ભારતનાં 15મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાનાર દ્રૌપદી મુર્મૂના ગામની સ્થિતિ કેવી છે? : ગ્રાઉન્ડ રિપોર્ટ

ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, દ્રૌપદી મુર્મૂ
    • લેેખક, રવિ પ્રકાશ
    • પદ, ઉપરબેડા (ઓડિશા)થી, બીબીસી હિંદી માટે

એક ભેજવાળી ગરમ સવારે અમે જ્યારે ઉપરબેડા પહોંચ્યા તો મહિલાઓ ભોજન રાંધી રહી હતી.

પુરુષો ખેતરમાં અને બાળકો સ્કૂલે જવાની તૈયારી કરી રહ્યાં હતાં. ગામમાં ગણતરીની દુકાનો ખુલ્લી હતી. કાળા-પીળા રંગની એક રિક્ષામાં સવાર કેટલાક લોકો શહેર જઈ રહ્યા હતા.

તે જ સમયે ટેલિવિઝન, રેડિયો અને ઇન્ટરનેટ પર ચાલી રહેલા અહેવાલોમાં જણાવવામાં આવ્યું કે દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યું છે. જેમાં દ્રૌપદી મુર્મૂ જીતી ચૂક્યાં છે.

આઝાદીનાં 75 વર્ષ બાદ ભારતનાં પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે.

આ અહેવાલ ઉપરબેડાના લોકોને ઉત્સાહિત કરે છે. કારણ કે દ્રૌપદી મુર્મૂ આ ગામનાં રહેવાસી છે. આ જ ગલીઓમાં તેમનું બાળપણ વીત્યું છે અને આ જ તેમનું પિયર છે.

અંદાજે 3,500 લોકોની વસતી ધરાવતું ઉપરબેડા ગામ ઓડિશા રાજ્યના મયૂરભંજ જિલ્લાના કુસુમી પ્રખંડનો ભાગ છે. ઝારખંડની સીમા પાસે વસેલા આ ગામથી થોડે દૂર ખાણો, પહાડો, તળાવો અને નદીઓ આવેલી છે.

આ ગામ ભારતનાં બીજાં ગામો જેવું જ છે. અહીંના લોકોની પણ પોતાની જરૂરિયાતો અને સમસ્યાઓ છે. અન્ય ગામોની જેમ અહીંના લોકોનો દિવસ પણ સૂર્યોદય પહેલાં શરૂ થાય છે અને સૂર્યાસ્ત બાદ પૂરો થઈ જાય છે પણ એક બાબત એવી છે જે આ ગામને બાકીનાં તમામ ગામોથી અલગ કરે છે.

તે છે ગામમાં જન્મેલાં દ્રૌપદી મુર્મૂનું ભારતનાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવું.

line

રાયરંગ વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યાં છે મુર્મૂ

ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
ઇમેજ કૅપ્શન, ગામના મુખી ખેલારામ હાંસદા

આ પહેલી વખત નથી જ્યારે દ્રૌપદી મુર્મૂ અહેવાલોમાં છવાયાં હોય. તેઓ પોતાની વિધાનસભા બેઠક રાયરંગપુરનાં ધારાસભ્ય, ઓડિશા સરકારનાં મંત્રી અને ઝારખંડનાં રાજ્યપાલ રહી ચૂક્યાં છે. તેમનું પિયર ઉપરબેડા અને સાસરું પહાડપુર બંને તેમના મતક્ષેત્ર રાયરંગપુરનો જ ભાગ છે.

તેમ છતાં પણ તેમનું ગામ દેશનાં અન્ય સામાન્ય ગામોની જેમ જ કેમ છે? અહીંના લોકો પણ વીજળી, પાણી, રસ્તા, કૉલેજ, હૉસ્પિટલ, બૅંક જેવી પાયાની સુવિધાઓની વાત કેમ કરે છે?

ઉપરબેડાના મુખી ખેલારામ હાંસદા આ વાતનો જવાબ આપતાં કહે છે કે એમ પણ નથી કે જરાય વિકાસ થયો નથી. દ્રૌપદી મુર્મૂના ધારાસભ્ય બન્યા બાદ અહીં રસ્તા બન્યા, વીજળી આવી, પાણીની લાઇન આવી, ગામના રસ્તા પર આવતી કાન્હૂ નદી પર બ્રિજ બન્યો, પશુઓનું હૉસ્પિટલ ખૂલી, સરકારની ઘણી યોજનાઓ આવી. છતાં પણ ઘણાં કામ કરવાનાં બાકી છે.

ખેલારામ હાંસદાએ બીબીસીને જણાવ્યું, "ઉપરબેડા ડિજિટલ ગામ છે પણ અહીં એ તમામ સુવિધાઓ ઉપલબ્ધ નથી, જે એક આદર્શ ડિજિટલ ગામમાં હોવી જોઈએ. અહીં બૅંક હોવી જોઈતી હતી. ગામમાં આવેલ સેકન્ડરી સ્કૂલને હાયર સેકન્ડરી સ્કૂલ બનાવવી જોઈતી હતી. જેથી ગામમાં જ બાળકો 12મા ધોરણ સુધી ભણી શકે. ગામના પીએચસીમાં બેડની સંખ્યા વધારવી જોઈતી હતી."

"અહીં પૂરતા તબીબો અને નર્સિંગ સ્ટાફની નિયુક્તિ કરવી જોઈતી હતી. સુવિધાઓ વધવી જોઈતી હતી. કારણ કે જો અમે સરકારસંચાલિત 108 ઍમ્બુલન્સની રાહ જોઈશું તો દર્દીનું હૉસ્પિટલ પહોંચતાં પહેલાં જ મૃત્યુ થઈ જશે."

line

નજીકની કૉલેજ 20 કિલોમિટર દૂર

ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
ઇમેજ કૅપ્શન, જિગ્ગી નાયક

ઉપરબેડા ગામની સૌથી નજીકની કૉલેજ 20 કિલોમિટર દૂર છે. આવી પરિસ્થિતિમાં સૌથી વધુ હેરાનગતિ એ વિદ્યાર્થિનીઓને થાય છે, જે ઉચ્ચ શિક્ષણ માટે કૉલેજ જાય છે. તેમને સાઇકલ કે અન્ય કોઈ માધ્યમથી કૉલેજ જવું પડે છે.

દ્રૌપદી મુર્મૂના પાડોશી જિગ્ગી નાયક ગ્રૅજ્યુએટ છે. કૉલેજ જવું તેમના માટે સૌથી અઘરી બાબત છે.

તેમણે બીબીસીને કહ્યું, "ગામના છોકરાઓ તો પોતાની બાઇક કે સાઇકલ પર કૉલેજ જતા રહે છે પણ છોકરીઓ માટે કૉલેજ જવું અઘરું છે. પહેલાં હું સાઇકલ લઇને કૉલેજ જતી હતી પણ હવે મારે ગામથી મેઇન રોડ સુધી રિક્ષા અને ત્યાંથી બસમાં કૉલેજ જવું પડે છે. જો મારા ગામમાં જ કૉલેજ ખૂલી જાય તો અમને આ હેરાનગતિ થશે નહીં."

"એમ પણ મારું ગામ પાંચ વૉર્ડમાં વહેંચાયેલું છે. અહીંની વસતી એટલી છે કે સરકાર કૉલેજ ખોલી શકે. તેનાથી માત્ર ઉપરબેડા જ નહીં, આસપાસનાં ગામોના વિદ્યાર્થીઓને પણ સહાય થઈ શકે છે. મને આશા છે કે દ્રૌપદી ફોઈનાં રાષ્ટ્રપતિ બન્યા બાદ કંઈક આવું થશે."

line

ગામના એક ભાગમાં તાજેતરમાં આવી છે વીજળી

ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
ઇમેજ કૅપ્શન, ગામમાં બંધ પડેલી હૉસ્પિટલ

ઉપરબેડા ગામમાં આમ તો વીજળી ઘણાં વર્ષો પહેલાં આવી ગઈ હતી પરંતુ ગામના એક ભાગમાં વીજળીના બલ્બ તાજેતરમાં જ પ્રકાશિત થઈ શક્યા છે. આ વિસ્તારમાં વીજળી ત્યારે આવી જ્યારે એનડીએ દ્વારા દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર બનાવ્યાં.

અહીં ઇલૅક્ટ્રિશિયન તરીકે કામ કરનારા જગન્નાથ મંડલે બીબીસીને જણાવ્યું કે ગામના ડુંગરીસાઈ ટોલેમાં વીજળીનું કનૅક્શન ન હતું. અહીંનાં અંદાજે 35 ઘરોના લોકો ફાનસના પ્રકાશમાં રાતો વીતાવતા હતા.

વીજળીવિભાગના અધિકારીઓએ ગયા મહિને અહીં વીજળી સપ્યાલ કરી છે. હવે અહીંના લોકોનાં ઘરોમાં વીજળી તો છે પરંતુ સેંકડો ગરીબો પાસે પાક્કું મકાન નથી. તેઓ પ્લાસ્ટિકની છતો નીચે પોતાનું જીવન વીતાવી રહ્યા છે.

કુસુમી પ્રખંડ વિકાસ પદાધિકારી (બીડીઓ) લખમન ચરણ સોરેને બીબીસીને કહ્યું કે ઉપરબેડાનું વિદ્યુતિકરણ પહેલેથી થઈ ગયું છે પરંતુ બાદનાં વર્ષોમાં કેટલાક વિસ્તારોમાં વીજળી સપ્લાય થઈ નથી.

ત્યાં નવાં ઘર બન્યાં હતાં. જેથી વીજળી પહોંચાડવામાં થોડો સમય લાગ્યો. હવે અમે ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું છે. જેથી વિકાસની ગતિ વધારી કરી શકાય.

line

દ્રૌપદી મુર્મૂની શાળા

ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

ગામની વચ્ચોવચ આવેલ ઉત્ક્રમિત મિડલ સ્કૂલમાં હાલ લોકોની અવરજનર વધી ગઈ છે. આ એ જ શાળા છે જ્યાં ક્યારેક દ્રૌપદી મુર્મૂએ પ્રાથમિક કક્ષામાં અભ્યાસ કર્યો હતો.

અહીં ઘણાં નવાં બિલ્ડિંગ બન્યાં છે પરંતુ સ્કૂલની પાછળના ભાગમાં આવેલ ઍસ્બેસ્ટસની છતવાળી રૂમો હયાત છે, જ્યાં બેસીને ક્યારેક દ્રૌપદી મુર્મૂ ભણતાં હતાં.

આ શાળાના પ્રધાનાચાર્ય મનોરંજન મુર્મૂએ કહ્યું, "તે સમયે અહીં એકથી પાંચ ધોરણની શાળા હતી અને છઠ્ઠા-સાતમા ધોરણ માટે અલગ બિલ્ડિંગ હતું. બાદમાં મર્જર કરીને ઉત્ક્રમિત મિડલ સ્કૂલ બનાવવામાં આવી. અમને ગર્વ છે કે દ્રૌપદી મુર્મૂ અમારી સ્કૂલનાં પૂર્વ વિદ્યાર્થિની છે."

શાળામાં સાતમા ધોરણની વિદ્યાર્થિની તનુશ્રી ઉરાંવ એ વાતથી ખુશ છે કે તેમનાં સિનિયર દ્રૌપદી મુર્મૂ દેશનાં રાષ્ટ્રપતિ બનવાનાં છે. જોકે, તે અભ્યાસ બાદ ભારતીય સેનામાં જવા માગે છે.

line

કાચા મકાનમાં જન્મ

ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
ઇમેજ કૅપ્શન, પોતાનાં માતા સાથે દ્રૌપદી મુર્મૂ

દ્રૌપદી મુર્મૂનો જન્મ જે ઘરમાં થયો, તેની છત જર્જરિત હતી. હાલમાં તેના બહારના ભાગમાં પીળા રંગનું પાક્કુ મકાન છે પરંતુ ઘરના લોકોએ એ રૂમો એવી જ હાલતમાં રાખી છે, જ્યાં દ્રૌપદી મુર્મૂનું બાળપણ વીત્યું હતું. એ ઘરમાં હવે તેમના ભાઈનાં વધૂ દુલારી ટુડૂ રહે છે.

તેમણે બીબીસીને જણાવ્યું, "જૂના ઘરને અમે લોકો એ જ રીતે મેઇન્ટેઇન રાખીએ છીએ. જેથી દ્રૌપદી દીદીની યાદો એમ જ રહે. તેઓ જ્યારે પણ અહીં આવે છે તો તેમને આ ઘર જોઈને ખુશી થાય છે. તેમને ભોજનમાં 'પખલ' ખૂબ પસંદ છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ રાષ્ટ્રપતિ બનીને જલદી જ ઘરે આવે. જેથી અમે તેમનું સ્વાગત કરી શકીએ. અમે અને અમારા ગામના લોકો ઘણા ખુશ છે કારણ કે તેઓ રાષ્ટ્રપતિ બનવાનાં છે."

line

વિચાર્યું નહોતું કે રાષ્ટ્રપતિ બની જશે

ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
ઇમેજ કૅપ્શન, ગોવિંદ માંઝી અને તેમનાં પત્ની

દ્રૌપદી મુર્મૂને છઠ્ઠા-સાતમાં ધોરણમાં ભણાવનારા વિશ્વેશ્વર મહંતો હવે 82 વર્ષના છે. તેમણે જણાવ્યું કે તે (દ્રૌપદી મુર્મૂ) બાળપણથી જ તેજસ્વી હતાં અને ખાલી સમયમાં મહાપુરુષોના જીવન વિશે વાંચ્યા કરતાં હતાં.

તેમણે બીબીસીને જણાવ્યું, "દ્રૌપદી સમય પર સ્કૂલે આવતી હતી અને બધા જ સવાલોના સાચા જવાબ આપતી હતી. કંઈક સમજ ન આવે તો સવાલ પૂછી લેતી હતી. ત્યારે જ મને લાગ્યું હતું કે તે ભણીગણીને ઑફિસર બનશે પણ એ રાષ્ટ્રપતિ બનશે એવું ક્યારેય નહોતું વિચાર્યું."

ઉપરબેડાના ગ્રામજનોની ખુશી અને પાયાની સુવિધાઓની માગ વચ્ચે કેટલાક લોકો એવા પણ છે જે ગંભીર મુદ્દા ઉઠાવે છે. ગોવિંદ માંઝી પણ એવા ગ્રામજનોમાંના એક છે. તેમણે અને દ્રૌપદી મુર્મૂએ એકથી પાંચ ધોરણ એકસાથે અભ્યાસ કર્યો છે અને તેઓ બાળપણથી મિત્રો છે.

તેમણે બીબીસીને જણાવ્યું, "તેઓ દેશનાં પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનશે, તેનાથી વધુ ગૌરવની વાત બીજી કોઈ ન હોઈ શકે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ આ પદ પર પહોંચ્યા બાદ બંધારણમાં આદિવાસીઓ માટે અલગ સરના ધર્મ કોડની જોગવાઈ લાવે અને આદિવાસી ભાષાઓની ઉન્નતિ માટે કામ કરે."

ઉપરબેડાના લોકોની આશા, આકાંક્ષાઓ અને જરૂરિયાતો વચ્ચે હાલ એ વાતને લઈને ઉત્સવ જેવો માહોલ છે કે તેમના ગામનાં પુત્રી દેશનાં રાષ્ટ્રપતિ બનવાનાં છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન