હૈદરાબાદમાં હિંદુ-મુસ્લિમ લગ્ન, દલિત યુવકની સરાજાહેર હત્યા
- લેેખક, સુરેખા અબ્બુરી
- પદ, બીબીસી સંવાદદાતા
"હું મારા ભાઈ સામે ધ્રુસકે ને ધ્રુસકે રડતી રહી, પરંતુ મારા ભાઈ ધાતુના સળિયા અને અન્ય એક વ્યક્તિ ચપ્પુ વડે મારા પતિ નાગરાજુ પર સતત પ્રહાર કરતા રહ્યા." પોતાની સામે જ પોતાના પતિની હત્યા અંગે લગભગ બેભાન અવસ્થામાં રડતાં આસરીન કંઈક આવી રીતે પોતાની વ્યથા જણાવે છે.

ઇમેજ સ્રોત, UGC
હૈદરાબાદમાં બુધવારે રાત્રે લગભગ નવ વાગ્યાની આસપાસ સરૂરનગર મ્યુનિસિપલ ઑફિસથી થોડાક અંતરે પંજા અનિલકુમાર ગાયત્રી કૉલોનીની ભીડભરેલી સડક પર થયેલી નિર્મમ હત્યાએ તમામને ચોંકાવી દીધા.
નાગરાજુ અને આસરીન એકબીજાને પ્રેમ કરતાં હતાં. આ પ્રેમ કૉલેજમાં પણ બરકરાર રહ્યો. પરંતુ થોડા સમય બાદ તેમના પ્રેમસંબંધ અંગે આસરીનના ભાઈને ખબર પડી ગઈ.
પોલીસે જણાવ્યું કે આસરીનના ભાઈ હૈદરાબાદના બાલાનગરમાં ફળની લારી ચલાવે છે.
આસરીનના પિતાનું ઘણાં વર્ષ પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું અને તેઓ માતા અને પોતાના ભાઈ સાથે રહેતાં હતાં. નાગરાજુ કહેવાતી પછાત જ્ઞાતિ સાથે સંબંધ ધરાવે છે. તેમનાં માતાપિતા વિકારાબાદમાં કૂલી તરીકે કામ કરે છે. તેમનાં એક બહેન પણ છે. આસરિનના મોટા ભાઈ સૈય્યદ મોબીને તેમને આ સંબંધ ખતમ કરવાની ધમકી આપી. જે બાદ નાગરાજુ હૈદરાબાદના મારુતી શોરૂમમાં કામે લાગી ગયા. આ વર્ષે જાન્યુઆરી માસમાં નાગરાજુ ફરી એક વાર આસરિનને મળ્યા અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.

મૃત્યુના ડરથી હૈદરાબાદથી વિશાખાપટ્ટનમ આવ્યાં, પરંતુ...

આસરિનને પોતાના ભાઈ આ લગ્ન વિશે નહીં માને એ વાતની ખબર હોઈ ઘર છોડી દેવાનો નિર્ણય કર્યો. આસરિને પોતાનો મોબાઇલ પણ ઘરે જ છોડી દીધો જેથી ઘરના લોકોને તેમની કોઈ માહિતી ન મળે.
બંનેએ હૈદરાબાદના જૂના શહેરમાં આર્યસમાજમંદિરમાં 31 જાન્યુઆરીના રોજ લગ્ન કરી લીધાં. આસરીનના ભાઈ મોબીને બાલાનગર પોલીસ સ્ટેશનમાં આસરીનના ગુમ થવાની ફરિયાદ લખાવી. જ્યારે પોલીસે બંનેને બોલાવ્યાં અને જાણ્યું કે બંને પુખ્ત વયનાં છે, ત્યારે બંનેના પરિવારજનોને બોલાવીને સમજાવ્યા.
નાગરાજુનાં માતાનું કહેવું છે કે, "અમે પણ પોલીસ સ્ટેશન ગયાં અને ત્યાં છોકરીનાં માતા અને તેમના ભાઈ પણ આવ્યાં હતાં. મેં પણ તેમનાં માતાને કહ્યું કે ચિંતા ન કરશો, મારી પણ એક દીકરી છે, હું તમારી દીકરીને મારી દીકરીની જેમ રાખીશ.""અમારા પરિવાર અને તેમના પરિવારની સાથે નાગરાજુ-આસરીનના ફોટો પણ પાડવામાં આવ્યા હતા. તેમ છતાં આસરીન અવારનવાર કહેતાં રહ્યાં કે તેમના ભાઈ આ લગ્નને મંજૂર નહીં રાખે. આ બીકના કારણે હૈદરાબાદ છોડીને તેઓ વિશાખાપટ્ટનમ જતાં રહ્યાં. પાંચ દિવસ પહેલાં જ બંને પાછાં આવ્યાં. તેમણે વિચાર્યું કે હવે તો ગુસ્સો શાંત પડી ચૂક્યો હશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

નાગરાજુને મારવા માટે પહેલાં અન્ય જગ્યા નક્કી કરાઈ, પછી બદલી દેવાઈ

નાગરાજુના પિતા પ્રમાણે બંને નાગરાજુના સંબંધીના ઘરે જવા માટે રવાના થયાં હતાં. પરંતુ મોબીન અને તેમના એક સાથી અને સંબંધી મસૂદ અહમદ, જેઓ મિકૅનિક તરીકે કામ કરે છે, તેમનો પીછો કરી રહ્યા હતા.
પહેલાં મલકપેટ સડક પર જ નાગરાજુ પર હુમલો કરવાની યોજના હતી પરંતુ સડક પર ભારે ભીડ હોવાના કારણે આ યોજના બદલી દેવાઈ.
ઘટનાસ્થળે પહોંચ્યા બાદ નાગરાજુની ગાડી રોકીને તેમને નીચે પાડી દઈને તેમના પર પ્રહાર કરાયા.
આસરીન પ્રમાણે નાગરાજુએ હેલમેટ પહેરેલ હતો. પરંતુ મોબીને તેમને સળિયા વડે મારવાનું શરૂ કરી દીધું. બીજી તરફ તેમના સાથીદાર મસૂદે ચપ્પુ વડે નાગરાજુ પર હુમલો કર્યો. આસરીન સતત તેમને નાગરાજુને છોડી દેવા માટે આજીજી કરતાં રહ્યાં. પરંતુ બંને નાગરાજુ પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું. ઘટના બાદ નાગરાજુ લોહીમાં લથબથ સડક પડ્યા હતા.
પોલીસને જાણ કરાઈ પરંતુ તેઓ જ્યાં સુધી આવ્યા ત્યાં સુધી નાગરાજુનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. તે અંગેનો વીડિયો પણ વાઇરલ થયો.
પોલીસને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે ઉસ્માનિયા હૉસ્પિટલ મોકલ્યો. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને ત્યાં પહોંચેલાં માતાપિતાને કાબૂ કરવા એ તેમના પરિવારજનો માટે મુશ્કેલ થઈ પડ્યું.
પોતાના દીકરાના મૃતદેહને વિકારાબાદના પોતાના ગામ મરુપાલિકી લઈ જતાં પહેલાં નાગરાજુના પિતાએ કહ્યું :
"મારો દીકરો બારમા ધોરણ સુધી ભણ્યો છે. તે હૈદરાબાદમાં કામ કરી રહ્યો હતો. મારાં બે સંતાન છે, દીકરો-દીકરી, બે. આ લોકોએ મારા એકના એક દીકરાને મારી નાખ્યો. મને તેમના પ્રેમ વિશે કશી ખબર નહોતી. બંનેએ જાણ કર્યા વગર જ લગ્ન કરી લીધાં. લગ્ન પછી આસરીને જણાવ્યું કે તેમના ભાઈથી તેમના જીવને ખતરો છે. મારા સંબંધી સરૂરનગરમાં રહે છે. આસરીન અને નાગરાજૂએ પણ ત્યાં જ ઘર લીધું હતું. મારા દીકારના મૃત્યુનું કારણ બનનાર પર કડક કાર્યવાહી થવી જોઈએ."

ભાજપે કહ્યું ધર્મ જ હતું મૃત્યુનું કારણ, પોલીસે કયું કારણ જણાવ્યું?

ઇમેજ સ્રોત, UGC
એક તરફ ઘટનાસ્થળે જ વીએચપી અને ભાજપના કાર્યકરો ધરણાં પર બેઠા તો બીજી તરફ ઉસ્માનિયા હૉસ્પિટલની બહાર પણ જાતિ આધારિત સંગઠનો અને ભાજપના કાર્યકરોએ પ્રદર્શનો કર્યાં.
ભાજપના નેતા સંજયે આ ઘટનાને દુ:ખદ ગણાવતાં આની આકરી નિંદા કરી છે અને તેને ધર્મના આધારે થયેલી હિંસા ગણાવી છે.

ઇમેજ સ્રોત, UGC
તો સરૂરનગરના ડીએસપીએ જણાવ્યું છે કે આને ધર્મના આધારે થયેલી હત્યા તરીકે ના જોવામાં આવે. પીડિતાને સરકાર તરફથી જે પણ મદદ કરી શકાય એને અંગે મદદ કરવાની અને ફાસ્ટ ટ્રેક કોર્ટ થકી આ મામલે ન્યાય અપાવવાના પ્રયાસની પણ પોલીસે વાત કરી છે.
ડીએસપી સનપ્રીતસિંહે જણાવ્યું, "છોકરીની માનસિક સ્થિતિ બહુ જ નાજુક જણાઈ રહી છે અને આમાંથી બહાર આવવામાં તેને સમય લાગશે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












