હિંદુ-મુસ્લિમ યુગલની પ્રેમકહાણી : 'ગીતા કે કુરાનમાં ક્યાંય પ્રેમની મનાઈ નથી ફરમાવવામાં આવી'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત સરકારનો કથિત 'લવ જેહાદ' વિરુદ્ધ કડક સજાની જોગવાઈ ધરાવતો કાયદો 15 જૂન 2021થી અમલમાં આવી રહ્યો છે. આ કાયદાનું સત્તાવાર નામ 'ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજિયન (સુધારા) ઍક્ટ, 2021' છે.
નોંધનીય છે કે આ પહેલાં ભાજપશાસિત રાજ્યો ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં અમુક સમય પહેલાં જ આવા કાયદા બહુમતીથી પસાર કરવામાં આવ્યા હતા.
ગુજરાત સરકારના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ખરડો લાવતી વખતે કહ્યું હતું કે:
"નાની, કુમળી માનસિકતા ધરાવતી દીકરીઓ, જેમને (કથિત) 'લવ જેહાદ'ના નામે ધર્માંતરણ કરાવી તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને તેમના જીવન નરક બનવી દેતા જેહાદીઓ સામે કડક કાર્યવાહી માટે સરકારે આ પગલું ભર્યું છે."
રાજ્યમાં ઘણાં સંગઠનો, નિષ્ણાતો અને યુવાનો આ કાયદા મામલે સવાલ ઉઠાવી રહ્યા છે.
એક યુગલ સાથે આંતરધર્મ લગ્નમાં પડતી મુશ્કેલીઓ અને તેમના સફરની કઠણાઈઓ જાણવા માટે બીબીસી ગુજરાતીએ વાત કરી. આ યુગલ છે રાજસ્થાનનાં સિમરન અને પ્રશાંત ચૌધરી.
હિંદુ યુવક અને મુસ્લિમ યુવતીની આ પ્રેમકહાણીને અંજામ સુધી પહોંચાડવા માટે તેમને કેટકેટલા પડકારોનો સામનો કરવો પડ્યો તે અંગે તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.

મુસ્લિમ પરિવારનાં સિમરન અને હિંદુ યુવક પ્રશાંતની પ્રેમકહાણી
સિમરન પોતાની પ્રથમ મુલાકાતની યાદો તાજી કરતાં જણાવે છે, "હું મુસ્લિમ અને એ હિંદુ, અમે સવારે મોર્નિંગ વૉક વખતે એકબીજાને જોતાં, આ દરમિયાન ક્યારે પ્રેમ થયો એની ખબર જ ન પડી".
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિમરન જણાવે છે કે શરૂઆતથી જ તેમના પ્રેમના માર્ગમાં ઘણા બધા અવરોધો આવવા લાગ્યા હતા.
તેઓ કહે છે, "અમે ઘરના લોકોથી સંતાઈને એકબીજાને મળતાં હતાં, એક દિવસ અમારા બંને વિશે મારા ઘરના લોકોને જાણ થઈ ગઈ. તો તેમણે બળજબરીપૂર્વક મારાં લગ્ન એક મુસ્લિમ છોકરા સાથે નક્કી કરી નાખ્યાં."
"મારા ઘરના લોકો દ્વારા પસંદ કરાયેલા યુવક સાથે મારાં લગ્ન થવાનાં હતાં, પરંતુ મારો મનમેળ તો પ્રશાંત સાથે થઈ ચૂક્યો હતો."
સિમરને પોતાના પ્રેમને મેળવવા માટે આખરી ઉપાય તરીકે ભરેલા પગલા અંગે વાત કરતાં કહ્યું કે:
"મારાં લગ્નના થોડા દિવસો પહેલાં જ અમે બંને મોર્નિંગ વૉક કરતી વખતે એકબીજાને મળ્યાં અને બીજો કોઈ વિચાર મનમાં આવે એ પહેલાં જ અમે બેઉં પહેરેલાં કપડે જ મોટરસાઇકલ પર એકબીજા સાથે ભાગી નીકળ્યાં."
નોંધનીય છે કે સિમરન રાજસ્થાન એક મુસ્લિમ પરિવારનાં દીકરી છે. તેમને ભાઈઓ પણ છે.
જોકે, કેટલીક કૌટુંબિક મુશ્કેલીઓને કારણે તેમણે ભણતર અધૂરું મૂકવું પડ્યું હતું.

'ધીરે-ધીરે મિત્રતા પ્રેમમાં પરિણમી'

ઇમેજ સ્રોત, EPA
સિમરન દરરોજ પાંચ વખત નમાજ અદા કરતાં હતાં, તેમને તેમના ધર્મ પ્રત્યે ઘણી શ્રદ્ધા છે.
જોકે પ્રેમને ધર્મ, જાતિ-જ્ઞાતિ કે કુટુંબના કોઈ વાડા નડતા નથી, એ વાત આ સિમરન અને પ્રશાંતના મને સ્વીકારી લીધી છે.
સિમરન તેમની અને પ્રશાંતની પ્રથમ મુલાકાત વિશે આગળ વાત કરતાં જણાવે છે કે તેઓ ગાર્ડનમાં મોર્નિંગ વૉક માટે જતાં ત્યારે બંનેની નજર એકબીજા સાથે ઘણી વાર ટકરાતી, પણ ઘણા સમય સુધી વાતચીત થઈ શકી નહોતી.
સિમરન પ્રશાંત સાથે થયેલા પ્રથમ સંવાદ વિશે જણાવતાં કહે છે કે "પ્રશાંત મને ગમતો હતો. મેં એક દિવસ તેને રોકીને તેની સામે મિત્રતાનો પ્રસ્તાવ મૂક્યો. સામે પ્રશાંતે પણ કબૂલ્યું કે તે પણ મને પસંદ કરે છે. બસ અહીંથી અમારા સંબંધોની શરૂઆત થઈ ગઈ."
સિમરન પ્રશાંત સાથેની મુલાકાતોના સિલસિલા વિશે વાત કહે છે કે અમે બંને મોર્નિંગ વૉક વખતે એકબીજા સાથે વાત કરવાનું ટાળતાં અને બહાર કૉફી શોપમાં એકબીજાને મળતાં હતાં. શરૂઆતની એકલદોકલ મુલાકાતો ધીરે-ધીરે વધવા લાગી.
પ્રશાંત કહે છે, "હું નાનપણથી જ દરગાહ પર જતો, સિમરન પણ ત્યાં આવતી હતી. તેથી હવે તો હું તેને મળવા માટે નિયમિત ત્યાં જવા લાગ્યો."
"આમ અમે કોઈને કોઈ રીતે એકબીજાને મળતાં રહ્યાં."
પ્રશાંત સિમરનના પરિવાર સાથે પોતાના સંબંધો વિશે વાત કરતાં કહે છે કે તેમને પાછળથી એ વાતનો ખ્યાલ આવ્યો કે "તેમના પિતા અને સિમરનના કાકા એકબીજાના મિત્રો હતા."
"તેમની વચ્ચેના મિત્રતાના આ સંબંધને કારણે તેઓ ઈદના દિવસે સિમરનના ઘરે પણ ગયા હતા અને આમ બંને પરિવારો વચ્ચે પારિવારિક સંબંધો પણ સ્થપાવા લાગ્યા હતા."
પ્રશાંત જણાવે છે કે તેમના પરિવારો વચ્ચેની નિકટતા છતાં તેમને એ વાતનો તો ડર હંમેશાં મનમાં રહેતો કે તેઓ સિમરન સાથે ભવિષ્યમાં લગ્ન કરી શકશે કે કેમ?
તેઓ કહે છે કે મનમાં આ શંકા છતાં બંને એ પોતાનું જીવન એકબીજા સાથે વિતાવવાનું નક્કી તો કરી જ લીધું હતું.

'પરિવારને પ્રેમસંબંધ વિશે ખબર પડતા થયો હોબાળો'

સિમરન કહે છે કે સમય જતાં તેઓ એકબીજાને અવારનવાર મળવા લાગ્યાં, એ દરમિયાન જ તેમના પરિવારને આ પ્રેમસંબંધ વિશે ક્યાંકથી માહિતી મળી ગઈ.
જ્યારે તેમના પરિવારને પ્રશાંત સાથેના પ્રેમસંબંધ વિશે ખબર પડી ત્યારે તેમના પરિવારની પ્રતિક્રિયા કેવી હતી તે વિશે જણાવતાં સિમરન કહે છે:
"જ્યારે મારા પરિવારને પ્રશાંત સાથેના મારા પ્રેમ વિશે ખબર પડી તો ઘરમાં મોટો ઊહાપોહ સર્જાયો. મારા પરિવારના લોકોએ તાત્કાલિક ધોરણે મારાં લગ્ન એક મુસ્લિમ યુવક સાથે નક્કી કરી દીધાં. તે દિવસથી મારા ઘરના લોકોએ મારું ઘરમાંથી નીકળવાનું જ બંધ કરાવી દીધું હતું."
પોતાના પર લાગેલા પ્રતિબંધો છતાં બંને વચ્ચેનો પ્રેમનો નાતો કઈ રીતે વધુને વધુ મજબૂત બનતો ગયો તે વિશે વાત કરતાં સિમરન કહે છે:
"હવે હું ઘરમાંથી બહાર નહોતી નીકળી શકતી, પરંતુ અમે બંને એકબીજા સાથે વીડિયો કૉલ પર વાતો કરીને એકબીજાના સંપર્કમાં રહેવા લાગ્યાં હતાં."
"એક દિવસ મારાં લગ્ન ટાળવા માટે મેં જે યુવક સાથે મારાં લગ્ન નક્કી થયાં હતાં તેને મારા અને પ્રશાંતના સંબંધ વિશે જણાવી દીધું. જે કારણે ઘરમાં ફરીથી મોટો હોબાળો થયો. તેમ છતાં તે યુવકે મારી સાથે જ લગ્ન કરવાનો આગ્રહ રાખ્યો."
સિમરન આગળ જણાવે છે કે બીજી તરફ તેમને આ કબૂલાત બાદ તેમના મામાના ઘરે લગભગ નજરકેદ કરીને રાખવામાં આવ્યાં હતાં. તે દરમિયાન વીડિયો કૉલ પર પોતે પ્રશાંતને કહેલું કે તેમને કોઈ પણ સંજોગોમાં પ્રશાંત સાથે જ લગ્ન કરવા છે.
વાતની ગંભીરતાને જોતાં બંનેએ બીજા દિવસે સવારે એક ગાર્ડનમાં મળવાનું નક્કી કર્યું હતું.

ભાગ્ય એ પ્રેમી યુગલને ગુજરાત પહોંચાડી દીધું

ઇમેજ સ્રોત, Getty Images
પ્રશાંત કહે છે, "હું સિમરનને સમજાવાનો હતો કે તે થોડો સમય રાહ જોઈ લે જેથી પૈસાની ગોઠવણ કરી શકાય, પરંતુ તે આ વિશે માનશે તેવું મને ના લાગ્યું."
"હું તો બીજે દિવસે સવારે નક્કી કર્યા મુજબ સિમરનને મળવા માટે ઘરેથી મોટરસાઇકલ લઈને નીકળી પડ્યો. તે સમયે મારા ખિસ્સામાં માત્ર બે-અઢી હજાર રૂપિયા જ હતા. પરંતુ અમે બંને એ વાતની પરવા કર્યા વગર નીકળી પડ્યાં."
પ્રશાંત પોતે જ્યારે સિમરન સાથે રહેવાના નિર્ધાર સાથે લગભગ નહિવત્ આયોજન વગર જ નીકળી પડ્યા, તે સમયે તેઓ બંનેને થયેલા અનુભવો વિશે વાત કરતાં કહે છે:
"અમે એકબીજા સાથે નીકળી ગયાં ત્યાર બાદ મેં થોડી વાર પછી મેં મારી નાનીને ફોન કર્યો. તેમણે કહ્યું કે હું એક દિવસ શાંતિથી કાઢી લઉં પછી તેઓ મારાં લગ્ન સિમરન સાથે કરાવી આપશે."
"પરંતુ અચાનક કંઈક એવું બન્યું કે મારાં નાનીએ અમારાં લગ્ન કરાવી આપવાની ના પાડી દીધી. તેથી હું નિરાશ થઈને સિમરન સાથે મારા મિત્ર પાસે જવા માટે નીકળી ગયો."
તેઓ કહે છે કે "ત્યાં પહોંચીને મેં મારા મિત્ર પાસેથી થોડા પૈસા ઉધાર લીધા. તેને ખબર નહોતી કે હું અને સિમરન લગ્ન કરવા માટે ઘરેથી નીકળી ગયાં છીએ."
આ દરમિયાન પોતાને પડેલી અન્ય તકલીફો વિશે આગળ વાત કરતાં પ્રશાંત કહે છે, "અમે ત્યાંથી નીકળ્યા ત્યાં જ થોડી વારમાં મારા મિત્ર પર ફોન આવ્યો કે પોલીસે અમારો ફોન ટ્રેસ કર્યો છે, તેથી અમારે તરત પરત ફરી જવું જોઈએ."
પ્રશાંત આગળ જણાવે છે કે તેમણે મિત્રની સલાહ ન માની અને ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં તેઓ અને સિમરન એકમેકના સહયોગથી મોટરસાઇકલ પર આગળ વધતાં રહ્યાં.
જ્યાં સુધી મોટરસાઇકલમાં પેટ્રોલ હતું, ત્યાં સુધી મોટરસાઇકલ સાથે રાખી.
પેટ્રોલ ખતમ થતાં જ બંનેએ મોટરસાઇકલ અને ફોન એક સ્થળે મૂકી દેવાનું નક્કી કર્યું અને બંને ગુજરાત તરફ આવતા વાહનમાં ચઢી ગયાં.
આમ નસીબના ભરોસે આ પ્રેમી યુગલ ગુજરાત ભણી આવવા નીકળી પડ્યું હતું.

'રેલવેસ્ટેશન અને મંદિરમાં રાતો ગાળવી પડી'
પ્રશાંત સિમરન સાથે અમદાવાદ પહોંચ્યા બાદ તેમના પ્રેમની ખરી કસોટી થઈ હોવાનું જણાવે છે.
તેઓ કહે છે કે, "અમારી પાસે હોટલમાં રોકાણ માટે જરૂરી નાણાં નહોતાં અને કપડાં પણ મેલાં થઈ ગયાં હતાં. જેથી હોટલમાં અમને કોઈ રાખે તેની કોઈ શક્યતા જ નહોતી."
"તેથી અમે પ્રથમ દિવસે સ્ટેશનના સ્નાનાગારમાં જ સ્નાન કરવાનું નક્કી કર્યું અને રાત પણ સ્ટેશને જ કાઢી. તે પછીની રાત પાસેના એક મંદિરમાં જઈને વિતાવી. દરમિયાન એક સજ્જન પાસેથી મોબાઇલ માગી મારા મિત્રોનો સંપર્ક કર્યો, પરંતુ તેમણે મારી મદદ કરવાની બિલકુલ ના પાડી દીધી."
પ્રશાંત નાણાં અને વ્યવસ્થાના અભાવમાં પોતે અને સિમરને પસાર કરેલા દિવસની વાત કરતા કહે છે, "અંતે મેં મારી ઓળખીતી એક વ્યક્તિનો સંપર્ક સાધ્યો તો તેમણે મને થોડાં નાણાં મોકલી આપ્યાં, જે અમે પોતાના માટે કપડાં લેવામાં વાપર્યાં."
પ્રશાંત કહે છે કે રાજસ્થાનમાં તેમની પાસે અઢળક નાણાં હતાં, પરંતુ પ્રેમના કારણે તેઓ બંને પૈસા અને સુવિધાના અભાવમાં પણ જીવવા માટે રાજી થઈ ગયાં હતાં.
સિમરન કહે છે, "કોઈ અમને મદદ કરે એ માટે અમે પ્રયાસો કરી રહ્યા હતા. દરમિયાન મને ગુજરાતના એક દૂરના ગામે રહેતી મારી એક હિંદુ બહેનપણી યાદ આવી. જ્યારે મેં એને ફોન કર્યો તો તેણે મને પોતાના ઘરે આવવા માટે કીધું."
આમ, તેઓ રાજસ્થાનથી ગુજરાત આવ્યા.
સિમરન કહે છે કે મારી બહેનપણીના પતિએ એક વકીલની સુવિધા કરી આપી, પરંતુ કોઈ આધાર-પુરાવા હતા નહીં.
તેમજ બંનેને એ વાતની પણ બીક હતી કે જો કોઈને ખબર પડી જશે કે બંને હિંદુ-મુસ્લિમ છે અને એકબીજા સાથે લગ્ન કરવા માગે છે, તો આ વાતના કારણે મોટી સમસ્યા સર્જાઈ શકે છે.
આ બધી મુશ્કેલીઓ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ અંગે ખબર હોવા છતાં બંનેએ ત્રણ મહિના માટે એકબીજા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનું નક્કી કર્યું.
જેથી બંને એકબીજાને પતિ-પત્ની તરીકે વધુ સમજી શકે. બંનેએ પોતાના મિત્રોનો સંપર્ક કરી પોતપોતાનાં ડૉક્યુમેન્ટ્સ મંગાવી લીધાં હતાં અને પછી લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યાં.

'ગીતા કે કુરાનમાં ક્યાંય પ્રેમની મનાઈ નથી ફરમાવી'

ઇમેજ સ્રોત, Getty Images
પ્રશાંત જણાવે છે, "ત્રણ મહિના સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ અમે એક મંદિરમાં જઈને લગ્ન કરી લીધાં અને તેનું રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું."
તેઓ કહે છે કે બંનેનાં લગ્ન થઈ ગયાં છતાં તેમના માટે ખરી કસોટી તો લગ્ન બાદ જ શરૂ થઈ હતી.
તેઓ કહે છે, "જ્યારે લોકો જુએ છે કે હું ઘરે પૂજા કરું છું અને સિમરન મસ્જિદમાં નમાજ પઢવા જાય છે, તો લોકો અમારાથી દૂર રહે છે. અમને સ્વીકારતા નથી અને અમને અહીં કોઈ કામ પણ નથી મળતું."
પ્રશાંત પોતાના અને સિમરનના પ્રેમના કારણે સર્જાયેલી મુશ્કેલીઓ અને વિકટ પરિસ્થિતિ વિશે વાત કરતાં કહે છે, "બીજી તરફ સિમરનના ભાઈએ તેમની વિરુદ્ધ સિમરનને અન્યત્ર વેચી નાખી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી દીધી હતી."
"જે કારણે પ્રશાંતના કોઈ મિત્ર તેમની મદદ કરવા માટે તૈયાર નહોતા, સામે પ્રશાંતનાં માતાપિતાએ પણ પોલીસ દ્વારા પોતાની ધરપકડની બીકના કારણે રાજસ્થાન છોડી દેવું પડ્યું હતું."

ઇમેજ સ્રોત, Getty Images
પ્રશાંત કહે છે કે, "અમે રાજસ્થાનમાં અમારા ઘરે પરત ફરવા માગીએ છીએ. અમે સિમરનનાં માતાપિતા અમારી સામેની ફરિયાદ પરત ખેંચી લે એ હેતુથી એક વીડિયો બનાવીને તેમને મોકલ્યો છે."
"સિમરન મારા પ્રત્યેના પ્રેમની ખાતર પોતે હિંદુ થવા રાજી છે, જો સિમરનનાં માતાપિતાની ઇચ્છતા હોય તો મને પણ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવામાં કોઈ તકલીફ નથી. બસ અમે ઇચ્છીએ છીએ કે આ વિવાદ હવે ખતમ થાય."
તેઓ સમાજની સંકુચિત માનસિકતાને કારણે ધર્મના નામે પોતાને અને સિમરનને વેઠવી પડી રહેલી તકલીફો વિશે કહે છે કે "અમારો ધર્મ અમારા પ્રેમમાં વિઘ્ન બન્યો છે. પરંતુ ગીતા કે કુરાનમાં પ્રેમને ક્યાંય નિષેધ ગણવામાં નથી આવ્યો."
બીબીસી ગુજરાતીએ આ મામલે ફરિયાદ કરનાર સિમરનના ભાઈ માજિદનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમણે આ મામલે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.
ત્યાર બાદ બીબીસી ગુજરાતીએ આ મામલાની તપાસ કરી રહેલી રાજસ્થાન પોલીસના અધિકારી પુરણ માલે સાથે વાત કરી હતી.
તેમણે આ મામલા અંગે પોલીસનો પક્ષ મૂકતાં કહ્યું કે, "અમને સિમરનના ગાયબ થવાની અને તેને વેચી નખાઈ હોવાની ફરિયાદ મળી છે. જ્યારે તેઓ બંને પોલીસ સમક્ષ હાજર થઈને એવું નિવેદન આપશે કે બંનેએ પોતપોતાની મરજીથી લગ્ન કર્યાં છે. તો બંને પુખ્ત હોવાના કારણે પોલીસ તેમને સુરક્ષા પણ પૂરું પાડશે."
"આમાં ક્યાંય હિંદુ-મુસ્લિમવાળી વાત આવતી નથી. પોલીસ નિયમ પ્રમાણે ફરજ બજાવશે. એમની પાસે ફોન ન હોવાના કારણે તેમનો સંપર્ક સાધી શકાયો નથી. અને પ્રશાંતનો પરિવાર રાજસ્થાન છોડીને જતો રહ્યો છે. જો તેમનો પરિવાર પોલીસને સહકાર આપે તો આ કેસ ઝડપથી ઉકેલાઈ જશે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













