ગુજરાતનો એ સાટાપાટાનો રિવાજ જેમાં ભાઈનાં લગ્ન તૂટ્યાં તો બહેનનું પણ ઘર ભાંગ્યું

ઇમેજ સ્રોત, Dinesh Kumar / EyeEm
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
'મારે અને મારા પતિને એકબીજાથી જુદું થવું જ નહોતું પણ મારાં ભાઈ- ભાભીના છૂટાછેડા થયા એટલે અમારા પણ છૂટાછેડા થઈ ગયા કારણ કે અમે બંને ભાઈ-બહેન સાટાપાટામાં પરણ્યાં હતાં.'
આ શબ્દો છે સાટાપાટાની પ્રથાને કારણે વગર કોઈ વાંકે છૂટાછેડા મેળવનારા નબીબહેન રાવળનાં.
તેઓ કહે છે કે તેમનું લગ્નજીવન સુખી હતું પણ સમાજની રીતને કારણે તેમને છૂટું થવું પડ્યું.
કોર્ટે તેમને મદદ કરી એટલે તેઓ, તેમના પતિ અને બાળકો સાત મહિના પછી ફરી ભેગાં થયાં છે.
નબીબહેન આગળ જણાવે છે કે "જો કોર્ટે મદદ ન કરી હોત તો અમારે આજીવન જુદાં રહેવું પડત."
નબીબહેનનાં લગ્ન સાટાપાટા પ્રથા પ્રમાણે એમના ભાભીના ભાઈ સુરેશ સાથે આઠ વર્ષ પહેલાં રાધનપુરના જૂના પોરાના ગામમાં થયાં હતાં.
ગુજરાતના રાવળના સમાજના રીતરિવાજ મુજબ નબીબહેનના ભાઈ જયમલનાં લગ્ન પોતાના બનેવીની બહેન સુરી સાથે થયાં હતાં.
આમ ભાઈબહેનનાં લગ્ન એક જ કુટુંબમાં કરવામાં આવે તો તેને સાટાપાટા પ્રથા કહેવામાં આવે છે. ગુજરાતના ઘણા બધા સમાજોમાં લગ્ન માટે સાટાપાટાના પ્રથા જોવા મળે છે. જોકે આ સંતાનોની સુરક્ષા અને સંબંધમાં ઉષ્મા જળવાઈ રહે તેવી માન્યતાથી કરવામાં આવતા સાટાપાટનાં લગ્નો દર વખતે સફળ લગ્નજીવનમાં જ પરિણમે એવું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક કિસ્સામાં સાટાપેટાથી થયેલા એક લગ્નમાં વિખવાદ થાય તો તેની અસર આ રિવાજ હેઠળ થયેલાં બીજા લગ્ન પર પણ પડે છે, ભલે પછી તે દંપતી સુખેરૂપે રહેતું હોય. રાવળ પરિવારમાં સાટાપાટા પ્રથાથી થયેલા આ લગ્નની પણ કંઈક આવી જ કહાણી છે.
શરૂઆતમાં બંને દંપતીનું લગ્નજીવન સારી રીતે ચાલતું હતું.
સુરીબહેનના પતિ જયમલ અને નબીબહેનના પતિ સુરેશ બંને મજૂરી કરતા હતા.
સુખી લગ્નજીવન દરમ્યાન નબીબહેનના ઘરે એક પુત્રનો જન્મ થયો, જયારે સુરીબહેનના ઘરે એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો હતો.
સુરીબહેનના પતિ જયમલને દારૂ પીવાની ટેવ પડી ગઈ અને 2020માં મજૂરી નહીં મળતાં ઘરમાં ઝઘડા વધી ગયા હતા.
નબીબહેને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "મારા ભાઈને દારૂની લત પડી હોવાનું મારી ભાભી સુરીબહેને કહ્યું હતું. મેં સમજાવવાનો પ્રયાસ કર્યો પણ બંને વચ્ચે ઝઘડા વધતા ગયા."
તેઓ આગળ કહે છે, "સમાજના લોકોની પંચાયત બોલાવવામાં આવી અને એમના ઝઘડાનું સમાધાન પણ કરાવ્યું હતું. વડીલોએ પણ સમાધાન કરાવ્યું હતું. આ સમયમાં સુરીબહેન બીમાર પડ્યાં અને મારા ભાઈ પાસે પૈસા ન હતા એટલે સારવાર મારા સસરાએ કરાવી હતી. એ પૈસા મારા ભાઈને આપવાના હતા, એમાં ઝઘડો વધી ગયો."

ભાઈના છૂટાછેડા, બહેનને પણ પતિ છોડવાનો વારો

ઇમેજ સ્રોત, Anand Vaghasiya / EyeEm
બીજી તરફ પોતાના પતિ સાથે છૂટાછેડા લેનારાં સુરીબહેને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મારો પતિ રોજ દારૂ પીને મને મારતો હતો. હું બીમાર પડું તો મારી દવા પણ કરાવતો નહોતો. એમની મારઝૂડથી કંટાળીને હું મારા પિયર આવી ગઈ હતી. "
"મારો પતિ મારી જવાબદારી ઉઠાવવા તૈયાર નહોતો એટલે સમાજે નિર્ણય કર્યો કે અમારે છૂટાછેડા લેવા અને 15 જાન્યુઆરી 2021ના દિવસે અમે છૂટાછેડા લીધા."
સુરીબહેને જણાવ્યું, "અમારાં લગ્ન સમાજના નિયમ પ્રમાણે સાટાપાટા પદ્ધતિથી થયાં હતાં એટલે મારી સાથે મારા ભાઈના પણ છૂટાછેડા થયા."
"કારણ કે સાટાપાટાનો નિયમ છે કે ભાઈ-બહેનનાં લગ્ન એક કુટુંબમાં સામસામે થયાં હોય અને ભાઈ અથવા બહેન કોઈ એકના છૂટાછેડા થાય તો બીજાના પણ છૂટાછેડા થઈ જાય."
તેઓ કહે છે, "અમારા છૂટાછેડા થયા પછી મારા પતિએ મારાં બાળકોને મળવા પર મનાઈ ફરમાવી દીધી. એટલે મેં ગુજરાત હાઈકોર્ટમાં બાળકોનો કબજો મેળવવા અરજી કરી હતી."

પતિપત્નીને સમજાવટ બાદ સાથે રહેવા તૈયાર કરાયાં

ઇમેજ સ્રોત, M.R.Thakkar
ગુજરાત હાઈકોર્ટમાં કાર્યકારી ચીફ જસ્ટિસ વિનીત કોઠારી અને જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ સાટાપાટાના આ જટિલ કેસને સમાધાનથી ઉકેલવા માટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઑથોરિટીના સેક્રેટરી અને પાટણના ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ એમ.આર.ઠક્કરને બંને દંપત્તિને સમજાવવાની જવાબદારી સોંપી.
પાટણના ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ એમ.આર. ઠક્કરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "સાટાપાટાની પદ્ધતિ સામાજિક રીતે જટિલ હતી અને તેને ઉકેલવી સહેલી નહોતી. "
"અમે બંને દંપતીનું કાઉન્સેલિંગ શરૂ કર્યું તો ખબર પડી કે એમનો ઝઘડો આમ સામાન્ય હતો. પતિ દારૂ પીવાની ટેવવાળો હતો અને અમે એને સમજાવ્યો કે એના કારણે એનાં બાળકો અને એની બહેનનાં બાળકોનું ભવિષ્ય પણ ધૂંધળું થઈ રહ્યું છે."
"કેમ કે સાટાપાટાની પ્રથાને કારણે બંનેના છૂટાછેડા થયા હતા પણ એક દંપતી સાથે રહેવા માંગતું હતું અને એમની વચ્ચે કોઈ ઝઘડો ન હતો."
એમ.આર.ઠક્કર કહે છે કે, "અમે સમાજના આગેવાનોને બોલાવ્યા અને બહેનોના કાઉન્સેલિંગ માટે સિનિયર ઍડવોકેટ જ્યોત્સ્ના નાથની મદદ લીધી."

ઇમેજ સ્રોત, Towfiqu Barbhuiya / EyeEm
તેઓ ઉમેરે છે કે, "ઘણી મહેનત બાદ અમે બંને (સુરીબહેન અને તેમના પતિ)ને સમજાવી શક્યા અને પતિપત્ની પુનર્લગ્ન કરવા તૈયાર થઈ ગયાં. આ બંનેનાં પુનર્લગ્ન કરાવી અમે હાઈકોર્ટમાં રિપોર્ટ સબમિટ કર્યો અને કોર્ટે એમને પુનર્લગ્ન કરીને એક થવાની મંજૂરી આપી છે."

એક દંપતીનાં લગ્ન બચાવાયાં, બીજાને પુનર્લગ્ન માટે તૈયાર કરાયું

ઇમેજ સ્રોત, Jyotsana Nath
આ કેસમાં પતિ સામે હાઈકોર્ટમાં અપીલ કરનારી મહિલાને સમજાવવું ખુબ અઘરું હતું.
મહિલા કાઉન્સેલર ઍડવોકેટ જ્યોત્સ્ના નાથે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "પહેલાં તો છૂટાછેડા લેનારી મહિલા અમારી કોઈ વાત માનવા તૈયાર નહોતી કારણ કે એનો પતિ દારૂનો નશો કરીને એની સાથે ખૂબ મારઝૂડ કરતો હતો. "
"મહિલા ખૂબજ ત્રસ્ત હતી અને કોઈ કાળે પતિ પાસે જવા તૈયાર નહોતી."
"જોકે, છેવટે બંને માની ગયાં અને એમનાં અમે 23 ઑગસ્ટના દિવસે ફરી લગ્ન કરાવ્યાં. મજાની વાત એ હતી કે માતાપિતાનાં લગ્નમાં બાળકો પણ હાજર હતાં. "
"આ રિપોર્ટ કોર્ટમાં સબમિટ કર્યા બાદ એની સુનાવણી થઈ. આ સાટાપાટાના કેસમાં હાઈકોર્ટે અંગત રસ લીધો જેના કારણે એક પતિપત્નીનું વિના વાંકે વિખેરાતું ઘર સચવાઈ ગયું."

શું છે સાટાપાટા પ્રથા?

ઇમેજ સ્રોત, Ashish Kumar/Getty
ગુજરાતની કેટલીક જાતિઓમાં લગ્ન માટે સાટાપાટાની પ્રથા બે સદીથી ચાલતી હોવાનો દાવો કરાય છે.
જાણીતા ઇતિહાસવિદ્ અને અમદાવાદસ્થિત એચ.કે. કૉલેજના પૂર્વ પ્રિન્સિપાલ સુભાષ બ્રહ્મભટ્ટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "ખાસ કરીને ઉત્તર ગુજરાતની કેટલીક ઓબીસી કોમમાં સાટાપાટાની પ્રથા આજે પણ ચાલુ છે."
"આ પ્રથા મુખ્યત્વે પશુપાલન અથવા પશુના આધારે જીવનનિર્વાહ કરતી કોમમાં વધુ જોવા મળે છે."
સુભાષ બ્રહ્મભટ્ટ જણાવે છે કે "એનું મુખ્ય કારણ એ છે કે જયારે આ લોકો પોતાનાં પશુને લઈને બહાર જાય ત્યારે એમનાં બાળકોનું ધ્યાન રાખી શકાય. "
"કેમ કે જેમનાં સાટાપાટામાં લગ્ન થયાં હોય એ એક જ કુટુંબના હોય એટલે કે ભાઈની સાથે જે છોકરીએ લગ્ન કર્યાં હોય એ છોકરીના ભાઈએ એના બનેવીની બહેન સાથે લગ્ન કરવાનાં હોય છે."
સુભાષ બ્રહ્મભટ્ટ કહે છે, "આ પ્રથા પ્રમાણે જો કોઈ છૂટાછેડા આપે તો એની બહેન કે ભાઈના ફરજીયાત છૂટાછેડા થાય એટલે જે-તે લોકો છૂટાછેડા વિશે જલદી વિચારે નહીં. આમ સમાજવ્યવસ્થા જળવાઈ રહે એવા આશયથી આ પ્રથા શરૂ થઈ હતી."
"વળી, એ જમાનામાં ઉચ્ચ જાતિઓમાં દીકરીને 'સાપનો ભારો ગણવામાં આવતી' અને એના જન્મ સાથે એને 'દૂધપીતી' કરવાની પણ પ્રથા હતી, પણ ઓબીસીની અમુક કોમમાં સાટાપાટાની આ પ્રથાને કારણે દીકરીના જન્મને વધાવી લેવામાં આવતો હતો."

દહેજથી બચવા માટે પ્રથા શરૂ થઈ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
આ બાબતે ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના પ્રોફેસર રાજેન્દ્ર જાનીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું "આ પ્રથા શરૂ થવાનું સોશિયો-ઇકોનૉમિક કારણ પણ હતું."
"જો એક કુટુંબમાં ભાઈ-બહેનનાં લગ્ન સાટાપાટામાં થાય તો મિલકત કે પશુ દહેજ તરીકે આપવા ન પડે અને ઘરની સંપત્તિ જો દહેજમાં અપાઈ હોય તો એ કુટુંબમાં જળવાઈ રહે. આવા આશયથી પ્રથા શરૂ થઈ હતી."
"ઉત્તર ગુજરાતમાં આ પ્રથા ચાલુ છે કારણ કે આ કોમ બિઝનેસ સાથે જોડાયેલી નથી એટલે પશુ જ એમની મૂડી હતાં."
"આ સમાજમાં મોટાભાગે લોકો અશિક્ષિત છે એટલે કોર્ટ અને પોલીસમાં જવાનું ટાળે છે પણ કોર્ટના આ ચુકાદાથી છૂટાછેડા લીધેલાં બે કુટુંબો ફરી ભેગાં થાય તો એક નવો ચીલો પડશે અને સાટાપાટાને કારણે લોકોનાં ઘર તૂટતાં બચી જશે."

કેટલાક કિસ્સામાં છૂટાછેડા પછી પણ મુશ્કેલી

ઇમેજ સ્રોત, Shivendu Jauhari/Getty
2020 જુલાઈમાં ગાંધીનગર પાસે પેથાપુરમાં આવી જ રીતે સાટાપાટામાં પિતરાઈ ભાઈ અને બહેનનાં એક જ કુટુંબમાં લગ્ન થયાં હતાં.
35 વર્ષના ભાઈ અને 30 વર્ષની પિતરાઈ બહેનને એક જ કુટુંબમાં પરણાવવામાં આવ્યાં હતાં.
ભાઈનું લગ્ન તૂટી ગયું તો બહેનનું લગ્નજીવન સુખી હોવા છતાં તેમને પણ પતિએ છૂટાછેડા આપી દીધા હતા.
એ વખતે મહિલાને ચારિત્ર્યહીન ચીતરવામાં આવી હતી અને પરિવારે ગામ છોડીને કરીને જતું રહેવું પડ્યું હતું.
ગામ છોડી દીધાં પછી પણ મહિલાને પરેશાન કરવામાં આવી અને છેવટે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસરક્ષણ આપવામાં આવ્યું હતું.
આ પિતરાઈ ભાઈ-બહેનનાં હજુ પણ બીજાં લગ્ન થઈ શક્યાં નથી.
(અરજદારોનાં નામ બદલવામાં આવ્યાં છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













