ગુજરાતના એ રાજવી જેમણે દાસીના પ્રેમ માટે રાજગાદી દાવ પર મૂકી

- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
અધર હોઠ અંગુલી વડે, ઢાંકી વારંવાર
"રે મુજ ચુંબન મા કરો" એમ કર્યો ઉચ્ચાર,
છટા થકી બોલી ઊઠી, અટકાવ્યું મુજ કામ
સુંદર પાંપણયુક્ત એ નયન ફેરવી આમ
ઉંચુ કરવા ગયો હું ગયો નીચું તારું મોંહ
પ્રયત્નથી પણ નહિં થયું ચુંબન એનું તોય.
ટીનઍજર લાઠીના પ્રિન્સ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલે પોતાનાં પ્રિય પત્ની રમાને સંબોધીને પોતાની લાગણીઓને વ્યક્ત કરી છે.
એક તબક્કે 'કલાપી'નું (મોર) તખલ્લુસ ધરાવતા સુરસિંહજીના જીવનમાં મોંઘીનો પ્રવેશ થાય છે, જે તેમનાં પત્નીની દાસી છે. શરૂઆતમાં તેમનાં પ્રત્યે વાત્સલ્યભાવ ધરાવનારા કલાપી અચાનક તેની તરફ દૈહિક રીતે પણ આકર્ષાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બંને જીવને અલગ કરવા માટે કાવાદાવા સર્જાય છે, જેથી કવિહૃદયી રાજવી કલાપીની કલમમાંથી કરૂણરસ ફૂટી નીકળે છે.
વિધાતા બંનેને એક કરી દે છે, પરંતુ કાળ પોતાનું કામ કરે છે અને વર્ષ 1900માં માત્ર 26 વર્ષની ઉંમરે તેમનું અવસાન થાય છે.
કલાપીની કહાણી એક રાજા, પતિની અને પ્રેમીની To be or not to beની કહાણી છે. પ્રણયત્રિકોણનો ચોથો ખૂણો પણ છે, જે તેમના સર્જનજગતમાં બાજુએ રહ્યો, પરંતુ વ્યવહારજગતમાં કેન્દ્રમાં હતો.

કલાપીના જીવનની કરૂણતા

ઇમેજ સ્રોત, rkcrajkot.com
રાજકોટની રાજકુમાર કૉલેજ ખાતે કવિ કલાપીનું ઔપચારિક શિક્ષણ થયું
અંગ્રેજોના શાસનમાંથી દેશ મુક્ત થયો અને ગણતંત્રની સ્થાપના થઈ તેના બરાબર 73 વર્ષ પહેલાં 26 જાન્યુઆરી 1874ના દિવસે તેમનો જન્મ લાઠીના તત્કાલીન રાજવી પરિવારમાં સુરસિંહજી ગોહિલ તરીકે થયો.
જન્મના ગણતરીના મહિનાઓમાં મોટાભાઈ ભાવસિંહનું જ અવસાન થઈ ગયું અને પિતા તખ્તસિંહજીની છત્રછાયા પણ ગુમાવી, જેથી માત્ર પાંચ વર્ષની કુમળી વયે તેઓ 'પ્રિન્સ' બની ગયા.
1882માં રાજકોટની રાજકુમાર કૉલેજ (વાસ્તવમાં નિવાસીશાળા) ખાતે કાઠિયાવાડના અન્ય રાજકુમારોની સાથે તેમનો અભ્યાસ શરૂ થયો. અહીં રાજકુમારોને શિક્ષણ આપવા ઉપરાંત રાજકાજ તથા વહીવટ માટે તૈયાર કરવામાં આવતા.
1868માં સ્થાપિત 'આરકે.સી.' આજે પણ કાર્યરત છે અને ત્યાં 5થી 18 વર્ષના બાળકોને સેન્ટ્રલ બૉર્ડ ઑફ ઍજ્યુકેશન પ્રમાણે, કૉ-ઍજ્યુકેશન આપવામાં આવે છે.
કલાપી 1891 સુધી અહીં રહ્યા, પરંતુ આ ગાળામાં તેમના જીવનની બે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ ઘટી. 1988માં તેમનાં માતા રામબાનું મૃત્યુ થયું.
પિતા તથા મોટભાઈના અવસાન પછી તેમના જીવન ઉપર માતાનો મોટો પ્રભાવ હતો. સંવેદનશીલ હૃદય ધરાવતા કલાપી માટે 14 વર્ષની કુમળી વયે આ આઘાત સહન કરવો મુશ્કેલ હતો.
કલાપી અંતર્મુખી બની ગયા, તેઓ લાઠી પરત જવા માગતા ન હતા અને તેમને 'વૈરાગ'ના વિચાર આવવા માંડ્યા. દરમિયાન તેમના જીવનમાં 'રમાબા'નો પ્રવેશ થયો અને 'વૈરાગ'નું સ્થાન પ્રેમે લીધું.
રમાબા : પત્ની અને પ્રેયસી

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
પહેલી ડિસેમ્બર 1889માં એકસાથે એક જ દિવસે બે કન્યાઓ સાથે તેમનું લગ્ન થયું. ક્ષત્રિય પરંપરા પ્રમાણે, કચ્છના રોહાનાં કુંવરી રાજબા અને કોટડા સાંગાણીનાં કુંવરી કેસરકુંવરબા ખાંડાને પરણીને લાઠી આવ્યાં.
લાઠીના દરબારગઢમાં આવીને કલાપીથી આઠ વર્ષ મોટાં રાજબા એ 'રમાબા', જ્યારે બે વર્ષ મોટાં કેસરકુંવર 'આનંદીબા' બન્યાં. કલાપી રાજબાનાં રુપ અને ચાતુર્યથી આકર્ષાયા હતા અને તેમનાં માટે પ્રથમ કવિતા લખી હતી.
કૉલેજના અંગ્રેજ અધિકારીઓની વિશેષ મંજૂરી લઈને કલાપીએ રમાબા તથા રાજબાને રાજકોટમાં પોતાની સાથે રાખવાની મંજૂરી મેળવી લીધી. અગાઉ જ આંખની સારવાર માટે કલાપીએ વારંવાર મુંબઈ જવું પડતું, જેના કારણે તેમનો અભ્યાસ બગડતો. હવે તેમાં વધુ એક કારણ ઉમેરાયું હતું.
એ અરસાના એક બનાવ વિશે હેમંત દેસાઈ પોતાના પુસ્તક 'મૅકર્સ ઑવ ઇન્ડિયન લિટ્રૅચર : કલાપી' (પૃષ્ઠ ક્રમાંક 4)મા લખે છે : "રાજકુમાર કૉલેજમાં અભ્યાસના છેલ્લા વર્ષમાં વિદ્યાર્થીઓને સમગ્ર દેશના પ્રવાસે લઈ જવાનું આયોજન થયું હતું."
"પ્રિયપત્નીથી દૂર રહેવું સુરસિંહને માટે કપરું હતું. છતાં તેઓ રવાના થયા, જ્યારે તેઓ બૉમ્બે પહોંચ્યા ત્યારે તાર આવ્યો કે સુરસિંહનાં પુત્રી બીમાર હોય, તેમણે તત્કાળ રોહા (કચ્છ) પહોંચવું. તેમને પ્રવાસ અધવચ્ચેથી છોડવાની મંજૂરી મળી ગઈ."
"વાસ્તવમાં આ તાર ખોટો હતો અને આયોજનપૂર્વક મોકલવામાં આવ્યો હતો, જેથી તેઓ પોતાનાં પત્ની રમાબા સાથે રહી શકે. તેઓ જ્યારે રોહા પહોંચ્યા, ત્યારે તેમનાં પુત્રી વાસ્તવમાં બીમાર હતા અને એ બીમારીને કારણે તેમનું મૃત્યુ થયું."

કાશ્મીરના નૈસર્ગિક સૌદર્યે કલાપીની સર્જનયાત્રામાં રૉમાન્સનું તત્વ ઉમેર્યું

"આથી સુરસિંહનું હૃદય તૂટી ગયું અને તેઓ ફરી ક્યારેય શાળાએ ન ગયા. તેમના ભણતરમાં રહી ગયેલી કચાશને ખાનગી શિક્ષકો દ્વારા પૂર્ણ કરવાનો પ્રયાસ શરૂ થયો."
કલાપીએ દરરોજ એક કલાક અંગ્રેજી, એક કલાક કાયદો અને ત્રણ કલાક ગુજરાતીનો અભ્યાસ કરવાનો નિયમ રાખ્યો હતો. આ સિવાય તેમણે સંસ્કૃત, ફારસી તથા ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો. જે તેમના સાહિત્યસર્જનમાં પણ ઝળકે છે.
રમાને કેન્દ્રસ્થાને રાખીને કલાપી કવિતાનું સર્જન કરી રહ્યા હતા, ત્યારે તેમણે આનંદીબા પ્રત્યેની પોતાની સામાજિક અને પારિવારિક જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવતા રહ્યા.
'રાજગાદી સંભાળતા પહેલાં રાજકુમારે સમગ્ર દેશનું ભ્રમણ કરવું' એવી એજન્સી સરાકરની શરતને પૂર્ણ કરવા કલાપીએ ઑક્ટોબર-1891થી મે-1892 દરમિયાન ઉત્તર ભારત તથા કાશ્મીરનો પ્રવાસ ખેડ્યો.
સૂકાભઠ્ઠ કાઠિયાવાડથી કાશ્મીરની પહાડીઓમાં પહોંચેલા કલાપીને અજબ રાહતનો અહેસાસ થયો. તેમણે કુદરતનો ખોળો ખૂંદ્યો અને તેમના પત્રોમાં કવિતા અને રૉમાન્સ ભળ્યાં.
રમાબાને સંબોધીને લખેલા પત્રોમાં તેઓ આનંદીબા સાથે મળીને રહેવાની સલાહ આપતાં. આ પત્રોમાં અન્ય એક છોકરીનો પણ ઉલ્લેખ રહેતો, જેનું નામ હતું મોંઘી.

પ્રણયત્રિકોણનો ત્રીજો ખૂણો

ઇમેજ સ્રોત, Anjoo Mahendroo
રમાબા જ્યારે કચ્છથી આવ્યાં, ત્યારે તે સમયની પરંપરા પ્રમાણે, તેમની સાથે મોંઘી નામની એક છ-સાત વર્ષની દાસી પણ આવી હતી.
કલાપીના પત્રોના અભ્યાસના આધારે નવલરામ જગન્નાથ ત્રિવેદી પોતાના પુસ્તક 'કલાપી' (પૃષ્ઠક્રમાંક 47-54)માં લખે છે, 'લગ્ન થયું, તેના બીજા જ દિવસે તેમણે એક છ-સાત વર્ષની બાળકીને પોતાના મકાનની નીચેથી ચાલીને જતી જોઈ હતી, પરંતુ શરમને કારણે તેને બોલાવી શક્યા નહીં. પરંતુ કલાપીના શિક્ષક જાની માસ્તરે એ બાળકીને બોલાવી.'
'માત્ર પાંચ મિનિટની મુલાકાતમાં સોળેક વર્ષના કલાપીને માધુર્યની મૂર્તિ સમાન રમાબાની દાસી મોંઘી પ્રત્યે વાત્સલ્યભાવ જાગ્યો.'
આર્યવર્તની યાત્રા દરમિયાન રમાબાને લખેલા પત્રોમાં મોંઘીનો ઉલ્લેખ જોવા મળે છે અને તેને 'બેટા' કહીને સંબોધે છે. તેનાં યોગક્ષેમ, ઉછેર અને શિક્ષણની ચિંતા કરતા જણાય છે.
પ્રવાસમાંથી પરત ફર્યા બાદ મોંઘી અને કલાપીનો સહવાસ વધી ગયો. મોંઘી અભ્યાસમાં સતત પ્રગતિ કરી રહી હતી. આથી કલાપીની ચિંતા પણ વધી. મોંઘીને તેની ખવાસ જ્ઞાતિમાં કોઈ છોકરો નહીં મળે તેવી ચિંતા પણ કલાપીને થતી હતી.
આ માટે કલાપીએ એક ખવાસનો છોકરો શોધ્યો પણ ખરો, પરંતુ વિધાતાએ કંઈક જુદાં જ લેખ લખ્યા હતા અને મોંઘીના નસીબમાં કલાપીની 'શોભના' બનવાનું લખ્યું હતું.

મોંઘીમાંથી શોભનાનું સર્જન

મોંઘીના દિલમાં પેલા છોકરા માટે કોઈ કૂણી લાગણી જન્મી નહીં. બીજી બાજુ, કલાપીનું મોંઘી પ્રત્યેનું આકર્ષણ વધતું જઈ રહ્યું હતું. રમાએ તેમને સમજાવવા માટેનો ખૂબ પ્રયાસ કર્યો.
ખુદ કલાપી પણ આ બાબત સમજતા હતા. તેમનો આંતરદ્વંદ્વ 'ભરત' અને 'બિલ્વમંગળ'માં જોવા મળે છે. જેમાં લેખ ઋષિને કહે છે, 'રમાડ તેને પણ લુબ્ધ ન થજે.'
એ સમયે પ્રવર્તમાન સામાજિક સ્થિતિ પ્રમાણે, જો કોઈ રાજા દાસી સાથે સંબંધ બાંધે તો તેને સામાન્ય માનવામાં આવતું. રમાબાને પણ એની સામે વાંધો ન હોય, પરંતુ એવો સંબંધ કલાપીને મંજૂર ન હતો.
1896માં તેઓ રમાબાની મંજૂરીથી પરણીને મોંઘીને લાવવા ઇચ્છતા હતા અને રમાબાને મનાવવાના પ્રયાસ કરતા લખ્યું:
તુને ન ચાહું, ન બન્યું કદી એ,
તેને ન ચાહું, ન બને કદી એ;
ચાહું છું તો ચાહીશ બેયને હું.
ચાહું નહીં તો નવ કોઈને હું.
જોકે રમાબાની શંકાનું સમાધાન ન થયું. શોભના આવે તો રમાબા અલગ જવા તૈયાર થયાં, જેનાં કારણે કલાપીએ બાળકોનો વિરહ સહન કરવો પડે તેમ હતો.
આ પહેલાં 1895માં બે ઘટના ઘટી, જેણે કલાપીની મુશ્કેલીઓ વધારી દીધી અને તેમનું હૃદય ભાંગી નાખ્યું.
21 વર્ષની ઉંમરે તેમને લાઠીનું રાજ સોંપાયું. બીજી બાજુ, કલાપી બહારગામ ફરવા ગયા હતા, ત્યારે 'પૅલેસ પૉલિટિક્સ' રમાયું અને મોંઘીને રોહામાં રમાબાઈનાં ભાઈના નોકર ગાભા દુજા સાથે પરણાવી કચ્છ મોકલી દેવામાં આવી.
કલાપીનું હૃદય આ આઘાત સહન ન કરી શક્યું, તેમણે ખાવા-પીવાનું છોડી દીધું હતું અને તેઓ માત્ર ફળ તથા દૂધ જ લેતા. તેમનું શરીર લેવાઈ ગયું હતું. તેમની કવિતાઓમાંથી કરૂણરસ છલકાવા લાગ્યો.
દર્દ, અસમંજસ અને અનિશ્ચિતતાના એ કાળમાં લગભગ 70 ટકા સર્જન થયું. 'હૃદયત્રિપુટી' ખંડકાવ્યમાં તેમણે પોતાના, રમાબા તથા શોભનાનાં પ્રણયત્રિકોણની વાત લખી.
અનેક સાહિત્યિક વૃત્તાંતો પ્રમાણે, મોંઘીનો પતિ ગાભો દારુ પીતો તથા તેની ઉપર જુલમ ગુજરાતો. અંતે મોંઘીએ કલાપીને પત્ર લખ્યો.

મોંઘીનો કલાપીને પત્ર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ખુદાવિંદ અન્નદાતા ઠાકોર સાહેબ,
આપની પાસે મેં મારા બાપનાં તથા ધણીના જુલમની ફરિયાદ ઘણી વાર કરી છે.
હવે મારે આ સંસારમાં કોઈ રહ્યું નથી. ઉંચે આભ ને નીચે ધરતી છે. હું આપઘાત કરી જીવ આપીશ. આપ ઉંચા કુળના રાજપૂત છો.
મને ઉગારવી કે મારવી એ આપના હાથમાં છે, પછી તો જેવી પરમેશ્વરની મરજી,
મારા છેલ્લા સલામ
મોંઘીના જેશ્રી કૃષ્ણ
મોંઘીના પત્રથી કલાપી હચમચી ગયા. તેઓ મોંઘીને કચ્છથી લાઠી લાવીને ફુલવાડીમાં રાખે છે.
બંનેનું લગ્ન અટકાવવાના હેતુસર મોંઘીના બાપ મારફત રાજકોટમાં એજન્સીને રજૂઆત કરવામાં આવી કે કલાપી દ્વારા મોંઘીને ગોંધી રાખવામાં આવી છે. એક તબક્કે લાઠીનો રાજપાઠ સુરસિંહના હાથમાં રહેશે કે કેમ? એવો સવાલ ઊભો થયો.
લાઠીના કારભારી દ્વારા રજૂઆત કરવામાં આવી કે મોંઘીનો પતિ તેની સાથે મારઝૂડ કરે છે. તેની પાસેથી ફારગતી લઈને ઠાકોરસાહેબ તેની સાથે લગ્ન કરવા ચાહે છે. આથી, જેમ બને તેમ વહેલાસર લગ્ન કરવાની સલાહ આપવામાં આવી.
બે મહિના બાદ પરિવારના વડીલ જસવંતસિંહ અને અગ્નિના બદલે પુસ્તકોની હાજરીમાં શોભના તથા કલાપીનું લગ્ન થયું.
અત્યારસુધી ચિંતિત તથા અનિશ્ચિતતા સામે ઝઝુમી રહેલા કલાપી રાહતનો શ્વાસ લે છે અને તેમના સર્જનમાં આશાનો સંચાર થાય છે. તેઓ પોતાના મિત્ર અને માર્ગદર્શક વાજસૂરવાળાને લખેલા પત્રમાં કહે છે :
ગઈ છે સૌ ચિંતા એ, અનુકૂળ વિધિ એ થઈ ગયો,
અમારાં ભાવિને વણકર વિધાતાએ વણી રહ્યો ;
પ્રભુએ, વ્હાલાંએ, જગતપરનાં લોક સઘળે,
દીધો નિર્મી તેનો મધુર કર મારા કર સહે.
કલાપી, રમાબા તથા શોભનાનાં પ્રણયત્રિકોણના વિષય ઉપર 1966માં ગુજરાતી ફિલ્મ 'કલાપી' બની હતી. જેમાં સંજીવ કુમારે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે અરુણા ઈરાનીએ શોભના તથા પદ્મારાણીએ રમાબાની ભૂમિકા ભજવી હતી.
જીવનમાં શોભનાના આગમન બાદ થોડી ખેંચતાણના અંતે કલાપીએ ત્રણ દિવસ શોભનાની સાથે, બે દિવસ રમાબા તથા બે દિવસ આનંદીબા સાથે રહેવાનું નક્કી કર્યું હતું પણ કદાચ વિધાતાને આ મંજૂર ન હતું.

કેવી રીતે થયું મૃત્યુ?

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
કલાપી તથા શોભનાના લગ્નને અમુક જ મહિના થયા હતા કે કાઠિયાવાડ ઉપર 'છપ્પનિયા દુકાળ' તરીકે ઓળખાતી ભારે આપત્તિ આવી પડી. આણે ઋજુ હૃદયી રાજવી કલાપીને અંદરથી હચમચાવી નાખ્યા.
પ્રજાવત્સલ રાજવી તરીકે થઈ શકે તેટલા લોકહિતના કામો તેમણે કર્યાં, બાદમાં વર્ષ 1900માં તેમણે ગાદીત્યાગ કરવાનો નિર્ધાર કર્યો અને આ મુદ્દે અમુક વિશ્વાસુ લોકો સાથે પત્રવ્યવહાર કર્યો.
સાતમી જૂન 1900ના દિવસે કલાપી રમાબાને ત્યાં હતાં, ત્યારે તેમની તબિયત અચાનક જ લથડી. સ્થાનિક વૈદ્યો ઉપરાંત જૂનાગઢ, ભાવનગર અને રાજકોટથી દાકતરોને બોલાવવામાં આવ્યા, પરંતુ કોઈ ઉપાય કારગર ન નીવડ્યો. એક રાત અને એક દિવસની ટૂંકી બીમારી બાદ કલાપીનું અવસાન થયું.
તબીબોના તારણ પ્રમાણે, ભાવનગરમાં ફાટી નીકળેલા કૉલેરાની વચ્ચે ત્યાંથી આવેલો બરફ ખાવાથી તેમની તબિયત બગડી અને તેમનું મૃત્યુ થયું. કદાવર અને બળવાન કાયાવાળા ક્ષત્રિય જે 24 માઇલ દોડીને 30 માઇલ ઘોડેશ્વારી કરી શકતા તે માત્ર દોઢ દિવસની ટૂંકી બીમારી બાદ મૃત્યુ પામે? જો બરફને કારણે કલાપી કૉલેરામાં સપડાયા, તો દરબારગઢમાં અન્ય કોઈને કૉલેરા કેમ ન થયો? શું તેઓ રાજવી ખટપટનો ભોગ બન્યા હતા? જેવા અનેક સવાલ ઊઠે છે.
આ અંગે કશું ખાતરીપૂર્વક કહી ન શકાય, પરંતુ કલાપીના મિત્ર વાજસૂરવાળા માનતા કે રાજવી પરિવારમાં જન્મ અને મૃત્યુની કહાણીઓ રહસ્યના ધુમ્મસ હેઠળ ઢંકાયેલી હોય છે અને તે ધુમ્મસને ન હઠાવવું જ સલાહભરેલ છે.
આજે તેમણે લખેલા પત્રો, ઉપયોગમાં લીધેલી વસ્તુઓ લાઠીમાં 'કલાપી તીર્થક્ષેત્ર' ખાતે સચવાયેલી છે, જોકે અન્ય ઇમારતો જર્જરિત અવસ્થામાં છે.
કલાપી માત્ર કવિ (કલાપીનો કેકારવ, હૃદયત્રિપુટી, માલા અને મુદ્રિકા, ભરત, બિલ્વમંગળ તથા હમીરજી ગોહિલ) ન હતા, તેમના પત્રો (કલાપીના 144 પત્રો, કલાપીની પત્રધારા), સંવાદો (કાશ્મીરનો પ્રવાસ અને સ્વીડનબોર્ગના ધાર્મિક વિચાર) તથા 'નારીહૃદય' પ્રકાશિત થયા છે.
તેમનું સર્જન મૃત્યુ પશ્ચાત સંગ્રહસ્વરુપે જનતા સુધી પહોંચ્યું અને ફક્ત સામયિકોમાં છૂટક લેખો અને કવિતાઓ દ્વારા કલાપીને ઓળખનાર લોકોને કલાપીના વારસાવૈભવનો પરિચય થયો.
કલાપીને 'ગુજરાતના વડ્સવર્થ' કે 'ગુજરાતના ઓમાર ખય્યમ' તરીકે ઓળખવામાં આવે છે. મિત્રકવિ કાન્તે કલાપીને 'સુરતાની વાડીનો મીઠો મોરલો' કહ્યા, તો કનૈયાલાલ મુનશીના મતે તેઓ 'પ્રણય અને અશ્રુના કવિ' હતા, તો સુંદરમના મતે તેઓ 'યુવાનોના કવિ' છે.
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલની કહાણીએ એક કવિની 'ઇશ્કે મિજાજી'થી 'ઇશ્કે હકીકી' સુધીની સફર છે. શોભના સાથે મિલન એ સફરનો અંત છે, તો અચાનક અકાળે મૃત્યુએ અનેક અટકળોનો આરંભ છે.
(અહીં રજૂ થયેલી પંક્તિઓમાં મૂળ જોડણીને યથાવત્ રાખવામાં આવી છે. તેમના જીવનની તવારીખ માટે ઇન્દ્રવદન દવેના પુસ્તક 'કલાપી એક અધ્યયન'નો આધાર લીધો છે.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












