બનાસકાંઠા : દલિત બાળકોને શાળામાં સવર્ણ બાળકોથી અલગ બેસાડવાનો સમગ્ર મામલો શું છે?

દલિત મહિલા
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી ગુજરાતી, બનાસકાંઠા

બનાસકાંઠામાં આંગણવાડા પ્રાથમિક શાળામાં રિસેસનો ઘંટ વાગતાં જ બાળકોનો કિલકિલાટ શરૂ થયો, બહાર ઊભી એક ખાન-પાનની લારી પર બાળકોની લાઈન લાગી ગઈ.

અમુક બાળકો પોતાની પાણીની બૉટલ લઈને પાણી પીવા લાગ્યાં તો કેટલાંક હજી ક્લાસમાં શિક્ષક સાથે વાત કરી રહ્યાં હતાં.

કેટલાંક બાથરૂમ તરફ દોડ્યાં તો અમુક બાજુમાં જ આવેલાં પોતાનાં ઘરો તરફ ગયાં. નવા શૈક્ષણિક સત્ર પછી બનાસકાંઠાના એક નાનકડા ગામની એક નાનકડી શાળાનું આ દૃશ્ય છે. જોકે આ શાળાની બાજુમાં રહેતાં, આ શાળાનાં જ વિદ્યાર્થીઓ, વાલ્મીકિ સમાજનાં ચાર બાળકો આ શાળાનાં અન્ય બાળકોથી વિખૂટાં પડી ગયાં છે.

આંગણવાડા ગામમાં વાલ્મીકિ સમુદાયનાં ચાર મકાનો છે અને તેમાંથી ચાર બાળકો આંગણવાડા પ્રાથમિક શાળામાં ભણે છે.

આ શાળા જે વિસ્તારમાં આવેલી છે તે સીહોરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદ પ્રમાણે વાલ્મીકિ સમુદાયનાં ચાર બાળકો સાથે ભેદભાવ થાય છે, માટે તેઓ હવે શાળાએ જતાં નથી.

ફરિયાદ પ્રમાણે આ ગામમાં રહેતાં લીલાબહેન વાલ્મીકિએ આક્ષેપ કર્યો છે કે આ શાળાના આચાર્ય રમેશ ઠક્કર તેમના પરિવારનાં ચાર બાળકો સાથે વાલ્મીકિ સમુદાયના હોવાને કારણે તેમની સાથે ભેદભાવ કરે છે.

લીલાબહેનના આક્ષેપો છે કે તેમનાં બાળકોને શાળામાં બીજાં બાળકોથી અલગ બેસાડવામાં આવે છે, તેમને પાણીની બૉટલ શાળામાં ભરવા નથી દેવાતી. મધ્યાહન વખતે તેમને અલગ બેસાડાય છે.

જોકે બીજી બાજુ શાળાના શિક્ષકો, આચાર્ય અને સ્ટાફના બીજા લોકોએ આ પ્રકારના આરોપોને નકારી કાઢ્યા છે.

શાળાના ઉપાચાર્ય હરીશભાઈ જોષીએ કહ્યું કે, "વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરે એવું કોઈ પણ કૃત્યુ શાળામાં નથી થતું. બાળકોને જ્યાં બેસવું હોય ત્યાં બેસે છે."

line

'મંદિરમાં પ્રવેશ પર રોક, તહેવારોમાં ન જઈ શકીએ'

પાટીપેન

ઇમેજ સ્રોત, AFP

એક બીજા શિક્ષક રમેશભાઈ દેસાઈએ કહ્યું કે, "તેમના કે બીજા કોઈના પણ વર્ગમાં તમામ બાળકો એક સાથે જ બેસે છે, એ વાત તદ્દન ખોટી છે કે બાળકો સાથે ભેદભાવ થાય છે."

જોકે આ તરફ લીલાબહેન પોતાના આરોપોને લઈને અડગ છે.

સીહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે, "તારીખ 30 જૂનથી બાળકો ઘરે બેઠાં છે. મેં તેમને રજૂઆત કરી હતી કે મારાં બાળકો સાથે ભેદભાવ ન કરો તો તેમણે કહ્યું હતું કે હું મારાં બાળકોને લઈને બહાર જતી રહું, ત્યારથી મારાં બાળકો ઘરે બેઠાં છે."

શાળાની બાજુમાં જ આવેલાં પતરાંવાળાં ચાર મકાનોમાંથી એક મકાનમાં લીલાબહેન તેમના કુટુંબ સાથે રહે છે.

તેમના કુટુંબનાં ચાર બાળકોમાંથી એક તેમની દીકરી રીના વાલ્મીકિ (ધોરણ બે), તેમના દિયરની દીકરી તેજમલ વાલ્મીકિ (ધોરણ ત્રણ), તેમની પુત્રીનાં બાળકો સેજલ વાલ્મીકિ (ધોરણ ત્રણ) અને સત્યમ વાલ્મીકિ (ધોરણ એક) અભ્યાસ કરે છે. જોકે હાલમાં આ તમામ બાળકો ઘરે જ ભણી રહ્યાં છે.

લીલાબહેન કહે છે કે, "કોરોના સમયે નિયમિત શાળા ચાલતી ન હતી અને અત્યારે જ્યારે બાળકો નિયમિત શાળાએ જતાં થયાં તો ખબર પડી કે તેમની વાતે ભેદભાવ થાય છે."

"શું અમે માણસ નથી? અમે ઢોર છીએ? શું અમારાં બાળકો ન ભણી શકે? અમે ક્યાં સુધી પાછળ રહીશું?"

લીલાબહેન ભંગાર વીણીને તેને વેચીને પોતાનું ગજરાન ચલાવે છે.

તેમના પતિને હાઈ ડાયાબિટીસ હોવાને કારણે તેઓ કામ નથી કરી શકતા, જ્યારે તેમનો પુત્ર તેમને તેમના કામમાં મદદ કરે છે. એટલે કે તેમના પર પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી છે.

તેઓ કહે છે કે, "અમારા ગામમાં તમામ પ્રકારની આભડછેટ થાય છે. વાણંદ વાળ નથી કાપતા. અમારા માટે મંદિરપ્રવેશ બંધ છે."

"અમે નવરાત્રી જેવા તહેવારોમાં ન જઈ શકીએ, અમે આ બધું જ ચલાવતા હતા પરંતુ જ્યારે બાળકો સાથે આ ભેદભાવની ખબર પડી તો અમે નક્કી કર્યું કે હવે તો કાયદાનો સહારો લેવો જ પડશે."

જોકે તેમણે તેમની ફરિયાદમાં માત્ર આચાર્યના નામનો ઉલ્લેખ કર્યો છે અને બીજા કોઈ શિક્ષક કે અન્ય કર્મચારીના નામનો ઉલ્લેખ નથી.

આ મામલે બીબીસી ગુજરાતીએ શાળાના આચાર્ય રમેશ ઠક્કર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તેમણે ફોન પર વાત નહોતી કરી.

તેમણે આ આરોપો સંદર્ભે એક ટેક્સ્ટ મૅસેજ કરીને સ્પષ્ટતા કરી હતી કે શાળામાંથી તેઓ જતા રહે તે માટે તેમની સામે આ ખોટી ફરિયાદ કરવામાં આવી છે અને ફરીયાદી ખોટું બોલી રહ્યાં છે.

આ અંગે બનાસકાંઠાના ડીવાયએસપી અને આ કેસના તપાસ અધિકારી દિવ્યાઓરાકાશ ગોહિલ સાથે પણ બીબીસી ગુજરાતીએ વાત કરી.

બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "આ કેસનાં તમામ પાસાઓ વિશે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. અમે હાલમાં ગામના દલિત પરિવારના બીજા લોકો, અને બીજા સાહેબો સાથે વાત કરી તેમનાં નિવેદન રેકૉર્ડ કરી રહ્યા છીએ. જોકે ફરીયાદને આધારે પોલીસે આચાર્ય રમેશ ઠક્કરની ધરપકડ કરી હતી અને તેમને શરત સાથે જામીન પર મુક્ત કર્યા છે."

line

'દલિત બાળકો સાથે ભેદભાવ'

વીડિયો કૅપ્શન, બનાસકાંઠા : વાલ્મિકી બાળકોને શાળામાં જુદા બેસાડ્યાં, પરિવારે કરી પોલીસ ફરિયાદ gujarat

બીબીસી ગુજરાતીએ દલિત અત્યાચારો અને તેમાં પણ શાળામાં જતાં બાળકો સાથે બનનારી ભેદભાવ સંદર્ભે દલિત કર્મશીલ માર્ટિન મૅકવાન સાથે વાત કરી.

તેમણે કહ્યું કે, "2010માં ગુજરાત રાજ્યમાં અમુક ગામોમાં કરેલા એક સરવે પ્રમાણે લગભગ 54 ટકા શાળાઓમાં મધ્યાહન ભોજન વખતે વખતે દલિત સમુદાયનાં બાળકોને અલગ બેસાડવામાં આવતાં હતાં."

"આજે તે આંકડો કદાચ ઘટ્યો હોય કે એટલો જ રહ્યો હોય, પરંતુ હકીકત એ છે કે હજી સુધી આ પ્રકારની ઘટનાઓ ઘટતી રહી છે. હજુ ઘટે છે."

તેઓ કહે છે, "ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે પણ આવું જ થતું હતું અને ગુજરાતમાં દલિત બાળકો સાથે પણ હજી સુધી આવું થઈ રહ્યું છે એટલે દલિતો માટે પરિસ્થિતિ કેટલી બદલાઈ છે, તે એક મોટો પ્રશ્ન છે."

ભારત સરકારે સંસદમાં રજૂ કરેલા આંકડા પ્રમાણે વર્ષ 2018થી 2020 દરમિયાન દલિતો પર અત્યાચારોના 1,39,000 જેટલા કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશ રાજ્યમાં ફરિયાદો નોંધાઈ હતી.

જો ગુજરાતની વાત કરવામાં આવે તો નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે વર્ષ 2017માં 1477 કેસ, 2018માં 1426 અને 2019માં આ આંકડો 1416નો હતો.

જોકે મોટા ભાગના દલિત કર્મશીલો માને છે કે 'હકીકતમાં આંકડો ખરેખર ખૂબ વધારે છે પરંતુ તેમાંથી જૂજ જ પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે છે.'

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન