એ દેશ જેની અડધી વસતિ છે દુષ્કાળને કારણે ભૂખી, લાખો લોકોની હિજરત

"માઓનાં ધાવણો સૂકાઈ ગયા છે અને છોકરાંઓ મરવા પડ્યાં છે, જુવાન-બુઢ્ઢા-બાળક બધાં એક જ ઉંમરના થઈ ગ્યા છે- મરવાની ઉંમરના."

ઉપરના શબ્દો ગુજરાતી નાટ્યકાર સૌમ્ય જોશીએ એમના નાટક 'ધારો કે તમે મનજી છો'માં દુષ્કાળનું વર્ણન કરતાં નાયક મનજીના મોંઢે મૂકેલા અને સોમાલિયા, કેન્યા, ઇથિયોપિયા દેશોની હાલત એ શબ્દોથી વધારે કરપીણ છે.

સોમાલિયા એ દાયકાઓના સૌથી ભયંકર દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના એક અંદાજ અનુસાર ચાર દાયકાઓમાં સૌથી ભયાનક કહેવાઈ રહેલા એવા આ દુષ્કાળમાં સોમાલિયા સહિત કેન્યા, ઇથિયોપિયા અને કેન્યાનાં લગભગ બે કરોડ કરતાં વધુ બાળકો પર આ વર્ષના અંત સુધીમાં ભૂખમરાનું જોખમ તોળાવા લાગશે.

પાલતુ ઢોરોના મૃતદેહ રસ્તા પર જ્યાં-ત્યાં વિખેરાયેલા પડ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાલતુ ઢોરોના મૃતદેહ રસ્તા પર જ્યાં-ત્યાં વિખેરાયેલા પડ્યા છે

જો માત્ર સોમાલિયાની જ વાત કરીએ તો તેની અડધોઅડધ વસતિ ભૂખમરાનું સંકટ વેઠી રહી છે.

ગ્રામીણ સોમાલિયામાં લાખો લોકો પોતાનાં ઘર છોડી રહ્યા છે અને આંતરિક સ્થળાંતરણ માટેના કૅમ્પોમાં જઈ રહ્યા છે.

તેમનાં ખેતરો સૂકાયેલાં છે, પાક નાશ પામ્યો છે અને પાલતું પશુઓના મૃતદેહ રસ્તા પર જ્યાં-ત્યાં વિખેરાયેલા પડ્યાં છે. નિષ્ણાતો પ્રમાણે આ પાછલા દાયકામાં પડેલ સૌથી ભયાનક દુષ્કાળ છે.

આ કૅમ્પોમાં હજારો બાળકો તેમનાં માતાપિતા વગર પહોંચ્યાં છે. તેમનાં મોટા ભાઈબહેનો તેમની સંભાળ લઈ રહ્યાં છે, કારણ કે તેમના પિતા ભોજનની શોધમાં શહેર ગયા છે. તેમજ માતાઓ હૉસ્પિટલમાં છે કારણ કે આ દેશમાં કુપોષણના દરમાં પાછલા અમુક સમયમાં ઘણો વધારો નોંધાયો છે.

line

બાળકોનાં મૃત્યુ અને દયનીય હાલત

દુષ્કાળમાં બાળકોનું કુપોષણ રોકવા માટે મળેલો પૂરક ખોરાક આપવામાં આવી રહ્યો છે.

ઇમેજ સ્રોત, SIMON MAINA/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, દુષ્કાળમાં બાળકોનું કુપોષણ રોકવા માટે મળેલો પૂરક ખોરાક આપવામાં આવી રહ્યો છે.

હવે કેટલાંક સ્થળોએથી મૃત્યુની ખબરો પણ આવવા લાગી છે. બાઇદોઆના આવા જ એક સેન્ટરમાં મે અને જૂન માસ દરમિયાન 26 બાળકોનાં મૃત્યુ થયાં છે.

કૅમ્પમાં એક કામચલાઉ ઝૂંપડીમાં રહેતાં 13 વર્ષીય ફરદોસાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમુક છોકરીઓ જેમની સાથે હું રમતી તે હજુ જીવિત છે. પરંતુ અમુક ગુજરી ગઈ, જ્યારે બાકીની પાટનગર મોગાદીશુ ખાતે ઘરઘાટી તરીકે કામ કરવા માટે જતી રહી."

સેવ ધ ચિલ્ડ્રન ચૅરિટી જણાવે છે કે બાળકો અને તેમની સંભાળ રાખનારમાં ચિંતાનું પ્રમાણ વધી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.

સંસ્થાના સોમાલિયા દેશના ડિરેક્ટર મહમૂદ હસન આ વિશે વાત કરતાં જણાવે છે કે, "બાળપણમાં નકારાત્મક અનુભવોના પરિણામે બાળકોને મનોવૈજ્ઞાનિક મદદની જરૂરિયાત પડે તેવું બની શકે. માતાપિતા જણાવે છે કે બાળકો હિંસક અને આક્રમક બની રહ્યાં છે."

પાણીના સ્રોત અને નદીઓ સૂકાઈ જવાના કારણે સ્થાનિકોનાં ઢોર પણ ટપોટપ મરવા લાગ્યાં છે.

સોમાલિયામાં દુષ્કાળના કારણે ગામડાં ખાલીખમ થઈ ગયાં છે.

લાંબા સમયથી આકરા દુષ્કાળનો સામનો કહી રહેલા કેન્યાના મારાસાબિતની આ તસવીર 12 જુલાઈ 2022ના રોજ લેવાઈ છે.

ઇમેજ સ્રોત, SIMON MAINA/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, લાંબા સમયથી આકરા દુષ્કાળનો સામનો કહી રહેલા કેન્યાના મારાસાબિતની આ તસવીર 12 જુલાઈ 2022ના રોજ લેવાઈ છે.

ઘણા લોકો ભોજન, પાણી અને દવાઓની તલાશમાં પોતાનાં ઘર ત્યાગી રહ્યા છે. તેમાં પણ ખાસ ખતરો બાળકો પર છે.

ફરદોસા કહે છે કે, "તેમને યાદ નથી કે તેમણે છેલ્લે ક્યારે પેટ ભરીને જમ્યું હતું. હું ખૂબ જ નાની હતી તે સમયની આ વાત છે પરંતુ મને આ અગાઉનું દુષ્કાળ યાદ છે. અમુક બાળકો તો ભૂખના કારણે જ મરી ગયાં. મને યાદ છે ત્યાં સુધી ઓછામાં ઓછાં પાંચ બાળકો આવી રીતે ગુજરી ગયાં છે."

"દુષ્કાળના પરિણામે અમારી પાસેનાં મોટા ભાગનાં ઢોર ગુજરી ગયાં અને બાકીનાંને અમે છોડી દીધાં.આ દુષ્કાળમાં અમે ઘણાં ઢોર ગુમાવ્યાં. અમારી પાસે ત્રણ ઊંટ હતાં, જે ગુજરી ગયાં, અમારી પાસે નવ બકરી હતી, જે પૈકી બે ગુજરી ગઈ."

નિષ્ણાતોના મતે ઑક્ટોબરની વર્ષાઋતુ પણ સૂકી જ હશે. વર્ષ 2023 સુધી આ દુષ્કાળ ખેંચાશે. આ દુષ્કાળ વર્ષ 2011 જેવો ખતરનાક હોઈ શકે. 2011માં દુષ્કાળને કારણે 2.60 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ