રાષ્ટ્રપતિની ચૂંટણી : જ્યારે 'ગૂંગી ગુડિયા' ઇંદિરાએ કૉંગ્રેસના જૂના જોગીઓને પછાડ આપી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુરૂવારે રાષ્ટ્રપતિપદની ચૂંટણીનું પરિણામ આવી ગયું. અપેક્ષા પ્રમાણે, જ દ્રૌપદી મુર્મૂ વિજેતા જાહેર થયાં. તેઓ દેશના 15મા અને દેશનાં પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનશે.
આમ તો ચૂંટણી 'ઔપચારિકતા' હતી, કારણ કે મતોના સમીકરણ અગાઉથી જ મુર્મૂની તરફેણ કરતા હતા. એટલે જ સામાન્ય રીતે દેશના સર્વોચ્ચ પદ માટેની કોઈપણ ચૂંટણી ઔપચારિકતા જ બની રહેતી હોય છે.
જોકે, 1969ની રાષ્ટ્રપતિપદની ચૂંટણી કોઈ વેબસિરીઝ જેવી થ્રિલર અને રસપ્રદ બની રહી હતી. કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓને 'ગૂંગી ગુડિયા' ઇંદિરા ગાંધીએ ધોબી પછાડ આપી હતી.
એ ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના જ બે જૂથ સામ-સામે આવી ગયા હતા, જેના કારણે આગળ જતાં પાર્ટીનું વિભાજન થયું. દેશને પ્રથમ દલિત રાષ્ટ્રપતિ મળતાં-મળતાં રહી ગયા હતા.
10 વર્ષ બાદની ચૂંટણીમાં ઇંદિરા ગાંધીએ પરાજયનો ઘૂંટ ગળવો પડ્યો હતો અને જૂના જોગીઓની જીત થઈ હતી.
એ ચૂંટણી દરમિયાન દેશને 'પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ' મળે તેવી શક્યતા ઊભી થઈ હતી, પરંતુ એ મહિલાએ પદને નકારી કાઢ્યું હતું.

રાષ્ટ્રપતિનું અચાનક મૃત્યુ

ઇમેજ સ્રોત, THE PRESIDENT OF INDIA WEBSITE
તા. ત્રીજી મે 1969ના દિવસે દેશના ત્રીજા રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈન (યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદના નાના) ખાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું, જેના કારણે આ પદ માટે ચૂંટણી યોજવાની જરૂર ઊભી થઈ. હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ વીવી ગિરિ દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા. વડાં પ્રધાન ઇંદિરા ગાંધી ઇચ્છતાં હતાં કે ગિરિને જ રાષ્ટ્રપતિ બનાવવામાં આવે.
ઇંદિરા ગાંધી સત્તા ઉપર રહીને પાર્ટી ઉપર પોતાની પકડ મજબૂત કરી રહ્યાં હતાં. જેના કારણે જૂના નેતાઓનું એક જૂથ તેમનાંથી નારાજ હતું. તેઓ પોતાની પસંદગીના ઉમેદવારને આગળ કરીને પાર્ટી ઉપરનું પ્રભુત્વ સાબિત કરવા માગતાં હતાં. વીવી ગિરિ જ્યાં-જ્યાં જતા ત્યાં-ત્યાં પોતાના સમગ્ર પરિવારને સાથે લઈ જતા, જેના કારણે મીડિયામાં તથા કૉંગ્રેસીઓના એક વર્ગમાં અસંતોષ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇંદિરા ગાંધીને અંદાજ આવી ગયો હતો કે કૉંગ્રેસની કાર્યસમિતિ તેમની પસંદગીના ઉમેદવાર ગિરિના નામનું સમર્થન નહીં કરે, એટલે તેમણે દલિત નેતા બાબુ જગજીવનરામને ઉમેદવાર (યુપીએ-2 દરમિયાન લોકભાનાં સ્પીકર મીરા કુમારનાં પિતા) બનાવવાનો વિચાર કર્યો.
ગાંધીજીના જન્મ શતાબ્દી વર્ષમાં એક દલિતને રાષ્ટ્રપતિ બનાવવાનું આયોજન હતું. પરંતુ તેમણે 10 વર્ષથી આવકવેરો નહોતો ભર્યો. બાબુ જગજીવનરામનું કહેવું હતું કે તેઓ ભૂલી ગયા હતા. આ બાબત તેમની વિરુદ્ધ ગઈ હતી.
વરિષ્ઠ નેતા કે. કામરાજે ખુદ ઇંદિરા ગાંધીને રાષ્ટ્રપતિ બનવાનો પ્રસ્તાવ આપ્યો, પરંતુ ઇંદિરા આ છટકાંમાં સપડાયાં ન હતાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
આ સમયે નિલમ સંજીવ રેડ્ડીને ઉમેદવાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. છપ્પન વર્ષીય રેડ્ડી લોકસભાના અધ્યક્ષપદે હતા. તેઓ 1960થી 1962 સુધી કૉંગ્રેસના અધ્યક્ષપદે પણ રહ્યા હતા. 1967માં કૅબિનેટના ગઠન સમયે ઇંદિરા ગાંધીએ તેમને પડતાં મૂક્યા હતા. છતાં ઇંદિરાએ ઉમેદવાર તરીકે તેમના નામનો સ્વીકાર કરવો પડ્યો હતો. આ વાત તેમને ડંખી ગઈ હતી.
કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ નિજલિંગપ્પા ઇચ્છતા હતા કે વરિષ્ઠ નેતા મોરારજી દેસાઈ ઉમેદવાર બને. તેઓ જ પ્રથમ પસંદ હતા. ત્યારે દેસાઈએ કહ્યું હતું કે 'તમે મને મંત્રીમંડળમાં જ રહેવા દો, નહીંતર આ મહિલા આખો દેશ સામ્યવાદીઓને વેચી નાખશે.' જોકે, ગણતરીના મહિનાઓમાં જ દેસાઈની આ ગણતરી ઊંધી પડવાની હતી.

રાષ્ટ્રીયકરણ, મોરારજી અને નારાજી

ઇમેજ સ્રોત, Getty Images
ઇંદિરા ગાંધી કૉંગ્રેસના જૂના જોગીઓની વચ્ચે પોતાનું સ્થાન મજબૂત કરવા માગતા હતા એટલે બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં તેમને આ તક દેખાઈ. લોકસભામાં પાર્ટી પાસે માત્ર 22 સંસદસભ્યોની બહુમતી હતી. યુપી, બિહાર અને એમપી જેવા મોટા રાજ્યોમાં કૉંગ્રેસના નેતાઓ બગાવતના બ્યૂગલ ફૂંકવા લાગ્યા હતા. એ પણ ઇંદિરા માટે ચિંતાનું કારણ હતું.
જવાહરલાલ નહેરુ તથા લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં ઇમ્પિરિયલ બૅન્ક, સ્ટેટ બૅન્ક અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ થયું હતું. તેમના સમયમાં પણ બૅન્કોના વ્યાપક રાષ્ટ્રીયકરણની ચર્ચા થઈ હતી, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.
તત્કાલીન નાણાં મંત્રી અને નાયબવડા પ્રધાન મોરારજી દેસાઈ બૅન્કોના રાષ્ટ્રીકરણને બદલે તેમની ઉપર વધુ કાયદાકીય નિયંત્રણના હિમાયતી હતા. આથી, ઇંદિરા દ્વારા તેમની પાસેથી પ્રભાર લઈ લેવામાં આવ્યો, પરંતુ તેમને નાયબ વડા પ્રધાનપદે યથાવત્ રાખવામાં આવ્યા.
એ ઘટનાક્રમ વિશે 'મોરારજી દેસાઈ: અ પ્રૉફાઇલ ઇન કરેજ'માં અરવિંદરસિંહ લખે છે : "સવારે લગભગ સાડા બાર કલાકે તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમની પાસેથી નાણાં મંત્રાલય લઈ લેવામાં આવ્યું છે અને તેઓ નાયબ વડા પ્રધાનપદે રહી શકે છે. એ સમયે સરકારમાં મોરારજી દેસાઈ બીજા ક્રમે હતા. તેઓ પોતાના ગૌરવ અને આત્મસન્માનના ભોગે સરકારમાં કોઈપણ પદે રહેવા માગતા ન હતા."
"મોરારજી દેસાઈને લાગતું હતું કે આવો નિર્ણય કરતા પહેલાં કમ સે કમ તેમને જાણ કરીને વિશ્વાસમાં લેવા જોઈતા હતા. તેમણે બીજા દિવસે તા. 17મીએ (જુલાઈએ) પદ પરથી રાજીનામું આપી દીધું અને એ દિવસે જ સાંજે સાડા ચાલ કલાકે તેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો."
મોરારજી દેસાઈને મંત્રાલય પરિવર્તન સંબંધિત પત્રમાં ઇંદિરા ગાંધીએ જણાવ્યું કે કેટલીક મૂળભૂત બાબતોમાં (બૅન્કોનું રાષ્ટ્રીયકરણ) તેઓ સહમત ન હતા અને તેના અમલીકરણની જવાબદારીનું ભારણ દેસાઈ ઉપર નાખવા માગતા ન હતા એટલે તેમને મંત્રાલયમાંથી હઠાવ્યા હતા.
સામે પક્ષે દેસાઈનું કહેવું હતું કે તેમણે ખુદે એઆઈસીસી (ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી)ની બેંગ્લુરુની બેઠકમાં આ મુદ્દે ઠરાવ રજૂ કર્યો હતો, જો તેઓ વિરોધી હોત તો તેમણે ઠરાવ જ ન કર્યો હોત. દેસાઈ ઇચ્છતા હતા કે બૅન્કોના રાષ્ટ્રીયકરણના લાભાલાભ વિશે પૂરતી ચર્ચા થાય.
તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ વી. વી. ગિરિએ કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકેનું પદ છોડવાના ગણતરીના કલાકો પહેલાં બૅન્કોના રાષ્ટ્રીયકરણના વટહુકમ ઉપર સહી કરી.


સંક્ષિપ્તમાં: રાષ્ટ્રપતિ ચૂંટણી: જ્યારે 'ગૂંગી ગુડિયા' ઇંદિરાએ જૂના જોગીઓને પછાડ આપી

- તા. ત્રીજી મે 1969ના દિવસે દેશના ત્રીજા રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈન ખાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું, જેના કારણે આ પદ માટે ચૂંટણી યોજવાની જરૂર ઊભી થઈ
- દલિતને રાષ્ટ્રપતિ બનાવવાનું આયોજન હતું. બાબુ જગજીવનરામે 10 વર્ષથી આવકવેરો નહોતો ભર્યો, તેમનું કહેવું હતું કે તેઓ ભૂલી ગયા હતા
- વરિષ્ઠ નેતા કે. કામરાજે ખુદ ઇંદિરા ગાંધીને રાષ્ટ્રપતિ બનવાનો પ્રસ્તાવ આપ્યો, પરંતુ ઇંદિરા આ છટકાંમાં સપડાયાં ન હતાં
- કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ નિજલિંગપ્પા ઇચ્છતા હતા કે વરિષ્ઠ નેતા મોરારજી દેસાઈ ઉમેદવાર બને
- ઇંદિરા ગાંધીએ વીવી ગિરિને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનવા માટે મનાવી લીધા. સામાપક્ષે સિન્ડિકેટના નેતાઓએ સીડી દેશમુખને પોતાના ઉમેદવાર બનાવ્યા. મતગણતરી દરમિયાન ક્યારેક રેડ્ડી આગળ રહેતાં તો ક્યારેક ગિરિ.
- પહેલાં રાઉન્ડમાં ગિરિનો પરાજય થયો હતો, જેના કારણે કામરાજ કૅમ્પમાં ખુશીની લહેર ફરી વળી હતી
- બીજા રાઉન્ડની મતગણતરીમાં 14 હજાર 650 મતની સામાન્ય લીડ સાથે ગિરિએ કૉંગ્રેસના સત્તાવાર ઉમેદવાર રેડ્ડીને પરાજય આપ્યો હતો
- ઇંદિરા ગાંધીને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા. 84 વર્ષમાં પહેલી વખત કૉંગ્રેસનું વિભાજન કૉંગ્રેસ (ઓ) અને કૉંગ્રેસ (આઈ)માં થયું
- વર્ષ 1971માં વીવી ગિરિએ 'સ્વયંભૂ નોંધ' લઈને ઇંદિરા ગાંધીને 'ભારતરત્ન' જાહેર કર્યો હતો
- બાદમાં 1975માં 'વળતા સૌજન્ય'ના ભાગરૂપે ગિરિને ભારતરત્ન પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો હતો

'અપક્ષ ઉમેદવાર'નો દાવ

ઇમેજ સ્રોત, Getty Images
ઇંદિરા ગાંધીએ વીવી ગિરિને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનવા માટે મનાવી લીધા. 75-વર્ષીય ગિરિએ સાર્વજનિક રીતે જાહેર કર્યું કે જો કૉંગ્રેસ દ્વારા તેમને ઉમેદવાર બનાવવામાં નહીં આવે તો તેઓ 'અપક્ષ ઉમેદવાર' બનશે.
આવું ટેકનિકલ કારણોસર પણ કરવામાં આવ્યું હતું. ગિરિને જીતાડવા માટે ડીએમકે, અકાલીઓ તથા ડાબેરીઓનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. નૈતિક રીતે તેમના માટે કૉંગ્રેસના ઉમેદવારને મત આપવો મુશ્કેલ બની રહે, આથી આ રસ્તો કાઢવામાં આવ્યો હતો.
સામાપક્ષે સિન્ડિકેટના નેતાઓએ જનસંઘ (ભાજપનો પૂરોગામી) તથા ઉદ્યોગપતિઓ અને પૂર્વ શાસકોના પક્ષ મનાતા સ્વતંત્રપાર્ટીના નેતાઓનો પણ સંપર્ક સાધ્યો હતો. જોકે, તેમણે સીડી દેશમુખને પોતાના ઉમેદવાર બનાવ્યા.
ઇંદિરા ગાંધીએ કૉંગ્રેસના મતદારોને (ધારાસભ્યો અને સંસદસભ્યો) 'અંતરાત્માનો અવાજ' સાંભળીને મતદાન કરવા માટે અપીલ કરી. તા. 16 ઑગસ્ટ 1969ના દિવસે મતદાન યોજાયું. તા. 20મી ઑગસ્ટના ઇંદિરાના દીકરા રાજીવ ગાંધીનો જન્મદિવસ હતો. મતગણતરી દરમિયાન ક્યારેક રેડ્ડી આગળ રહેતાં તો ક્યારેક ગિરિ.
ઇંદિરા ગાંધીનાં નજીકનાં સખી પુપુલ જયકર તેમની આત્મકથામાં લખે છે, 'રેડિયો ઉપર મતગણતરીનો ટ્રૅન્ડ આવી રહ્યો હતો ત્યારે હું ઇંદિરાને મળવા તેમનાં ઘરે ગઈ હતી. પહેલાં રાઉન્ડમાં ગિરિનો પરાજય થયો હતો, જેના કારણે કામરાજ કૅમ્પમાં ખુશીની લહેર ફરી વળી હતી.'
'જ્યારે હું તેને મળવા ગઈ ત્યારે તેઓ 'બિથોવન'નું સંગીત સાંભળી રહ્યાં હતાં. બીજા રાઉન્ડમાં ગિરિનો પરાજય થયો હોત તો તેમની હાર થવાની હતી. ત્યારે ઇંદિરાએ સ્મિત સાથે કહ્યું, પુપુલ નિરાશ ન થા. રસાકસી છે, પરંતુ હું એના માટે તૈયાર છું.'
બીજા રાઉન્ડની મતગણતરીમાં 14 હજાર 650 મતની સામાન્ય લીડ સાથે ગિરિએ કૉંગ્રેસના સત્તાવાર ઉમેદવાર રેડ્ડીને પરાજય આપ્યો હતો. સ્વતંત્રપક્ષના ઉમેદવાર સીડી દેશમુખને એક લાખ 12 હજાર 769 મત મળ્યા હતા.
જે લોકોને લાગતું હતું કે ઇંદિરા 'ગૂંગી ગુડિયા' છે, તેઓ ખોટા સાબિત થયા હતા. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં વિજય પછી ઇંદિરાને પાર્ટી પર પોતાના પ્રભુત્વનો અહેસાસ થયો અને આત્મવિશ્વાસ વધ્યો. નવેમ્બર-1969માં કૉંગ્રેસ કાર્યસમિતિની બે સમાંતર બેઠકો યોજાઈ. એક કૉંગ્રેસ મુખ્યાલયે અને બીજી વડાં પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને.
એ સમયે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે લઘુતમ સમર્થનનો નિયમ ન હતો, એટલે મુખ્ય ત્રણ ઉમેદવાર સિવાય 12 અન્ય ઉમેદવાર હતા. જેમાંથી એકે રાષ્ટ્રપતિની ચૂંટણીને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકારી હતી. જો રાષ્ટ્રપતિએ ઇચ્છ્યું હોત તો તેમને મળેલા વિશેષાધિકાર હેઠળ તેઓ સુનાવણીમાંથી પોતાને મુક્ત રાખી શક્યા હોત અને કમિશનરને મોકલી શક્યા હોત. એના બદલે તેઓ ખુદ સર્વોચ્ચ અદાલતમાં હાજર રહ્યા અને પોતાની જુબાની આપી. અંતે સર્વોચ્ચ અદાલત દ્વારા અરજીને કાઢી નાખવામાં આવી.
ઇંદિરા ગાંધીને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા. 84 વર્ષમાં પહેલી વખત કૉંગ્રેસનું વિભાજન કૉંગ્રેસ (ઓ) અને કૉંગ્રેસ (આઈ)માં થયું. આગળ જતાં કૉંગ્રેસ ઑર્ગેનાઇઝેશનને જનતા પાર્ટીમાં ભેળવી દેવામાં આવી.
વર્ષ 1971માં વીવી ગિરિએ 'સ્વયંભૂ નોંધ' લઈને ઇંદિરા ગાંધીને 'ભારતરત્ન' જાહેર કર્યો હતો. ઇંદિરા હજુ તેમનાં પ્રથમ કાર્યકાળમાં હતાં. બાદમાં 1975માં 'વળતા સૌજન્ય'ના ભાગરૂપે ગિરિને ભારતરત્ન પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો હતો.

પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, Google
10 વર્ષ બાદ રાજકારણમાં ઘણાં વહેણ બદલાઈ ગયા હતા. ઇંદિરા ગાંધીએ દેશ ઉપર કટોકટી લાદી હતી, એ પછી તેમનો પરાજય થયો હતો. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પરાજય બાદ નિલમ સંજીવ રેડ્ડીએ રાજકીય વનવાસ લઈ લીધો હતો. જોકે, ઇંદિરા ગાંધી સામે જયપ્રકાશ નારાયણે આપેલાં 'સંપૂર્ણ ક્રાંતિ'ના આહ્વાન બાદ તેઓ રાજકારણમાં પરત ફર્યા હતા.
બાબુ જગજીવનરામ 1969માં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનતાં-બનતાં રહી ગયા હતા. એ પછી મોરારાજી દેસાઈની સામે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે પણ તેમનો પરાજય થયો હતો અને તેઓ દેશના પ્રથમ દલિત વડા પ્રધાન બનતાં-બનતાં રહી ગયા હતા.
જનતા મોરચો ઇચ્છે તેને રાષ્ટ્રપતિ બનાવી શકે તેમ હતો. મોરારજી દેસાઈની પ્રથમ પસંદ નૃત્યાંગના અને પશુઅધિકાર કાર્યકર્તા રૂકમણી દેવી અરૂણદલે હતાં. આ માટે તેમણે કોઈની સાથે ચર્ચા કરી ન હતી. એ ઘટનાક્રમ વિશે ગોપાલકૃષ્ણ ગાંધીએ લખ્યું હતું :
'મોરારજી દેસાઈએ ચેન્નાઈ (ત્યારનું મદ્રાસ) ખાતે રૂકમણી દેવીને કૉલ કર્યો અને પૂછ્યું કે 'શું તમે પ્રૅસિડન્ટપદ માટે ઉમેદવારી કરશો?' આથી, રૂકમણી દેવીએ પૂછ્યું, 'કયા સંગઠનના પ્રૅસિડન્ટ?' પરંતુ રૂકમણી દેવીએ આ પ્રસ્તાવ નકારી કાઢ્યો.
પાછળથી આ વિશે સ્પષ્ટતા કરતાં રૂકમણી દેવીએ કહ્યું હતું કે 'મને ખુલ્લા પગે ચાલવું ગમે છે, શું હું એવું રાષ્ટ્રપતિભવનમાં કરી શકી હોત.', 'મને હથિયારોથી નફરત છે, પણ રાષ્ટ્રપતિ બની હોત તો મારી આજુબાજુ હથિયારધારી અંગરક્ષક હોત.', 'મને પશુઓ પર અત્યાચાર પસંદ નથી. રાષ્ટ્રપતિ તરીકે વિદેશી મહેમાનોનું યજમાનપદ કર્યું હોત, તો તેમાં માંસ પીરસવામાં આવ્યું હોત.' વગેરે.
કદાચ 10 વર્ષ પહેલાંનો ડંખ જનતા પાર્ટીના નેતાઓને રહી જવા પામ્યો હતો. એટલે નિલમ સંજીવ રેડ્ડીને ઉમેદવાર બનાવ્યા. તેમની સાથે 35 અન્ય ઉમેદવારોએ ફૉર્મ ભર્યા હતા, પરંતુ ટેકનિકલ કારણોસર તેમની ઉમેદવારી રદ કરવામાં આવી હતી. બદલાયેલી પરિસ્થિતિમાં ઇંદિરાએ પણ તેમનું સમર્થન કર્યું. આગળ જતાં જનતા મોરચા સરકારના પતન બાદ 1979માં ઇદિરા ગાંધી સરકારનું પુનરાગમન થયું અને રેડ્ડીએ તેમની સાથે કામ કર્યું.
1997માં દેશને પ્રથમ દલિત રાષ્ટ્રપતિ કેઆર નારાયણ મળ્યા. એ પછી 14મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ દલિત હતા. જ્યારે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સ્વરૂપે 2007માં મળ્યાં.
જો, 1969માં સીડી દેશમુખે ઉમેદવારી ન કરી હોત અને સ્વતંત્રપક્ષે રેડ્ડીને સમર્થન આપ્યું હોત, તો ગિરિનો પરાજય નિશ્ચિત હતો. ઇંદિરા માટે આ મોટી પીછેહઠ હોત અને પાર્ટી-સત્તા પર તેમની પકડ ઢીલી પડી હોત અને કદાચ દેશના રાજકારણે અલગ આકાર લીધો હોત.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















