર બોઝ : નેતાજી અંગ્રેજોની આંખમાં ધૂળ નાખી કઈ રીતે ભાગ્યા?

ઇમેજ સ્રોત, NETAJI RESEARCH BUREAU
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
1940માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે એડોલ્ફ હિટલર લંડન પર ભારે બૉમ્બમારો કરી રહ્યા હતા ત્યારે ભારતમાં બ્રિટિશ સરકારે પોતાના સૌથી મોટા દુશ્મન સુભાષચંદ્ર બોઝને કલકત્તાની પ્રેસિડેન્સી જેલમાં કેદ કરી રાખ્યા હતા.
અંગ્રેજ સરકારે 2 જુલાઈ, 1940ના રોજ દેશદ્રોહના ગંભીર આરોપો હેઠળ સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી હતી. 29 નવેમ્બર 1940ના દિવસે સુભાષચંદ્ર બોઝે પોતાની ધરપકડના વિરોધમાં જેલની અંદર ભૂખ હડતાલ શરૂ કરી હતી.
એક સપ્તાહ પછી પાંચમી ડિસેમ્બરે ગવર્નર જ્હોન હરબર્ટે એક ઍમ્બુલન્સ બોલાવી અને બોઝને તેમના ઘરે મોકલાવી દીધા જેથી અંગ્રેજ સરકાર પર એવા આરોપ ન લાગે કે જેલમાં અંગ્રેજોના ત્રાસથી સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થયું છે.
હરબર્ટની ગણતરી એવી હતી કે બોઝની તબિયતમાં સુધારો થશે ત્યાર પછી તેમને ફરીથી પકડી લેવામાં આવશે.
બંગાળ સરકારે 38/2 એલિંગ્ટન રોડ પર આવેલા સુભાષચંદ્ર બોઝના ઘરની બહાર સાદાં કપડાંમાં પોલીસનો જાપ્તો ગોઠવ્યો હતો. એટલું જ નહીં નેતાજી સુભાષચંદ્ર બોઝ પોતાના ઘરમાં શું કરી રહ્યા છે તે જાણવામાં પણ અંગ્રેજોને રસ હતો. તેથી ઘરની અંદર થતી ગતિવિધિઓ પર નજર રાખવા માટે કેટલાક જાસૂસ પણ મૂકવામાં આવ્યા હતા.
તેમાંથી એક જાસૂસ એજન્ટ 207એ સરકારને જાણકારી આપી હતી કે સુભાષચંદ્ર બોઝ જેલમાંથી ઘરે આવ્યા પછી તેમણે ઓટમીલ અને શાકભાજીનો સૂપ પીધો હતો.
તે દિવસથી જ તેમને મળવા આવતી દરેક વ્યક્તિની જાસૂસી કરવામાં આવતી હતી અને તેમની હિલચાલ પર નજર રાખવામાં આવતી હતી.
સુભાષચંદ્ર બોઝના પત્રો પર પણ સરકાર નજર રાખતી હતી. બોઝ જે પત્રો લખતા તેમને પોસ્ટ ઑફિસમાં જ ખોલવામાં આવતા અને તેને વાંચવામાં આવતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'આમાર એકટા કાજ કૌરતે પારબે'

ઇમેજ સ્રોત, Getty Images
5 ડિસેમ્બરની બપોરે નેતાજી સુભાષચંદ્રે પોતાના 20 વર્ષીય ભત્રીજા શિશિરનો હાથ પકડ્યો તે સમયે નેતાજી સુભાષચંદ્ર બોઝની દાઢી ખાસી વધી ગઈ હતી. તેઓ પોતાના તકિયા પર આડા સૂતા હતા.
સુભાષચંદ્ર બોઝના પૌત્ર અને શિશિર બોઝના મોટા પુત્ર સૌગત બોઝે મને જણાવ્યું હતું, "સુભાષે મારા પિતાનો હાથ પોતાના હાથમાં લીધો અને તેમને પૂછ્યું, 'આમાર એકટા કાજ કૌરતે પારબે?' એટલે કે 'શું તમે મારું એક કામ કરશો?'
શિશિરને તો ખબર પણ ન હતી કે તેમણે કયું કામ કરવાનું છે. છતાં તેમણે હા પાડી દીધી. ત્યાર પછી ખબર પડી કે સુભાષચંદ્ર ભારતમાંથી ગુપ્ત રીતે બહાર છટકી જવા માટે શિશિરની મદદ લેવા માંગતા હતા.
તેના માટે એક યોજના ઘડવામાં આવી. શિશિર પોતાના કાકાને મોડી રાતે પોતાની કારમાં બેસાડીને કલકત્તાથી દૂર એક રેલવે સ્ટેશને લઈ જશે તેવું નક્કી કરવામાં આવ્યું."
સુભાષચંદ્ર બોઝ અને શિશિરે નક્કી કર્યું કે તેઓ ઘરના મુખ્ય દરવાજાથી જ બહાર નીકળશે. તેમની પાસે બે વિકલ્પો હતા. તેઓ પોતાની જર્મન વેન્ડરર કારનો ઉપયોગ કરે, અથવા અમેરિકન સ્ટૂડબેકર પ્રેસિડેન્ટ કારનો ઉપયોગ કરવામાં આવે.
અમેરિકન કાર મોટી હતી, પરંતુ તેને સરળતાથી ઓળખી શકાય તેવી હતી. તેથી છટકીને ભાગવાની આ યોજના માટે વેન્ડરર કારને પસંદ કરવામાં આવી.
શિશિર કુમાર બોઝ પોતાના પુસ્તક 'ધ ગ્રેટ એસ્કેપ'માં લખે છે, "અમે મધ્ય કલકત્તાના વેચલ મૌલા ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં જઈને કેટલાક પહોળા સલવાર અને ફેઝ ટોપી ખરીદી જેથી બોઝને વેશપલટો કરીને નીકળવામાં મદદ મળે. ત્યારપછીના દિવસોમાં અમે એક સુટકેસ, એક એટેચી, બે કાર્ટ્સવૂલના શર્ટ, ટોઈલેટનો કેટલાક સામાન, તકિયા અને ધાબડાની ખરીદી કરી."
"હું ફેલ્ટ હેટ લગાવીને એક પ્રિન્ટિંગ પ્રેસમાં ગયો અને ત્યાં મેં સુભાષ માટે વિઝિટિંગ કાર્ડ છપાવવાનો ઑર્ડર આપ્યો. કાર્ડ પર લખ્યું હતું, મોહમ્મદ ઝિયાઉદ્દીન, બીએ, એલએલબી, ટ્રાવેલિંગ ઇન્સ્પેક્ટર, ધ ઍમ્પાયર ઑફ ઇન્ડિયા ઍશ્યોરન્સ કંપની લિમિટેડ, કાયમી સરનામુઃ સિવિલ લાઇન્સ, જબલપુર."

બોઝ નાસી છૂટવાના છે તે માતાને અણસાર ન હતો

ઇમેજ સ્રોત, Getty Images
ભાગી છૂટવાની એક રાત પહેલાં જ શિશિરને ખબર પડી કે તેઓ જે સૂટકેસ ખરીદીને લાવ્યા છે તે સૂટકેસ વેન્ડરર કારના બૂટમાં સમાઈ શકે તેમ નથી. તેથી એવું નક્કી કરવામાં આવ્યું કે નેતાજી સુભાષચંદ્ર પાસે પહેલેથી જે સૂટકેસ છે તેનો જ ઉપયોગ કરવામાં આવશે.
તેના પર લખવામાં આવેલા તેમના નામ 'એસસીબી'ને ભૂંસી નાખવામાં આવ્યું. તેની જગ્યાએ ચાઇનીઝ શાહીથી 'એમઝેડ' લખવામાં આવ્યું. 16 જાન્યુઆરીએ કારની સર્વિસ કરાવવામાં આવી.
અંગ્રેજોની આંખમાં ધૂળ નાખવા માટે સુભાષચંદ્ર બોઝ નાસી છૂટ્યા છે તેની વાત ઘરમાં કોઈને જણાવાઈ ન હતી. નેતાજીનાં માતાને પણ આ વાતની ગંધ આવી ન હતી.
ઘર છોડતાં પહેલાં સુભાષે પોતાના પરિવારની સાથે છેલ્લી વખત ભોજન લીધું હતું. તે સમયે તેમણે રેશમનો કુર્તો અને ધોતી પહેરી હતી. સુભાષચંદ્ર બોઝને ઘરમાંથી બહાર નીકળવામાં થોડો વિલંબ થયો કારણ કે ઘરના બાકીના સભ્યો હજુ જાગતા હતા.

શયનખંડમાં લાઈટ ચાલુ રાખવામાં આવી

ઇમેજ સ્રોત, NETAJI RESEARCH BUREAU
સુભાષચંદ્ર બોઝ પર "હિઝ મેજેસ્ટીઝ ઓપોનન્ટ" પુસ્તક લખનારા સૌગત બોઝે મને જણાવ્યું, "રાત્રે એક વાગીને 35 મિનિટની આસપાસ સુભાષચંદ્ર બોઝે મોહમ્મદ ઝિયાઉદ્દીનનો વેશ ધારણ કર્યો. તેમણે સોનાની રિમ ધરાવતા ચશ્માં પહેર્યા જે તેમણે એક દાયકા અગાઉ પહેરવાના બંધ કરી દીધા હતા.
શિશિર તેમના માટે એક કાબુલી ચંપલ પણ ખરીદી લાવ્યા હતા જે તેમને પસંદ ન પડ્યા. તેથી લાંબા પ્રવાસ માટે સુભાષચંદ્રે દોરીવાળા ચામડાનાં જૂતાં પહેર્યાં. સુભાષચંદ્ર બોઝ કારની પાછલી સીટ પર જઈને બેસી ગયા. શિશિરે વેન્ડરર કાર બીએલએ 7169ના એંજિનને સ્ટાર્ટ કર્યું અને કારને ઘરની બહાર લાવ્યા. સુભાષના શયનખંડની લાઇટ એક કલાક માટે ચાલુ રાખી દેવામાં આવી."
આખું કલકત્તા શહેર જ્યારે ગાઢ નિદ્રામાં હતું ત્યારે કાકા-ભત્રીજાએ લોઅર સર્ક્યુલર રોડ, સિયાલદાહ અને હેરિસન રોડ પરથી પસાર થઈને હુગલી નદી પર બનેલા હાવડા પુલને પાર કર્યો.
બંને ચંદ્રનગરમાંથી પસાર થયા અને વહેલી સવાર થતા સુધીમાં આસનસોલના બહારના વિસ્તારમાં પહોંચી ગયા.
સવારે લગભગ સાડા આઠ વાગ્યે શિશિરે ધનબાદના બરારીમાં પોતાના ભાઈ અશોકના ઘરથી અમુક સો મીટર દૂર સુભાષચંદ્ર બોઝને કારમાંથી ઉતાર્યા.
શિશિર કુમાર બોઝ પોતાના પુસ્તક 'ધ ગ્રેટ એસ્કેપ'માં લખે છે, "હું અશોકને હજુ આખી વાત સમજાવી રહ્યો હતો ત્યાં જ થોડે દૂર ઉતારવામાં આવેલા ઇન્શ્યોરન્સ એજન્ટ ઝિયાઉદ્દીન (વેશપલટો કરનારા સુભાષચંદ્ર) ઘરમાં પ્રવેશ્યા. તેઓ અશોકને વીમા પોલિસી વિશે જણાવી રહ્યા હતા કે તેમણે કહ્યું કે અમે આ વાતચીત સાંજે કરીશું."
"નોકરોને આદેશ આપવામાં આવ્યા કે ઝિયાઉદ્દીન આરામ કરી શકે તે માટે એક ઓરડાની વ્યવસ્થા કરવામાં આવે. તેમની હાજરીમાં અશોકે ઝિયાઉદ્દીન સાથે અંગ્રેજી ભાષામાં મારો પરિચય કરાવ્યો. આ એ જ ઝિયાઉદ્દીન હતા તેમને મેં થોડી મિનિટો અગાઉ જ અશોકના ઘરની નજીક મારી કારમાંથી ઉતાર્યા હતા."

ગોમોથી કાલકા મેલમાં સવાર થયા

ઇમેજ સ્રોત, NETAJI RESEARCH BUREAU
સાંજના સમયે વાતચીત પૂરી થયા પછી ઝિયાઉદ્દીને પોતાના મેજબાનોને જણાવ્યું કે તેઓ ગોમો સ્ટેશનથી કાલકા મેલ પકડીને આગળની મુસાફરી કરશે.
કાલકા મેલ ગોમો સ્ટેશને મોડી રાતે આવતી હતી. ગોમો સ્ટેશને અડધી ઊંઘમાં હોય તેવા એક કુલીએ સુભાષચંદ્ર બોઝનો સામાન ઉપાડ્યો.
શિશિર બોઝ પોતાના પુસ્તકમાં લખે છે, "મેં મારા રંગા કાકાબાબૂને કુલીની પાછળ ધીમે ધીમે ઓવરબ્રિજ ચઢતા જોયા. થોડી વાર પછી તેઓ અંધારામાં ગાયબ થઈ ગયા. થોડા જ સમયમાં કલકત્તાથી રવાના થયેલી કાલકા મેલ ત્યાં પહોંચી ગઈ. હું ત્યાં સુધી સ્ટેશનની બહાર જ ઊભો હતો. બે મિનિટ પછી મને કાલકા મેલના આગળ ધપી રહેલાં પૈડાંનો અવાજ સંભાળાયો." સુભાષ ચંદ્ર બોઝની ટ્રેન પહેલા દિલ્હી પહોંચી, ત્યાંથી તેમણે પેશાવર જવા માટે ફ્રન્ટિયર મેલ પકડી.

પેશાવરમાં નેતાજી તાજમહલ હોટલમાં રોકાયા

ઇમેજ સ્રોત, NETAJI RESEARCH BUREAU
19 જાન્યુઆરીની મોડી સાંજે ફ્રન્ટિયર મેલ જ્યારે પેશાવરના કેન્ટોનમેન્ટ સ્ટેશનમાં પ્રવેશી ત્યારે સ્ટેશનની બહાર નીકળવાના ગેટ પાસે મિયાં અકબર શાહ ઊભા હતા.
તેમણે એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા મુસ્લિમ શખ્સને ગેટમાંથી બહાર નીકળતા જોયા. તેઓ સમજી ગયા કે આ બીજું કોઈ નહીં પણ વેશપલટો કરીને આવેલા સુભાષચંદ્ર બોઝ જ છે.
અકબર શાહ તેમની નજીક ગયા અને ત્યાં રાહ જોઈ રહેલી એક ઘોડાગાડીમાં બેસવા માટે કહ્યું. તેમણે ઘોડાગાડી ચલાવનારને આદેશ આપ્યો કે તેઓ આ સહગૃહસ્થને ડીન હોટલ પર લઈ જાય. ત્યાર પછી તેઓ એક બીજી ઘોડાગાડીમાં સવાર થયા.
મિયાં અકબર શાહ પોતાના પુસ્તક 'નેતાજીજ ગ્રેટ એસ્કેપ'માં લખે છે, "મારી ઘોડાગાડી ચલાવનારે કહ્યું કે તમે આ ધાર્મિક મુસ્લિમ વ્યક્તિને વિધર્મીઓની હોટલમાં શા માટે લઈ જાવ છો? તમે તેમને તાજમહલ હોટલમાં શા માટે નથી લઈ જતા જ્યાં મહેમાનોને નમાજ પઢવા માટે જાનમાજ અને વજૂ કરવા માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે?"
મને પણ લાગ્યું કે બોઝ માટે તાજમહલ હોટલ વધારે સુરક્ષિત જગ્યા હોઈ શકે છે કારણ કે ડીન હોટલમાં પોલીસના જાસૂસો પહેલેથી હાજર હોવાની શક્યતા છે.
તેથી અડધા રસ્તે બે વખત ઘોડાગાડીઓ બદલવામાં આવી. મોહમ્મદ ઝિયાઉદ્દીનથી તાજમહલ હોટલના મૅનેજર એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમના માટે ફાયર પ્લેસની સુવિધા ધરાવતો એક સુંદર રૂમ ખોલી આપ્યો.
બીજા દિવસે મેં સુભાષચંદ્ર બોઝને પોતાના એક સાથીદાર આબાદ ખાનના ઘરે શિફ્ટ કરી દીધા. ત્યાં કેટલાક દિવસો સુધી સુભાષચંદ્ર બોઝે ઝિયાઉદ્દીનનો વેશ છોડીને એક બહેરા પઠાણનો વેશ ધારણ કર્યો. આ એટલા માટે જરૂરી હતું, કારણ કે સુભાષ ચંદ્ર બોઝને સ્થાનિક પશ્તુ ભાષા બોલતા આવડતી ન હતી.

અડ્ડા શરીફની મઝાર પર જિયારત

ઇમેજ સ્રોત, NETAJI RESEARCH BUREAU
સુભાષ ચંદ્ર પેશાવર પહોંચ્યા તે પહેલાં જ અકબરે નક્કી કરી લીધું હતું કે ફોરવર્ડ બ્લૉકના બે લોકો - મોહમ્મદ શાહ અને ભગતરામ તલવાર, સુભાષ ચંદ્રને ભારતની સરહદ પાર કરાવશે.
ભગતરામનું નામ બદલીને રહમત ખાન રાખવામાં આવ્યું. એવું નક્કી કરાયું કે તેઓ પોતાના બહેરા-મૂંગા સ્વજન ઝિયાઉદ્દીનને અડ્ડા શરીફની મઝાર પર લઈ જશે જ્યાં તેઓ ફરીથી બોલતા અને સાંભળતા થઈ જાય તે માટે દુઆ માંગવામાં આવશે.
26 જાન્યુઆરી, 1941ની સવારે મોહમ્મદ ઝિયાઉદ્દીન અને રહેમત ખાન એક કારમાં રવાના થયા. બપોર સુધીમાં તેમણે બ્રિટિશ સામ્રાજ્યની સરહદ પાર કરી લીધી.
ત્યાં તેમણે કાર છોડીને ઉત્તર પશ્ચિમી ફ્રન્ટિયરના ઊબડખાબડ કબાઈલી વિસ્તારમાં પગપાળા ચાલવાનું શરૂ કરી દીધું. 27-28 જાન્યુઆરીની અડધી રાતે તેઓ અફઘાનિસ્તાનના એક ગામમાં પહોંચ્યા.
મિયાં અકબર શાહ પોતાના પુસ્તકમાં લખે છે, "આ લોકોએ ચાના ડબ્બાથી ભરેલી એક ટ્રકમાં લિફ્ટ લીધી અને 28 જાન્યુઆરીની રાતે જલાલાબાદ પહોંચ્યા. બીજા દિવસે તેમણે જલાલાબાદ પાસે અડ્ડા શરીફની મઝારની જિયારત કરી. 30 જાન્યુઆરીએ તેમણે ઘોડાગાડીમાં બેસીને કાબુલ તરફ આગળ વધવાનું શરૂ કર્યું. ત્યાર પછી તેઓ એક ટ્રક પર બેસીને બુદ ખાકના ચેક પૉઈન્ટ સુધી પહોંચ્યા. ત્યાંથી વધુ એક ઘોડાગાડી લઈને તેઓ 31 જાન્યુઆરી, 1941ની સવારે કાબુલમાં દાખલ થયા."

આનંદબજાર પત્રિકામાં સુભાષચંદ્ર ગાયબ થયાના સમાચાર છપાયા

ઇમેજ સ્રોત, NETAJI RESEARCH BUREAU
આ દરમિયાન સુભાષચંદ્ર બોઝને ગોમો છોડીને શિશિર 18 જાન્યુઆરીએ કલકત્તા પાછા આવી ગયા અને પોતાના પિતાની સાથે સુભાષચંદ્ર બોઝના રાજકીય ગુરુ ચિતરંજન દાસની પૌત્રીનાં લગ્નમાં હાજરી આપવા ગયા.
ત્યાં જ્યારે લોકોએ સુભાષચંદ્રની તબિયત વિશે તેમને પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે કાકા ગંભીર રીતે બીમાર છે.
સૌગત બોઝ પોતાના પુસ્તક 'હિઝ મેજેસ્ટીઝ અપોનન્ટ'માં લખે છે, આ દરમિયાન દરરોજ સુભાષચંદ્ર બોઝના એલ્ગિન રોડ પરના ઘરના રૂમમાં ભોજન પહોંચાડવામાં આવતું હતું. તેમના ભત્રીજા અને ભત્રીજીઓ જ આ ભોજન ખાતા હતા જેથી બહાર સૌને લાગે કે સુભાષચંદ્ર હજુ પોતાના ઓરડામાં છે.
સુભાષચંદ્રે શિશિરને જણાવ્યું કે જો તેઓ ચાર કે પાંચ દિવસ સુધી હું ભાગી ગયો છું તેના અહેવાલ છુપાવી શકે તો મને કોઈ નહીં પકડી શકે.
27 જાન્યુઆરીએ એક અદાલતમાં સુભાષચંદ્રની સામે એક કેસમાં સુનાવણી થવાની હતી. એવું નક્કી કરવામાં આવ્યું કે સુનાવણીના દિવસે જ કોર્ટને જણાવવામાં આવશે કે સુભાષચંદ્રનો તેમના ઘરમાં કોઈ પત્તો નથી.
સુભાષચંદ્રના બે ભત્રીજાઓએ પોલીસને જણાવ્યું કે તેઓ ઘરમાંથી ગાયબ થઈ ગયા છે.
આ સાંભળીને સુભાષચંદ્રનાં માતા પ્રભાવતી એટલું બધું રડ્યાં કે તેમની હાલત ખરાબ થઈ ગઈ. તેમને સંતુષ્ટ કરવા માટે સુભાષના ભાઈ શરતે પોતાના પુત્ર શિશિરને તે જ વેન્ડરર કારમાં સુભાષચંદ્રની શોધ કરવા માટે કાલીઘાટ મંદિર મોકલ્યો.
27 જાન્યુઆરીએ સૌથી પહેલાં આનંદ બજાર પત્રિકા અને હિંદુસ્તાન હેરેલ્ડમાં સુભાષચંદ્ર બોઝ ગુમ થયા હોવાના અહેવાલ છપાયા હતા. ત્યાર બાદ રોઇટર્સે પણ આ સમાચાર લીધા. ત્યાંથી આ સમાચાર આખી દુનિયામાં ફેલાઈ ગયા.
આ સાંભળીને બ્રિટિશ જાસૂસી અધિકારીઓને માત્ર આશ્ચર્ય નહોતું થયું પરંતુ તેમના માટે શરમજનક સ્થિતિ પણ સર્જાઈ હતી.
શિશિર કુમાર બોઝ પોતાના પુસ્તક 'રિમેમ્બરિંગ માય ફાધર'માં લખે છે, મેં અને મારા પિતાએ એ અફવાઓને વેગ આપ્યો કે સુભાષચંદ્ર સંન્યાસી થઈ ગયા છે. મહાત્મા ગાંધીએ જ્યારે સુભાષચંદ્ર બોઝના ગાયબ થઈ જવા અંગે ટેલિગ્રામ કર્યો ત્યારે મારા પિતાએ ત્રણ શબ્દોમાં જવાબ આપ્યો, "સર્કમસ્ટેન્સિસ ઇન્ડિકેટ રિનન્સિયેશન (પરિસ્થિતિ સંન્યાસ તરફ ઇશારો કરે છે.) " પરંતુ તેઓ રવિન્દ્રનાથ ટાગોર સમક્ષ આ અંગે જૂઠ બોલી ન શક્યા. જ્યારે તેમને ટાગોરને ટેલિગ્રામ મળ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો, "સુભાષ ગમે ત્યાં હોય, તેમને તમારાં આશીર્વાદ મળતાં રહે."

વાઇસરોય લિનલિથગો ગુસ્સાથી લાલચોળ થયા

ઇમેજ સ્રોત, NETAJI RESEARCH BUREAU
બીજી તરફ વાઇસરોય લિનલિથગોને જ્યારે સુભાષચંદ્ર બોઝ નાસી છૂટ્યા છે તેની ખબર મળી ત્યારે તેઓ બંગાળના ગવર્નર જ્હોન હરબર્ટ પર બહુ નારાજ થયા.
હરબર્ટે ત્યાર પછી પોતાના બચાવમાં કહ્યું કે સુભાષચંદ્ર બોઝ ભારત છોડીને બહાર ગયા છે તે અહેવાલ સાચા હોય તો શક્ય છે કે આપણને પછી તેનો ફાયદો મળશે.
પરંતુ લિનલિથગો આ તર્કને માનવા તૈયાર ન હતા. તેમણે કહ્યું કે આ ઘટનાથી બ્રિટિશ સરકારની બદનામી થઈ છે. કલકત્તાની સ્પેશિયલ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર જે વી બી જોનવિનનું વિશ્લેષણ એકદમ સચોટ હતું.
તેમણે લખ્યું કે, "શક્ય છે કે સુભાષ ચંદ્ર સંન્યાસી બની ગયા હોય, પરંતુ તેમણે આ ધાર્મિક કારણોથી નહીં પરંતુ ક્રાંતિની યોજના બનાવવા માટે કર્યું હશે."

સુભાષચંદ્ર બોઝે જર્મન દૂતાવાસનો સંપર્ક કર્યો

ઇમેજ સ્રોત, NETAJI RESEARCH BUREAU
31 જાન્યુઆરીએ પેશાવર પહોંચ્યા પછી રહેમત ખાન અને તેમના એક મૂંગા સ્વજન ઝિયાઉદ્દીન લાહૌરી ગેટ પાસે એક ધર્મશાળામાં રોકાયા.
આ દરમિયાન રહેમતખાને ત્યાંના સોવિયેત દૂતાવાસ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં સફળતા ન મળી. ત્યારે સુભાષચંદ્ર બોઝે સ્વયં જર્મન દૂતાવાસ સાથે સંપર્ક કરવાનો નિર્ણય લીધો.
તેમને મળ્યા પછી કાબુલના દૂતાવાસમાં જર્મન મિનિસ્ટર હાન્સ પિલ્ગરે 5 ફેબ્રુઆરીએ જર્મન વિદેશમંત્રીને એક તાર મોકલીને કહ્યું, "સુભાષચંદ્ર સાથે મુલાકાત પછી મેં તેમને સલાહ આપી કે તેઓ પોતાના ભારતીય મિત્રોની વચ્ચે પોતાને છુપાવી રાખે. મેં તેમના વતી રશિયન રાજદૂતનો સંપર્ક કર્યો છે." તેઓ ત્યાંથી નીકળી શકે છે તે વિશે બર્લિન અને મોસ્કોથી સહમતી આવી ત્યાં સુધી બોઝ સિમેન્સ કંપનીના હેર ટોમસ મારફત જર્મન લિડરશિપના સંપર્કમાં રહ્યા.
આ દરમિયાન ધર્મશાળામાં સુભાષચંદ્ર બોઝ અને રહેમત ખાન પર ખતરો હતો. એક અફઘાન પોલીસ કર્મચારીને તેમના પર શંકા ગઈ હતી. આ બંનેએ પહેલાં કેટલાક રૂપિયા આપીને અને પછી સુભાષચંદ્રની સોનાની કાંડા ઘડિયાળ આપીને પોતાનો પીછો છોડાવ્યો હતો. આ ઘડિયાળ સુભાષચંદ્રને તેમના પિતાજીએ ભેટમાં આપી હતી.

ઇટાલિયન રાજદ્વારી અધિકારીના પાસપોર્ટમાં બોઝની તસવીરૃ

ઇમેજ સ્રોત, NETAJI RESEARCH BUREAU
થોડા દિવસો પછી સિમેન્સના હેર ટોમસ મારફત સુભાષચંદ્ર બોઝ પાસે એક સંદેશ પહોંચ્યો.
તેમાં જણાવાયું હતું કે તેઓ અફઘાનિસ્તાનમાંથી નીકળવાની યોજનાને અમલમાં મૂકવા માંગતા હોય તો તેમણે કાબુલમાં ઇટાલીના રાજદૂત પાઇત્રો ક્વોરેનીને મળવું જોઈએ.
22 ફેબ્રુઆરી 1941ની રાતે બોઝે ઇટાલીના રાજદૂત સાથે મુલાકાત કરી. આ મુલાકાતના 16 દિવસ પછી 10 માર્ચ, 1941ના રોજ ઇટાલિયન રાજદૂતનાં રશિયન પત્ની સુભાષચંદ્ર બોઝ માટે એક સંદેશ લઈને આવ્યાં.
તેમાં જણાવાયું હતું કે સુભાષચંદ્ર બોઝ બીજાં કપડાં પહેરીને એક તસવીર ખેંચાવે.
સૌગત બોઝ પોતાના પુસ્તક "હિઝ મેજેસ્ટીઝ અપોનન્ટ"માં લખે છે, "સુભાષની તસવીરને એક ઇટાલિયન રાજદ્વારી અધિકારી ઓર્લાન્ડો મજોટાના પાસપોર્ટમાં તેમની તસવીરની જગ્યાએ ચોંટાડવામાં આવી. 17 માર્ચની રાતે સુભાષને એક ઇટાલિયન રાજદ્વારી અધિકારી સિનોર ક્રેસસિનીના ઘરે શિફ્ટ કરવામાં આવ્યા."
"સવાર થતાં જ તેઓ એક કારમાં બેસીને જર્મન એંજિનિયર વેંગર અને બીજા બે લોકો સાથે રવાના થયા. તેમણે અફઘાનિસ્તાની સરહદ પાર કરીને ત્યાંથી સૌથી પહેલાં સમરકંદ પહોંચ્યા. પછી તેઓ ટ્રેનથી મોસ્કો જવા રવાના થયા. ત્યાંથી સુભાષચંદ્ર બોઝે જર્મનીની રાજધાની બર્લિનની દિશા પકડી."

રવીન્દ્રનાથ ટાગોરે સુભાષચંદ્ર બોઝ પર વાર્તા લખી

ઇમેજ સ્રોત, NETAJI RESEARCH BUREAU
સુભાષચંદ્ર બોઝ સુરક્ષિત રીતે જર્મની પહોંચી ગયા ત્યાર બાદ તેમના ભાઈ શરતચંદ્ર બોઝ બીમાર રવિન્દ્રનાથ ટાગોરને મળવા શાંતિનિકેતન ગયા હતા.
ત્યાં તેમણે કવિવર ટાગોરને જણાવ્યું કે કઈ રીતે સુભાષચંદ્ર બોઝ અંગ્રેજોની નજરકેદમાંથી ભાગી નીકળ્યા છે.
ઑગસ્ટ 1941માં પોતાના મૃત્યુથી થોડા સમય અગાઉ લખવામાં આવેલી વાર્તા 'બદનામ'માં ટાગોરે આઝાદીની શોધમાં નીકળેલા એક એકલા મુસાફરની વાત કરી છે.
તેમાં આ મુસાફર અફઘાનિસ્તાનના જોખમી રસ્તા પરથી પસાર થાય છે તેનું માર્મિક ચિત્રણ કરવામાં આવ્યું છે. આ વાર્તા નેતાજી બોઝના સંઘર્ષ પર આધારિત હોવાનું માનવામાં આવે છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












