કરતારપુર કૉરિડૉર : ભારત-પાકિસ્તાન વિભાજન સમયે વિખૂટા પડેલા બે ભાઈ જ્યારે લગભગ 75 વર્ષ બાદ મળ્યા
- લેેખક, મોહમ્મદ ઝુબૈર ખાન
- પદ, પત્રકાર, બીબીસી માટે
“ઇમરાન ખાનને કહો ને કે મને વિઝા આપે. ભારતમાં મારું કોઈ નથી.”
“તમે પાકિસ્તાન આવો, હું તમારું લગ્ન કરાવી દઈશ.”

આ એ બે ભાઈઓની વાતચીતનો એક અંશ છે જેઓ આઝાદી પછી પહેલી વાર મળ્યા છે.
મોહમ્મદ સિદ્દીક અને મોહમ્મદ હબીબની આ અજોડ મુલાકાત એવા લાખો લોકોની આંખોમાં વર્ષોથી વસેલું એક સપનું છે, જેમના માટે આઝાદીની સાથે થયેલું વિભાજન માત્ર એક કહાણી જ નથી.
આ બન્ને ભાઈ ભાગલા વખતે, જ્યારે એમનો પરિવાર અફરાતફરીના માહોલમાં જાલંધરથી પાકિસ્તાન માટે રવાના થયો હતો ત્યારે, વિખૂટા પડી ગયેલા. એમના પિતાનું મૃત્યુ થઈ ગયું.
સિદ્દીક પોતાની બહેનની સાથે પાકિસ્તાન પહોંચી ગયા. હબીબ પોતાનાં માતા સાથે અહીં જ રહી ગયા. પાછળથી માતાનું મૃત્યુ થયું.
એમને હજી પણ સરખી રીતે યાદ નથી કે આ બધું કઈ રીતે બનેલું. પરંતુ લગભગ 75 વર્ષ પછી કરતારપુર કૉરિડૉરના માધ્યમથી બન્ને ભાઈનું મિલન થયું.
આ એ અગણિત કહાણીઓમાંની એક છે જેની શરૂઆત વિભાજનથી થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“હું ઇમરાન ખાનને કહું છું કે તેઓ વિખૂટા પડી ગયેલા ભાઈઓને ભેગા કરવા મારા ભાઈ મોહમ્મદ હબીબને પાકિસ્તાનનો વિઝા આપી દે. જો અમે જીવનના અંતિમ દિવસો એકસાથે વિતાવીશું, તો કદાચ પોતાનાં મા–બાપ અને ભાઈઓ–બહેનોથી વિખૂટા પડી ગયાનું દર્દ ઓછું થઈ શકે.”
આ અનુરોધ મોહમ્મદ સિદ્દીકે કર્યો. તેઓ પાકિસ્તાનના પંજાબમાં ફૈસલાબાદ જિલ્લાના ચક 255માં રહે છે.

એ ટૂંકી મુલાકાત

કરતારપુરમાં બન્ને ભાઈની મુલાકાતના પ્રત્યક્ષદર્શી નાસિર ઢિલ્લોંનું કહેવું છે કે, "એમનું મિલન અતિશય ભાવુક કરી દેનારું હતું. એ પ્રસંગે લગભગ સો લોકો હાજર હતા."
"બધાની આંખોમાં ખુશીનાં આંસુ હતા. થોડા કલાકની મુલાકાત પછી જ્યારે બન્ને ભાઈ ફરી એક વાર છૂટા પડતા હતા ત્યારે બધાની આંખો ફરી એક વાર ભીની થઈ ગઈ હતી."
ઘણાં વર્ષો પછી, બે વર્ષ પહેલાં બન્ને ભાઈનો પહેલો સંપર્ક થયો હતો. આ બે વર્ષમાં એક પણ દિવસ એવો નથી ગયો જેમાં બન્ને ભાઈએ એકબીજાને વીડિયો કૉલ ન કર્યો હોય.
મોહમ્મદ સિદ્દીકને મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા નથી આવડતું, પરંતુ એમનાં બાળકો અને ગામલોકો આ કૉલ માટે એમને મદદ કરે છે.
આ જ રીતે, મોહમ્મદ હબીબ પણ મોબાઇલ ફોનનો ઉપયોગ નથી કરતા પરંતુ એમના એક શીખ મિત્ર એમને મદદ કરે છે. મોહમ્મદ હબીબ એક શીખ પરિવારની સાથે રહે છે.
જ્યારે અમે મોહમ્મદ સિદ્દીકને મળવા એમના ગામ ચક 255 પહોંચ્યા ત્યારે તેઓ પોતાના ભાઈ મોહમ્મદ હબીબ સાથે ઝૂમ પર વાત કરતા હતા.
મોહમ્મદ સિદ્દીક પોતાના ભાઈ મોહમ્મદ હબીબને કહેતા હતા, “તમારાં પૌત્રો, દોહિત્રો અને દોહિત્રીઓ તમને યાદ કરે છે. તમે લગ્ન નથી કર્યું, પાકિસ્તાન આવો તો હું તમારું લગ્ન કરાવી દઉં.”
મોહમ્મદ હબીબ પોતાના ભાઈ મોહમ્મદ સિદ્દીકને કહેતા હતા, “ઇમરાન ખાનને કહો ને કે મને વિઝા આપી દે. ભારતમાં મારું કોઈ નથી. આ ઉંમરે હું સાવ એકલો પડી ગયો છું. આવી એકલતામાં હવે જીવન નથી જિવાતું.”
કઈ રીતે વિખૂટા પડેલા બન્ને ભાઈ?

મોહમ્મદ સિદ્દીકને પોતાના પરિવારથી વિખૂટા પડ્યાની ઘટના બરાબર યાદ છે. એ વખતે એમની ઉંમર લગભગ 10થી 12 વર્ષની હતી.
જ્યારે મોહમ્મદ હબીબને પોતાનાં માતા–પિતા, ભાઈ–બહેનનાં નામ અને જે વિસ્તારમાં હવે તેઓ રહે છે ત્યાંના લોકો પાસેથી સાંભળેલી વાતો સિવાય કશું યાદ નથી. એ સમયે એમની ઉંમર દોઢ–બે વર્ષની હતી.
મોહમ્મદ સિદ્દીકે જણાવ્યું કે અમારું ગામ જાગરાવાં જાલંધરમાં હતું.
તેમણે કહ્યું, “મારા પિતા જમીનદાર હતા. મને યાદ છે કે અમારાં ખેતરોમાં ખૂબ જ સક્કરટેટી થતી હતી. મને મારી મા પણ યાદ છે.”
એમને યાદ છે કે એમનાં માતા એમના નાના ભાઈ મોહમ્મદ હબીબને લઈને ફૂલવાલામાં પોતાના પિયર ગયેલાં. એ ગામનું નામ આજે પણ ફૂલવાલા જ છે અને એ ભારતના બઠિંડા જિલ્લામાં છે.
તેમણે કહ્યું કે, “તેઓ પિયર ગયાં પછી, અમારા ગામ પર હુમલો થયો. અફરાતફરીની સ્થિતિમાં લોકો વિસ્તાર છોડીને જતા હતા. બધા પાકિસ્તાનની દિશા પકડતા હતા. દરેક પોતાનો જીવ બચાવવાની કોશિશ કરતા હતા.”
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
“મને યાદ છે, હું મારા પિતા અને બહેનની સાથે હતો. મને ખબર નથી કે રમખાણમાં મારા પિતાનું મૃત્યુ કઈ રીતે થયું. અમે ભાઈ–બહેન કોઈક રીતે ફૈસલાબાદના શરણાર્થી કૅમ્પમાં પહોંચી ગયાં હતાં.”
મોહમ્મદ સિદ્દીકે કહ્યું કે, “ફૈસલાબાદના શરણાર્થી કૅમ્પમાં મારી બહેન બીમાર પડી ગઈ અને એનું મૃત્યુ થયું. એ જ દિવસોમાં ખબર નહીં કઈ રીતે મારા મોટા બાપુ મને શોધતા ફૈસલાબાદના શરણાર્થી કૅમ્પમાં આવ્યા.”
મોહમ્મદ હબીબે કહ્યું કે, “આ ગામ અને વિસ્તારમાં મારું તો કોઈ નથી. વિસ્તારના લોકોએ મને જણાવ્યું કે જ્યારે રમખાણ શરૂ થયાં ત્યારે હું અને મારાં મા એમના પિયરમાં જ ફસાઈ ગયેલાં. દરમિયાનમાં, વિભાજન સમાપ્ત થયું. જ્યારે ભારત અને પાકિસ્તાન બન્યાં, તો સમાચારો મળ્યા કે પિતા અને બહેન બધાં મરાયાં, ભાઈ વિશે કોઈ ખબર નહોતી મળી.”
“મારાં મા આ આઘાતને સહન ન કરી શક્યાં. પહેલાં તો એમણે માનસિક સંતુલન ખોયું અને પછી તેઓ દુનિયા છોડી ગયાં. એમના પિયરના લોકો પણ પાકિસ્તાન જતા રહેલા.”
એમણે જણાવ્યું કે, “મેં બાળપણથી આજ સુધી માત્ર મારા સરદાર દોસ્તોને જ જોયા છે. હું એમની સાથે રહું છું અને એમની સાથે જ મોટો થયો છું.”
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
મોહમ્મદ સિદ્દીકનું કહેવું છે કે વિભાજન પછી આવતા કાફલા કેટલીક માહિતી આપતા રહેતા હતા. ‘અમને એ ખબર મળતી રહેતી કે મારાં માનો પણ દેહાંત થયો છે. પરંતુ કોઈ મજબૂત સંપર્ક એટલા માટે નહોતો થઈ શક્યો કેમ કે મારાં માના પિયરવાળા પણ પાકિસ્તાન વિસ્થાપિત થઈ ગયા હતા.’
તેઓ મોહમ્મદ હબીબ વિશે વધારે કશું નહોતા જણાવી શકતા.
મોહમ્મદ સિદ્દીકે કહ્યું કે, “અમારા જમાનામાં ઓળખપત્ર તો બનતાં નહોતાં, પરંતુ હું પાકિસ્તાનની ઉંમર કરતાં 10થી 12 વરસ મોટો છું."
"જીવનનાં ઘણાં મહિના અને વર્ષ મારા ભાઈને યાદ કરતાં વિતાવ્યાં હતાં. માના મૃત્યુ અંગે વિશ્વાસ થઈ ગયો હતો, બહેન અને પિતાના મૃતદેહ જોઈ લીધા હતા, પરંતુ ભાઈના વિશે આખી જિંદગી એવી ખાતરી રહી કે મારો ભાઈ જીવતો છે.”
ભૂતકાળને યાદ કરતાં તેમણે કહ્યું કે, “પાકિસ્તાનમાં મારા વાલી મારા મોટા બાપુ હતા. અમે ફૈસલાબાદના જુદા-જુદા વિસ્તારોમાં રહ્યા. પછી અમને ચક 255માં જમીન ફાળવવામાં આવી ત્યાર બાદથી અમે આ ગામમાં આવી ગયા.”
“મારું લગ્ન પણ કઝિન સાથે થયું. આખું જીવન ખેતી અને જમીનદારી કરતાં પસાર થઈ ગઈ.”
મોહમ્મદ હબીબ પોતાના બાળપણ અને ભૂતકાળ વિશે વધારે વાત કરવા તૈયાર ન થયા.
તેમણે કહ્યું કે, “મા–બાપ વિનાના બાળક સાથે શું થયું હશે અને શું થતું હશે! મેં બસ પોતાનું જીવન એ ગામમાં વિતાવી લીધું છે જ્યાં મારાં મા મને છોડીને મર્યાં હતાં.”
મોહમ્મદ હબીબ એ વિશે પણ વાત નથી કરતા કે એમણે લગ્ન કેમ નથી કર્યું, ઘર કેમ નથી વસાવ્યું; તેઓ તો બસ એટલું જ કહે છે, “મારા સરદાર દોસ્ત અને ફૂલવાલાના લોકો જ મારા માટે બધું છે. એમણે જ મને મારા ભાઈ સાથે મળાવ્યો છે.”

સંપર્ક કઈ રીતે થયો?

મોહમ્મદ સિદ્દીકનું કહેવું છે કે ભાઈની યાદ એમને ખૂબ સતાવતી હતી.
તેમણે જણાવ્યું કે, “મારું દિલ હમેશાં કહેતું હતું કે મારો ભાઈ જીવતો છે. મને એને જોવાની બહુ ઇચ્છા હતી. હું પીરો અને ફકીરોની પાસે પણ ગયો. બધાએ કહ્યું કે કોશિશ કરશો તો ભાઈ મળી જશે.”
તેમણે કહ્યું કે, “આખું ગામ મારી કહાણી જાણે છે. મેં મારી કહાણી મારા નંબરદાર અને હવે નંબરદારના દીકરા મોહમ્મદ ઇશરાકને સંભળાવી હતી. મોહમ્મદ ઇશરાક આજથી લગભગ બે વર્ષ પહેલાં નાસિર ઢિલ્લોંની સાથે મારી પાસે આવ્યો હતો. એમણે મને બધી વાતો પૂછીને એને કૅમેરામાં રેકૉર્ડ કરી અને મારી ફિલ્મ ચલાવી.”
“ફિલ્મ રિલીઝ થયાના કેટલાક દિવસો પછી તેઓ અને મોહમ્મદ ઇશરાક ફરીથી આવ્યા, એમણે કહ્યું કે મારો ભાઈ મળી ગયો છે. એમણે મારા ભાઈ સાથે વાત પણ કરાવી હતી.”
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
નાસિર ઢિલ્લોંએ જણાવ્યું કે ચક 255ના નંબરદાર મોહમ્મદ ઇશરાક મારા મિત્ર છે. “મારા મિત્ર લવલીસિંહ અને મેં ઉપમહાદ્વીપમાં વિભાજન દરમિયાન વિખૂટા પડી ગયેલા લોકોને મળાવવા માટે યુટ્યૂબ પર પંજાબી લહર નામે એક ચૅનલ બનાવી છે. અમે એ લોકોની કહાણી સાંભળીએ છીએ જેઓ પોતાના વહાલા લોકોથી વિખૂટા પડી ગયા છે. અમે એમને મળાવવાની કોશિશ કરીએ છીએ.”
એમણે કહ્યું કે, “જ્યારે મોહમ્મદ સિદ્દીકની કહાણી યુટ્યૂબના માધ્યમથી રજૂ કરાઈ તો એ વીડિયો ફૂલવાલાના ડૉક્ટર જગફીરસિંહે જોયો. એમણે સોશિયલ મીડિયા પર અમારો સંપર્ક કર્યો, પછી અમે એમની સાથે ફોન પર વાત કરી. ડૉક્ટર જગફીરસિંહે અમને એ નામ કહ્યાં જે મોહમ્મદ સિદ્દીક જણાવે છે.”
ડૉક્ટર જગફીરસિંહે જણાવ્યું કે મોહમ્મદ હબીબ કે હબીબ ખાનને અમે લોકો શિકા નામે ઓળખીએ છીએ. “એમનું સાચું નામ કદાચ આખા વિસ્તારમાં બહુ ઓછા લોકોને ખબર છે. એમાંનો એક હું પણ છું. મેં મારા વડીલો પાસેથી શિકાની કહાણી સાંભળી હતી, જ્યારે શિકાએ પોતે પણ મને ઘણી વાર પોતાની કહાણી સંભળાવી હતી.”
શિકાની ઇચ્છા હતી કે કોઈક રીતે તે પોતાના ભાઈને મળી લે. “પરંતુ ન કોઈ તસવીર, ના કોઈ સરનામું; કઈ રીતે સંભવ થાત. અસંભવ જણાતી આ ઘટના બે વર્ષ પહેલાં પંજાબી લહર નામની યુટ્યૂબ ચૅનલે સંભવ કરી દીધી હતી.”

છેલ્લાં બે વર્ષમાં શું થતું આવ્યું?

મોહમ્મદ સિદ્દીકનું કહેવું છે કે નાસિર ઢિલ્લોં અને નંબરદાર મોહમ્મદ ઇશરાકે બે વર્ષ પહેલાં મોહમ્મદ હબીબ સાથે વીડિયા કૉલથી મારી વાત કરાવી હતી. “જ્યારે વાતચીત શરૂ થઈ, તો સૌથી પહેલાં મેં મા અને પિતાનાં નામ પૂછ્યાં. એમણે સાચાં જણાવ્યાં. જ્યારે મેં મારું નામ પૂછ્યું તો એ પણ સાચું જણાવ્યું.”
“એમણે વિસ્તારના લોકો પાસેથી પોતાના અને પોતાના પરિવાર વિશે જે જે વાતો સાંભળી હતી એ વાતો પણ જણાવી, જે સાચી હતી.”
અમણે કહ્યું કે, “હબીબ એવું ઇચ્છતા હતા કે તેઓ પાકિસ્તાન આવે અને જો તેઓ પાકિસ્તાન ન આવી શકે તો હું એમને મળવા ભારત જાઉં, પરંતુ ખૂબ જ અડચણો હતી.”
મોહમ્મદ ઇશરાકનું કહેવું છે કે, “ત્યાર પછી મોહમ્મદ સિદ્દીકનું ઓળખપત્ર અને પાસપોર્ટ બનાવડાવ્યાં.”
જગફીરસિંહનું કહેવું છે કે શિકાનું રૅશનકાર્ડ વગેરે બનેલાં નહોતાં. મારી, નાસિર ઢિલ્લોં અને મોહમ્મદ ઇશરાક વચ્ચે એ વાતે સહમતી હતી કે ભારત અને પાકિસ્તાન બન્ને તરફથી વિઝાની કોશિશ કરીએ. પરંતુ દુર્ભાગ્યે એ સંભવ ન થઈ શક્યું, કેમ કે કોરોના વચ્ચે આવી ગયો.

મુલાકાત કઈ રીતે થઈ?

નાસિર ઢિલ્લોંએ કહ્યું કે, “દરમિયાનમાં સમજૂતી એવી થઈ કે હવે કરતારપુર કૉરિડૉર ખૂલી ગયો છે તો એ રસ્તે કોશિશ કરીએ, જેથી વિખૂટા પડેલા ભાઈઓ એકબીજાને મળી લે. કમ સે કમ એમની એક મુલાકાત તો થઈ જાય.”
જગફીરસિંહનું કહેવું છે કે જ્યારે કરતારપુર કૉરિડૉર ખૂલ્યો ત્યારે અમે દરબારસાહિબમાં દર્શન કરવાનો કાર્યક્રમ ઘડ્યો. “અમે ઇચ્છતા હતા કે બન્ને કામ એકસાથે થઈ જાય. વિખૂટા પડેલા પણ મળી જાય અને દર્શન પણ કરી લઈએ.”
એમણે જણાવ્યું કે અમે બુકિંગ કરાવ્યું. “એમાં કોઈ સમસ્યા ન નડી. બન્ને તરફની સરકારો અને પ્રશાસને અમને સાથ આપ્યો. ત્યાર પછી 10 જાન્યુઆરીએ જ્યારે અમે કરતારપુર પહોંચ્યા તો ત્યાં મોહમ્મદ સિદ્દીક પોતાના પરિવાર અને આખા ગામની સાથે હાજર હતા.”
મોહમ્મદ સિદ્દીકે જણાવ્યું કે, “હું મારા ભાઈને ભેટ આપવા કપડાં લઈને ગયો હતો. એ પણ અમારા બધા માટે કપડાં લાવેલા. મારી ઇચ્છા છે કે તેઓ પાકિસ્તાન આવી જાય. જ્યારે મેં એમને કહ્યું કે મારી પાસે પાકિસ્તાન આવી જાઓ તો તેઓ મારા ખભે માથું મૂકીને રડતા રહ્યા અને પોતાની સંમતિ વ્યક્ત કરી.”
“અમે બન્ને બેઠાં બેઠાં રડતા રહ્યા. અમારાં માતા–પિતાને યાદ કરતા રહ્યા. અમે દરબારસાહિબમાં મળી રહ્યા હતા. આ પ્રસંગે અમે અમારાં માતા–પિતા અને બીજાં સગાં માટે પણ પ્રાર્થના કરી હતી. ખબર જ ન પડી કે દિવસ કેમનો પૂરો થઈ ગયો, શું થયું. જ્યારે જવાનો સમય થયો ત્યારે અમે બધા એમને દૂર સુધી જતા જોતા રહ્યા.”
મોહમ્મદ હબીબે કહ્યું કે, “ફૂલવાલામાં લોકો મારી સંભાળ રાખે છે. પરંતુ હવે (પાકિસ્તાનમાં) પૌત્રો, પૌત્રીઓ, દોહિત્રો, દોહિત્રીઓની સાથે રમીને થોડો સમય પસાર કરવાનું મન થાય છે. જ્યારે હું મરું તો મારી અંત્યેષ્ટિ મારા પોતાના કરે.”
“હું ઘરડો, મારાથી કોઈને શી સમસ્યા થઈ શકે. બે ટંકના રોટલા મને સિદ્દીક આપી દેશે. બસ મને વિઝા આપી દો, ક્યાંક એવું ના થાય કે દુઃખ ભરેલી જિંદગીમાં મારું મોત પણ દુઃખભર્યું ન થાય.”



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












