નેતાજી સુભાષચંદ્ર બોઝની અનોખી પ્રેમકહાણી તમને ખબર છે?

ઇમેજ સ્રોત, Netaji Research Bureau
- લેેખક, પ્રદીપ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
સુભાષચંદ્ર બોઝ 1934માં ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં હતા. 1943 સુધીમાં તેઓ કોંગ્રેસના યોદ્ધા તરીકે ઓળખાવા લાગ્યા હતા.
સવિનય કાનૂન ભંગ આંદોલન વખતે જેલમાં બંધ સુભાષચંદ્ર બોઝની તબિયત 1932ના ફેબ્રુઆરીમાં બગડવા લાગી હતી.
એ પછી તત્કાલીન બ્રિટિશ સરકાર તેમને સારવાર માટે યુરોપ મોકલવા તૈયાર થઈ હતી. જોકે, સારવારનો ખર્ચ સુભાષચંદ્ર બોઝના પરિવારે જ કરવાનો હતો.
યુરોપમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને આઝાદીની લડાઈ માટે એકત્ર કરવાનું તેમણે વિયેનામાં સારવાર દરમિયાન નક્કી કર્યું હતું.
એ વખતે યુરોપના એક પ્રકાશકે તેમને 'ધ ઈન્ડિયન સ્ટ્રગલ' પુસ્તક લખવાનું કામ સોંપ્યું હતું.
એ કામ માટે અંગ્રેજી ભાષાની સાથે ટાઇપિંગ પણ જાણતા હોય તેવા મદદનીશની સુભાષચંદ્ર બોઝને જરૂર હતી.
સુભાષચંદ્ર બોઝના દોસ્ત ડો. માથુરે તેમને બે લોકોના રેફરન્સ આપ્યા હતા. એ બન્ને વિશે મળેલી માહિતીને આધારે સુભાષચંદ્ર બોઝે બહેતર ઉમેદવારને બોલાવ્યો હતો.
જોકે, ઇન્ટર્વ્યૂ દરમિયાન એ ઉમેદવારથી સંતુષ્ટ ન થતાં સુભાષચંદ્ર બોઝે બીજા ઉમેદવારને બોલાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજો ઉમેદવાર 23 વર્ષનાં એમિલી શેંકલ હતાં. સુભાષચંદ્ર બોઝે સુંદર ઓસ્ટ્રિયન યુવતી એમિલીને મદદનીશ તરીકે પસંદ કર્યાં હતાં.
એમિલીએ 1934ના જૂનથી સુભાષચંદ્ર બોઝ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું.
1934માં સુભાષચંદ્ર બોઝ 37 વર્ષના હતા અને તેમનું ધ્યાન સંપૂર્ણપણે ભારતને અંગ્રેજોથી આઝાદ કરવા પર કેન્દ્રીત હતું.
જોકે, એમિલી તેમના જીવનમાં એક નવું તોફાન લઈને આવી છે એ વાતની સુભાષચંદ્ર બોઝને ખબર ન હતી.

પ્રેમનું તોફાન

ઇમેજ સ્રોત, Netaji Research Bureau
સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ શરતચંદ્રના પૌત્ર સુગત બોઝે સુભાષચંદ્ર બોઝના જીવન વિશે 'હિઝ મેજેસ્ટી ઓપોનેંટ-સુભાષચંદ્ર બોઝ ઍન્ડ ઇન્ડિયાઝ સ્ટ્રગલ અગેન્સ્ટ એમ્પાયર' નામનું પુસ્તક લખ્યું છે.
એ પુસ્તકમાં તેમણે લખ્યું છે કે એમિલી સાથે મુલાકાત બાદ સુભાષચંદ્રના જીવનમાં નાટકીય પરિવર્તન આવ્યું હતું.
સુગત બોઝના જણાવ્યા અનુસાર, સુભાષચંદ્ર બોઝને પ્રેમ તથા લગ્ન માટે અગાઉ ઘણી ઓફર આવી હતી પણ તેમણે તેમાં રસ લીધો ન હતો.
અલબત, એમિલીની સુંદરતાએ સુભાષચંદ્ર પર જાણે કે જાદુ કર્યો હતો.
સુગત બોઝે પુસ્તકમાં એમિલીને ટાંકીને જણાવ્યું છે કે "પ્રેમની પહેલ સુભાષચંદ્ર બોઝે કરી હતી અને ધીમે-ધીમે અમારો સંબંધ રોમૅન્ટિક થતો ગયો હતો."
"1934ના મધ્યથી 1936ના માર્ચ દરમિયાન ઓસ્ટ્રિયા તથા ચેકૉસ્લોવેકિયામાં વસવાટ વખતે અમારો સંબંધ વધારે મધુર બન્યો હતો."
એમિલીનો જન્મ 1910ની 26 ફેબ્રુઆરીએ ઑસ્ટ્રિયાના એક કેથલિક પરિવારમાં થયો હતો.
પોતાની દીકરી કોઈ ભારતીયને ત્યાં કામ કરે એ એમિલીના પિતાને પસંદ ન હતું પણ તેઓ સુભાષચંદ્ર બોઝને મળ્યા ત્યારે તેઓ તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થયા હતા.
વિખ્યાત વિદ્વાન રુદ્રાંશુ મુખરજીએ સુભાષચંદ્ર બોઝ અને જવાહરલાલ નેહરુના જીવનનો તુલનાત્મક અભ્યાસ કરીને 'નેહરુ ઍન્ડ બોઝ, પૅરલેલ લાઇવ્ઝ' નામનું પુસ્તક લખ્યું છે.
એ પુસ્તકમાં 'ટુ વુમન ઍન્ડ ટુ બૂક્સ' શિર્ષક હેઠળ એક પ્રકરણ લખ્યું છે. તેમાં નેહરુ અને બોઝના જીવનમાં તેમની પત્નીઓની ભૂમિકા વિશે લખવામાં આવ્યું છે.

સુભાષચંદ્ર બોઝનો લવલેટર

ઇમેજ સ્રોત, Netaji Research Bureau
રુદ્રાંશુ મુખરજીએ પુસ્તકમાં લખ્યું છે, "પોતાનો સંબંધ અત્યંત અલગ અને મુશ્કેલ બનવાનો છે એવું સુભાષચંદ્ર અને એમિલીએ શરૂઆતમાં જ સ્વીકારી લીધું હતું."
"સુભાષચંદ્ર અને એમિલીએ એકમેકને લખેલા પત્રોમાં જે સંબોધન કર્યાં છે તેના પરથી ખબર પડે છે કે એમિલી સુભાષચંદ્રને મિસ્ટર બોઝ તરીકે જ્યારે સુભાષચંદ્ર એમિલીને મિસ શેંકલ અથવા પર્લ શેંકલ તરીકે સંબોધતા હતા."
ઓળખ છૂપાવીને રહેવાની મજબૂરી અને સૈનિક સંઘર્ષમાં યુરોપના દેશોની મદદ મેળવવાની ભાગદોડને લીધે સુભાષચંદ્ર તેમના પ્રેમસંબંધ બાબતે વધારે સતર્ક રહેતા હશે એ હકીકત છે.
જોકે, એમિલી માટે તેમના મનમાં કેવો ભાવ હતો એ એક પત્ર પરથી સમજાય છે. એ પત્રને સુભાષચંદ્ર બોઝે લખેલો પ્રેમપત્ર કહી શકાય.
એ અંગત પત્ર સુભાષચંદ્ર બોઝે એમિલીને લખેલા પત્રોના સંગ્રહમાં પહેલાં સામેલ ન હતો. એ પત્ર ખુદ એમિલીએ શરતચંદ્ર બોઝના પુત્ર શિશિરચંદ્રનાં પત્ની કૃષ્ણાને આપ્યો હતો.
1936ની પાંચમી માર્ચે સુભાષચંદ્ર બોઝે લખેલો પત્ર આ રહ્યોઃ
"માય ડાર્લિંગ,
સમય જતાં હિમપર્વત પણ પીગળતો હોય છે, એવો ભાવ હાલ મારામાં છે. હું તને કેટલો પ્રેમ કરું છું એ જણાવવા માટે કંઈક લખવા હું મારી જાતને રોકી શકતો નથી."
"જેમ આપણે એકમેકને કહીએ છીએ તેમ, માય ડાર્લિંગ, તું મારા હૃદયની રાણી છો, પણ તું મને પ્રેમ કરે છે?"
"ભવિષ્યમાં શું થશે તેની મને ખબર નથી. આખી જિંદગી જેલમાં પસાર કરવી પડે એ શક્ય છે."
"મને ગોળી મારી દેવામાં આવે કે ફાંસી પર લટકાવી દેવામાં આવે એ શક્ય છે."
"એ પણ શક્ય છે કે હું ભવિષ્યમાં તને ક્યારેય જોઈ ન શકું, પત્ર લખી ન શકું, પણ મારા પર વિશ્વાસ કર, તું હંમેશા મારા દિલમાં રહીશ, મારા વિચારો અને સપનામાં રહીશ."
"આ જીવનમાં આપણે નહીં મળીએ તો આગલા જીવનમાં હું તારી સાથે રહીશ."
પત્રના અંતે સુભાષચંદ્ર બોઝે લખ્યું છે, "હું તારામાંની સ્ત્રીને પ્રેમ કરું છું, તારા આત્માને પ્રેમ કરું છુ. તું પહેલી સ્ત્રી છો, જેને મેં પ્રેમ કર્યો છે."
સુભાષચંદ્ર બોઝે આ પત્રને નષ્ટ કરવાની વિનંતી પણ કરી હતી, પરંતુ એમિલીએ એ પત્ર સંભાળીને રાખ્યો હતો.

પ્રેમના બંદીવાન

ઇમેજ સ્રોત, Netaji Research Bureau
સુભાષચંદ્ર બોઝ એમિલીના પ્રેમમાં સંપૂર્ણપણે જકડાઈ ગયા હતા એ દેખીતું છે.
સુભાષચંદ્રના ગાઢ દોસ્ત અને રાજકીય સાથી એ.સી.એન. નામ્બિયારે આ બાબતે સુગત બોઝ સાથે વાત કરી હતી.
નામ્બિયારે કહ્યું હતું, "સુભાષચંદ્ર આદર્શવાદી વ્યક્તિ હતા. તેમનું ધ્યાન માત્ર ભારતને આઝાદી અપાવવા પર કેન્દ્રીત હતું."
"તેઓ એ માર્ગ પરથી ભટક્યા હોવાની વાત કરીએ તો તેમને એમિલી સાથે પ્રેમ થયો ત્યારે એવું બન્યું હતું."
"સુભાષચંદ્ર એમિલીને બેહદ પ્રેમ કરતા હતા. તેઓ એમિલીના પ્રેમમાં ડૂબી ગયા હતા."
એ સમયે સુભાષચંદ્ર બોઝની મનોદશા કેવી હતી તેનો ખ્યાલ 1937ના એપ્રિલ કે મેમાં તેમણે એમિલીને લખેલા પત્ર પરથી આવે છે.
કેપિટલ લેટર્સમાં લખેલા એ પત્રમાં સુભાષચંદ્રે જણાવ્યું હતું,
"તને પત્ર લખવાનું છેલ્લા કેટલાક દિવસોથી વિચારી રહ્યો હતો."
"તારા વિશેના મારા મનોભાવ લખવાનું મારા માટે કેટલું મુશ્કેલ હતું એ તું સમજી શકે છે."
"હું તને માત્ર એટલું જણાવવા ઇચ્છું છું કે હું પહેલાં જેવો હતો એવો જ અત્યારે છું."
"તારા વિશે વિચાર્યું ન હોય એવો એકેય દિવસ ગયો નથી. તું હંમેશા મારી સાથે હોય છે અને બીજા કોઈ વિશે હું વિચારી પણ શકતો નથી."
"આટલા મહિનાઓમાં હું કેટલો દુખી રહ્યો, કેટલી એકલતા અનુભવી એ પણ હું તને જણાવી શકું તેમ નથી."
"મને માત્ર એક ચીજ ખુશ રાખી શકે છે, પણ એ શક્ય બનશે કે કેમ એ હું જાણતો નથી."
"તેમ છતાં હું દિવસ-રાત એ વિશે વિચારતો રહું છું અને પ્રાર્થના કરું છું કે ભગવાન મને સાચો રસ્તો દેખાડે."

ચૂપચાપ કર્યાં લગ્ન

ઇમેજ સ્રોત, Netaji Research Bureau
આ પત્રોમાં વ્યક્ત થયેલી અકળામણને પગલે આગલી મુલાકાતમાં સુભાષચંદ્ર અને એમિલીએ લગ્ન કરી લીધાં હતાં.
એમિલીએ કૃષ્ણા બોઝને જણાવ્યા અનુસાર, એમિલીના 27મા જન્મદિવસે-1937ની 26 ડિસેમ્બરે બાદગિસ્તાનમાં તેમનાં લગ્ન થયાં હતાં.
બાદગિસ્તાન સુભાષચંદ્ર અને એમિલીને પ્રિય રિઝોર્ટ હતું. જોકે, બન્નેએ એ લગ્નને ગુપ્ત રાખવાનો નિર્ણય કર્યો હતો.
કૃષ્ણા બોઝના જણાવ્યા અનુસાર, લગ્નની તારીખ સિવાયની કોઈ વિગત એમિલીએ જણાવી ન હતી.
લગ્ન વખતે સામાન્ય ભારતીય નવોઢાની માફક પોતે પણ સેંથીમાં સિંદૂર પૂર્યું હોવાનું પોતાની મમ્મીએ જણાવ્યાની વાત એમિલીનાં પુત્રી અનિતા બોઝે કરી હતી.
સુભાષચંદ્ર બાદગિસ્તાનમાં રહેતા હતા ત્યારે તેમના ભત્રીજા અમિય બોઝ તેમને મળવા ગયા હતા.
એ લગ્ન એટલી હદે ગુપ્ત રાખવામાં આવ્યાં હતાં કે અમિય બોઝને એમિલી તેમના કાકાનાં સહાયક જ લાગ્યાં હતાં.
લગ્ન ગુપ્ત રાખવાનાં સંભવિત કારણો બાબતે રુદ્રાંશુ મુખરજીએ લખ્યું છે કે સુભાષચંદ્ર લગ્નની અસર તેમની રાજકીય કારકિર્દીને થાય તેવું ઇચ્છતા નહીં હોય.
કોઈ વિદેશી મહિલા સાથે લગ્ન કરવાની વાતથી સુભાષચંદ્રની ઇમેજ પર માઠી અસર થવાની શક્યતા હતી.

લગ્ન ગુપ્ત શા માટે રાખ્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
સુભાષચંદ્ર બોઝની પસંદગી 1938માં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે કરવામાં આવી હતી. એ હકીકતના પરિપ્રેક્ષ્યમાં રુદ્રાંશુ મુખરજીની આશંકાને મૂલવવી જોઈએ.
શરતચંદ્ર બોઝના સેક્રેટરી તરીકે કામ કરી ચૂકેલા અંગ્રેજીના વિખ્યાત લેખક નીરદ સી. ચૌધરીએ 1989માં એક પુસ્તક લખ્યું હતું.
'ધાય હેન્ડ, ગ્રેટ એનાર્કઃ ઇન્ડિયા 1921-1951'માં નીરદ ચૌધરીએ લખ્યું હતું, "એ તેમની જિંદગી સાથે જોડાયેલો અંગત હિસ્સો હતો, પણ મને જાણકારી મળી ત્યારે ઝાટકો લાગ્યો હતો."
"તેમણે તેમની સેક્રેટરી તરીકે કામ કરી ચૂકેલી એક જર્મન મહિલા સાથે લગ્ન કર્યાં હોવાની માહિતી મને પ્રથમ વિશ્વયુદ્ધ પછી મળી હતી."
શરતચંદ્ર બોઝના પુત્ર શિશિર કુમારનાં પત્ની અને ત્રણવાર સંસદસભ્ય બનેલાં કૃષ્ણા બોઝે સુભાષચંદ્ર અને એમિલીની પ્રેમકથા વિશે 'અ ટ્રુ લવ સ્ટોરી-એમિલી એન્ડ સુભાષ' પુસ્તક લખ્યું છે.
સુભાષચંદ્ર અને એમિલી વચ્ચેના પ્રેમસંબંધનું દિલચસ્પ વિવરણ તેમાં લખેલું છે.
સુભાષચંદ્ર એમિલીને પ્રેમથી વાઘણ કહેતા હતા. જોકે, બુદ્ધિની બાબતમાં એમિલી સુભાષચંદ્રથી એકદમ ઉતરતાં હતાં અને સુભાષચંદ્ર એ વાત વારંવાર જાહેર પણ કરતા હતા.
આ હકીકતનાં ઘણાં ઉદાહરણ મળે છે.

વાંચવા-લખવાનો આગ્રહ

ઇમેજ સ્રોત, Getty Images
કૃષ્ણા બોઝના જણાવ્યા અનુસાર એમિલી ભારતનાં તત્કાલીન અખબારો-સામયિકો માટે વિયેનાથી રિપોર્ટ્સ લખવાનું કામ કરે.
સુભાષચંદ્રના કહેવાથી એમિલીએ 'ધ હિન્દુ' અખબાર અને 'મોર્ડન રિવ્યૂ' સામયિક માટે કેટલાક લેખો લખ્યા હતા.
સમાચારોનું વિશ્લેષણ કરવાનું એમિલીને ફાવતું ન હતું. સુભાષચંદ્ર ઘણીવાર એમિલીને કહેતા હતા, "તારો લેખ યોગ્ય ન હતો, એ છપાયો નથી."
આ વાતની ઝલક એક અન્ય પત્રમાં પણ જોવા મળે છે.
1937ની 12 ઑગસ્ટના એક પત્રમાં સુભાષચંદ્રે એમિલીને લખ્યું હતું, "તેં ભારતથી કેટલાંક પુસ્તકો મંગાવ્યાં છે, પણ એ પુસ્તકો તને આપવાનું મને નિરર્થક લાગે છે."
"તારી પાસે જે પુસ્તકો છે એ પણ તેં વાંચ્યાં નથી. ગંભીર નહીં બને ત્યાં સુધી વાંચવામાં તને રસ નહીં પડે."
"વિયેનામાં તારી પાસે સંખ્યાબંધ વિષયોનાં પુસ્તકો એકઠાં થયાં છે પણ તેં તેનાં પાનાં પલટ્યાં નહીં હોય એ મને ખબર છે."
આમ છતાં સુભાષચંદ્ર અને એમિલી એકમેકને પારાવાર પ્રેમ કરતાં હતાં એ હકીકત છે.
1934થી 1945 સુધીનાં 11 વર્ષોમાં સુભાષચંદ્ર અને એમિલી ત્રણથી ઓછાં વર્ષ સાથે રહી શક્યાં હતાં.

સુભાષચંદ્ર-એમિલીના પ્રેમની નિશાની

ઇમેજ સ્રોત, Netaji Research Bureau
સુભાષચંદ્ર અને એમિલીના પ્રેમની નિશાનીરૂપે 1942ની 29 નવેમ્બરે તેમની દીકરીનો જન્મ થયો હતો, જેનું નામ અનિતા રાખવામાં આવ્યું હતું.
ઇટાલીના ક્રાંતિકારી નેતા ગેરીબાલ્ડીનાં બ્રાઝિલમાં જન્મેલાં પત્ની અનિતાના સન્માનમાં સુભાષચંદ્રએ દીકરીને તેમનું નામ આપ્યું હતું.
અનિતા ગેરીબાલ્ડી તેમના પતિ સાથે અનેક યુદ્ધમાં સામેલ થયાં હતાં અને તેમની ઓળખ બહાદુર યોદ્ધા તરીકેની છે.
સુભાષચંદ્ર તેમની પુત્રીનું મોં જોવા માટે 1942ના ડિસેમ્બરમાં વિયેના ગયા હતા.
એ પછી તેમણે એમિલી તથા અનિતાની માહિતી આપતો પત્ર શરતચંદ્ર બોઝને બંગાળી ભાષામાં લખ્યો હતો.
સુભાષચંદ્ર ત્યાર બાદ મિશન પર નીકળી ગયા હતા અને એ પછી એમિલી તથા અનિતા માટે તેઓ ક્યારેય પાછા ફર્યા ન હતા.
એમિલી સુભાષચંદ્ર બોઝની યાદના સહારે 1996 સુધી જીવતાં રહ્યાં હતાં.
એક નાની ટેલિગ્રામ ઑફિસમાં કાર્યરત રહીને તેમણે અનિતાનો ઉછેર કર્યો હતો અને જર્મનીનાં વિખ્યાત અર્થશાસ્ત્રી બનાવ્યાં હતાં.
મુશ્કેલીના એ સમયમાં તેમણે સુભાષચંદ્ર બોઝના પરિવાર પાસેથી મદદ લેવાનો ઇન્કાર કર્યો હતો.
એટલું જ નહીં, સુભાષચંદ્ર બોઝે તેમના જે સંબંધને દુનિયાથી છૂપાવેલો રાખ્યો હતો તેની મર્યાદાનું પાલન અનિતાએ પૂર્ણપણે કર્યું હતું.
(આ લેખ સૌપ્રથમ 2018માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો તેને ફરીથી સંપાદિત કરવામાં આવ્યો છે.)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













