ચીન હવે ધરતીને છોડીને અંતરિક્ષમાં ખેતી કેમ કરી રહ્યું છે?

ઇમેજ સ્રોત, CHINESE ACADEMY OF AGRICULTURAL SCIENCES
- લેેખક, ટૅરેસા પુલ્ટારોવા
- પદ, બીબીસી ફ્યૂચર
પહેલી નજરે, તે દુનિયામાં ક્યાંય પણ લહેરાતા ઘઉંના પાક જેવો જ દેખાય છે. પરંતુ પૂર્વોત્તર ચીનમાં પાકનાં વિશાળ ખેતરોમાં સ્થિત આ કોઈ સાધારણ છોડ નથી. તેને અંતરિક્ષમાં ઉગાવવામાં આવ્યા હતા.
આ પાક ઘઉંની એક જાત છે જેને લુયુઆન 502 કહેવામાં આવે છે અને આ ચીનમાં બીજી સૌથી વધારે ઉગાડવામાં આવતી ઘઉંની જાત છે.
આ છોડને જે બીજમાંથી ઉગાડવામાં આવ્યા છે જેમને પૃથ્વીની સપાટીથી 200 માઈલ (340 કિલોમિટર) ઉપર એની ધરી પર તૈયાર કરવામાં આવ્યાં છે.
અંતરિક્ષમાં અને આપણા ગ્રહના સુરક્ષાત્મક ચુંબકત્વની બહાર નિમ્ન ગુરુત્વાકર્ષણ વાતાવરણમાં તેમણે ડીએનએમાં થોડા ફેરફાર કર્યા, જેનાથી આ છોડમાં નવી વિશેષતાઓ ઊભી થઈ.
તેનાથી આ છોડ દુષ્કાળને વધારે સહન કરવા સક્ષમ બન્યા અને કેટલાક રોગો સામે વધારે પ્રતિરોધી પણ બન્યા છે.
આ એ મહત્ત્વપૂર્ણ પાકોના નવા પ્રકારનું એક ઉદાહરણ છે, જે આપણા ગ્રહની પરિક્રમા કરનારા અંતરિક્ષયાન અને અંતરિક્ષ સ્ટેશનો પર ઉગાડવવામાં આવી રહ્યો છે.
વૈજ્ઞાનિકો થોડા સમય માટે બીજને અંતરિક્ષમાં મોકલે છે જેનાથી પાકની નવી જાતને વિકસિત કરવામાં મદદ મળે છે.
આ પાક એક અલગ વાતાવરણમાં ખૂબ ઝડપથી વિકસે છે અને આ રીતે દુનિયાની વધતી વસતિની ભોજન સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કેવી રીતે ઊગે છે પાક?

ઇમેજ સ્રોત, LI XIHUA/VCG/GETTY IMAGES
અંતરિક્ષમાં મોકલવામાં આવેલાં બીજ માઇક્રોગૅવિટીમાં રહે છે. ત્યાં તે મોટા પાયે કૉસ્મિક કિરણોનો સામનો કરે છે, જે છોડના વિકાસ અને પરિવર્તનની ક્રિયાને વધારે ગતિશીલ કરે છે. આ પ્રક્રિયાને સ્પેસ મ્યૂટેજેનેસિસના નામે ઓળખવામાં આવે છે.
કેટલાક મ્યૂટેન્ટ્સ છોડને વિકસવાને લાયક છોડતા નથી જ્યારે કેટલાક ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેટલાક છોડ મુશ્કેલ અને વધારે વધતી પરિસ્થિતિઓનો સામનો કરવામાં સક્ષમ થઈ જાય છે. આનાથી છોડ વધારે ફળનું ઉત્પાદન કરે છે અને તે વધારે ઝડપથી વધે છે અથવા તેને ઓછા પાણીની જરૂર પડે છે.
જ્યારે તેમને પૃથ્વી પર પરત લાવવામાં આવે છે, તો આ અંતરિક્ષ-પ્રજાતિવાળા છોડના બીજનું સાવધાનીપૂર્વક પરીક્ષણ કરવામાં આવે છે અને નવી જાતિની પ્રોસેસિંગથી પસાર કરવામાં આવે છે જેથી લોકપ્રિય પાકોની જાત તૈયાર કરી શકાય.
દુનિયામાં જળવાયુ પરિવર્તન અને બીજાં કારણોસર કૃષિ પર દબાણ વધતું જઈ રહ્યું છે જેનાથી વધતી વસતી માટે ખાદ્યસંકટ ઊભું થઈ શકે છે. એ પડકારને ધ્યાનમાં રાખીને આ પાકોને ઉગાડવાની જરૂરિયાતો વધતી જઈ રહી છે.
કેટલાક સંશોધકો માને છે કે 'સ્પેસ મ્યૂટેજેનેસિસ' અથવા અંતરિક્ષ પ્રજનનો ઉપયોગ પાકને નવા પ્રકારના પડકારનો સામનો કરવા માટે કરી શકાય છે.
બિજીંગમાં ચાઇનીઝ એકૅડેમી ઑફ ઍગ્રિકલ્ચર સાયન્સમાં પાકના સુધારા માટે ચીનના પ્રમુખ સ્પેસ મ્યૂટેડેનેસિસ વિશેષજ્ઞ અને નેશનલ સેન્ટર ઑફ સ્પેસ મ્યૂટેજેનેસિસના ડાયરેક્ટર લિયૂ લિકિયાંગ કહે છે કે 'સ્પેસ મ્યૂટેજેનેસિસ સુંદર મ્યૂટેશન્સ ઉત્પન્ન કરે છે.'
ઉદાહરણ તરીકે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી પ્રમાણે, લુયુઆન 502થી થતી પેદાશ ચીનમાં ઉગાડવામાં આવતા ઘઉંની અન્ય જાતની સરખામણીએ 11 ટકા વધારે છે. તેમાં દુષ્કાળને સહન કરવા અને ઘઉંના રોગો સામે લડવાની શક્તિ વધારે છે.
લિયૂ લિકિયાંગ કહે છે, "લુયુઆન 502 એક સાચી સફળતાની કહાણી છે. તેની ઉત્પાદકતા ખૂબ વધારે છે અને તેની ખેતી અલગ-અલગ ક્ષેત્રો અને અલગ-અલગ પરિસ્થિતિઓમાં કરી શકાય છે."
તે અનુકૂલન ક્ષમતા એટલે કે સ્થળ પ્રમાણે ઢળવાની ક્ષમતા જ ચીનના વિશાળ વિવિધ કૃષિ ક્ષેત્રો અને વિવિધ જળવાયુમાં ખેડૂતો વચ્ચે લુયુઆન 502ને લોકપ્રિય બનાવે છે.
લિયૂ અનુસાર, આ છેલ્લાં 30 વર્ષોમાં ચીનમાં ઉત્પન્ન થનારા 200 કરતાં વધારે સ્પેસ મ્યૂટેજેનેસિસવાળા પાકના પ્રકારોમાંથી એક છે.
ઘઉં સિવાય ચીનના વૈજ્ઞાનિકોએ અંતરિક્ષ જાતિની ડાંગર, મકાઈ, સોયાબીન, અલ્ફાલ્ફા (પશુચારા માટે ઉપયોગમાં લેવાતો એક છોડ જેને પ્રહસન પણ કહેવામાં આવે છે.), તલ, કપાસ, તરબૂચ, ટમેટાં, મીઠાં મરચાં અને અન્ય ઘણા પ્રકારની શાકભાજી વિકસિત કરી છે.


સંક્ષિપ્તમાં: ચીન અંતરિક્ષમાં કેવી રીતે અને શા માટે ખેતી કરી રહ્યું છે?

- ચીને અંતરિક્ષમાં લુયુઆન 502 નામની ઘઉંની જાત તૈયાર કરી છે
- તેનાં બીજ પૃથ્વીની સપાટીથી 200 માઈલ (340 કિલોમિટર) ઉપર ઑર્બિટમાં તૈયાર કરવામાં આવ્યાં છે
- આ જાત ઓછા પાણીમાં તૈયાર થાય છે અને કેટલાક રોગો સામે વધારે પ્રતિરોધી બની છે
- બીજને વૈજ્ઞાનિકો થોડા સમય માટે અંતરિક્ષમાં મોકલે છે જેનાથી પાકની નવી જાતને વિકસિત કરવામાં મદદ મળે છે
- અંતરિક્ષમાં મોકલવામાં આવેલા બીજ માઇક્રોગૅવિટીમાં રહે છે. ત્યાં તે મોટાપાયે કૉસ્મિક કિરણોનો સામનો કરે છે
- અંતરિક્ષ-પ્રજાતિવાળા છોડનાં બીજનું સાવધાનીપૂર્વક પરીક્ષણ કરવામાં આવે છે અને નવી જાતિની પ્રોસેસિંગથી પસાર કરવામાં આવે છે જેથી લોકપ્રિય પાકોની જાત તૈયાર કરી શકાય
- છેલ્લાં 30 વર્ષોમાં ચીનમાં ઉત્પન્ન થનારા 200 કરતાં વધારે સ્પેસ મ્યૂટેજેનેસિસવાળા પાકની જાત તૈયાર કરવામાં આવી છે
- ચીને અંતરિક્ષમાં ડાંગર, મકાઈ, સોયાબીન, અલ્ફાલ્ફા, તલ, કપાસ, તરબૂચ, ટમેટા, મીઠાં મરચાં અને અન્ય ઘણા પ્રકારની શાકભાજીની જાત વિકસિત કરી છે
- ચીન વર્ષ 1987થી સ્પેસ મ્યૂટેજેનેસિસનો પ્રયોગ કરી રહ્યું છે અને આ ટેકનિકનો સતત ઉપયોગ કરનારો ચીન દુનિયાનો એકમાત્ર દેશ છે
- ચીનના વૈજ્ઞાનિકોએ 1990ના દાયકામાં પહેલા અંતરિક્ષ-જાતિના પાક 'યુજીઓ 1' નામનાં મીઠાં મરચાંની જાતિ વિકસાવી હતી

આવો પ્રયોગ કરનાર દુનિયાનો એકમાત્ર દેશ

ઇમેજ સ્રોત, LI XIHUA/VCG/GETTY IMAGES
ચીન વર્ષ 1987થી સ્પેસ મ્યૂટેજેનેસિસનો પ્રયોગ કરી રહ્યું છે અને આ ટેકનિકનો સતત ઉપયોગ કરનારો દુનિયાનો એક માત્ર દેશ છે. ત્યારથી ચીને પાકના બીજને ઑર્બિટમાં લઈ જવા ઘણાં અભિયાન ચલાવ્યાં છે.
ચીનના વૈજ્ઞાનિકોએ 1990ના દાયકામાં પહેલા અંતરિક્ષ-જાતિના પાક 'યુજીઓ 1' નામનાં મીઠાં મરચાંની જાતિ વિકસાવી હતી.
લિયૂ કહે છે, "ચીનમાં ઉગાડવવામાં આવતાં મીઠાં મરચાંની પારંપરિક પ્રકારની સરખામણીએ 'યુજિયાઓ 1' મોટાં ફળ આપે છે અને તેમાં રોગપ્રતિરોધક ક્ષમતા વધારે હોય છે. "
"હાલના દાયકામાં ચીનના વૈશ્વિક શક્તિના રૂપમાં સામે આવવાથી તે હજારો બીજને ઑર્બિટમાં મોકલવા સક્ષમ બન્યું છે. વર્ષ 2006માં ચીને પોતાના અત્યાર સુધીના સૌથી વધારે 250 કિલોગ્રામ કરતાં વધારે બીજ અને સૂક્ષ્મજીવોની 152 પ્રજાતિઓને શિઝિયાન 8 ઉપગ્રહના માધ્યમથી ઑર્બિટમાં મોકલ્યાં હતાં."
"આ વર્ષે મે મહિનામાં ઘાસ, જુવાર, અલ્ફાલ્ફાના ઘણા પ્રકાર સહિત 12 હજાર બીજ શેનઝોઉ 13 મિશન ક્રૂના ભાગના રૂપમાં અંતરિક્ષમાં મોકલાયાં હતાં, જે ચીનના તિયાનહે અંતરિક્ષ સ્ટેશન પર છ મહિના વિતાવ્યા બાદ પરત આવ્યા છે."
નવેમ્બર 2020માં ચીને ચાંગ એ-5 મિશનને ચંદ્રની સપાટી પર મોકલ્યું હતું, જે ચંદ્રની સપાટી પર ઊતર્યું પણ હતું. તેની સાથે જ ચંદ્રના ચક્કર લગાવવા માટે લૅબમાં ડાંગરનાં બીજ મોકલ્યાં હતાં.
ચીની સમાચારપત્રો પ્રમાણે ચંદ્રથી પરત ફરેલાં ડાંગરનાં બીજોથી પાક પણ ઉગાડવામાં આવ્યો હતો.
લિયૂ કહે છે કે "અમે ચીનના મજબૂત અંતરિક્ષ પ્રોગ્રામથી ફાયદો ઉઠાવીએ છીએ. અમે વર્ષમાં બે વખત બીજને અંતરિક્ષમાં મોકલવા અને પાકના સુધાર માટે સેટેલાઇટ્સ, ઊંચાઈ ધરાવતાં પ્લેટફૉર્મો અને મનુષ્યોને લઈ જનારાં અંતરિક્ષયાનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ."
બીજને ચાર દિવસથી માંડીને ઘણા મહિનાઓની સુધીના સમયગાળા માટે મોકલવામાં આવે છે.
આ અસામાન્ય વાતાવરણમાં બીજ અને છોડમાં ઘણાં પરિવર્તન થઈ શકે છે. સૌથી પહેલાં ભારે સૌરઊર્જા અને કૉસ્મિક વિકિરણો બીજોમા હાજર આનુવંશિક સામગ્રીને નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે મ્યૂટેશન અથવા ક્રોમોઝોમ સંબંધિત દોષ આવે છે જે આગામી બીજના પ્રકાર સુધી પહોંચી જાય છે.
ઓછું ગુરુત્વાકર્ષણ વાતાવરણ અન્ય પરિવર્તનોને પણ જન્મ આપી શકે છે. જે છોડ અંકુરિત હોય છે અને માઇક્રોગ્રૅવિટીમાં ઉગાડવામાં આવે છે, તે કોશિકાના આકાર અને સ્વયં કોશિકાઓની અંદર સંરચનાઓના સંગઠનમાં પરિવર્તન દર્શાવે છે.
મોટા ભાગના કેસમાં, ચીની વૈજ્ઞાનિક બીજને અંતરિક્ષમાં લઈ જાય છે અને પછી પૃથ્વી પર પરત આવ્યા બાદ તેમને ફરી જમીનમાં રોપવામાં આવે છે.
એ બાદ છોડને ઉપયોગી લક્ષણો માટે તપાસવામાં આવે છે જેથી એ ખબર પડી શકે કે કયા છોડ પાકના પરંપરાગત પ્રકાર માટે ઉપયોગી છે.

ઇમેજ સ્રોત, Getty Images
વૈજ્ઞનિક એ પરિવર્તનોની શોધમાં છે જે મોટાં ફળ, ઓછા પાણીની જરૂર, સારા પોષણ, ઉચ્ચ અને ઓછા તાપમાન વિરુદ્ધ પ્રતિરોધ, રોગના અનુકૂલનનું કારણ બને. કેટલાક કેસમાં દુર્લભ મ્યૂટેજેનેસિસ પાકની ઉત્પાદકતા અથવા અનુકૂલન ઉત્પન્ન કરવાની પ્રગતિનું કારણ બની શકે છે.
જ્યાં સુધી સંશોધકો ખેડૂતોની જરૂપિયાતોને પૂર્ણ કરવા માટે પર્યાપ્ત રૂપે ઉત્તમ પ્રકારનાં બીજ સુધી નથી પહોંચી જતાં ત્યાં સુધી સૌથી આશાજનક છોડોનું ફરી બ્રીડિંગ કરવામાં આવે છે.
જોકે, ચીન આ સમયે અંતરિક્ષ મ્યૂટેજેનેસિસમાં અનુસંધાનના ક્ષેત્રમાં એક અગ્રણી દેશ છે, પરંતુ તે અંતરિક્ષ પ્રજનનની સાથે પ્રયોગ કરનારો પહેલો દેશ નહોતો.
આ ટેકનિક અમેરિકા અને સોવિયેટ વૈજ્ઞાનિકો તરફથી સોવિયેટ સેટેલાઇટ 'કૉસમૉસ 782'ના ઑર્બિટમાં મોકલવામાં આવેલા ગાજરની કોશિકાઓનો ઉપયોગ કરતા કેટલાક પ્રાથમિક પ્રયોગો સંબંધિત હતી.
આ પ્રયોગ 'ન્યૂક્લિયર મ્યૂટેજેનેસિસ' જેવા સિદ્ધાંતો પર નિર્ભર છે જે વર્ષ 1920ના દાયકાના ઉત્તરાર્ધથી ચાલી રહ્યો છે.
તેમાં જીવના ડીએનએમાં સ્વાભાવિક રૂપે થતી મ્યૂટેજેનેસિસની પ્રક્રિયાને વિકિરણ કે પછી રેડિએશનના ઉપયોગથી ઝડપી કરવામાં આવે છે. પરંતુ 'ન્યૂક્લિયર મ્યૂટેજેનેસિસ' જમીનના સ્રોતોથી ગામા કિરણો, એક્સ-રે અને આયન બીમનો ઉપયોગ કરે છે, જ્યારે સ્પેસ મ્યૂટેજેનેસિસ કૉસ્મિક કિરણો પર નિર્ભર હોય છે, જે આપણા ગ્રહની ચારે તરફ ફેલાયેલા હોય છે.
પૃથ્વી પર આપણે તેના ચુંબકીય ક્ષેત્ર અને તેના ગાઢ વાતાવરણના માધ્યમથી આ કૉસ્મિક કિરણોથી સુરક્ષિત રહીએ છીએ પરંતુ ઑર્બિટમાં, અંતરિક્ષ યાન અને સેટેલાઇટ સતત આ વિકિરણના સંપર્કમાં રહે છે, જે મોટા ભાગે સૂર્યમાંથી નીકળે છે.

ઇમેજ સ્રોત, NASA/ALAMY
ઇન્ટરનેશનલ ઍટૉમિક એનર્જી ઍજન્સી (IAEA) અને યુનાઇટેડ નેશન્સના ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશનનું નેતૃત્વ કરતાં શોભા શિવશંકરના જણાવ્યા પ્રમાણે અંતરિક્ષ અને ન્યૂક્લિયર મ્યૂટેજેનેસિસ એ બંને પાકના નવા પ્રકારના ઉત્પાદનના સમયને અડધો કરવામાં મદદ કરી શકે છે.
ઑસ્ટ્રિયાની રાજધાની વિયેનાથી 21 માઇલ દક્ષિણ-પૂર્વમાં સીબર્સડૉર્ફમાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીની પરમાણુ પ્રયોગશાળાઓ છે અને તે પરમાણુ મ્યૂટેજેનેસિસ અને પ્રશિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર છે.
સહયોગી દેશ, જેમની પાસે પોતાની પરમાણુ સુવિધાઓ નથી, તેઓ વિકિરણ માટે પોતાનાં બીજ, છોડના કટિંગ અથવા છોડ શિવશંકરની ટીમને મોકલે છે.
શિવશંકર કહે છે, "બીજને વિકિરણ કરવામાં માત્ર થોડી મિનિટ લાગે છે. પરંતુ તેના માટે ઘણી જાણકારી અને કૌશલ્યની જરૂર પડે છે. દરેક પ્રકારના છોડની સહનશીલતાની ક્ષમતા અલગ-અલગ હોય છે."
બીજોને એક ડોઝ આપો જેની માત્રા વધારે હોય, પછી તેમને વધારે સમય સુધી વિકિરણમાં રાખશો તો તે નષ્ટ થઈ જશે અને તે અંકુરિત થઈ શકશે નહીં. જો તમે તેમને પર્યાપ્ત માત્રામાં રેડિએશન નહીં આપો, તો તે મ્યૂટેટ નહીં થાય અને તે એ જ રીતે ખતમ થઈ જશે જેવી રીતે તેમના પહેલાંનો પ્રકાર ખતમ થયો હતો.
ખાદ્ય અને કૃષિમાં પરમાણુ ઊર્જા અને વિશ્વ ખાદ્ય અને કૃષિસંગઠનના સંયુક્ત ન્યુક્લિયર ઍપ્લિકેશન ડિવિઝનમાં પ્લાન્ટ બ્રીડિંગ ઍન્ડ જેનેટિક્સ ગ્રૂપ છે જેની સ્થાપના 1964માં થઈ હતી.
1920ના દાયકાના અંતમાં ઘઉં, મકાઈ, ડાંગર, જુવાર અને ઓટ્સ (મ્યૂટેશનના માધ્યમથી વૅરિયન્ટ્સ) ઉત્પન્ન કરવા માટે એક્સ-રેનો ઉપયોગ કરતા પ્રયોગ કરવામાં આવ્યા, જેમાં દુનિયાભરના વનસ્પતિ નિષ્ણાતોએ રસ લીધો.
વર્ષ 1950ના દાયકા સુધી સૌથી વધારે વિકસિત દેશો પાસે ન માત્ર એક્સ-રે પરંતુ અલ્ટ્રા વાયોલેટ કિરણો અને ગામા કિરણો સાથે કરવામાં આવેલા પ્રયોગના પણ પોતાના પરમાણુ પ્રજનન કાર્યક્રમ હતા.
શોભા શિવશંકર કહે છે, "તે સમયે યુરોપ અને ઉત્તરી અમેરિકામાં ઘણા પ્રયાસ થયા હતા. ન્યૂક્લિયર મ્યૂટેજેનેસિસની મદદથી બનાવવામાં આવેલા ઘણા પ્રકાર જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા બે-ત્રણ દાયકામાં તેમાંથી ઘણા દેશોએ આ તકનીકને છોડી દીધી છે. ખાસ કરીને અમેરિકાએ ટ્રાન્સજેનિક ટેકનિક તરફ પોતાનો રસ્તો બનાવ્યો છે જે પ્રયોગશાળામાં એક છોડના જીનોમમાં વિદેશી ડીએનએના અંશને દાખલ કરવાની ક્ષમતા ઉત્પન્ન કરે છે."
જોકે, ન્યૂક્લિયર મ્યૂટેજેનેસિસ સમાપ્ત થયા નથી. ચીનના નેતૃત્વમાં એશિયા-પ્રશાંત ક્ષેત્રોના દેશોએ આત્મવિશ્વાસ સાથે તેનો ઉપયોગ ચાલુ રાખ્યો છે. તે આઈએઈએના મ્યૂટેજેનેસિસ પાકોના પ્રકારના ડેટાબેઝને ભરતા રહે છે, જેનાથી આજે 3300 નવા પાકના પ્રકારો સામેલ છે.
શિવશંકર કહે છે કે કેટલાક ગરીબ એશિયાઈ દેશો માટે ન્યૂક્લિયર મ્યૂટેજેનેસિસ સાથે જોડાઈને રહેવાનું મોટું કારણ ટ્રાન્સજેનિક ટેકનિકનું મોંઘુ હોવું પણ હોઈ શકે છે. પૈસાદાર પશ્ચિમી દેશોએ આ ટેકનિકથી પોતાના હાથ પાછળ ખેંચી લીધા છે.
શિવશંકર કહે છે, "ઉદાહરણ તરીકે અમેરિકન ઔદ્યોગિક કૃષિક્ષેત્ર થોડાં જ લક્ષણોને પ્રાથમિકતા આપે છે. પરંતુ એશિયાના દેશોમાં સ્થિતિ ઘણી અલગ છે."
એશિયાઈ બ્રીડર્સ ઘણા નાના ખેડૂતો માટે બીજ તૈયાર કરે છે જે ઘણા વિવિધ વાતાવરણમાં કામ કરે છે. માત્ર એક કે બે વિશેષતાઓમાં મ્યૂટેશન કરવું પૂરતું હોતું નથી.
શોભા શિવશંકર કહે છે, "તેમને વધારે જટિલ વિશેષતાઓની જરૂર છે. તેમાંથી ઘણી વિશેષતા જળવાયુ પરિસ્થિતિઓથી સંબંધિત નથી જેમ કે ગરમી અને દુષ્કાળને સહન કે પોષક તત્ત્વોની કમી કે ખારા પાણીની માટીમાં વધવાની ક્ષમતા વગેરે. મારા મતે, તે ટ્રાન્સજેનિક ટેકનિકથી પ્રાપ્ત કરી શકાય તેમ નથી."
ચીન પોતાના કૃષિ પાકોના આનુવંશિક પૂલને ઉત્તમ બનાવવાના પ્રયાસને એક જરૂરિયાત તરીકે જુએ છે. લિયૂ અને તેમની ટીમ પ્રમાણે, જો દુનિયાને વર્ષ 2050 સુધી ધરતી પર રહેતા અતિરિક્ત બે અબજ લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવું હોય તો દુનિયાએ મુખ્ય અનાજના ઉત્પાદનમાં 70 ટકાની વૃદ્ધિ કરવાની જરૂર પડશે.
તેમનું કહેવું છે કે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં વધતી વસતીને ભોજનની ખામીનો સૌથી મોટો ખતરો છે.
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના પ્રમાણે, માત્ર ચીને ન્યુક્લિયર અને સ્પેસ મ્યૂટેજેનેસિસના માધ્યમથી 800 કરતાં વધારે નવા પ્રકારોને વિકસિત કર્યા અને રજૂ કર્યા છે જેમાં મૂળ પારંપરિક પાકની સરખામણીએ બધી જ મહત્ત્વપૂર્ણ વિશેષતાઓ સારી છે.
જોકે, સવાલ એ પણ છે કે જ્યારે જમીન પર પ્રયોગશાળાઓમાં એ કરી શકાય છે, તો અંતરિક્ષમાં બીજ મોકલવાનો શું ફાયદો છે?
લિયૂએ સ્વીકાર કર્યો છે કે અંતરિક્ષમાં બીજ મોકલવા પર પૃથ્વીના વિકિરણમાં ચોંટાડવાથી ઘણો વધારે ખર્ચ થાય છે. તો પણ એવું લાગે છે કે અંતરિક્ષયાત્રાથી વધારે ફાયદો થાય છે અને ઘણી વખત રસપ્રદ પરિણામો મળે છે.
લિયૂ કહે છે, "ખરેખર ગામા કિરણોની સરખામણીએ સ્પેસ મ્યૂટેજેનેસિસથી ઉપયોગી મ્યૂટેન્ટ્સમાં વધારે ફ્રિકવન્સી જોવા મળે છે."
અંતરિક્ષમાં વિકિરણની તીવ્રતા ખૂબ ઓછી હોય છે, પરંતુ બીજ લાંબા સમય સુધી આ કિરણોનો લાભ ઉઠાવે છે જેને આપણે કણોનું રૈખિક ઊર્જા સંચરણ કહીએ છીએ અને કુલ મળીને અંતરિક્ષમાં જૈવિક પ્રભાવ વધારે થાય છે અને ત્યાં પ્રયોગશાળાઓમાં વિકિરણની સરખામણીએ બીજોને પહોંચતુ નુકસાન ઓછું હોય છે.
લિયૂ કહે છે કે એક વિકિરણમાં બીજોને આયનાયઝિંગ વધારે મળે છે - થોડી જ સેકંડમાં 50થી 400 ગ્રેઝ મળી જાય છે. બીજી તરફ એક અઠવાડિયામાં અંતરિક્ષયાત્રા દરમિયાન બીજ માત્ર બે મિલિગ્રેઝના સંપર્કમાં આવે છે.
તેઓ કહે છે કે તેના પરિણામમાં 50 ટકા બીજ જમીન પર આધારિત ઉપચારથી જીવિત બચતાં નથી. જ્યારે અંતરિક્ષમાં ઉગાવવામાં આવતા લગભગ બધાં બીજ સામાન્યપણે આગળ ઊગે છે.
લિયૂનું કહેવું છે કે, "આ બધી ટેકનિક ખૂબ ઉપયોગી છે અને થોડી ખૂબ જ વાસ્તવિક સમસ્યાઓના સમાધાનમાં આપણી મદદ કરી રહી છે. બીજને અંતરિક્ષમાં લઈ જવાના ખૂબ ઓછા અવસર હોય છે. આપણે માત્ર તેના પર ભરોસો રાખી શકતા નથી."
હવે એવું લાગી રહ્યું છે કે દુનિયાના અન્ય ભાગોમાં અંતરિક્ષમાં ભોજન ઉગાડવાની એક નવી રુચિ ઉત્પન્ન થઈ રહી છે. નવેમ્બર 2020માં અમેરિકી વાણિજ્યિક અંતરિક્ષ સેવા કંપની 'નેનોરોક્સે' ઑર્બિટિંગ ગ્રીનહાઉસ સંચાલિત કરવાની યોજનાની ઘોષણા કરી હતી. તેમનો ઉદ્દેશ શું હશે? પાકના નવા પ્રકારનો વિકસિત કરવો જે દુનિયાને ભોજન આપવા માટે ઉત્તમ હશે કેમ કે વૈશ્વિક જળવાયુ પરિવર્તનના કારણે તે વિલુપ્ત થવાના ખતરાનો સામનો કરે છે.
આ પ્રયાસ માટે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનથી નાના ઉપગ્રહોને લૉન્ચ કરવા માટે ઓળખાતી કંપનીને સંયુક્ત આરબ અમીરાત સાથે ભાગીદારી કરી છે.
સંયુક્ત આરબ અમીરાત એવો દેશ છે જેની પોતાની ખૂબ ઓછી જમીન કૃષિને યોગ્ય છે. તેનો અર્થ છે કે તેણે પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે મોટા ભાગની ખાદ્ય સામગ્રી આયાત કરવી પડે છે.
જોકે, બધાં બીજ નવા સુપર પ્લાન્ટ બનીને અંતરિક્ષમાંથી પરત ફરતાં નથી. વર્ષ 2020માં યુરોપીયન વૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનને મોકલેલા સલાડનાં પત્તાંના બીજોનો એક જથ્થો મોકલ્યો હતો. જમીન પર પરત ફર્યા બાદ આ છોડ અન્ય છોડની સરખામણીએ ધીમે ધીમે વધ્યા.
મોટા ભાગનું સંશોધન અંતરિક્ષમાં એ ભોજન ઉગાડવા માટે થઈ રહ્યું છે જેનો ઉદ્દેશ અંતરિક્ષયાત્રીઓને મિશન દરમિયાન પોતાના જમવા માટે મદદ મળી શકે.
ઉદાહરણ તરીકે, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર અંતરિક્ષયાત્રી વર્ષ 2015થી એક પ્રકારના સલાડ રોમેન લેટ્યુસનો પાક ઉગાડીને તેને લણી રહ્યા છે અને તેને ખાઈ રહ્યા છે. વર્ષ 2020માં પ્રકાશિત એક સંશોધનથી જાણવા મળ્યું કે આ ભોજન સુરક્ષિત છે અને લાંબા મિશનો પર પોષકતત્ત્વોનો એક કિંમતી સ્રોત ફાળવી શકે છે.
પરંતુ હવે જ્યારે અંતરિક્ષયાત્રીઓ માટે ભોજન ઉગાડવું મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે કેમ કે દુનિયાની અંતરિક્ષ એજન્સીઓ મનુષ્યોને ચંદ્ર પર લઈ જવા અને મંગળ જેવા અન્ય ગ્રહોની યાત્રા કરવા પર નજર રાખીને બેઠા છે, તેવામાં અંતરિક્ષ ભોજન આપણામાંથી એ લોકો માટે વધારે ઉપયોગી અને ફાયદાકારક હશે જેઓ અહીં જમીન પર રહે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















