વૅલેન્ટાઇન્સ ડે : જ્યારે એક ગુજરાતી વિકલાંગ યુવતી અને પંજાબી યુવક વચ્ચે પ્રેમ પાંગર્યો

નિષ્ઠા

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, નિષ્ઠા
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'એણે મને લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે મને એમ લાગતું હતું કે એ મારી અપંગતા પર દયા ખાઈને મારી સાથે લગ્ન કરી ઉપકાર કરવા માંગે છે. કારણકે મારો રોગ એવો છે કે સમય જતાં વધી જાય પણ અમે પોણાં બે વર્ષ એકબીજા સાથે કાઢ્યાં ત્યારે ખબર પડી કે અમે પ્રેમ કરીએ છીએ. લગ્નની છેલ્લી ઘડીએ ઘરના લોકો માની ગયા અને અમે પરણ્યાં, અમારા માટે ફેબ્રુઆરીની 14 તારીખ વૅલેન્ટાઇન ડે નથી આખુંય વર્ષ વૅલેન્ટાઈન ડે છે."

આ શબ્દો આઈ.આઈ.એમમાં ઇક્વલ ઑપોર્ચ્યુનિટી ડિપાર્ટર્મેન્ટમાં કામ કરતાં નિષ્ઠા ઠાકરના છે.

નિષ્ઠા ઠાકર 'મસ્ક્યુલર ડિસ્ટ્રોફી'થી પીડાય છે. તેઓ કોઈની મદદ વગર ચાલી શકતાં નથી. વ્હિલચૅર અને ચાર પૈડાંવાળું સ્કૂટર એમના બે પગ છે.

નિષ્ઠાએ દસમા પછી સ્કૂલ કે કૉલેજ જોયાં નથી, કારણકે જીવનનાં ઘણાં વર્ષો એમણે પથારીમાં કાઢ્યાં છે.

આમ છતાં મજબૂત ઇચ્છાશક્તિને કારણે તેઓ ઍક્સ્ટર્નલ સ્ટુડન્ટ તરીકે ગ્રૅજ્યુએટ થયાં, સતત સારવાર અને ફિઝિયૉથૅરપીથી તેઓ પથારીમાંથી ઊઠતાં-બેસતાં થયાં અને પછી વૉકરથી ચાલતાં થયાં અને પહેલું કામ નોકરી કરીને સ્વનિર્ભર થવાનું કર્યું.

નિષ્ઠા કહે છે, “હું પહેલાં રિસેપ્શનિસ્ટ તરીકે અમદાવાદની એક જાણીતી ક્લબમાં નોકરી કરતી હતી."

"અમદાવાદના એક જાણીતા ઉદ્યોગપતિનાં દીકરીને પણ મારા જેવી સમસ્યા હતી. એમની મદદથી હું મસ્ક્યુલર ડિસ્ટ્રોફી કલબની મેમ્બર થઈ. અહીં મેમ્બર થયા પછી મારો આત્મવિશ્વાસ વધી ગયો."

"ગુજરાતમાં મેં મારા જેવી શારીરિક તકલીફથી પીડાતા લોકોનો 2006માં એક કૅમ્પ કર્યો, એ કૅમ્પમાં મને ભટિંડામાં રહેતા પોતાના મિત્રની મૅમ્બરશિપ માટે એક ભાઈનો ફોન આવ્યો અને મેં રજિસ્ટ્રેશન માટે એમને બોલાવ્યા. આ અમારી પહેલી મુલાકાત હતી.”

line

પહેલી મુલાકાત

ક્રિષ્ના

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, ક્રિષ્ના

નિષ્ઠાના પતિ અને ખાનગી કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા ક્રિષ્ના આનંદે કહ્યું કે “હું એમને પહેલી વાર મળવા ગયો ત્યારે નિષ્ઠા અને એનાં માતા સાથે હતાં."

"મને એમ કે આવા કૅમ્પ કોઈ મોટી ઉંમરના લોકો કરતા હશે એટલે મેં એમનાં માતાને 'નિષ્ઠાબહેન નમસ્કાર' કહ્યું તો એમનાં માતાએ કહ્યું કે હું નહીં આ નિષ્ઠા છે."

"વાતચીત માટે સમય ન હતો, રેલવેસ્ટેશનથી અમારે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડાતા લોકોને લેવા જવાનું હતું, મારો મિત્ર પણ આવવાનો હતો. અમે ટેમ્પો ટ્રાવેલરમાં ચડતા હતા ત્યારે નિષ્ઠાને તકલીફ થઈ રહી હતી. એની માતાએ મદદ કરવા કહ્યું, મેં મદદ કરી.”

તેઓ પહેલી મુલાકાત વિશે કહે છે, “અમે રેલવેસ્ટેશન પહોંચ્યાં પછી ત્યારે લોકો આવી ગયા હતા પણ મારો મિત્ર નહોતો આવ્યો. અમે રાહ પણ જોઈ પણ એ નહોતો આવ્યો, મારી અને નિષ્ઠાની નજર મળી મને અફસોસ થયો કે મારા લીધે બીજા લોકોને પણ હેરાન થવું પડ્યું."

"નિષ્ઠાએ કોઈ ફરિયાદ ન કરી, મારી પાસે કૅમેરા હતો મેં કહ્યું કે તમારા બધાના ફોટો લેવાનું કામ મારું અને એ ફંક્શનના ફોટા લીધા. શનિ-રવિનો કૅમ્પ હતો."

"બધું પાર પડ્યું ત્યારે રાત્રિના બે વાગ્યા હતા, હું એ વખતે એન.આઈ.ડી.માં ભણતો હતો મારી હૉસ્ટેલ બંધ થઈ ગઈ હતી અને મારા માટે જવાની વ્યવસ્થા નહોતી. નિષ્ઠાનાં માતાએ રાત્રે તેમના ઘરે રહેવાનું કહ્યું અને હું એમના ઘરે એ દિવસે રોકાઈ ગયો.

line

‘લગ્ન બાદ જો બાળક ન થયું તો?’

સમર્પણ અને પ્રેમની મિસાલ નિષ્ઠા અને ક્રિષ્ના

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, સમર્પણ અને પ્રેમની મિસાલ નિષ્ઠા અને ક્રિષ્ના

ક્રિષ્ના કહે છે, "એ પછી હું ફોટા લઈને આઈ.આઈ.એમ. મળવા આવતો હતો."

નિષ્ઠા વાતનો તંતુ સાધતાં કહે છે, “અમે પ્રોજેક્ટના ફોટો સિલેક્ટ કર્યા, બધાને બહુ ગમ્યા અને પછી અમે જ્યાં જતાં ત્યાં ફોટોગ્રાફીનું કામ ક્રિષ્ના કરતા હતા. ભારતમાં અલગ-અલગ જગ્યાએ જતાં હતાં."

"એક દિવસ એણે મને લગ્ન માટે પ્રપોઝ કર્યું. ત્યાં સુધી હું માનવા તૈયાર નહોતી, કારણકે હું એનાથી પાંચ વર્ષ મોટી અને અપંગ હતી અને ક્રિષ્ના સંપૂર્ણ સ્વસ્થ હતો. પહેલાં મને લાગ્યું કે એ મારી પર દયા ખાઈ રહ્યો છે, પણ એ સિરિયસ હતો.”

તેઓ કહે છે, “અમારું મળવાનું સતત ચાલુ હતું, કયારેક ગણેશ મંદિરમાં તો ક્યારેક ગુરુદ્વારામાં બેસતાં હતાં. એક દિવસ મેં કહ્યું કે ક્રિષ્ના આપણે લગ્ન કરીએ પણ મને બાળક ન થયું તો? અને બાળક થયું તો એને મારા જેવી જિનેટિક બીમારી આવી તો?"

"ક્રિષ્નાએ ગુરુદ્વારામાં સોગંધ લીધા કે એ બાળક નહીં થાય તો દીકરી દત્તક લેશે અને બાળક જિનેટિક ખામીવાળું હશે તો એને સ્વીકારશે.”

વાતને વચ્ચેથી કાપતાં ક્રિષ્ના કહે છે કે, “અમે બંને લગ્ન કરતાં પહેલાં અનાથાશ્રમમાં જઈને એક દીકરી પસંદ કરી આવ્યાં હતાં. એની ફૉર્માલિટી કરી દીધી હતી અને પછી અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. મારા પરિવારજનો તૈયાર નહોતા, એક તો અપંગ છોકરી, મારાથી પાંચ વર્ષ મોટી અને ઉપરથી હું પંજાબી અને એ ગુજરાતી.”

નિષ્ઠા કહે છે, “મારે પણ એવુ જ હતું, છોકરાનાં માતાપિતાને જોયાં નહોતાં, આ પ્રેમ એમને સોડા વૉટરની બોટલ જેવો લાગતો હતો કે ઊભરો ઓછો થશેને છોકરો થોડા દિવસમાં છોડી દેશે તો?”

line

આખરે થયાં લગ્ન

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

લગ્ન કઈ રીતે થયાં, તે યાદો વાગોળતાં નિષ્ઠા કહે છે, “અમારી પાસે પૈસા હતા નહીં, લગ્ન કરીએ તો નવું ઘર વસાવવું પડે, અમે બચત શરૂ કરી."

"લગ્નના બે દિવસ પહેલાં ખબર નહોતી કે ઘરના લોકો આવશે કે નહીં, દોસ્તોની હાજરીમાં લગ્ન કરવાનું નક્કી કર્યું. ક્રિષ્નાના ઘરના લોકો અચાનક માની ગયા, 15 લોકો આવ્યા અને અચાનક મારી સગાઈ નક્કી થઈ.”

“હું ઑફિસમાં હતી. મેં ક્રિષ્નાને કહ્યું કે તું સગાઈની વીંટી પણ લઈ આવ. આમ અમારી સગાઈ થઈ અને સગાઈના બે દિવસ બાદ જ લગ્ન થયાં.”

શરૂઆતના દિવસો યાદ કરતાં નિષ્ઠા કહે છે, “લગ્નના છ મહિના સુધી અમે ભાડાનાં ઘર બદલતાં રહ્યાં, ક્રિષ્ના રોજ સવારે મને ચા બનાવી આપતો, જમવાનું આપતો.”

“લગ્નના બીજા વર્ષે અમે બાળકનું પ્લાનિંગ કર્યું, પરંતુ સફળતા મળી નહીં અને જે દીકરી દત્તક લેવાનું નક્કી કર્યું હતું, ત્યાં ગયા બધી ફૉર્માલિટી પૂરી કરતાં હતાં ત્યાં મહિના પછી મેં બાળક કંસીવ કર્યું, બસ અમારી ખુશીનો પાર ન રહ્યો.”

નિષ્ઠા કહે છે કે, “દરેક વખતે સોનોગ્રાફી કરવા જતાં ત્યારે અમારા બાળકને કોઈ ખામી નથી એ જોતાં રહેતાં. પ્રૅગ્નન્સી દરમ્યાન છઠ્ઠા મહિને હું પડી ગઈ, પણ બાળકને નુકસાન ન થયું જોકે ડૉક્ટરે મને 'બેડ રેસ્ટ' આપ્યો.”

line

લાઇફ પાર્ટનરને સાચવવા સરકારી નોકરીનો ત્યાગ

નિષ્ઠા કહે છે, “મારી સારવાર માટે ક્રિષ્નાએ સરકારી નોકરી પણ છોડી દીધી અને મારી સેવામાં લાગી ગયો. મારા મૂડસ્વિંગ આવતા એને સાંભળતો, મારા ખાવા-પીવાનું ધ્યાન રાખતો. સમય પસાર થયો અને અમારા ઘરે દીકરી અવતરી. ક્રિષ્નાની ઇચ્છા પણ દીકરી જન્મે, એવી જ હતી. એનું નામ અમે આકાંક્ષા રાખ્યું છે.”

નિષ્ઠાને બૂટ પહેરવા અને સ્કૂટી પર બેસવા માટે કોઈની મદદ જોઈતી હોય તો આજે પણ ક્રિષ્ના એમને બૂટ-મોજાં પહેરાવે છે, તેમને સ્કૂટી પર બેસાડે છે.

નિષ્ઠા ઑફિસે જાય પછી તેઓ પોતે નોકરી પર જાય છે.

અમદાવાદની ખાનગી આર્કિટેક્ટ કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા ક્રિષ્ના પોતાનાં પત્નીને સહેજ પણ અહેસાસ નથી થવા દેતા કે તેઓ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડાય છે.

વૅલેન્ટાઇન ડેના ખાસ પ્લાનની વાત કરતાં નિષ્ઠા અને ક્રિષ્ના કહે છે, “કહેવાય છે ને કે હથેળીમાં લખ્યું હોય એ મળે, અમે તો એક-બીજાનું નામ રોજ હથેળીમાં ઘૂંટીએ છીએ, તો ક્યાં દિલમાંથી ભુંસાવવાનું છે એટલે અમે 14 ફેબ્રુઆરીના મોહતાજ નથી. અમારી માટે 365 દિવસ વૅલેન્ટાઈન ડે હોય છે.”

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન