'રશિયન સૈનિકોએ મારા પર બળાત્કાર કર્યો અને મારા પતિની હત્યા કરી', યુક્રેનિયન મહિલાઓની આપવીતી
- લેેખક, યોગિતા લિમયે
- પદ, બીબીસી ન્યૂઝ, કિવ, યુક્રેન
યુક્રેનના પાટનગર કિએવ આજુબાજુના વિસ્તારોમાંથી રશિયન સૈનિકો પાછા ચાલ્યા ગયા છે, પરંતુ તેમણે જનજીવનને વ્યાપકપણે વેરવિખેર કરી નાખ્યું છે અને સ્થાનિક લોકો આક્રમણના આઘાતમાંથી ભાગ્યે જ બહાર આવી શકે તેવી પરિસ્થિતિ છે.
આક્રમણકારી સૈનિકો દ્વારા યુક્રેનની મહિલાઓ પર કરવામાં આવેલા બળાત્કારની કથાઓ બીબીસીએ પીડિતાઓ પાસેથી જ સાંભળી છે અને આવી ઘટનાઓના પુરાવા મેળવ્યા છે.
ચેતવણી : રિપોર્ટમાં જાતીય હિંસા વિશે વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે

કિએવથી પશ્ચિમ દિશામાં 70 કિલોમિટર દૂર આવેલા શાંત ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં 50 વર્ષનાં ઍન્ના સાથે અમે વાત કરી હતી. તેમની ઓળખ ગુપ્ત રાખવા માટે અમે તેમનું નામ બદલ્યું છે.
અન્નાએ અમને જણાવ્યું હતું કે, ''સાતમી માર્ચે તેઓ તેમના પતિ સાથે ઘરમાં હતાં ત્યારે એક વિદેશી સૈનિક ઘરમાં ઘૂસ્યો હતો.''
ઍન્નાએ કહ્યું હતું કે "એ સૈનિક બંદૂકની ધાક દાખવીને મને બાજુના મકાનમાં લઈ ગયો હતો. તેણે મને વસ્ત્રવિહીન થવાનો આદેશ આપ્યો હતો. તે મને સતત ધમકી આપતો હતો કે હું તેનું કહ્યું નહીં કરું તો તે મારી હત્યા કરશે. એ પછી તેણે મારા પર બળાત્કાર શરૂ કર્યો હતો."
હુમલાખોર રશિયા સાથે જોડાયેલો એકવડા બાંધાનો યુવાન ચેચેન લડવૈયો હોવાનું ઍન્નાએ જણાવ્યું હતું.
ઍન્નાએ કહ્યું હતું કે "તે મારા પર બળાત્કાર કરતો હતો એ વખતે ચાર વધુ સૈનિકો એ ઘરમાં પ્રવેશ્યા હતા. મને થયું કે મારી પીડાનો અંત આવ્યો છે, પરંતુ એ સૈનિકો મારા પર બળાત્કાર કરી ચૂકેલા સૈનિકને લઈ ગયા હતા. પછી એ મને ક્યારેય જોવા મળ્યો નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍન્ના માને છે કે તેમને રશિયન સૈનિકોના એક અલગ યુનિટે બચાવી લીધાં હતાં.
ઍન્ના તેમના ઘરે પાછા ફર્યાં ત્યારે તેમના પતિનો ઘાયલ દેહ જોવા મળ્યો હતો. ઍન્નાના પતિના પેટમાં ગોળી મારવામાં આવી હતી.
ઍન્નાએ કહ્યું હતું કે "મારા પતિ મને બચાવવા માટે મારી પાછળ દોડ્યા હતા, પરંતુ તેમના પર સંખ્યાબંધ ગોળીઓ છોડવામાં આવી હતી."

એક મહિલાની હત્યા અને બળાત્કાર

અન્ના અને તેમના પતિએ પાડોશીના ઘરમાં શરણ લીધું હતું. લડાઈ સતત ચાલી રહી હોવાને કારણે અન્ના તેમના પતિને હૉસ્પિટલે લઈ જઈ શક્યાં ન હતાં. ઍન્નાના પતિનું ઈજાને કારણે બે દિવસ પછી મૃત્યુ થયું હતું.
પોતાની વીતક કથા કહેતી વખતે ઍન્ના સતત રડતા રહ્યાં હતાં. ઍન્નાએ પાડોશી સાથે મળીને તેમના પતિને પોતાના ઘરની પાછળના ભાગમાં દફનાવ્યા હતા.
એ જગ્યા ઍન્નાએ અમને દેખાડી હતી. કબરની આગળના ભાગમાં લાકડાનો એક ઊંચો ક્રૉસ જમીનમાં ખોડાયેલો હતો. પોતે સ્થાનિક હૉસ્પિટલ સાથે સંપર્કમાં હોવાનું અને મનોવૈજ્ઞાનિક સધિયારો મેળવી રહ્યાં હોવાનું પણ ઍન્નાએ અમને જણાવ્યું હતું.
જે સૈનિકોએ ઍન્નાને બચાવ્યાં હતાં, તેઓ ઍન્નાના ઘરમાં થોડા દિવસ રહ્યા હતા. એ સૈનિકોએ ઍન્નાને બંદૂકની ધાક દેખાડીને ધમકી આપી હતી અને તેમના પતિનો બધો સામાન આપી દેવા જણાવ્યું હતું.
ઍન્નાએ કહ્યું હતું કે, "સૈનિકો મારા ઘરમાંથી ગયા પછી મને માદક દ્રવ્યો તથા વાયગ્રાનો જથ્થો મળી આવ્યો હતો. એ સૈનિકો સતત માદક દ્રવ્યોના અને દારૂના નશામાં ચકચૂર રહેતા હતા. એ પૈકીના મોટા ભાગના હત્યારા, બળાત્કારીઓ અને લૂંટારૂઓ હતા. જૂજ સૈનિકો જ ઠીકઠાક હતા."
ઍન્નાના ઘરેથી આગળ વધ્યા પછી અમને વધુ એક શરમજનક વીતક કથા સાંભળવા મળી હતી.
એક અન્ય મહિલા પર પણ કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેમની હત્યા કરવામાં આવી હતી. પાડોશીઓના જણાવ્યા મુજબ, ઍન્ના પર બળાત્કાર કરી ચૂકેલા માણસે જ આ કામ, તે ઍન્નાના ઘરે ગયો એ પહેલાં કર્યું હતું.
પાડોશીઓના જણાવ્યા મુજબ, "40 વર્ષની આસપાસની વયનાં આ મહિલાને તેમના ઘરમાંથી લઈ જવામાં આવ્યાં હતાં અને નજીકમાં આવેલા એક ઘરના બૅડરૂમમાં ગોંધી રાખવામાં આવ્યાં હતાં. બાજુના ઘરના માલિકનો પરિવાર યુદ્ધ શરૂ થયું એ પહેલાં જ તેમનું ઘર છોડીને ચાલ્યો ગયો હતો. ઑર્નેટ વૉલપેપર અને ગોલ્ડન હૅડબોર્ડવાળા પલંગ સાથેનો એ સુશોભિત બૅડરૂમ હવે ઘૃણાસ્પદ ગુનાનું સ્થળ બની ગયો છે. ગાદલા તથા રજાઈ પર લોહીના મોટા ડાઘ જોવા મળે છે."
બૅડરૂમના ખૂણામાં એક મોટો અરીસો છે. તેના પર લિપસ્ટિક વડે લખવામાં આવ્યું છે કે "અજાણ્યા લોકોએ યાતના આપી, રશિયન સૈનિકોએ મૃતકને દફનાવ્યાં."
આ નોંધ ત્યાં આવેલા રશિયન સૈનિકોએ લખી હોવાનું અને તેમણે મૃત મહિલાને દફનાવી હોવાનું ઓક્સાના નામનાં એક પાડોશીએ અમને જણાવ્યું હતું.

અનેક મહિલાઓ બની રહી છે ભોગ

ઓક્સાનાએ કહ્યું હતું કે "પીડિત મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું અથવા તો તેને છરી મારવામાં હતી, જેને કારણે એ પીડિતા મૃત્યુ પામ્યાં હતાં, એવું રશિયન સૈનિકોએ અમને જણાવ્યું હતું. ઘટનાસ્થળે લોહીના ખાબોચિયાં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું."
એ મહિલાને તેના ઘરના બગીચામાં કબર બનાવીને દફનાવવામાં આવ્યાં હતાં.
અમે ઘટનાસ્થળની મુલાકાત લીધી એ પછીના દિવસે પોલીસે આ કિસ્સાની તપાસ માટે મહિલાનો મૃતદેહ કબર ખોદીને બહાર કાઢ્યો હતો. મહિલાનો દેહ સંપૂર્ણપણે અનાવૃત્ત હતો અને તેની ગરદન પર ધારદાર શસ્ત્રના લાંબા અને ઊંડા ઘા જોવા મળ્યા હતા.
કિએવ પ્રદેશના પોલીસ વડા અન્દ્રી નેબીટોવે અમને આવા વધુ એક કિસ્સાની માહિતી આપી હતી. કિએવની પશ્ચિમે 50 કિલોમિટર દૂર આવેલા એક ગામમાં બનેલી એ ઘટનાની તપાસ પોલીસ કરી રહી છે.
આયુષ્યની ત્રીસીના દાયકામાંનું એક દંપતી તેમના સંતાન સાથે ગામને છેડે આવેલા એક મકાનમાં રહેતું હતું.
નેબીટોવે કહ્યું હતું કે, "રશિયન સૈન્યના અનેક સૈનિકો નવમી માર્ચે એ ઘરમાં પ્રવેશ્યા હતા. પતિએ પત્ની તથા બાળકના રક્ષણના પ્રયાસ કર્યા હતા. તેથી સૈનિકોએ તેને ઘરના વરંડામાં લઈ જઈને ઠાર કર્યો હતો."
"એ પછી તેમનાં પત્ની પર સૈનિકોએ વારાફરતી બળાત્કાર કર્યો હતો. સૈનિકો ત્યાંથી રવાના થયા હતા અને ત્રણ બાદમાં પાછા ફર્યા હતા. એ પીડિતા પર બળાત્કાર કરવા માટે તેઓ ત્રણ વખત પાછા આવ્યા હતા. તેમણે પીડિતાને ધમકી આપી હતી કે તે જરાય વિરોધ કરશે તો તેઓ તેના સંતાનને હાનિ પહોંચાડશે. પોતાના સંતાનની સલામતી માટે પીડિતાએ બળાત્કારનો વિરોધ કર્યો ન હતો," એવું પોલીસ વડાએ ઉમેર્યું હતું.
આખરે ત્યાંથી રવાના થતી વખતે સૈનિકોએ આખા ઘરના આગ ચાંપી હતી અને પરિવારના પાળેલા કૂતરાને ઠાર માર્યો હતો.

'મહિલાઓેને યુક્રેનિયન બાળકોને જન્મ આપતી અટકાવીશું'

પીડિત મહિલા તેના પુત્ર સાથે નાસી છૂટવામાં સફળ થયા હતા. તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
નેબીટોવના જણાવ્યા મુજબ, તેમની ટીમ પીડિતાને મળી હતી અને તેનું નિવેદન નોંધ્યું હતું.
પોલીસ ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરી રહી છે, પરંતુ હવે તો માત્ર ઘરનું માળખું બચ્યું છે. ભસ્મીભૂત કાટમાળમાં અગાઉના શાંત, સામાન્ય પારિવારિક જીવનના કેટલાક અંશ જોવા મળે છે.
અમને બાળકની નાનકડી સાયકલ, રમકડાનો ભૂસું ભરેલો ઘોડો, કૂતરાના ગળે બાંધવાનો પટ્ટો અને શિયાળામાં પહેરવાના ફરના બૂટની જોડી જોવા મળી હતી.
પીડિતાના પતિનો મૃતદેહ પાડોશીઓએ ઘરના બગીચામાં દફનાવ્યો હતો. પોલીસે તપાસ માટે તે મૃતદેહ કબર ખોદીને બહાર કઢાવ્યો છે. પોલીસ આ કેસને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જવા ઈચ્છે છે.
યુક્રેનના માનવાધિકાર માટેના લોકપાલ લ્યૂડમાઇલા ડેનિસોવા જણાવ્યું હતું કે તેઓ આવી અનેક ઘટનાઓનું દસ્તાવેજીકરણ કરી રહ્યાં છે.
તેમણે કહ્યું હતું કે, "બૂચામાંના એક ઘરના ભોંયરા પર કબજો જમાવીને 14થી 24 વર્ષની આશરે 25 છોકરીઓ તથા મહિલા પર આયોજનબદ્ધ રીતે બળાત્કાર કરવામાં આવ્યા હતા. એ પૈકીની નવ અત્યારે ગર્ભવતી છે."
"રશિયન સૈનિકોએ આ છોકરીઓ તથા મહિલાઓને કહ્યું હતું કે તેઓ તેમની પર એટલી હદે બળાત્કાર કરશે કે તેમને બીજા કોઈ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધવાની ઇચ્છા જ નહીં થાય, જે તેમને યુક્રેનિયન બાળકો પેદા કરતાં અટકાવશે."

સગીરા પર બળાત્કાર

લ્યૂડમાઇલા ડેનિસોવાના જણાવ્યા મુજબ, તેમને સપોર્ટ હૅલ્પલાઇન પર સંખ્યાબંધ લોકો ફોનકૉલ કરી રહ્યા છે અને તેઓ ટેલિગ્રામ મૅસેજિંગ ઍપ મારફત પણ માહિતી મેળવી રહ્યા છે.
લ્યૂડમાઇલા ડેનિસોવાએ કહ્યું હતું કે, "25 વર્ષની એક મહિલાએ અમને ફોન કરીને જણાવ્યું હતું કે તેમની 16 વર્ષની બહેન પર, તેમની નજર સામે શેરીમાં બળાત્કાર કરવામાં આવ્યો હતો. બળાત્કારીઓ ચીસો પાડતા હતા અને છોકરી પર બળાત્કાર કરતી વખતે કહેતા હતા કે દરેક નાઝી વેશ્યાની હાલત આવી જ થશે."
આક્રમણ દરમિયાન રશિયન સૈનિકો દ્વારા આચરવામાં આવેલા જાતીય ગુનાઓના પ્રમાણનું આકલન કરવું શક્ય છે કે કેમ, એવો સવાલ અમે કર્યો હતો.
તેના જવાબમાં લ્યૂડમાઇલા ડેનિસોવાએ કહ્યું હતું કે "આ ક્ષણે એ મુશ્કેલ છે, કારણ કે પોતાની સાથે શું-શું થયું હતું એ જણાવવા બધા રાજી નથી. અત્યાચારનો ભોગ બનેલા લોકો અત્યારે તો મનોવૈજ્ઞાનિક સહાય માટે જ ફોન કરી રહ્યા છે. તેથી તેઓ જુબાની ન આપે ત્યાં સુધી અમે તેની નોંધ ગુના તરીકે કરી શકીએ નહીં."
લ્યૂડમાઇલા ડેનિસોવાના જણાવ્યા મુજબ, "રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સામે બળાત્કાર સહિતના યુદ્ધગુનાઓના આક્ષેપો બાબતે કામ ચલાવવા સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક ખાસ ટ્રિબ્યૂનલની રચના કરવામાં આવે તેવું યુક્રેન ઇચ્છે છે."
બળાત્કારનો ભોગ બનેલાં અન્નાએ અમને કહ્યું હતું કે "હું પુતિનને પૂછવા માગું છું કે આ બધું શા માટે બની રહ્યું છે? મને સમજાતું નથી. આપણે પાષાણ યુગમાં જીવતા નથી ત્યારે વાટાઘાટ કેમ ન કરી શકીએ? આપણે શા માટે આક્રમણ અને હત્યાઓ કરી રહ્યા છીએ?"

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












