પાકિસ્તાનમાં પુરુષ વિદેશમાંથી પત્ની લાવે તો એને નાગરિકત્વ મળી જાય પણ મહિલા પતિ લાવે તો કેમ ના મળે?
- લેેખક, મોહમ્મદ જુબેર ખાન
- પદ, બીબીસી ઉર્દૂ
"હું 2001માં મારા પરિવાર સાથે એમ વિચારીને પાકિસ્તાન આવેલી કે પાકિસ્તાન મારું જન્મસ્થળ છે. એના આધારે મારા પતિ સૈયદ આમિરઅલીને આસાનીથી પાકિસ્તાનની નાગરિકતા મળી જશે."
"જ્યારે અમે લાહોર પહોંચ્યાં અને આવેદનપત્ર આપ્યું ત્યારે અમારા પગ નીચેથી ધરતી સરકી ગઈ. અમને ખબર પડી કે વિદેશીઓ સાથે લગ્ન કરનારી પાકિસ્તાની મહિલાઓના પતિઓને લગ્નના આધારે પાકિસ્તાનની નાગરિકતા ન મળી શકે."

ઇમેજ સ્રોત, Getty Images
આવું કહેનાર છે આલિમા આમિર, જે પંજાબના લાહોર શહેરમાં રહે છે. ચાર બાળકોનાં માતા આલિમા આમિરના પતિ એક ભારતીય નાગરિક છે અને અત્યારે તેઓ ન્યાયાલયના આદેશાનુસાર પાકિસ્તાનમાં રહે છે.
આલિમા આમિર 1996માં લગ્ન કરીને ભારતમાં આવેલાં. પછી 2001માં, પાંચ વર્ષ પછી પતિ-પત્નીએ પોતાના પરિવાર સાથે પાકિસ્તાનમાં વસવાટ કરવાનો નિર્ણય કર્યો હતો.
પોતાના પરિવાર સાથે તેઓ જ્યારે ભારતમાંથી પાકિસ્તાન જઈ રહ્યાં હતાં એ દિવસ અને પ્રસંગ આલિમાને બરાબર યાદ છે.
તેઓ જણાવે છે કે, "અમને ખબર નહોતી કે પાકિસ્તાનમાં આવો કોઈ કાનૂન છે. અમે વિચારેલું કે બંને પતિ-પત્નીને અધિકાર છે કે તેઓ પોતાના જીવનસાથી માટેની નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે."
"પરંતુ અમે જ્યારે પાકિસ્તાન ગયાં ત્યારે અમને ખબર પડી કે એવું શક્ય નથી અને ત્યારથી અમારા અને અમારાં બાળકોને માટે ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ. રાહત એ છે કે અમારા મામલાને અદાલતો અને પાકિસ્તાની અધિકારીઓ માનવતાના ધોરણે જુએ છે. નહીંતર કોણ જાણે અમારું શું થાત."

પાકિસ્તાનમાં આવાં કેટલાંય આલિમા આમિર છે

ઇમેજ સ્રોત, Getty Images
આ માત્ર એક આલિમાની કહાણી નથી, પાકિસ્તાનમાં આવી ઘણી મહિલાઓ છે જેમણે વિદેશી નાગરિક સાથે લગ્ન કરી લીધાં પછી તકલીફોનો સામનો કરવો પડ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહ જિલ્લામાં પેશાવરનાં રહેવાસી સમિયા રુહીએ તાજેતરમાં પેશાવરની હાઈકોર્ટમાં એક અરજી કરી છે. એમણે પોતાના અફઘાન પતિને પાકિસ્તાનની નાગરિકતા આપવાની માગણી કરી છે.
સમિયા રુહીએ અરજીમાં જણાવ્યું છે કે એમને પાંચ બાળકો છે. એમના પતિ કુવૈતમાં કામ કરે છે, કૉરોના પહેલાં એમને બાળકોને મળવા માટે એક મહિનાના વિઝા અપાતા હતા, પણ હવે તો એમને એ પણ નથી મળતા.
તેઓ જણાવે છે કે, એમને પતિની ગેરહાજરીમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
સમિયાએ જણાવ્યું કે એમને પોતાનાં બાળકોના અભ્યાસ બાબતે પણ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. એમણે કહ્યું કે, બાળકોની કાયદાકીય જરૂરિયાતો વધી રહી છે, એમાં એમના પિતાની ગેરહાજરી અને એમની પાસે પાકિસ્તાનની નાગરિકતા ના હોવાના કારણે બાળકોના ભવિષ્યનો પ્રશ્ન છે.
કેટલી પાકિસ્તાની મહિલાઓ આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરે છે એનો સંપૂર્ણ ડેટા તો કોઈ પણ સરકારી કે બિનસરકારી સંગઠન પાસે નથી. જોકે, આસમા જહાંગીર ફાઉન્ડેશનનાં કાર્યકારી અધિકારી અને વકીલ નિદા અલીના મતે આવાં તો ઘણાં ઉદાહરણ છે.
તેઓ જણાવે છે, "અમારી જાણકારી પ્રમાણે, સુપ્રીમ કોર્ટમાં એક અરજી પેન્ડિંગ છે. દેશની જુદી જુદી હાઈકોર્ટોમાં પણ આવી અરજીઓ થઈ છે. આવા કેસની સંખ્યા ઘણી વધારે હોઈ શકે."

શો છે પાકિસ્તાની નાગરિકતાનો કાયદો?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનની નાગરિકતા માટે નાગરિકતા અધિનિયમ 1951 છે. એમાં એમ કહેવાયું છે કે કોને પાકિસ્તાનની નાગરિકતા મળી શકે અને કોને નહીં.
આ કાયદાની ધારા 10 સ્પષ્ટતા કરે છે કે લગ્નના કિસ્સામાં કોણ પાકિસ્તાની નાગરિકતાના હકદાર હશે અને કોણ નહીં.
આ ધારા અંતર્ગત, જો કોઈ પાકિસ્તાની પુરુષ કોઈ વિદેશી મહિલા સાથે લગ્ન કરે છે તો તે મહિલા નાગરિકતા મેળવવા માટે હકદાર છે, પણ પુરુષોને મળતો આવો અધિકાર મહિલાઓને નથી અપાયો.
વર્ષ 2000માં સુપ્રીમ કોર્ટ દ્વારા ઍડ્વોકેટ હિના જિલાનીની રિટને મંજૂરી અપાઈ ત્યાર બાદ આ કાયદામાં મહત્ત્વનાં પરિવર્તન થયાં છે. જેના અંતર્ગત, પાકિસ્તાની નાગરિકતા ધરાવતાં માતા અથવા પિતાનાં બાળકોને પાકિસ્તાનની નાગરિકતાનો અધિકાર અપાયો છે.
જોકે, આ અધિકાર પાકિસ્તાની મહિલાઓના વિદેશી પતિઓને નથી અપાયો.
2007ના વર્ષે ફેડરલ શરિયા કોર્ટે આ અધિનિયમ પર જાતે જ ઍક્શન લીધાં હતાં. અદાલતમાં સરકારે તર્ક રજૂ કર્યો હતો કે પાકિસ્તાની મહિલાઓના વિદેશી પતિઓને પાકિસ્તાની નાગરિકતા આપવાથી કોઈ પણ દેશને પાકિસ્તાનમાં પોતાના એજન્ટ્સનો ઘુસાડવાની તક મળી જશે. એનાથી ઘણી સમસ્યાઓ ઉદ્ભવી શકે એમ છે.
ફેડરલ શરિયા કોર્ટને જણાવાયું કે આ રીતની કાયદેસર મંજૂરી આપી દેવાથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાંથી ગેરકાયદે ઘૂસણખોરી થઈ શકે છે. અને જેઓ પોતાના દેશમાં પાછા ફરવા નથી માગતા એવા દક્ષિણ એશિયાના કેટલાક દેશોના લોકો માટેનો માર્ગ મોકળો થઈ શકે છે,
બીબીસીએ માનવઅધિકારમંત્રી શિરીન મજારી અને માહિતી અને પ્રસારણમંત્રી ફવાદ ચૌધરીનો સંપર્ક કર્યો હતો, જેથી જાણી શકાય કે શું એમની સરકાર પણ ફેડરલ શરિયા અદાલતમાં કરાયેલા તર્ક પર અડીખમ છે?
જોકે બંનેમાંથી કોઈએ પણ આ રિપૉર્ટ લખાય છે ત્યાં સુધી આ બાબતનો કોઈ જવાબ નથી આપ્યો.

ભારતની બાબત 'સંવેદનશીલ'

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, માનવાધિકારના વકીલ અમાન અયૂબના મતાનુસાર આ કાયદો, મૌલિક માનવાધિકારોનું ઉલ્લંઘન છે.
એમના જણાવ્યા અનુસાર, "લગ્નની બાબતમાં પુરુષો અને મહિલાઓ, બંનેને એવો અધિકાર હોવો જોઈએ કે જો તેમના જીવનસાથી પાકિસ્તાની નાગરિકતા મેળવવા ઇચ્છે તો તેઓ મેળવી શકે."
તેઓ એમ જણાવે છે કે પાકિસ્તાની નાગરિકો અને "બીજા દેશની નાગરિકતા ધરાવતા લોકોનાં લગ્ન માટેનાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમાંનાં ઘણાં જરૂરી છે. એ કારણે, કોઈને પણ એમના મૂળભૂત અધિકારોથી વંચિત ન રાખી શકાય. ભારતના મામલાને સંવેદનશીલ માનવામાં આવે છે."
વકીલ નિદા અલીના મતાનુસાર, ઉપમહાદ્વીપના જુદાજુદા દેશોના લોકોના પરસ્પર ઘણા ગાઢ સંબંધો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે રહેનારા ઘણા લોકો નજીકના સગા છે.
એમણે જણાવ્યું કે, "આ જ રીતે, બાંગ્લાદેશ, ભારત, ચીન અને બીજા કેટલાક દેશોમાં પણ આવી જ સ્થિતિ છે. જુદાજુદા દેશોમાં વહેંચાયેલાં સગાં-સંબંધીઓ પોતાના સંબંધોને મજબૂત કરવા/રાખવા માટે લગ્ન કરે છે. પાકિસ્તાનની જે મહિલાઓએ વિદેશી લોકો સાથે લગ્ન કર્યાં છે એમાંના મોટા ભાગના નજીકના સંબંધીઓ જ છે."

ઇમેજ સ્રોત, AFP
ઍડ્વોકેટ નિદા અલી જણાવે છે કે, "અમે જોયું છે કે એકલા પાકિસ્તાનમાં જ નહીં બલકે ભારતમાં પણ, જો પાકિસ્તાનની કોઈ મહિલા કે પુરુષ લગ્ન કરીને ત્યાંની નાગરિકતા મેળવવા ઇચ્છે તો એને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા ઘણા કેસ જોવા મળ્યા છે."
જોકે, એમણે જણાવ્યું કે ભારતીય કાયદા અનુસાર, કોઈ પુરુષ કે મહિલા લગ્ન થયાં અંગેના કાયદેસરના કાગળો જમા કરાવે તો તેઓ પોતાના જીવનસાથી માટે ભારતીય નાગરિકતા મેળવી શકે છે.
એમણે જણાવ્યું કે પાકિસ્તાને તો પોતાની નીતિઓ અનુસાર કાયદામાં બિલકુલ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કરનારા વિદેશી પુરુષને પાકિસ્તાની નાગરિકતા નહીં મળે. આ કારણે ઘણા પરિવારોને ઘણી બધી સમસ્યોઓનો સામનો કરવો પડે છે.
નિદા અલીએ જણાવ્યું કે ભારતની બાબતમાં તો સરકારની નીતિઓના કારણે પરિસ્થિતિ કંઈક વધારે પડતી 'સંવેદનશીલ' બની જાય છે.
આ જ કારણ છે કે એવા પરિણીત લોકો જે પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કર્યાના આધારે નાગરિકતા પ્રાપ્ત કરવા માગે છે એમને કંઈક વધારે પડતી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
તેઓ જણાવે છે કે, "અમને આશા છે કે આવનારા સમયમાં, કદાચ, માનવાધિકારોના ઉલ્લંઘન પર આધારિત આ ભેદભાવપૂર્ણ કાયદો બદલાય."

'પતિને ક્યારેય એકલા બહાર ન જવા દીધા'

ઇમેજ સ્રોત, Getty Images
આલિમા આમિર જણાવે છે કે, "અમારાં અરેન્જ મૅરેજ હતાં. મારાં સાસુ એટલે કે આમિરનાં માતાની પાસે પણ પાકિસ્તાની નાગરિકતા છે. એમનાં લગ્ન ભારતમાં થયાં હતાં. મારી બે નણંદ એટલે કે આમિરની બે બહેનોનાં લગ્ન પાકિસ્તાનમાં થયાં છે. મારી જેઠાણી, આમિરના મોટાભાઈની પત્ની, પાસે પણ પાકિસ્તાની નાગરિકતા છે."
એમણે જણાવ્યું કે, "કોર્ટના આદેશાનુસાર અમે ઘણાં વરસોથી પાકિસ્તાનમાં રહીએ છીએ, તેમ છતાં, મારા પરિવાર સાથે આસાનીથી બીજા શહેરમાં જવું મારા માટે શક્ય નથી. ઘણી જગ્યાએ પોલીસ અધિકારીઓ આઈડી કાર્ડ માગે છે. એવા સમયે હું મારું પોતાનું આઈડી કાર્ડ બતાવું છું અને બહાનું બતાવીએ છીએ કે આમિરસાહેબનું આઇડી કાર્ડ ઘરે ભુલાઈ ગયું છે."
આલિમા જણાવે છે કે આમિરને ક્યારેય એકલા બહાર નથી જવા દીધા. "જ્યારે પણ બહાર જવું હોય તો કોઈ પણ સંજોગોમાં હું સાથે જ જાઉં છું. ખાસ કરીને એ સમય તો ક્યારેય નહીં ભૂલું જ્યારે પાકિસ્તાનમાં આતંકવાદવિરોધી લડાઈ ચરસસીમાએ હતી. એ સમયે સખત સિક્યૉરિટી હતી. પ્રત્યેક ક્ષણે બીક લાગતી હતી, ખબર નહીં ક્યારે શું થઈ જાય? "
એમના જણાવ્યા અનુસાર, "આમિરસાહેબ કોઈ નોકરી-ધંધો ન કરી શકે, કેમ કે એમની પાસે આઈડી કાર્ડ નથી. ભારતમાંની જે જમીન-જાયદાદ વેચીને પાકિસ્તાન આવેલા અને એ જમાપૂંજી તો થોડાક મહિનાઓમાં જ ખલાસ થઈ ગઈ હતી."

'બીક લાગે છે કે જો એમણે પિતાનું આઇડી કાર્ડ માગ્યું તો…'

ઇમેજ સ્રોત, Getty Images
આલિમાએ જણાવ્યું કે શાળા અને કૉલેજોમાં અધિકારીઓને એમ સમજાવવામાં ઘણી તકલીફ પડે છે કે બાળકો પાકિસ્તાની છે. ઘણી વાર તો એવું પણ બન્યું છે કે બાળકોનું વરસ બગડ્યું હોય.
તેઓ જણાવે છે કે આજીવિકા ચલાવવા માટે તેમણે ઘણાં વરસો સુધી કૅટરિંગનું કામ કર્યું. તેમનાં ચારે બાળકો તેમની મદદ કરતાં હતાં. મારી મોટી દીકરી, જે હવે સૉફ્ટવેર એન્જિનિયર છે, સમજણી થઈ ત્યારથી જ ટ્યૂશન કરાવવા લાગી હતી.
એમણે ઉમેર્યું કે, "મારા દીકરા પણ જુદાંજુદાં કામ કરતા હતા. પાછા વળીને જોઉં છું તો વિચારું છું કે જો મારાં બાળકો માત્ર અભ્યાસ કરતાં હોત તો આજે તેઓ ખૂબ મોટા હોદ્દા પર હોત. ઘણી બધી મુશ્કેલીઓ છતાં મારી દીકરી હવે સૉફ્ટવેર એન્જિનિયર છે."
એમની દીકરીને ઉચ્ચ અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ મળી છે. તેઓ જણાવે છે કે, "દરેક પળે બીક લાગ્યા કરે છે કે જો એમણે પિતાનું આઈડી કાર્ડ માગ્યું તો શું થશે? શું એની શિષ્યવૃત્તિ રદ કરી દેશે?"



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












