કાશ્મીરમાં મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રુબૈયા સઈદનું અપહરણ, જે બન્યું અલગાવની કહાણીનો ટર્નિંગ પૉઇન્ટ
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
વર્ષો સુધી કૉંગ્રેસના સભ્ય રહેલા મુફ્તી મોહમ્મદ સઈદે 1989ની લોકસભાની ચૂંટણીની તરત પહેલાં કૉંગ્રેસનો સાથ છોડીને જનતાદળનો હાથ પકડી લીધો. ચૂંટણી જીત્યા પછી વીપી સિંહે એમને ગૃહમંત્રી તરીકે નિયુક્ત કર્યા.

ઇમેજ સ્રોત, Getty Images
મુફ્તી ભારતના પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર મુસલમાન ગૃહમંત્રી રહ્યા છે. એમને ગૃહમંત્રી બનાવીને વીપી સિંહ કદાચ કાશ્મીરીઓને એક સકારાત્મક સંદેશ આપવા માગતા હતા પરંતુ મુફ્તી સઈદે શપથ લીધાના ચાર દિવસ પછી જ એવી ઘટના બની જેણે કાશ્મીરના ઇતિહાસમાં સંભવ છે કે સૌથી ભયાનક સમયગાળો શરૂ કર્યો.
આઠ ડિસેમ્બર, 1989એ ત્રણ વાગ્યાને 45 મિનિટે મુફ્તી મોહમ્મદ સઈદનાં વચલાં પુત્રી રુબૈયા સઈદ જેવાં લલદદ્દ હૉસ્પિટલમાંથી બહાર નીકળ્યાં. એમની મિની બસમાં પાંચ નવયુવક સવાર થયા.
ધીમે-ધીમે બસના મુસાફરો ઓછા થતા ગયા અને તે (બસ) શ્રીનગર બહારના વિસ્તાર નૌગામ તરફ આગળ વધતી હતી જ્યાં રુબૈયા સઈદનું ઘર હતું. અચાનક પાંચે નવયુવક ઊભા થયા અને એમણે ડ્રાઇવરને બસ નાતીપોરા લઈ જવા કહ્યું.
નાતીપોરામાં એક વાદળી મારુતિ કાર એમની રાહ જોતી હતી. રુબૈયાને જબરજસ્તી એ કારમાં બેસાડવામાં આવ્યાં અને એને સોપોરમાં રાજ્ય સરકારના જુનિયર એન્જિનિયર જાવેદ ઇકબાલ મીરના ઘરે લઈ જવાયાં.

પાંચ ચરમપંથીઓની મુક્તિની માગણી

ઇમેજ સ્રોત, Getty Images
જાણીતા પત્રકાર મનોજ જોશીએ પોતાના પુસ્તક 'ધ લૉસ્ટ રેબેલિયન, કશ્મીર ઇન ધ નાઇનટીઝ'માં લખ્યું છે, "રુબૈયાની સાથે JKLFના નેતા યાસીન મલિક, અશ્ફાક માજિદ વાની અને ગુલામ હસન પણ ગયા. કાર ચલાવનારા શખ્સ અલી મોહમ્મદ મીર પણ રાજ્ય સરકારની કંપની સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનમાં ટૅક્નિકલ ઑફિસર તરીકે કામ કરતો હતો."
"એ સાંજે JKLFના પ્રવક્તાએ દૈનિક અખબાર 'કશ્મીર ટાઇમ્સ'ને ફોન કરીને કહ્યું કે એમના મુજાહિદોએ ડૉક્ટર રુબૈયા સઈદનું અપહરણ કર્યું છે, કેમ કે, તેઓ પોતાના સાથી હામિદ શેખને જેલમાંથી મુક્ત કરાવવા માંગે છે. હામિદ શેખ ઉપરાંત એમણે પોતાના અન્ય ચાર સાથીઓ - શેર ખાં, જાવેદ અહમદ ઝરગર, નૂર મોહમ્મદ કલવલ અને મોહમ્મદ અલ્તાફ બટની મુક્તિની પણ માંગણી કરી."
એ વખતે મુખ્ય મંત્રી ફારૂક અબ્દુલ્લા દેશમાં નહોતા. તેઓ પોતાની સારવાર કરાવવા ઇંગ્લૅન્ડ ગયા હતા. કેટલાક લોકોનું કહેવું છે કે એ વખતે તેઓ હતાશ હતા પરંતુ એમના સમર્થકોની દલીલ હતી કે એમના ECGમાં કશીક ગરબડ જોવા મળ્યા બાદ તેઓ સારવાર કરાવવા ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મનોજ જોશીએ લખ્યું છે કે, "આ અપહરણથી લોકોને ખૂબ મોટો આઘાત લાગ્યો હતો. પરંતુ બીજી તરફ મુફ્તીના વિરોધીઓ એમની પરેશાનીથી ખુશ હતા. રાજ્યના પોલીસ વડાને કેન્દ્ર સરકાર તરફથી સૂચના અપાઈ હતી કે એવું કશું કાર્ય ન કરે જેનાથી ચરમપંથીઓને રુબૈયા સઈદને મારી નાખવાનું બહાનું મળી જાય."
વાસ્તવમાં, JKLF ઘણા દિવસથી આ પ્રકારના હાઈ-પ્રોફાઇલ અપહરણની યોજના ઘડી રહ્યું હતું.
ભારતીય જાસૂસી સંસ્થા રૉના ભૂતપૂર્વ પ્રમુખ એ.એસ. દુલતે પોતાના પુસ્તક 'કશ્મીર, ધ વાજપેયી યર્સ'માં લખ્યું છે, "JKLFએ સૌથી પહેલાં ફારૂક અબ્દુલ્લાનાં સૌથી મોટાં દીકરી સફિયા અબ્દુલ્લાનું અપહરણ કરવાની યોજના ઘડી હતી. પરંતુ એવું કરવું અઘરું હતું કેમ કે એમના ઘર ગુપકર રોડ પરની સુરક્ષાવ્યવસ્થા ખૂબ જ ચુસ્ત હતી અને બીજું એ કે એ દિવસોમાં સફિયા બહુ બહાર પણ નહોતાં નીકળતાં."
"આ યોજના છોડી દીધા પછી JKLFએ સીનિયર એસ.પી. અલ્લાહબખ્શની પુત્રીનું અપહરણ કરવાની યોજના ઘડી. અલ્લાહબખ્શ પર 1987ની ચૂંટણીમાં ગોલમાલ કરવાના આરોપ હતા. JKLFના એક નેતાએ વિચાર્યું કે રુબૈયા સઈદનું અપહરણ કેમ ના કરી લેવાય. રુબૈયા લલદદ્દ હૉસ્પિટલમાં ઇન્ટર્ન તરીકે કામ કરતાં હતાં. ત્યાં તેઓ દર બીજા દિવસે જતાં હતાં. તપાસ કરવામાં આવી કે તેઓ કેટલા વાગ્યે ત્યાં જાય છે અને કેટલા વાગ્યે ત્યાંથી પાછાં આવે છે. ત્યાર બાદ એમના અપહરણને અંતિમ રૂપ આપવામાં આવ્યું."

અપહરણકર્તાના પિતાનો સંપર્ક કરવામાં આવ્યો

ઇમેજ સ્રોત, PENGUIN BOOKS
સરકાર તરફથી ગુજરાત કેડરના આઇએએસ અધિકારી મૂસા રઝાએ ચરમપંથીઓ સાથે વાતચીત શરૂ કરી.
રઝા ત્યારે કાશ્મીરના મુખ્ય સચિવ હતા. પરદા પાછળ એમને સાથ આપી રહ્યા હતા શ્રીનગરમાં ફરજ પર હાજર ઇન્ટેલિજન્સ બ્યૂરોના વરિષ્ઠ અધિકારી એ.એસ. દુલત. કશ્મીર ટાઇમ્સના એક પત્રકાર ઝફર મેરાજે આ કાંડમાં સામેલ અશ્ફાક માજિદ વાનીના પિતા સાથે એમની મુલાકાત ગોઠવી આપી.
દુલતે લખ્યું છે, "અમે એક સરકારી ફ્લૅટમાં મળ્યા અને જમીન પર બેઠા. તેઓ ભારપૂર્વક વારંવાર કહી રહ્યા હતા કે કઈ રીતે દિલ્હીએ હમેશાં કાશ્મીરીઓ સાથે અન્યાય કર્યો છે. પછી તેઓ એમ કહેવા લાગ્યા કે અપહરણમાં સામેલ છોકરાઓ ખરાબ નથી.
"તેઓ એમના તરફથી એવું આશ્વાસન આપી શકે છે કે તેઓ કોઈને નુકસાન નહીં કરે અને રુબૈયા એમની બહેન જેવી છે. અશ્ફાકના પિતાએ અમને જણાવ્યું કે અપહરણનો મુખ્ય ઉદ્દેશ હામિદ શેખને મુક્ત કરાવવાનો છે."
દુલતે લખ્યું છે કે, "છેલ્લે એમણે ખૂબ નાટકીય અંદાજમાં મારો હાથ પકડીને કહ્યું, આ બાળકો સારાં બાળકો છે. જો દિલ્હી કશું નહીં કરે તો પણ રુબૈયાને કશું નુકસાન નહીં કરે અને એમને છોડી મૂકવામાં આવશે."
"એ વખતે અમને લાગ્યું કે રુબૈયાને મુક્ત કરાવવા માટે અમારે કોઈને છોડવા નહીં પડે અને જો છોડવા જ પડશે તો બહુ બહુ તો હામિદ શેખને મુક્ત કરવા માત્રથી કામ થઈ જશે."

ઇમેજ સ્રોત, Getty Images
એ દરમિયાન રુબૈયાને છોડાવવાના અભિયાનમાં બીજા કેટલાક લોકો પણ સામેલ થઈ ગયા. એમાં ઇલાહાબાદ હાઈ કોર્ટના જજ મોતીલાલ કૌલ, ધારાસભ્ય મીર મુસ્તફા અને MUFના સંસ્થાપક અને પછીથી હુર્રિયતના પ્રમુખ બનેલા મૌલવી અબ્બાસ અંસારીનો સમાવેશ થયો હતો.
દરમિયાનમાં, 11 ડિસેમ્બર, 1989ની સવારે ફારુક અબ્દુલ્લા લંડનથી શ્રીનગર પાછા આવી ગયા. આવતાંની સાથે જ એમણે મંત્રીમંડળની બેઠક બોલાવી.
એમના મંત્રીઓએ એમને ફરિયાદ કરી કે એમને કશી ખબર નથી કે અપહરણના મામલામાં શું થઈ રહ્યું છે. એક મંત્રીએ કહ્યું કે બધું જ ઇન્ટેલિજન્સ બ્યૂરો કચેરીએથી થઈ રહ્યું છે. મુખ્ય સચિવ અમને રિપોર્ટ નથી આપતા અને ઇન્ટેલિજન્સ બ્યૂરોની કચેરીમાં જ બેસી રહે છે.
દુલતે લખ્યું છે કે, "અબ્દુલ્લાએ તરત જ મૂસાને બોલાવીને કહ્યું કે તમે હવેથી ચરમપંથીઓ સાથે વાતચીત નહીં કરો. જ્યારે મૂસાએ એનું કારણ પૂછ્યું તો અબ્દુલ્લાએ જવાબ આપ્યો કે તમે તમારી વાતચીતનું વિવરણ મંત્રીમંડળ સમક્ષ કેમ નથી આપ્યું? મૂસાએ જવાબ આપ્યો કે મુખ્ય મંત્રીની ગેરહાજરીમાં કોઈ મંત્રીમંડળ હતું જ નહીં."
"એમને ખબર નહોતી કે કોને રિપોર્ટ આપવાનો છે. સાચી વાત એ હતી કે મૂસા એ વખતે દિલ્હીમાં કૅબિનેટ સચિવ ટી.એન. શેષનને રિપોર્ટ આપતા હતા."

ચરમપંથીઓ છોડવા માટે તૈયાર નહોતા અબ્દુલ્લા

ફારૂક અબ્દુલ્લાનું અનુમાન હતું કે જો રુબૈયા સઈદના બદલામાં એક પણ ચરમપંથીને છોડી મૂકવામાં આવશે તો એનાં પરિણામ કેવાં હશે, પરંતુ દિલ્હીથી ચરમપંથીઓ સાથે સમજૂતી કરવાનું ખૂબ વધારે દબાણ હતું.
11 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ફારૂક અબ્દુલ્લાએ એ બધું જ કર્યું જે કેન્દ્ર સરકાર ઇચ્છતી હતી, સિવાય કે એ પાંચ ચરમપંથીઓને છોડી મૂકવા. જ્યારે જજ મોતીલાલ કૌલ ફારૂક પાસે મુફ્તી મોહમ્મદ સઈદનો સંદેશો લઈ આવ્યા કે પાંચે પાંચ ચરમપંથીઓને છોડી દેવાના છે, ત્યારે એમની ધીરજ ખૂટી ગઈ.
નારાજ થયેલા ફારૂકે સવાલ કર્યો કે એક ચરમપંથીને છોડવાની માગણી વધીને પાંચ કઈ રીતે થઈ ગઈ? જો તેઓ મારી દીકરીનું પણ અપહરણ કરી લે તો પણ હું એમને નહીં છોડું.
દુલતે લખ્યું છે કે, "ફારૂકે મારી સામે જ મુફ્તીને ફોન જોડીને કહ્યું, જુઓ અમે અમારી પૂરી તાકાત કામે લગાડીએ છીએ. હું તમને આશ્વાસન આપું છું કે હું કશી ગરબડ નહીં થવા દઉં. મુફ્તી સાહેબ હું તમારી દીકરી માટે એ બધું જ કરી રહ્યો છું જે મેં મારી પોતાની દીકરી માટે કર્યું હોત."

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ 13 ડિસેમ્બરની સવારે વડા પ્રધાન વીપી સિંહે ફારૂકને ફોન કરીને પાંચ ચરમપંથીઓને છોડી મૂકવાની વિનંતી કરી. ફારૂક અબ્દુલ્લાએ ત્યારે પણ એવું કરવાની આનાકાની કરી. થોડા જ કલાકોમાં વીપી સિંહના મંત્રીમંડળમાંના મંત્રી ઇન્દ્રકુમાર ગુજરાલ અને આરિફ મોહમ્મદ ખાન ઇન્ટેલિજન્સ બ્યૂરોના પ્રમુખ એમ.કે. નારાયણનની સાથે શ્રીનગર પહોંચી ગયા.
દુલતે લખ્યું છે કે, "જ્યારે મેં ફારૂક અબ્દુલ્લાને જણાવ્યું કે હું એ લોકોને લેવા ઍરપૉર્ટ જાઉં છું ત્યારે એમણે મને કહ્યું કે હું એમને સીધા એમના નિવાસસ્થાને લઈ આવું. એ બેઠક બે કલાક સુધી ચાલી. એ દરમિયાન અમે લોકો ત્રણ કપ ચા પી ગયા. આખરે એ બે મંત્રીઓએ ફારૂક અબ્દુલ્લાને રૂમની બહાર લઈ જઈને કહ્યું કે એમણે શું કરવાનું છે."
"ફારૂક અબ્દુલ્લાનો જવાબ હતો, જો તમે એમને છોડી દેવા જ ઇચ્છો છો તો છોડી દો, પરંતુ હું મારો વિરોધ નોંધાવું છું. એમણે સ્પષ્ટ કહ્યું કે જો સરકાર ધીરજ રાખે તો રુબૈયાને કોઈ પણ પ્રકારની હાનિ વગર છોડાવી શકાય છે, એ પણ એક પણ ચરમપંથીને છોડ્યા વગર. પરંતુ જો સરકારે એમની વાત માની લીધી તો બંધ તૂટી જશે અને તો કાશ્મીરમાં ચરમપંથને વધતો કોઈ નહીં રોકી શકે."

ચરમપંથીઓએ ઉજવણી કરી

ઇમેજ સ્રોત, HARPER COLLINS
એ જ દિવસે બપોરે 3 વાગ્યે પાંચે ચરમપંથીઓને અવામી ઍક્શન કમિટીના મુખ્યાલય મીરવાઇઝ મંજિલની પાસે રાજૌરી કદલમાં મુક્ત કરી દેવાયા. ત્યાં એમના સ્વાગતમાં ઘણી મોટી ભીડ એકઠી થઈ ગઈ અને એમને સરઘસરૂપે શ્રીનગરના માર્ગો પર ફેરવ્યા.
થોડા કલાકો પછી સાંજે સાત વાગ્યે રુબૈયા સઈદને છોડી મૂકવામાં આવ્યાં. એની પહેલાં મુક્ત કરાયેલા બધા ચરમપંથી છૂપા સ્થળે જતા રહ્યા. મનોજ જોશીએ લખ્યું છે કે, "જ્યારે આ ચરમપંથીઓની જેલમુક્તિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર કેન્દ્રીય મંત્રી દિલ્હી જવા માટે હવાઈમથકે જતા હતા ત્યારે એમને રસ્તામાં ચરમપંથીઓને છોડી મુકાયાનો આનંદ માણતી ભીડ જોવા મળી."
"એ મંત્રીઓને વિમાનમથકે મૂકવા જનારા અધિકારીઓની કાર્સ જ્યારે પાછી જઈ રહી હતી ત્યારે ઉત્સાહિત ભીડે એમને રોકીને આંદોલનને માટે ફાળો પણ માગ્યો."
આ ઘટનાએ ચરમપંથીઓ માટે હિંસાના દરવાજા ખોલી આપ્યા અને અપહરણોની જાણે મોસમ બેઠી. રાજ્યની રાજધાની શ્રીનગરમાં ખૂબ જ ઓછા સરકારી કર્મચારીઓ રહ્યા હતા અને લગભગ બધા લોકોએ જમ્મુની દિશા પકડી.
ઘણા બધા કાશ્મીરીઓને લાગવા માંડ્યું કે તેઓ આઝાદી મેળવવાની નજીક છે. ઘણા લોકોએ પોતાની ઘડિયાળ પાછળ કરીને પાકિસ્તાનના સમય સાથે મેળવી લીધી.
6 એપ્રિલ, 1990એ કાશ્મીર વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ મુશીરુલ હક્ક અને એમના અંગત સચિવ અબ્દુલ ગની અને શ્રીનગરમાંની હિન્દુસ્તાન મશીન ટૂલ્સના જનરલ મૅનેજર એચ.એલ. ખેડાનાં અપહરણ કરી લેવાયાં. સરકારે એમના બદલામાં ચરમપંથીઓની જેલમુક્તિની માગણીને નકારી કાઢી, ત્યાર બાદ એ ત્રણેની હત્યા કરી દેવાઈ.
ઑગસ્ટ, 1991માં જ્યારે શ્રીનગરના પ્રવાસે આવેલા ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનના કાર્યકારી નિર્દેશક કે. દુરૈસ્વામીનું અપહરણ કરવામાં આવ્યું ત્યારે સરકારે એમને છોડાવવા માટે ફરી પાંચ ચરમપંથીને છોડી મૂક્યા.

ઇમેજ સ્રોત, Getty Images
પી.એલ.ડી. પારિમૂએ પોતાના પુસ્તક 'કશ્મીર ઍન્ડ શેર એ કશ્મીરઃ એ રિવોલ્યૂશન ડિરેલ્ડ'માં લખ્યું છે કે, "ભયનું વાતાવરણ સર્જવા અને વૈચારિક મતભેદોનું ગળું રૂંધવા માટે હિન્દુ, મુસ્લિમ અને શીખોના પ્રભાવશાળી સદસ્યોની વીણી વીણીને હત્યા કરવામાં આવી."
"1989 પછી ઘણા એવા લોકો જે ચરમપંથીઓના ઉદ્દેશો સાથે સંમત નહોતા અને સમસ્યાના શાંતિપૂર્ણ સમાધાન તરફ લોકોને વિચારતા કરી શકે એમ હતા, એમનાં નિશાન બનતા ગયા."
બે દાયકા સુધી છૂટીછવાયી હિંસક પ્રવૃત્તિઓમાં રત રહેલા JKLFને પહેલી વાર આભાસ થયો હતો કે તેઓ સરકારને ઘૂંટણિયે પાડી શકે છે.
આ રીતે રુબૈયા સઈદના અપહરણ અને પાંચ ચરમપંથીઓને છોડી મૂકવાની ઘટનાને કાશ્મીરના અલગાવવાદના ઇતિહાસમાં એક ટર્નિંગ પૉઇન્ટ તરીકે જોવામાં આવે છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












