પશ્ચિમ બંગાળમાં સુરતના ગ્રીષ્મા કેસ જેવો હત્યાકાંડ, 'બૉયફ્રેન્ડે' જાહેરમાં ચાકુ મારીને હત્યા કરી
- લેેખક, પ્રભાકરમણિ તિવારી
- પદ, કોલકાતાથી બીબીસી હિન્દી માટે
"મારી દીકરી સ્કૂલ ટીચર બનવા માગતી હતી. એટલે મેં તેને ભણવા માટે બહરમપુર મોકલી હતી. પરંતુ હવે બધું ખતમ થઈ ગયું. સુશાંત મારી દીકરીનો પીછો કરતો હતો. પણ તે આવું કરશે તેવી મેં કલ્પના પણ નહોતી કરી."
આ ચાર-પાંચ વાક્યો કહેતા સુતપાના પિતા સ્વાધીન ચૌધરીને ઘણી વાર ડૂમો ભરાઈ આવે છે. સ્વાધીન માલદાની એક શાળામાં શિક્ષક છે.

ઇમેજ સ્રોત, KAVITA MAHTO
સુતપા એ જ કૉલેજમાં ભણતાં હતાં, જ્યાં તેમના કથિત બૉયફ્રેન્ડ સુશાંત ચૌધરીએ પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદના જિલ્લા મુખ્યાલય બહરમપુરમાં જાહેરમાં છરી મારીને હત્યા કરી હતી.
પશ્મિમ બંગાળમાં ગુજરાતના સુરત ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઠંડા કલેજે હત્યાની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને કોર્ટે ફાંસીની સજા ફરમાવી છે.
સુતપા હત્યા કેસની ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ વિપક્ષે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે રાજ્ય સરકારને ભીંસમાં લઈને મુખ્ય મંત્રી મમતા બેનરજીના તાત્કાલિક રાજીનામાની માગ કરી છે.
આ ઘટનાએ ખાસ કરીને ઘરથી દૂર બહરમપુરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થિનીઓ અને વાલીઓમાં ગભરાટ ફેલાવ્યો છે.
આ હત્યાના લગભગ ત્રણ કલાકની અંદર જ માલદા જઈ રહેલા સુશાંતની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક કોર્ટે તેમને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે.

લગ્નનો દાવો

ઇમેજ સ્રોત, KAVITA MAHTO
દરમિયાન સુશાંતે પોલીસને ઘણી માહિતી આપી છે અને ગત વર્ષે ફેબ્રુઆરીમાં સુતપા સાથે લગ્ન કર્યાં હોવાનો પણ દાવો કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુશાંતના પિતા નિખિલ ચૌધરી સબ-ઇન્સ્પેક્ટર છે અને હાલમાં સિલિગુડીમાં ફરજ બજાવી રહ્યા છે. આ ઘટના બાદ અત્યાર સુધી પરિવારના સભ્યો સુશાંતને મળવા ગયા નથી.
પિતા નિખિલ ચૌધરી કહે છે, "હું પુત્રનાં કરતૂતો વિશે કોઈની સાથે વાત કરવાની સ્થિતિમાં નથી. મને ખબર નથી પડતી કે શું કરું?"
સુશાંત ત્રણ ભાઈઓમાં વચેટ છે. તેમના મોટા ભાઈ શુભોજિત કહે છે, "બંને લગભગ બે વર્ષથી પ્રેમમાં હતાં, પરંતુ થોડા દિવસથી સુતપાનું સુશાંત પ્રત્યેનું વલણ ઘણું બદલાઈ ગયું હતું. આ કારણે સુશાંત માનસિક રીતે ભાંગી પડ્યો હતો."
આ ઘટનાથી સુશાંતનાં માતા માનસિક રીતે ભાંગી પડ્યાં છે. આ ઘટના પછીથી તેમના ઘરમાં ચૂલો સળગ્યો નથી. પડોશીઓ અને સંબંધીઓ ખાવા-પીવાની વ્યવસ્થા કરી રહ્યા છે.
સુશાંતનાં કાકી પુતુલ ચૌધરી કહે છે, "બંને બે વર્ષથી પ્રેમમાં હતાં. પરંતુ સુતપાના પરિવારના સભ્યો આ સંબંધથી નારાજ હતા અને તેમના લગ્નના વિરોધમાં હતા. કેટલાક સ્થાનિક છોકરાઓ દ્વારા માર મરાવવામાં આવ્યો હતો અને લેપટૉપ પણ છીનવી લીધું હતું."
માલદાની ગૌડ કૉલેજમાં ભણતા સુશાંત તેમનાં કાકી શાંતિ રાની ચૌધરીના ઘરે રહેતા હતા. માસીના પરિવારને સુતપાના ઘરે આવવા-જવાનું થતું હતું અને ત્યાં બંનેના મનમાં પ્રેમ પાંગર્યો હતો.
શાંતિ રાની કહે છે, "બંને એકબીજાના પ્રેમમાં હતાં. પણ પછી ખબર નહીં એવું શું થયું કે સુતપાએ સુશાંતથી અંતર જાળવવાનું શરૂ કર્યું."

સુશાંતે ગુનો કબૂલી લીધો

ઇમેજ સ્રોત, KAVITA MAHTO
શાંતિ રાની કહે છે કે થોડા દિવસથી સુશાંતનું વલણ બદલાઈ ગયું હતું અને તે આ બાબતે ગુસ્સે ભરાયો હતો. તે ઘણા દિવસો સુધી ન્હાતો નહોતો અને પેટ ભરીને ખાતો પણ નહોતો. નજીવી બાબતે પણ તે અચાનક ઉશ્કેરાઈ જતો હતો.
સુશાંતે પૂછપરછ દરમિયાન પોલીસને ઘણી માહિતી આપી છે. બહરમપુરના એક પોલીસ અધિકારીનું કહેવું છે કે સુશાંતે પ્રેમ અને હત્યાની કબૂલાત કરી લીધી છે.
હત્યાના ત્રણ દિવસ પહેલાં સુશાંત માલદાથી બહરમપુર આવ્યા હતા અને સુતપાની ગતિવિધિઓ પર ગુપ્ત રીતે નજર રાખતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, સુશાંતે જણાવ્યું છે કે તેમણે ગત ફેબ્રુઆરીમાં સુતપા સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ ચાર મહિના પછી તેમના સંબંધોમાં તિરાડ પડી હતી. આ પછી તેણે માનસિક હતાશાની દવા પણ શરૂ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, સુશાંતને શંકા હતી કે સુતપા હવે કોઈ બીજાના પ્રેમમાં છે. તેથી સુશાંતે તેની હત્યા કરવાનું નક્કી કર્યું. પોલીસના જણાવ્યા અનુસાર, સુતપા જ્યાં રહેતાં હતાં તે પીજીના દરવાજે જ સુતપાની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી.
મુર્શિદાબાદના પોલીસ અધીક્ષક કે. સબરી રાજકુમારનું કહેવું છે કે હાલમાં સુશાંતની પૂછપરછ ચાલી રહી છે અને તેની પાસેથી મળેલી માહિતીની પુષ્ટિ કરવામાં આવી રહી છે. પોલીસ પ્રેમ અને માનસિક હતાશા સહિતના તમામ પાસાંઓની તપાસ કરી રહી છે.
પોલીસ સુશાંતની ફેસબુક પોસ્ટની પણ તપાસ કરી રહી છે. બીજી તરફ વિપક્ષે આ ઘટનાના બહાને કાયદો અને વ્યવસ્થાના મુદ્દે સરકારને ભીંસમાં લીધી છે. પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ અધીર ચૌધરીએ આ ઘટનાના વિરોધમાં મીણબત્તી રેલીનું આયોજન કર્યું હતું.
અધીર કહે છે, "બહરમપુર મહિલાઓ માટે ખૂબ જ સુરક્ષિત સ્થળ હતું. પરંતુ હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી બગડી ગઈ છે. દોષિતોને ઉદાહરણ બેસાડે એવી સજા મળવી જોઈએ."
ભાજપ નેતા શુભેંદુ અધિકારી કહે છે, "આ ઘટનાથી મહિલાઓમાં અસુરક્ષાની લાગણી વધી છે. આ ઘટના કાયદો અને વ્યવસ્થાની બેહાલ સ્થિતિનો પુરાવો છે. મમતાએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ."

લોકોના હૃદયમાં ડર

ઇમેજ સ્રોત, KAVITA MAHTO
આ ઘટના બાદ વિસ્તારના વાલીઓ પોતાનાં બાળકોને લઈને ચિંતિત છે. શહેરના અનેક વિસ્તારોમાં વિદ્યાર્થીઓને રહેવા માટે મેસ (પીજી) બનાવવામાં આવ્યા છે.
આ ઘટનાએ પીજીમાં સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ સર્જ્યો છે. પહેલા તેમની ક્યાંય નોંધણી થતી ન હતી. પરંતુ આ ઘટના બાદ વહીવટીતંત્રે પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ અને તેમના પિતાના આધાર કાર્ડ, સરનામું અને ટેલિફોન નંબર સ્થાનિક પોલીસ સ્ટેશન અને પાલિકાને પૂરા પાડવાનું ફરજિયાત બનાવ્યું છે.
હવે દરેક પીજી માલિકે નિયમિતપણે અપડેટ કરવું પડશે કે કોણ ક્યારે રહેવા આવ્યું અને ક્યારે ગયું.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












