'વરઘોડો કેમ કાઢો છો કહીને સવર્ણોએ મારી પત્નીને ઈંટ મારી', પાટણમાં દલિતની જાન પર પથ્થરમારો
- લેેખક, આનંદ જયસ્વાલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ઉત્તર ગુજરાતમાં ફરી એક વાર દલિતના વરઘોડા પર પથ્થરમારાની ઘટના ઘટી છે. પાટણના ભાટસણ ગામે દલિત યુવકના વરઘોડા પર ગામના કેટલાક લોકોએ હુમલો કર્યો હતો.
આ વરઘોડા પર પથ્થરમારામાં છથી સાત લોકોને ઈજા થઈ હોવાના અહેવાલો છે.

બનાવને પગલે પાટણ જિલ્લા પોલીસનો વધુ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
વરરાજાના પિતાનું કહેવું છે કે વરઘોડા અંગે અગાઉની ગામલોકોને જાણ કરી હતી, છતાં હુમલો કરવામાં આવ્યો હતો.
પોલીસ કહે છે કે ગામમાં છેલ્લાં 10 વર્ષથી એવું નક્કી થયેલું છે કે કોઈ સમાજે ગામમાં વરઘોડો કાઢવો નહીં.

'જાનથી મારી નાખવાની ધમકી આપી'

વરરાજાના પિતા રામજી પરમાર કહે છે, "4-5 દિવસ પહેલાં ગામલોકોને જાણ કરી હતી. છતાં 'તમે કેમ વરઘોડો કાઢો છો' એમ કહીને ગામના સવર્ણ વર્ગના લોકોએ મારાં પત્નીને ઈંટ મારી હતી."
"મારાં બહેન અને બાળકોને પથ્થરો માર્યા હતા. સાથે તેમણે અમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ સુરક્ષા હોવા છતાં આ ઘટના બની હતી. પોલીસના વાહનના પણ કાચ ફોડી નાખવામાં આવ્યા હતા."
રામજી પરમાર દાવો કરે છે, "મારા પાંચ લાખ રૂપિયાનું પર્સ અને દાગીના પણ ઉઠાવી ગયા છે. વીડિયોગ્રાફરના કૅમેરાને પણ પથ્થર મારવામાં આવ્યા હતા. અમારા ગામના ઢોલીને પણ મારા દીકરાનાં લગ્નમાં ઢોલ નહીં વગાડવાની ધમકી આપવામાં આવી છે, જેને પગલે ઢોલી આવી શક્યા નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો વરરાજા વિજય પરમાર કહે છે, "મારાં લગ્ન ધામધૂમથી કરવાના હતા એટલે ગામના આગેવાનો સાથે મસલત કરીને વરઘોડો કાઢવાનું નક્કી થયું હતું. પરંતુ 9 વાગ્યે વરઘોડો નીકળ્યો ત્યારે 300-400 જણાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. 5-6 જણાને પથ્થર વાગ્યા છે. મને પણ એક પથ્થર વાગ્યો હતો."
ઘટનાનું કારણ જણાવતા તેમણે કહ્યું, "આ ઘટના જાતિગત ભેદભાવના કારણે બની હતી. તેઓને એવું છે કે અમે ઠાકોર છીએ અને તમે દલિત છો એટલે તમે વરઘોડો ન કાઢી શકો. પોલીસ સુરક્ષા હોવા છતાં આ ઘટના બની છે."

તણાવને લીધે ગામમાં પોલીસ બંદોબસ્ત

વરરાજાનાં ભાભી રેખા પરમાર કહે છે, "માતાજીનાં દર્શન કરીને અમે જઈ રહ્યા હતા. ડીજે પર અમે મહિલાઓ ગરબા ગાઈ રહી હતી ત્યારે અમારી પર પથ્થરમારો થયો હતો. પુરુષવર્ગ પાછળ હતો. મને કપાળમાં પથ્થર વાગ્યો. મારાં એક નણંદને પગમાં અને બીજા નણંદને કમરમાં પથ્થર વાગ્યા છે."
પોલીસના જણાવ્યા અનુસાર, હાલ ગામમાં શાંતિ છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
ડીવાયએસપી એસ.એસ. ગઢવીએ કહ્યું હતું કે દલિત રામજીભાઈના દીકરાનાં લગ્ન હતાં અને તેઓ વરઘોડો કાઢવાના હતા. આ ગામમાં છેલ્લાં દસ વર્ષથી મૌખિક રીતે નક્કી થયેલું છે કે કોઈ પણ સમાજે વરઘોડો કાઢવો નહીં. એટલે એ બાબતે આખા ગામના લોકોએ સમજાવ્યા હતા, પણ આ લોકો માન્યા નહોતા.
જ્યારે વરઘોડો કાઢ્યો અને પૂરો થવા આવ્યો ત્યારે ગામના કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કર્યો હતો. પછી તાત્કાલિક પોલીસ પહોંચી હતી અને શાંતિપૂર્ણ વરઘોડો કાઢ્યો હતો.

પોલીસ મુજબ, છ લોકોની અટકાયત કરીને તેમને પોલીસ સ્ટેશન લવાયા છે અને પૂછપરછ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દલિતોના વરઘોડા પણ પથ્થરમારો અને હુમલાની ઘટના અગાઉ પણ પ્રકાશમાં આવી ચૂકી છે. આ હુમલા પાછળ દલિત સમાજ અન્ય સમાજની જાતિગત માનસિકતાને જવાબદાર ગણે છે.
અગાઉ બનાસકાંઠાના પાલનપુરના મોટા ગામમાં પણ દલિતો પર હુમલાની બની હતી. જેમાં ગામના સરપંચ સહિત સવર્ણ સમાજના કેટલાક લોકોએ દલિત વરરાજાની જાન પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાઈ પણ હતી.
ઉપરાંત અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસરમાં પણ દલિત પરિવારના વરઘોડાને અટકાવવાના પ્રયત્નો થયાનો બનાવ નોંધાયો હતો.
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આવેલા ભજપુરા ગામે દલિત પરિવારે પોલીસની સુરક્ષા માગી અને પછી લગ્નનો વરઘોડો કાઢ્યો હતો.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












