અયોધ્યાઃ ‘અમને બધાને અહીં દાટી દો અને અમારી જમીન લઈ લો’
- લેેખક, રોહિત ઉપાધ્યાય
- પદ, બીબીસી માટે
અયોધ્યાથી લગભગ 10 કિલોમીટરના અંતરે એક ગ્રામપંચાયત છે, માંઝા બરહટા. ઉત્તર પ્રદેશ સરકારે આ જ ગ્રામપંચાયતમાં ભગવાન રામની 251 મીટર ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાવવાની જાહેરાત કરી છે. મૂર્તિના નિર્માણ માટે જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. જોકે, ગ્રામજનોની ફરિયાદ છે કે સરકાર બળજબરીથી એમની જમીનો સંપાદિત કરી રહી છે.
તાજેતરમાં ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાસ્થિત મહર્ષિ વેદવિજ્ઞાન વિદ્યાપીઠના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એ દિવસે માંઝા બરહટા ગ્રામપંચાયતના નિવાસી અરવિંદકુમાર યાદવને પોલીસે ઘરમાં જ કેદ કર્યા હતા. અરવિંદકુમાર ખેડૂત છે.

ઇમેજ સ્રોત, ROHIT UPADHYAY
અરવિંદકુમારનું કહેવું છે કે મુખ્ય મંત્રી આવ્યા એ દિવસે એમણે પોલીસને વિનંતી કરી હતી કે એમને ખેતર ખેડવું છે, જે ઘરની નજીક જ છે. એમના અનુસાર પોલીસે એમને મંજૂરી આપી તો તેઓ ટ્રૅક્ટરથી પોતાનું ખેતરો ખેડવા લાગ્યા અને એ દરમિયાન ખેતરના વળાંકે બેઠેલા બે પોલીસ જવાનો એમના પર ધ્યાન રાખતા હતા.
ઉલ્લેખનીય છે કે માંઝા બરહટાની જમીન ઉપજાઉ છે, પાણીની અછત નથી, તેથી અહીંના ખેડૂતો એક અનેક પાક લે છે.
અરવિંદકુમારે જણાવ્યા અનુસાર એ દિવસે સાંજના લગભગ ચાર વાગ્યા સુધી પોલીસોએ મારા પર વૉચ રાખી અને એ પછી તેઓ ગયા.
અરવિંદકુમાર પોતાનું ખેતર બતાવતા કહે છે, “જુઓ, ખેતી માટે કેટલી ઉત્તમ છે આ જમીન. અમારા બાપ–દાદા, પૂર્વજો અહીં રહેતા આવ્યા છે અને ખેતી કરતા રહ્યા છે, પરંતુ હવે સરકાર અમને બરબાદ કરવા માગે છે. અને અમે અમારી વાત સરકારને ના કહી શકીએ એ માટે જ્યારે પણ મુખ્ય મંત્રીજી (યોગી આદિત્યનાથ) અહીં આવે છે ત્યારે મને ઘરમાં કેદ કરી દેવાય છે.”
પણ આખરે સરકાર આ જમીન કેમ લેવા માગે છે?

ભગવાન રામની 251 મીટર ઊંચી મૂર્તિ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, ROHIT UPADHYAY
અરવિંદકુમારે કહ્યું, “યોગીજી અહીં વિશ્વની સૌથી મોટી મૂર્તિ ઊભી કરવા માગે છે, ભગવાન રામની મૂર્તિ, જે 251 મીટર ઊંચી હશે.”
નવમી નવેમ્બર 2019એ સુપ્રીમ કોર્ટે રામમંદિર બનાવવાની તરફેણમાં આદેશ કર્યો હતો. આ આદેશના બે મહિના પછી 14 જાન્યુઆરી 2020માં અયોધ્યાની ડીએમ ઑફિસ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું.
નોટિફિકેશનમાં લખ્યું હતું કે ભગવાન રામની મૂર્તિ બનાવવા માટે માંઝા બરહટા ગ્રામપંચાયત હેઠળ આવતાં ગામો નેઉર કા પુરવા, છોટી મુજહાનિયા, બડી મુજહાનિયા, ધરમૂ કા પુરવા, ખાલે કા પુરવા અને મદરહિયાની 85.977 હૅક્ટર જમીન સરકાર સંપાદિત કરવા માગે છે. આ ગ્રામપંચાયતમાં લગભગ 350 પરિવારો રહે છે અને એની વસતિ 3 હજારની આસપાસ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અરવિંદકકુમારે જણાવ્યું કે, “આ નોટિફિકેશનથી બધાં ગામવાળા પરેશાન થઈ ગયા. અમે ખેડૂત છીએ, ખેતી અને પશુપાલન કરીને જીવનગુજારો કરીએ છીએ. જો સરકાર અમારી જમીન લઈ લેશે તો અમે ક્યાં જઈશું! અમે સંબંધિત અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ક્યાંયથી અમને સંતોષકારક જવાબ નહોતો મળતો. ઊલટાનું, જમીન સંપાદનની સંમતિ લેવા માટે સરકાર અને વહીવટીતંત્ર દબાણ કરવા લાગ્યાં. ત્યાર બાદ 28 ફેબ્રુઆરી 2020એ અમે હાઈ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો.”
અરવિંદે જણાવ્યું કે, “હાઈ કોર્ટમાં અમે રજૂઆત કરી કે અમે ઘણી પેઢીઓથી માંઝા બરહટામાં રહીએ છીએ. આઝાદી પહેલાંથી જ અમે જમીનદારોની જમીનો પર પ્રજાની જેમ વસેલા છીએ. પરંતુ સરવે ન થવાના કારણે અમારી વસતિની નોંધણી નથી થઈ. ઈ.સ. 1992માં મહર્ષિ રામાયણ વિદ્યાપીઠ ટ્રસ્ટે રામાયણ વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે ખેડૂતો પાસેથી માંઝા બરહટાની ઘણી જમીન ખરીદી હતી.”
”વિશ્વવિદ્યાલયનું નામ પડતાં અમારા વડીલોએ રાજીખુશીથી પોતાની જમીનો ટ્રસ્ટને વેચી, પરંતુ ટ્રસ્ટે કોઈ વિશ્વવિદ્યાલય ના બનાવ્યું કે ના તો જમીનનો કબજો લીધો. હવે, કેમ કે 1984થી આજ સુધી જમીનના સરવેની કોઈ કામગીરી નથી થઈ કે નથી ચકબંદી (ખેતરોના અલગ અલગ ટુકડાનું એકત્રીકરણ – જૂથ ખેતી) થઈ, તો અમને કઈ રીતે ખબર કે અમારી કઈ જમીન ટ્રસ્ટના નામે છે? ક્યાંથી ક્યાં સુધીની જમીન અમારી છે, રોડ ક્યાં છે? અને કૅનાલ ક્યાંથી પસાર થશે? આટલાં વર્ષોમાં આ ગામની વસતિ પણ વધી ગઈ છે અને લોકોએ ઘર પણ બનાવ્યાં છે. સરકાર સરવેની વ્યવસ્થા કરે અને 2013ના જમીન સંપાદન કાયદાનું પાલન કરીને સંપાદન કરે.“

વિરોધ કરનારા સામે ગુંડા ઍક્ટ

ઇમેજ સ્રોત, ROHIT UPADHYAY
હાઈ કોર્ટે ખેડૂતોની વાત સાંભળી અને 16 જૂન 2020એ આદેશ આપ્યો. આદેશમાં વહીવટીતંત્રને જમીનના સરવેની વ્યવસ્થા કરવા અને જમીન સંપાદન કાયદો (2013) અનુસાર ખેડૂતોની જમીનોનું સંપાદન કરવા નિર્દેશ કર્યો.
અરવિંદે જણાવ્યું કે, લગભગ વરસ જેવું થઈ ગયા છતાં પણ વહીવટીતંત્રએ ના ખેડૂતોની સંમતિ લીધી, ના વળતરસંબંધી કશો નિર્ણય થયો અને ના તો સરવે કરાયો. બલકે, વહીવટીતંત્રએ જાત જાતની રીતે ગામલોકોની કનડગત શરૂ કરી. 15 નામંકિત અને 200 અજ્ઞાત લોકો સામે આઇપીસીની કલમ 188 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો.
અરવિંદકુમાર યાદવનું કહેવું છે કે એમના પર પણ ગુંડા ઍક્ટ લગાડી દેવાયો છે. વહીવટીતંત્રની મનમાનીથી પરેશાન ગામલોકોએ ફરીથી હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા. પાંચમી જુલાઈ 2021એ કોર્ટે વહીવટીતંત્રને કોર્ટની અવહેલના કર્યાની કારણદર્શક નોટિસ આપી અને સરવે કરવા માટે ફેબ્રુઆરી 2022 સુધીનો સમય આપ્યો છે.
આ મામલે સરકારનો પક્ષ જાણવા બીબીસી રેવન્યુ વિભાગની મુલાકાત કરી.
રેવન્યુ વિભાગના સહાયક જમીન અધિકારી ભાનસિંહે કહ્યું, “હા, કોર્ટે ફેબ્રુઆરી 2022 સુધીનો સમય આપ્યો તો શું થયું? અમે કોર્ટ પાસે હજુ એક વર્ષનો સમય માગી લઈશું. આ બધું કામ કરવામાં ટાઇમ લાગે છે.”
‘સરવેની વ્યવસ્થા કરવાનું તો 1984થી ચાલે છે, 35 વર્ષથી એક પણ ગ્રામપંચાયતના સરવેની વ્યવસ્થા નથી થઈ શકી?’ એવી ટકોર કરતાં ભાનસિંહે જણાવ્યું, “લોકોને ખબર નથી કે કેટલો સમય લાગે. વાસ્તવમાં એવું છે કે મહર્ષિ યોગીનું ટ્રસ્ટ આવાસ વિકાસ પરિષદને જમીન આપવા માટે તૈયાર થઈ ગયું છે. અને જ્યારે આવાસ વિકાસવાળા જમીનનો કબજો લઈ રહ્યા છે તો લોકો જમીન છોડવા નથી ઇચ્છતા.”

ઇમેજ સ્રોત, ROHIT UPADHYAY
પરંતુ, સરવે થયા વિના જ આવાસ વિકાસ પરિષદ કઈ રીતે જમીનો સંપાદિત કરે છે? એવું પૂછતાં ભાનસિંહે અકળાઈને કહ્યું, “એ આવાસ વિકાસ પરિષદનું કામ છે.”
ઉલ્લેખનીય છે કે સરકારે જમીન સંપાદનની જવાબદારી અયોધ્યા આવાસ વિકાસ પરિષદને સોંપી છે.
માંઝા બરહટા ક્ષેત્રમાં (જ્યાં મૂર્તિ મુકાવાની છે.) સંપાદિત કરાતી લગભગ 70 ટકા જમીન મહર્ષિ રામાયણ વિદ્યાપીઠ ટ્રસ્ટના નામે છે. ટ્રસ્ટે 56.82 હૅક્ટર જમીન સરકારને આપવા માટે આવાસ વિકાસ પરિષદના MOU પર હસ્તાક્ષર કર્યા છે.
આવાસ વિકાસ પરિષદના કાર્યપાલક ઇજનેર ઓમપ્રકાશ પાંડેયે ફોન પર બીબીસીને જણાવ્યું કે, “માંઝા બરહટામાં જમીન સંપાદનનું કામ ચાલે છે અને ગ્રામજનો સ્વેચ્છાએ પોતાની જમીન આપી રહ્યા છે. કોઈ વિરોધ નથી કરી રહ્યું.”
આવાસ વિકાસની ઑફિસમાં ગયા તો ત્યાં હાજર આવાસ વિકાસ મામલતદાર પ્રવીણકુમારે પણ એ જ વાતનું પુનરાવર્તન કર્યું કે બધા ખેડૂતો પોતાની મરજીથી જમીનો આપે છે અને કોઈ વિરોધ નથી કરતા.
સરવે કરાયા વગર જ જમીનોનું સંપાદન કઈ રીતે કરવામાં આવે છે? કોની જમીન ક્યાં સુધી છે અને કોનું ઘર કયા પ્લૉટ નંબરમાં છે એ બધું વહીવટીતંત્ર કઈ રીતે નક્કી કરશે? એમ પૂછતાં, જવાબમાં પ્રવીણકુમારે જણાવ્યું કે, “જો સરવેની વ્યવસ્થા ના થઈ તો જે સ્થિતિમાં નકશો છે એના આધારે જ સંપાદન થશે.”
ઉલ્લેખનીય છે કે મહર્ષિ રામાયણ વિદ્યાપીઠ ટ્રસ્ટે 1992માં રામાયણ વિશ્વવિદ્યાલય બનાવવા માટે જમીન ખરીદી હતી, પરંતુ એમણે ના તો તરત જ જમીનનો કબજો લીધો કે ના તો વિશ્વવિદ્યાલય બનાવ્યું.

‘નવા અયોધ્યાની યોજના’

ઇમેજ સ્રોત, Getty Images
આ પ્રશ્નના જવાબમાં મહર્ષિ રામાયણ વિદ્યાપીઠ ટ્રસ્ટના એક ટ્રસ્ટી સાલિકરામ મિશ્રાએ જણાવ્યું કે, “મહર્ષિનો પ્લાન એક નવું અયોધ્યા બનાવવાનો હતો. મોટા પ્લૉટ પર અમારો કબજો હતો પરંતુ કેટલાક નાના પ્લૉટ્સ પર નહોતો. અમે ઘણી વાર અરજી કરી. ક્યારેક પોલીસ અમારી સાથે આવીને અમારા પક્ષમાં બોલતી હતી તો ક્યારેક એમના પક્ષમાં જેમણે અમારી જમીનો પર કબજો કરી રાખ્યો છે. અમે સારી કિંમત આપીને જમીન ખરીદી છે અને કાયદેસર ચેકથી પેમેન્ટ કર્યું છે. જમીનની કિંમત વધતાં ગામલોકોની દાનત બદલાઈ ગઈ છે.”
જોકે, માંઝા બરહટા ગામના 70 વર્ષીય રામઅવધ યાદવે જણાવ્યું કે આ બધી એમની નજર સામે બનેલી ઘટના છે. ગામના લોકોએ સ્કૂલ બનાવવાના નામે મહર્ષિ મહેશ યોગીના ટ્રસ્ટને જમીનો વેચી હતી, કેમ કે ગામની આજુબાજુ એક પણ સ્કૂલ નહોતી અને બધા ઇચ્છતા હતા કે એમનાં બાળકો સ્કૂલે જાય અને આગળ વધે. પરંતુ લગભગ 30 વર્ષ થઈ ગયાં છતાં ગામમાં સ્કૂલ શરૂ કરવામાં નથી આવી.
રામઅવધ પોતાની વાત પૂરી કરે એ પહેલાં જ રામચંદ્ર યાદવે (37 વર્ષ) બોલવાનું શરૂ કર્યું, “વહીવટીતંત્રે અમને હેરાન કરી નાખ્યા છે. મારાં પત્ની આ ગામનાં સરપંચ છે. મને ક્યારેક BDO (બ્લૉક ડેવલપમેન્ટ ઑફિસર) દ્વારા તો ક્યારેક સેક્રેટરી દ્વારા DM (ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ) ઑફિસ લઈ જવાય છે અને મને કહેવામાં આવે છે કે ગામલોકો પાસેથી જમીન માટેની સંમતિ અપાવો. મજબૂર થઈને મારે સંમતિ આપવી પડી છે. દબાણ ઊભું કરીને સંમતિ લેવાઈ છે.”
આ સમગ્ર બાબત વિશે ખેડૂતનો મુદ્દો હાઈ કોર્ટમાં રજૂ કરનારા વકીલ ઓંકારનાથ તિવારીએ જણાવ્યું કે ગામના લોકો સાથે સરકાર સરમુખત્યારની રીતે વર્તી રહી છે.

ટૉર્ચર કરીને મેળવી સંમતિ?

ઇમેજ સ્રોત, ROHIT UPADHYAY
તિવારીએ જણાવ્યું કે, “તેઓ કહે છે કે ખેડૂતો પોતાની મરજીથી પોતાની જમીનો આપી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે વહીવટીતંત્ર ગામના લોકોને અલગ અલગ રીતે ટૉર્ચર કરીને સંમતિ મેળવી રહ્યું છે. જે હોમગાર્ડ છે એમને એમના કમાન્ડર તરફથી નોકરીમાંથી કાઢી કાઢી મૂક્યાના ઑર્ડર અપાયા અને એમને કહી દેવાયું કે તમે કાલથી કામ પર ન આવતા, તમને કાઢી મુકાયા છે. હવે જેમને પોતાના પરિવારનું ભરણપોષણ કરવાનું છે એ તરત જ કહે છે કે સરકાર, અમારી જમીન લઈ લો.”
“જે પટાવાળા છે એમને સસ્પેન્ડ કરવાની ધમકી અપાઈ રહી છે. જે એકાઉન્ટન્ટ છે એમને અધિકારી તરફથી ધમકી અપાય છે, જે કોટેદાર છે એમને સસ્પેન્ડ કરી દેવાય છે અને વેચાણખત કરવા દબાણ ઊભું કરાય છે. હવે જેમને નોકરી કરવી છે, બાળકોનું પેટ ભરવું છે એ મજબૂર થઈને સંમતિ આપી રહ્યા છે. કોઈએ એક ઇંચ જેટલી સરકારી જમીન પર દબાણ કર્યું છે તો એમને કહી રહ્યા છે કે આખી બિલ્ડિંગ ધ્વસ્ત કરી દઈશું, જો કાર્યવાહીથી બચવું હોય તો વેચાણખત કરી દો. સરકારના અધિકારી દંડા મારીને સંમતિ લઈ રહ્યા છે.”
સરકાર તો ચાર ગણું વળતર ચૂકવવા તૈયાર છે, તો પછી સંમતિ કેમ નથી મળતી? એવું પૂછતાં વકીલ ઓંકારનાથ તિવારીએ જણાવ્યું કે, “સરકાર ચાર ગણું વળતર આપવા તૈયાર તો થઈ છે પણ જમીનનો સર્કિટ રેટ (જંત્રી) ઈ.સ. 2017થી નથી વધ્યો, જે દર વર્ષે ઓછામાં ઓછો 10 ટકા વધવો જોઈએ અને વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને એ જરૂરી પણ છે. સરકાર જમીન સંપાદન કાયદો 2013 અનુસાર ખેડૂતો પાસેથી જમીન લેવામાં આનાકાની કરે છે, કેમ કે 2013ના જમીન સંપાદન કાયદા મુજબ જમીનમાલિકોને વળતર આપવું સરકારને મોંઘું પડી રહ્યું છે, તેથી સરકાર અને વહીવટીતંત્ર દરેક જગ્યાએ કહે છે કે ખેડૂતો પોતાની મરજીથી જમીન આપી રહ્યા છે. પરંતુ કઈ રીતે સંમતિ મેળવી રહ્યા છે એ મેં તમને જણાવી દીધું.”

જમીન સંપાદનની પ્રક્રિયા સરળ નથી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ડેટા રિસર્ચ એજન્સી ‘લૅન્ડ કૉનફ્લિક્ટ વૉચ’નાં લીગલ એસોસિયેટ મુક્તા જોશીએ જણાવ્યું કે, “2013ના જમીન સંપાદન કાયદા અંતર્ગત સંપાદન માટે જમીનમાલિકની સંમતિ લેવી, સામાજિક અસરનું મૂલ્યાંકન કરવું અને પુનર્વાસની વ્યવસ્થા કરવી આસાન પ્રક્રિયા નથી. સાથે જ કાયદામાં સંપાદિત કરાતી જમીનો માટે યોગ્ય વળતરની પણ જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ સરકારો કાયદાનું યોગ્ય રીતે પાલન નથી કરતી.”
‘લૅન્ડ કૉનફ્લિક્ટ વૉચ’ના આંકડા દર્શાવે છે કે જમીન સંપાદનના 35 ટકાથી વધારે કેસ વિવાદિત છે. યોગ્ય વળતર ન આપવું, જબરદસ્તીથી ઘર ખાલી કરાવવું, પુનર્વાસની વ્યવસ્થા ન કરવી એ સામાન્ય બની ગયું છે.
ગામના લોકો આજીવિકા માટે ખેતી અને પશુપાલન પર આધારિત છે. એ જોતાં એમને ચિંતા છે કે જો તેઓ પોતાની જમીન આપી દે તો બદલામાં સરકાર એમનું ભવિષ્ય કઈ રીતે સુરક્ષિત કરશે? જમીનના બદલે જમીન આપશે કે ઘરના કોઈ સભ્યને નોકરી આપશે?
આ બાબતે સરકાર કે વહીવટીતંત્ર તરફથી કશું લેખિત આશ્વાસન નહીં મળવાના કારણે પણ ગામલોકો ચિંતિત છે.
60 વર્ષના રામબહાદુરે જણાવ્યું કે, “અમારી જમીનો જતી રહેશે તો અમે શું કરીશું? ક્યાં રહીશું? સરકાર સામે તો અમે કેસ પણ નહીં લડી શકીએ, ના તો બળજબરી કરી શકીએ. સાહેબ, અમને બધાને અહીં જ દાટી દો અને અમારી જમીન લઈ લો.”


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












