બ્રાહ્મણાબાદ : પાકિસ્તાનના આ શહેર પર હિંદુ રાજાઓનું શાસન હતું?

    • લેેખક, રિયાઝ સુહૈલ
    • પદ, બીબીસી ઉર્દૂ, કરાચી

સિંધની મધ્યમાં આવેલા બ્રાહ્મણાબાદનાં ખંડેરોમાં આરબ યોદ્ધા મોહમ્મદ બિન કાસિમના આગમન પહેલાંના પુરાતત્ત્વીય અવશેષ મળી આવ્યા છે.

ઐતિહાસિક સંદર્ભોમાં તેનો ઉલ્લેખ તો મળે છે, પણ શાહ અબ્દુલ લતીફ વિશ્વવિદ્યાલયના પુરાતત્ત્વ વિભાગે તાજેતરમાં જ કરેલી વૈજ્ઞાનિક શોધ મારફત પુરવાર કર્યું છે કે એ સ્થળે ત્રીજી શતાબ્દીના નગરના અવશેષો મોજૂદ છે.

ક્યાં આવેલું છે બ્રાહ્મણાબાદ?

બ્રાહ્મણાબાદ

ટ્રેનમાં કરાચીથી લાહોર જતી વખતે ટંડો આદમ રેલવે સ્ટેશન પછી શાહદાદપુર સ્ટેશન આવે છે.

શાહદાદપુરથી લગભગ 18 કિલોમીટર દૂર બ્રાહ્મણાબાદ અથવા મંસૂરાના જૂના શહેરના અવશેષો જોવા મળે છે.

અહીં એક સ્તૂપ પણ છે, જેને ઇતિહાસકારો બૌદ્ધ સ્તૂપ અથવા પૂજાસ્થળ કહે છે. તેની આજુબાજુમાં લાલ ઈંટોના ઢગલા પડ્યા છે અને આ ક્ષેત્ર ચાર કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે.

પુરાતત્ત્વ વિભાગનું કહેવું છે કે ઉપખંડમાં આ મુસલમાનોનો એવો સૌપ્રથમ મજબૂત ગઢ હતો, જે નદીની વચ્ચના એક દ્વીપ જેવું શહેર હતું.

line

બ્રાહ્મણાબાદનું ખોદકામ ક્યારે કરવામાં આવ્યું હતું?

બ્રાહ્મણાબાદ

બેલાસસ અને રિચર્ડસને વર્ષ 1854માં પહેલી વાર આ પુરાતત્ત્વ સ્થળોએ ખોદકામ કર્યું હતું અને પછી હેનરી કેઝિન્જે તેને આગળ વધાર્યું હતું.

પાકિસ્તાનની રચના પછી વર્ષ 1962માં રાષ્ટ્રીય પુરાતત્ત્વ મંત્રાલય દ્વારા ખોદકામ કરાવવામાં આવ્યું હતું. તેનો પ્રારંભિક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, પણ તેનો વ્યાપક અહેવાલ આજ સુધી પ્રકાશિત કરવામાં આવ્યો નથી.

આ અહેવાલમાં ડૉ. એફ. એ. ખાને જણાવ્યું હતું કે મંસૂરા શહેરના અવશેષ ઉપરાંત અહીં મસ્જિદના અવશેષ પણ મળ્યા છે. જોકે, ઇસ્લામ પહેલાંના અવશેષ ઉપલબ્ધ નથી.

શાહ અબ્દુલ લતીફ વિશ્વવિદ્યાલયના પુરાતત્ત્વ વિભાગના વડા ડૉ. ગુલામ મોહિઉદ્દીન વીસરનું કહેવું છે કે અહેવાલમાં ઇમારતોનાં સ્તર કે તેમના સમયખંડ બાબતે કોઈ વાત કરવામાં આવી નથી.

line

હાલના સંશોધનનો ઉદ્દેશ શું છે?

બ્રાહ્મણાબાદ

ડૉ. ગુલામ મોહિઉદ્દીન વીસરના વડપણ હેઠળ 20 શિક્ષકો અને વિદ્યાર્થીઓનું એક જૂથ હાલ બ્રાહ્મણાબાદ ખાતેના પુરાતત્ત્વ સ્થળે સંશોધન કરી રહ્યું છે.

હાલ છ સ્થળે સંશોધન કરવામાં આવી રહ્યું છે. આગલા તબક્કામાં સંશોધનને વિસ્તારવામાં આવશે.

ડૉ. વીસરે કહ્યું હતું, "મોહમ્મદ બિન કાસિમ આવ્યો ત્યારે આ નગર વસેલું હોવાનું કહેવાય છે. આ ધારણા સાચી છે કે નહીં તેની ચકાસણી અમારે કરવી છે. અહીંની ઇમારતોનું સ્તર કેવું છે, ક્યા પ્રકારની માટીનાં વાસણ મળી રહ્યાં છે અને એ કઈ સદી કે સમયને દર્શાવે છે એ પણ અમારે જાણવું છે."

મોહમ્મદ બિન કાસિમે બગદાદના શાસક હલાજ બિન યુસૂફના આદેશ અનુસાર હિજરી સન 712માં સિંધ પર આક્રમણ કર્યું હતું. એ સમયે સિંધમાં રાજા દાહિરનું શાસન હતું.

line

મસ્જિદની નીચે પ્રાચીન નગર હોવાના સંકેત

બ્રાહ્મણાબાદ

ડૉક્ટર ગુલામ મોહિઉદ્દીન વીસરનું કહેવું છે કે પ્રથમ સંશોધનમાં એક મસ્જિદનો ઉલ્લેખ મળે છે. તેથી તેમણે મસ્જિદ વિસ્તારમાં ચાર ખાડા ખોદ્યા છે, જે 15 ફૂટ ઊંડા છે. આ કામગીરીથી જાણવા મળ્યું છે કે હાલ અહીં જે શહેર છે તેના પહેલાં પણ અહીં એક નગર હતું.

તેમના જણાવ્યા અનુસાર, અહીં જે સ્તરની ઇમારતો અને માટીનાં વાસણ મળી રહ્યાં છે તેમાં પણ અંતર જોવા મળે છે. તેમાં ઇસ્લામિક કાળ અને પૂર્વ-ઇસ્લામિક કાળના સંકેત પણ છે.

તેમણે કહ્યું હતું, "અહીંથી મળેલાં માટીનાં વાસણોમાં ત્રીજી સદીના વાસણ જેવી સમાનતા છે. એ સસાનિદ કાળ એટલે કે ઇસ્લામની પહેલાંના ઈરાનના છેલ્લા બાદશાહી દૌર સંબંધી છે. માટીનાં આ પ્રકારનાં વાસણો ભાંભુરના પુરાતત્ત્વમાં પણ મળી ચૂક્યાં છે."

"તેના આધારે કહી શકાય કે આ નગર ત્રીજી શતાબ્દીથી વસેલું હતું. તેના પ્રસારને ધ્યાનમાં લઈને અમે કહીએ છીએ કે મોહમ્મદ બિન કાસિમે આ શહેરને જીત્યું એ પહેલાં પણ લોકો આ નગરમાં વસવાટ કરતા હતા."

line

કિંમતી પથ્થર અને ઘરેણાં

બ્રાહ્મણાબાદ

બ્રાહ્મણાબાદમાં કરાયેલા સંશોધનથી એવું પણ જાણવા મળ્યું છે કે આ શહેર આર્થિક ગતિવિધિનું કેન્દ્ર હશે.

અગાઉના સંશોધનમાં અહીંથી સિક્કા તથા અન્ય કળાકૃતિઓ મળી આવી હતી. એ બધી સામગ્રી પાકિસ્તાનની સ્થાપના પહેલાં બ્રિટિશ સંગ્રહાલયમાં અને મુંબઈ મોકલી આપવામાં આવી હતી.

બ્રાહ્મણાબાદ

ડૉ. વીસરે કહ્યું હતું, "તાજેતરના સંશોધનમાં માટીનાં વાસણ ઉપરાંત કિંમતી પથ્થર, નીલમ, રૂબી અને પન્ના પણ મળી આવ્યાં છે. એ સિવાય કિંમતી પથ્થરોને પૉલિશ કરવાનાં ઓજાર અને મોલ્ડઝ પણ મળ્યાં છે."

તેમણે ઉમેર્યું હતું, "આ બધાથી સમજાય છે કે અહીં કિંમતી પથ્થરનો ઉદ્યોગ હતો. એ ઉપરાંત અહીંથી હાથીદાંતનાં ઘરેણાં અને શેલ નામનો સ્લેટ જેવો નરમ પથ્થર તથા સિક્કા પણ મળ્યા છે. એ સિક્કા કયા સમયના છે તેની ખબર સિક્કાના સાફ કર્યા બાદ પડશે."

line

જમીનમાંથી પાણી કાઢવાની વ્યવસ્થા

બ્રાહ્મણાબાદ

મોહે-જો-દડો અને ભાંભુરની જેમ બ્રાહ્મણાબાદમાં પીવાના પાણીના કૂવા મળી આવ્યા છે. જોકે, અહીંના કૂવા થોડા અલગ છે.

ડૉ. ગુલામ મોહિઉદ્દીનના જણાવ્યા મુજબ, માટીનાં વાસણોની માફક ભઠ્ઠીમાં બનાવવામાં આવેલા પાઇપના રંગની એક લાઇન જમીનથી 15 ફૂટ નીચે છે. એ પાણીની લાંબી પાઇપલાઇન છે, જે એક આગવી ટેકનિક છે. એ ગટરની પાઇપલાઇન હોવાનું અગાઉના સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું.

line

ચાર દરવાજાવાળું શહેર

બ્રાહ્મણાબાદ

બ્રાહ્મણાબાદ વિશે અરબી અને ફારસી સહિતની વિવિધ ભાષાઓમાં ઐતિહાસિક સામગ્રી ઉપલબ્ધ છે. તેનાથી આ શહેરના અસ્તિત્વ વિશે જાણવા મળે છે.

સિંધી ભાષાના ઇતિહાસકાર અને નાટ્યકાર મિર્ઝા કલીચ બેગે 'પ્રાચીન સિંધ' પુસ્તકમાં લખ્યું છે કે બ્રાહ્મણાબાદ હિંદુ રાજાઓના શાસનકાળ વખતના સાત મોટા કિલ્લાઓવાળાં શહેરો પૈકીનું એક હતું.

બ્રાહ્મણ રાજા ચચના શાસનકાળમાં અધમ લોહાના આ પ્રદેશનો હાકેમ હતો. લાખા, સમા અને સહતા જાતિ પણ તેના શાસન હેઠળ હતી.

તેની સત્તા સમુદ્ર સુધી એટલે કે દેબલના બંદર સુધી ચાલતી હતી. ચચે અધમ સાથે યુદ્ધ કર્યું હતું અને તેમાં વિજય મેળવ્યા બાદ આ શહેર કબજે કર્યું હતું તથા અધમની વિધવાઓ સાથે લગ્ન કર્યાં હતાં.

મિર્ઝા કલીચ બેગે એવું પણ લખ્યું છે કે ચચના પુત્ર રાજા દાહિર શાસક બન્યા ત્યારે તેમણે તેમના ભાઈ દાહિર સિંહની અહીંના હાકેમ તરીકે નિમણૂક કરી હતી અને તેમના મૃત્યુ પછી શાસન તેમના પુત્રોને સોંપ્યું હતું.

મૌલાના શૈદાઈએ 'જન્નત-ઉલ-સિંધ' નામના પુસ્તકમાં લખ્યું છે કે અહીં બૌદ્ધ ધર્મનું એક પૂજાસ્થળ હતું. અહીં જ્યોતિષવિજ્ઞાનના નિષ્ણાતો પણ હતા. એક કટ્ટર બ્રાહ્મણ હોવા છતાં ચચે બૌદ્ધ ધર્મના પૂજાસ્થળને યથાવત્ રાખ્યું હતું.

ડૉ. વીસરે જણાવ્યું હતું કે અહીં એક બૌદ્ધ સ્તૂપ હોવાનું પહેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું, પણ તેની વિશેષતા કે પ્રતીકોની પ્રાસંગિક સામગ્રી ઉપલબ્ધ નથી. બૌદ્ધ સ્તૂપની કેટલીક વિશિષ્ટતા હોય છે, પણ એવી કોઈ બુદ્ધની પ્રતિમા કે મૂર્તિ મળતી નથી.

line

મોહમ્મદ બિન કાસિમનું આગમન

બ્રાહ્મણાબાદ

'જન્નત-ઉલ-સિંધ'માં મૌલાના શેદાઈએ લખ્યું છે કે રાજા દાહિરની હત્યા પછી તેમના દીકરા જયસિંહ પાસે મોહમ્મદ અલાફી ઉપરાંત 15,000 સૈનિકોનું લશ્કરી દળ હતું. (મોહમ્મદ અલાફીએ ઓમાનના ખલીફા સામે વિદ્રોહ કર્યો હતો. વિદ્રોહ નિષ્ફળ રહ્યા બાદ રાજા દાહિરે મોહમ્મદ અલાફીને શરણ આપ્યું હતું). સિયાસગર નામના પ્રધાને એ બન્નેને બ્રાહ્મણાબાદ તરફ જવાની સલાહ આપી હતી, જ્યાં મોટો ખજાનો દટાયેલો હતો.

બ્રાહ્મણાબાદ કિલ્લાના જર બેડી, સાહતિયા, મંહડો અને સાલબાહ નામના ચાર દરવાજા હતા. એ દરવાજા પર જયસિંહે ચાર સેનાપતિને સૈન્ય સાથે તહેનાત કર્યા હતા.

મૌલાના શેદાઈના જણાવ્યા અનુસાર, એ મોહમ્મદ બિન કાસિમ વિરુદ્ધનું સિંધીઓનું અંતિમ યુદ્ધ હતું.

ઇસ્લામી વર્ષના રજબ મહિનામાં અરબી સૈન્ય બ્રાહ્મણાબાદ નજીક પહોંચ્યું હતું. મોહમ્મદ બિન કાસિમના આદેશ અનુસાર કિલ્લાની ચારે તરફ ખાઈ ખોદવામાં આવી હતી.

જયસિંહે ગોરીલા યુદ્ધ શરૂ કરીને સમગ્ર ક્ષેત્રને બરબાદ કરી નાખ્યું હતું, જેથી ઇસ્લામી સૈન્યને સાધનસામગ્રી અને જાનવરોને ઘાસ ન મળી શકે.

છ મહિનાની ઘેરાબંધી બાદ હાર થઈ અને નાગરિકોએ કિલ્લાના દરવાજા ખોલી નાખ્યા. મોહમ્મદ બિન કાસિમે તેમના પર જજિયા વેરો નાખ્યો. એ વિજય હિજરી સન 94મા મોહર્રમના મહિનામાં થયો હતો.

line

ઈરાની બાદશાહનું શહેર

બ્રાહ્મણાબાદ

કેટલાક ઇતિહાસકારો માને છે કે આ બ્રાહ્મણાબાદ શહેર ઈરાની રાજાએ વસાવ્યું હતું. સિંધના એક વિદ્વાન, ઇતિહાસકાર ગુલામ અલી અલાનાએ આ વિશે એ લેખ લખ્યો હતો. એ લેખ મેહરાન મૅગેઝિનમાં 'મંસૂરા પર ઇસ્માઇલી શાસન' શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

ગુલામ અલી અલાનાએ લખ્યું હતું કે સસાનિદ પરિવારના શાસક ગુશ્તસ્પે સિંધુ ખીણમાંનું પોતાનું શાસન બહમનને સોંપી દીધું હતું, જે ઈરાનના ઇતિહાસમાં 'બહમન અર્દેશિર દર્જ દાસ્ત'ના નામે વિખ્યાત છે.

બહ્મને સિંધમાં એક શહેર વસાવ્યું હતું અને તેનું નામ બહમનો હતું. બાદમાં એ શહેર બ્રહ્મબાદ નામે ઓળખાવા લાગ્યું હતું. કેટલાક આરબ પ્રવાસીઓએ બ્રહ્મબાદ અને મંસૂરાને એક જ શહેર ગણાવ્યાં છે.

યાકૂત લહૂમીને ટાંકીને તેમણે લખ્યું છે કે અલ-મંસૂરા બ્રાહ્મણાબાદનું બીજું નામ છે.

આરબ પ્રવાસી અલ-બેરુનીના જણાવ્યા અનુસાર, બ્રાહ્મણાબાદનું નામ બહમનવા છે. મુસલમાનોના શાસન પહેલાં એ શહેરને બ્રાહ્મણાબાદ કહેવામાં આવતું હતું.

સિંધના સંશોધક અને ઇતિહાસકાર ડૉ. નબી બક્ષ બલોચ પણ ડૉ. અલાનાની વાતને સમર્થન આપે છે.

તેમના જણાવ્યા મુજબ, અર્દેશિરના આદેશને પગલે બ્રાહ્મણાબાદનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને લાંબા સમય પછી સિંધમાં બ્રાહ્મણોનો પ્રભાવ વધ્યા પછી બહમનાબાદ શહેર બ્રાહ્મણાબાદ નામે ઓળખાવા લાગ્યું હતું.

આ પરિવર્તન બ્રાહ્મણોના વર્ચસ્વ અથવા સિંધી ભાષાની સ્થાનિક બોલીને કારણે થયું હોય એ શક્ય છે.

line

બ્રાહ્મણાબાદ કે મંસૂરા?

બ્રાહ્મણાબાદ

સંશોધનકર્તાઓ માને છે કે સૈન્ય અને રાજકીય જરૂરિયાતોને કારણે આરબોએ સિંધમાં તેમનાં શહેરો વસાવવા પડ્યાં હતાં. એ પૈકીના મહફૂઝા, બૈજા અને મંસૂરા વિખ્યાત થયાં હતાં.

ઈલિયટે બ્લાઝારીને ટાંકીને લખ્યું છે કે બ્રહ્માબાદ મંસૂરાથી દૂર હતું. બ્રહ્માબાદનો એક મોટો હિસ્સો મંસૂરામાં સામેલ થઈ ગયો હતો અને તેની બાજુમાં મહફૂઝા વસાવવામાં આવ્યું હતું.

સિંધના ઇતિહાસકાર એમ. એચ. પનહૂરે લખ્યું છે કે બ્રાહ્મણાબાદ અને મંસૂરા એક જ શહેરનાં બે નામ હોવાનું ઐતિહાસિક પુરાવાને આધારે જાણવા મળે છે.

યઝીદ અલ-કલ્બીના સમયમાં સિંધની રાજધાની અલવરથી મંસૂરા લાવવામાં આવી હતી.

સન 961માં સિંધની યાત્રા કરી ચૂકેલા બશારી અલ મુકદ્દસીએ તેમના પુસ્તક 'અહસન અલ-તક્સીમ મારીફ અલ-કલીમ'માં લખ્યું છે કે મંસૂરા એક કિલોમીટર લાંબું અને બે કિલોમીટર પહોળું શહેર છે. તેની ચારે તરફ નદી છે અને ચાર દરવાજા છે.

તેમના જણાવ્યા અનુસાર, મંસૂરાનું ક્ષેત્રફળ દમિશ્ક જેટલું જ છે. મંસૂરામાંનાં ઘરો લાકડાં તથા માટીનાં બનેલાં છે, પણ જામા મસ્જિદનું નિર્માણ પથ્થરો અને ઈંટો વડે કરવામાં આવ્યું છે. એ બહુ મોટી ઇમારત છે, જે શહેરના કેન્દ્રમાં આવેલી છે.

line

મહમૂદ ગઝનવીનો હુમલો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બ્રાહ્મણાબાદ પર મહમૂદ ગઝનવીએ પણ હુમલો કર્યો હતો. એમ. એચ. પનહૂરે લખ્યું છે કે સોમનાથ મંદિર પરના હુમલા પછી મહમૂદ ગઝનવીએ મંસૂરા પર હુમલો કર્યો હતો.

ત્યાં ખફીફ સુમરુનું શાસન હતું. ખફીફ હુમલા પહેલાં નાસી છૂટ્યા હતા. એ લડાઈમાં મોટા પાયે નરસંહાર થયો હતો અને શહેરના કેટલાક હિસ્સામાં આગ લગાવી દેવામાં આવી હતી.

પનહૂરના જણાવ્યા મુજબ, મહમૂદ ગઝનવીના દરબારી શાયર ફરખીએ તેમના 10 પંક્તિના કસીદામાં ખફીફ ખજૂરના બાગમાં કઈ રીતે ભાગ્યો તેનો, બચવા માટે નદીમાં કૂદેલા લોકોના મોતનો અને નરસંહારનો ઉલ્લેખ કર્યો છે.

હેનરી કેનીઝને ટાંકીને પનહૂરે લખ્યું છે કે શહેરની ગલીઓમાં ચલણી સિક્કાઓ વેરાયેલા પડ્યા હતા. તેથી અહીં લૂંટફાટ કરવામાં આવ્યાનું અનુમાન થઈ શકે.

કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે ભારતના વર્તમાન ગુજરાત રાજ્યના સોમનાથ મંદિર પર હુમલો કર્યા બાદ પાછા જતી વખતે મહમૂદ ગઝનવી મંસૂરા ગયો હતો અને ત્યાં હુમલો કર્યા બાદ તેણે મુલતાન પર પણ હુમલો કર્યો હતો. જોકે, આ વાત સાથે પનહૂર સહમત નથી.

ડૉ. ગુલામ અલી અલાનાએ લખ્યું છે કે શિયા આંદોલનના અગ્રણી ઉપદેશક અલ-અશતર સૌથી પહેલા મંસૂરા પહોંચ્યા હતા. એ સમય અબૂ જાફર મંસૂર અબ્બાસીના બળવાનો હતો અને ઉમર બિન હફ્સ મંસૂરાના હાકેમ હતા.

તે સઆદાતનો સમર્થક હતો અને તેમણે તેને આમંત્રણ આપ્યું હતું. તેણે શહેરના વગદાર લોકોને બોલાવીને બળવાની જાહેરાતનો નિર્ણય કર્યો હતો. એ સમાચાર બગદાદ સુધી પહોંચી ગયા હતા અને અલ અશતરે ભાગવું પડ્યું હતું.

line

બ્રાહ્મણાબાદ અથવા મંસૂરાનું પતન કેવી રીતે થયું?

બ્રાહ્મણાબાદ

અહીં જેમણે સૌપ્રથમ ખોદકામ કર્યું હતું એ બેલાસસ અને રિચર્ડસન માને છે કે ધરતીકંપને કારણે આ શહેરનો વિનાશ થયો હતો.

શાહ અબ્દુલ લતીફ વિશ્વવિદ્યાલયમાં પુરાતત્ત્વ વિભાગના વડા ગુલામ મોહિઉદ્દીને ધરતીકંપની થિયરીને નકારતાં કહ્યું હતું, "બધી દીવાલો સલામત છે અને ક્યાંયથી ઝૂકેલી નથી."

શહેર પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને આગ ચાંપવામાં આવી હતી એ વાત સાથે પણ અસહમત થતાં તેમણે કહ્યું હતું, "આગનાં નિશાન કે બળેલાં લાકડાં વગેરે ક્યાંયથી મળ્યાં નથી."

એમ. એચ. પનહૂર માને છે કે હાકરા નદી સુકાઈ ગઈ અને સિંધુ નદીએ પોતાનું વહેણ બદલી લીધું હતું. આ ક્ષેત્રમાં દસમી સદીમાં આ પરિવર્તન થયું હતું, એવું ઐતિહાસિક રેકૉર્ડ દર્શાવે છે.

ડૉ. વીસર પણ માને છે કે સિંધુ નદીએ પોતાનું વહેણ ફેરવી નાખ્યું હોય, તેનો પ્રભાવ સંચાર તથા સુવિધા પર પડ્યો હોય એ શક્ય છે.

તેમના જણાવ્યા મુજબ, ખોદકામમાં મળેલી ઇમારતનો ઢાંચો અગાઉની ઇમારતો જેટલો સારો નથી. પછીથી બનાવવામાં આવેલાં ઘરોમાં મોહે-જો-દડોની માફક ઈંટોનો ફરી ઉપયોગ કરવામાં આવ્યો હતો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ