Kashmir Files : કાશ્મીરી પંડિતો માટે કૉંગ્રેસ-ભાજપે અત્યાર સુધી શું કર્યું?

    • લેેખક, અભયકુમાર સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

કાશ્મીરી પંડિતોના દુ:ખની બે તસવીરો છે. એક તસવીરમાં એ લોકો છે જેઓ 1990 ના દાયકામાં પોતાની જમીન છોડી જવા મજબૂર થયા. બીજા એ લોકો જે ખીણ છોડીને ન ગયા, અનિશ્ચિતતાના પડછાયા સાથે વર્ષોથી ઘાટીમાં જ રહેતા આવ્યા છે.

આમ તો આ લોકોનાં અલગ-અલગ અનુભવ અને વાર્તાઓ છે પંરતુ એક વાત તેઓ હંમેશાં કહે છે કે સરકારો અમારા દુ:ખને ક્યારેય સમજી જ ના શકી.

હાલમાં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ "ધ કાશ્મીર ફાઇલ્સ" ચર્ચામાં છે

ઇમેજ સ્રોત, MANAN VATSYAYANA/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, હાલમાં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ "ધ કાશ્મીર ફાઇલ્સ" ચર્ચામાં છે

બીબીસી હિંદીએ આવા જ લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને જાણવાનો પ્રયાસ કર્યો કે કાશ્મીરી પંડિતો સરકાર પાસેથી શું ઇચ્છી રહ્યા છે અને અલગ- અલગ સરકારોએ તેમના માટે શું કર્યું?

જોકે હાલમાં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ "ધ કાશ્મીર ફાઇલ્સ" ચર્ચામાં છે. સિનેમા હૉલથી લઈને સોશિયલ મીડિયા સુધી આ ફિલ્મ અંગે ખૂબ પ્રતિક્રિયાઓ આવી રહી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોના સત્યને સુપેરે દર્શાવાયું છે.

કાશ્મીરી પંડિતોના સંગઠન "રિકંસીલિએશન, રિટર્ન ઍન્ડ રિહેબિલિટેશન ઑફ પંડિત" ના અધ્યક્ષ સતીશ મહલદારે પણ આ ફિલ્મ જોઈ છે.

સતીશ કહે છે કે ફિલ્મમાં કાશ્મીરી પંડિતોના પલાયનને બતાવવામાં આવ્યું છે, પંરતુ કેટલીક બાબતોને છુપાવવામાં પણ આવી છે.

line

'સિલેક્ટિવ ઢબે ફિલ્મ બનાવાઈ'

પાછલા ત્રણ દાયકાઓથી વધારે સમય સુધી જે પણ સરકારો આવી એ તો ફક્ત એક એજન્ડા ઉપર ચાલી રહી હતી

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, પાછલા ત્રણ દાયકાઓથી વધારે સમય સુધી જે પણ સરકારો આવી એ તો ફક્ત એક એજન્ડા ઉપર ચાલી રહી હતી

સતીશ મહલદાર કહે છે, "જ્યારે કાશ્મીરી પંડિતોનું પલાયન થયું હતું ત્યારે ભાજપના સમર્થનવાળી વી. પી. સિંહની સરકાર હતી અને હવે આશરે આઠ વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે. પંરતુ પલાયન કોના લીધે થયું, કઈ પરિસ્થિતીમાં થયું? આ બાબતે તપાસની માંગ હંમેશાંથી થતી રહી છે જે ફિલ્મમાં ક્યાંય દેખાતું નથી."

સતીશ કહે છે કે કાશ્મીરમાં આજે 808 કાશ્મીરી પંડિતોના પરીવારો, જેઓ ક્યારેય કાશ્મીર છોડીને ગયા જ નથી, એ લોકો જે પ્રકારે જિંદગી જીવતા રહ્યા, એ લોકોની જિંદગીની શું કહાણી છે એ ફિલ્મમાં બતાવવામાં જ આવ્યું નથી.

તેઓ કહે છે કે, "એ સમયે થયેલી હિંસાને બતાવવામાં આવી છે, તો ક્યાંક એ ઘટનાઓને સંતાડવામાં આવી છે. આમ જોવા જઈએ તો આ ફિલ્મમાં પંસદગીની ઘટનાઓને દર્શાવવામાં આવી છે."

ફિલ્મથી અલગ સતીશ મહાલદાર કહે છે કે પાછલા ત્રણ દાયકાઓથી વધારે સમય સુધી જે પણ સરકારો આવી એ તો ફક્ત એક એજન્ડા ઉપર ચાલી રહી હતી, એ એજન્ડા છે કે - " આખા ભારતમાં આ મુદ્દાઓને ચલાવો, મુદ્દાઓને ચલાવો પણ એનું સમાધાન ક્યારેય ના કરો"

તેમનું કહેવું છે કે, " ભાજપે પ્રચાર કરી દીધો છે કે કાશ્મીરી પંડિતોને વસાવશે, પરંતુ છેલ્લાં આઠ વર્ષથી એનડીએની સરકાર હોવા છતાં પણ એવું થયું નથી. કૉંગ્રેસે પણ ખૂબ વાયદાઓ કર્યા પરંતુ ખાસ કંઈ થઈ શક્યું નથી. પરંતુ કૉંગ્રેસે એક કામ કર્યું કે જમ્મુમાં પાકાં કૅમ્પ બનાવી દીધાં, જ્યાં વિસ્થાપિતો રહી શકે છે અને પીએમ પૅકેજ લઈ આવ્યા."

મનમોહન સરકારના સમયમાં વર્ષ 2008 દરમિયાન કાશ્મીરના માઇગ્રન્ટસ માટે પીએમ પૅકેજનું એલાન કરવામાં આવ્યું હતું. આ યોજનામાં કાશ્મીરના વિસ્થાપિત લોકો માટે નોકરીઓ પણ કાઢવામાં આવી હતી.

અત્યાર સુધી કાશ્મીરી પંડિતો સહિત અલગ- અલગ વર્ગો માટે આ યોજનાઓ દ્વારા 2008 અને 2015 માં 6,000 નોકરીઓ માટેનું એલાન કરવામાં આવ્યું હતું. કેટલાક હજારો વિસ્થાપિતો આ નોકરીઓ કરી પણ રહ્યા છે. આ લોકોને કાશ્મીરમાં બનાવવામાં આવેલ ટ્રાંજિટ આવાસોમાં રહેવું પડતું હતું.

line

"અમે તો ક્યાંયના ના રહ્યા"

આ યોજના અંતર્ગત નોકરી મેળવનાર એક કાશ્મીર પંડિતે નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે યોજનાને કાશ્મીરી પંડિતોને વસાવવા માટેની યોજના તરીકે ના જોવી જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ યોજના અંતર્ગત નોકરી મેળવનાર એક કાશ્મીર પંડિતે નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે યોજનાને કાશ્મીરી પંડિતોને વસાવવા માટેની યોજના તરીકે ના જોવી જોઈએ

આ યોજના અંતર્ગત નોકરી મેળવનાર એક કાશ્મીર પંડિતે નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે યોજનાને કાશ્મીરી પંડિતોને વસાવવા માટેની યોજના તરીકે ના જોવી જોઈએ.

માર્ચ 1990માં 15 વર્ષની ઉંમરમાં તેમણે પોતાનું ઘર છોડવું પડ્યું હતું. અત્યારે તેઓ આ યોજના અંતર્ગત શિક્ષકની નોકરી કરી રહ્યા છે.

તેઓ કહે છે કે, અમે ક્યાંયના રહ્યા નથી, કાશ્મીરમાં અમારું પૈતૃક ઘર છીનવાઈ ગયું છે. અત્યારે જમ્મુમાં રહેવા લાગ્યા તો સરકારે એક પરિવારમાંથી એક સદસ્યને લાવીને કાશ્મીરમાં નોકરી માટે મૂકી દીધા છે.

તેઓનું કહેવું છે કે તેઓનું આખું કુટુંબ જમ્મુમાં રહે છે. ઘરમાં બીમાર માતા-પિતા છે, પણ નોકરી માટે તેઓને કાશ્મીર જવું પડે છે.

જમ્મુમાં નોકરીની માંગણી કરતાં તેઓ કહે છે ," અમને હાલના સમયમાં બે દુ:ખ છે, મારા ઘરની હાલત જ એવી છે કે હું એ જોઈ શકતો નથી. એક બાજુ કુટુંબીજનોથી દૂર રહું છું, બીજી બાજુ એવી જગ્યાએ રહું છું જ્યાં આઝાદીનો અહેસાસ થતો નથી."

ગત વર્ષે ગૃહમંત્રાલય તરફથી આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. એમાં બતાવવામાં આવ્યું હતું કે 1990માં સ્થાપિત રાહત કાર્યાલયના રીપોર્ટ મુજબ, 1990 પછી જે પરિવારોને ખીણ છોડીને જવું પડ્યું હતું, એમાંથી 44,167 કાશ્મીરી પ્રવાસી પરિવાર રજિસ્ટર્ડ છે.

જેમાંથી હિન્દુ પ્રવાસી પરિવારોની સંખ્યા 39,782 છે. પીએમ પૅકેજના અંતર્ગત રોજગાર સિવાય આ પરિવારોમાં જેઓ મૂળ સ્થાન પર વસવાટ કરવા માગે છે. તેઓને સહાય આપવાની જોગવાઈ છે, સાથે જ કાશ્મીરી પ્રવાસીઓને આર્થિક સહાયરૂપે રોકડ આપવામાં આવે છે.

line

કાશ્મીરમાં રહેનારા કાશ્મીરી પંડિતો શું વિચારે છે?

જે કાશ્મીરી પંડિત ખીણ છોડીને ગયા જ નથી તેઓ પોતાની જાત સાથે છેતરામણી થઈ હોય તેવું અનુભવે છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જે કાશ્મીરી પંડિત ખીણ છોડીને ગયા જ નથી તેઓ પોતાની જાત સાથે છેતરામણી થઈ હોય તેવું અનુભવે છે

જે કાશ્મીરી પંડિત ખીણ છોડીને ગયા જ નથી તેઓ પોતાની જાત સાથે છેતરામણી થઈ હોય તેવું અનુભવે છે.

કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિના પ્રમુખ સંજય ટિક્કુ એવા કાશ્મીરી પંડિતોમાંથી એક છે જેઓ આજે પણ કાશ્મીરમાં રહે છે. હાલમાં તેઓ બિન-વિસ્થાપિત કાશ્મીરી પંડિતોનું પ્રતિનિધિત્વ કરે છે.

ડાઉનટાઉનના હબ્બા કદલ વિસ્તારમાં બર્બર શાહ મોહલ્લામાં રહેતા સંજય ટિકુ બીબીસી હિન્દી સાથેની વાતચીતમાં જણાવે છે કે આવા કુલ 800 પરિવારો છે. જેના કારણે કાશ્મીરી પંડિતોનું સમુદાય બે ભાગમાં વહેંચાઈ ગયું છે, સ્થળાંતરિત અને બિનસ્થળાંતરિત.

તેઓ આને જૂઠ ગણાવે છે અને કહે છે કે અલગ-અલગ સરકારો દ્વારા કાશ્મીરી પંડિતોની ખૂબ જ ચિંતા કરવામાં આવી પણ તેઓના ગયા બાદ કોઈ આ કાશ્મીરી પંડિતોનું વિચારતું નથી.

ટિકુનું કહેવું છે કે જ્યારે મનમોહન સરકારે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે રાહત અને પુનર્વસનનુ એલાન કર્યું તો કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિએ બિનવિસ્થાપિત પંડિતોને પણ એ ભાગીદારી આપવાની માંગ કરી હતી.

તેઓ કહે છે, "હાઈકોર્ટમાં ગયા બાદ અને ત્યાંથી આવ્યા બાદ નિર્ણયમાં કોઈ જ બદલાવ થયો નથી. અમે 500 બાળકો માટે રોજગારીની માંગ કરી હતી. હવે તેઓની ઉંમર નીકળતી જઈ રહી છે."

line

"અમે પણ કાશ્મીર છોડી દઈશું"

વિસ્થાતપિત કાશ્મીરી પંડિત પરીવારો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિસ્થાતપિત કાશ્મીરી પંડિત પરીવારો

સંદીપ કોલ પણ આવા જ એક યુવાન છે. તેઓ કહે છે, "ખીણમાં રહેઠાણ કરી રહેલા કાશ્મીરી પંડિતો જોડે ઓરમાયું વર્તન કરવામાં આવે છે. સરકાર અહિંયા પંડિતો માટે કાંઈ કરતી નથી."

30 વર્ષના સંદીપ કહે છે કે તેઓ થોડા દિવસ સુધી સરકારી નોકરીની રાહ જોશે, જો એ દરમિયાન નોકરી ન મળે તો તેઓ પણ કાશ્મીર છોડી દેશે.

તેઓ કહે છે, "ઉંમર નીકળી રહી છે અમને પણ રોજગારી માટે બીજે જવું પડશે, અહીંયા નોકરીઓ માટે વધુ તક નથી."

"એ વાત અંગે ધ્યાન નથી અપાતું કે જ્યાં વિસ્થાપિત લોકો બહાર જઈને રહી રહ્યા છે, તેઓને ઉચ્ચ શિક્ષણમાં છૂટ અને બીજી સુવિધાઓ મળી રહી છે પરંતુ બીજી તરફ અમારી જિંદગી તો બંદૂકો અને ડરના છાયડા તળે જ પસાર થઈ રહી છે."

સતીશ મહલદાર પણ આ વાત સાથે સંમત થાય છે. તેઓ કહે છે કે બિનવિસ્થાપિતો માટે સરકારી યોજનાઓના નામે કંઈ નથી.

સતીશ કહે છે, "ના એ લોકોને સરકારી નોકરીઓમાં કોઈ પ્રાથમિકતા મળે છે, ના કોઈ આર્થિક મદદ. તેઓની હાલત બદતર થઈ રહી છે."

વિસ્થાતપિત કાશ્મીરી પંડિત પરીવારોની માંગને લઈને સતીશનું કહેવું છે કે પરિવારોનું પુનર્વસન અને ઘરવાપસીએ મોટી માંગ છે.

સતીશનું કહેવું છે કે, "આ માટે અમે નેશનલ હ્યુમન સેટલમૅન્ટ પૉલિસી બનાવી આપી છે. અમે કહ્યું કે અમને પૅકેજ પણ ના આપો, જમ્મુ-કાશ્મીરના બજેટમાંથી 2.5 ટકા આપી દેવામાં આવે."

"જે પાછા જવા માંગે છે, તેઓ માટે નવી કૉલોની બનાવવામાં આવે પણ એવું બન્યું નથી. બીજો મહત્ત્વનો મુદ્દો રોજગારી છે, કારણ કે જો લોકો પાછા આવશે તો તેઓને સારી નોકરીઓ તો જોઈશે."

"ત્રીજો મહત્ત્વનો મુદ્દો એ હતો કે જે પરિસ્થિતિમાં કાશ્મીરી પંડિતોને કાઢી મુકાયા એમાં ભાગીદાર બનેલા લોકોની તપાસ થવી જોઈએ."

સતીશનું કહેવું છે કે અત્યાર સુધી આ મામલે તપાસ કરવામાં આવી નથી. ન્યાય માટે આ મામલો દાખલ કરીને એની પાછળ રહેલા લોકોની તપાસ કરવી જોઈએ.

સતીશ મહલદારનો દાવો છે સરકાર એવું કહે છે કે અમુક લોકોને ફરીથી લાવીને વસાવી દેવામાં આવ્યા છે. જે વાત તદ્દન ખોટી છે. "મને પણ એ બતાવો કે આખરે કોણ છે એ લોકો જે ત્યાં ગયા છે. હું જમ્મુ-કાશ્મીરને જાણું છું. મારા ખ્યાલ પ્રમાણે આ બિલકુલ બરોબર નથી."

line

'સરકાર તરફથી વાંરવાર ભૂલો કરવામાં આવી રહી છે'

જમ્મુ-કાશ્મીર પર નજર રાખનાર વરિષ્ઠ પત્રકાર અનુરાધા ભસીન કહે છે કે 1990ના દાયકાથી સરકારો તરફથી વારંવાર ભૂલો થતી રહી છે.

તેઓ કહે છે કે 1990 ના દાયકામાં કાશ્મીરમાં જે પ્રકારે લઘુમતિઓ વિરુદ્ધ માહોલ બન્યો તેને અયોગ્ય પ્રકારે લેવામાં આવ્યો અને લોકોને પલાયન માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા હતા.

ભસીન એવું પણ કહે છે કે, "વિસ્થાપન બાદ કાશ્મીરી પંડિતોને પાછા લઈ જવા માટે કોઈ સરકારે યોગ્ય પગલાં લીધાં નથી."

તેઓ કહે છે કે આ ત્રીસ વર્ષોમાં જે પ્રકારે બંને તરફથી કટ્ટર નિવેદનબાજી થઈ છે તેના કારણે કાશ્મીરી પંડિતોની ઘરવાપસી વધારે મુશ્કેલ બની ગઈ છે.

"2008 પછી, મનમોહનસિંહ સરકારે જે યોજના લાવી હતી તે અમુક અંશે સફળ થતી જણાય છે. ભાજપ સરકારે પણ આ નીતિ ચાલુ રાખી, પરંતુ 2017 પછી મને નથી લાગતું કે લોકોએ આ નીતિનો લાભ લીધો હશે, કારણ કે અન્ય નીતિઓને કારણે ખીણમાં વાતાવરણ ખરાબ થઈ રહ્યું હતું."

અનુરાધા ભસીન માને છે કે જે પ્રકારની નફરત ફેલાઈ છે અને અસુરક્ષાની ભાવના પેદા થઈ છે, હવે કાશ્મીરી પંડિતોની વાપસી વધુ મુશ્કેલ બની ગઈ છે.

તેઓ કહે છે, "સુરક્ષાની સાથે ન્યાયની ભાવના પણ તેની સાથે જોડાયેલી છે, પરંતુ તે સમયે જે પણ હત્યાઓ થઈ હતી, તે પછી કાશ્મીરી પંડિતોની હોય કે મુસ્લિમોની, આજ દિન સુધી કોઈ પણ કિસ્સામાં નિષ્પક્ષ તપાસ થઈ નથી."

ભસીન કહે છે, "ભાજપ દાવો કરે છે કે તે કાશ્મીરી પંડિતોની તરફેણમાં બોલે છે, પરંતુ તેની સરકાર આવ્યા પછી આ ખૂબ જૂની વાત હોવાનું કારણ આગળ ધરીને કેટલીક ફાઇલો બંધ કરી દેવામાં આવી છે."

અનુરાધા ભસીન કહે છે કે જો કાશ્મીરી પંડિતોને સ્થાયી કરવા હોય તો તેના માટે સમુદાયોને સાથે લાવવાં પડશે. તેમની વચ્ચેની નફરત દૂર કરવી પડશે.

તેઓ કહે છે "જો ભાજપની રાજનીતિ સમુદાય પર આધારિત હશે, તો આવી નફરતને દૂર કરવી મુશ્કેલ હશે."

ભસીનનું કહેવું છે કે કલમ 370 હઠાવ્યા બાદ દાવો કરવામાં આવ્યો હતો કે કાશ્મીરી પંડિત હવે પાછા જશે, પરંતુ આ મુદ્દો ક્યારેય અડચણરૂપ હતો જ નહીં.

તેમણે ગયા વર્ષના કાશ્મીરી પંડિતો સામે થયેલ હિંસાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આ માત્ર વધતી જતી નફરતને કારણે જ થયું છે, અને જ્યાં સુધી આ વાતાવરણમાં સુધારો ન થાય ત્યાં સુધી વિસ્થાપિત થયેલા કાશ્મીરીઓ માટે પાછા ફરવું મુશ્કેલ છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો