ધોળકા ગૅંગરેપ કેસ : પીડિતાનાં માતાની વેદના, 'લાલચ અને ધમકીઓ મળે છે' - ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
"કોઈ રૂપિયાની લાલચ આપી રહ્યું છે, તો કોઈ ધમકી કે કેસમાં સમાધાન કરી લો નહીંતર તમારા પતિને મારી નાખવામાં આવશે. તમારી છોકરી ફરી બહાર નીકળશે તો તેને મારીને કૂવામાં ફેંકી દઈશું."
અમદાવાદ જિલ્લાના ધોળકામાં એક નાના મકાનમાં જમીન પર બેસીને આ શબ્દો એ મહિલા જણાવી રહ્યાં છે, જેમની દીકરી પર સામૂહિક દુષ્કર્મ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઇમેજ સ્રોત, Tejas Vaidya
મહિલા વાત કરી રહ્યાં છે ત્યારે બાજુમાં તેમના પતિ બેઠા છે. અંદરના એક રૂમમાં તેમની ત્રણેય દીકરીઓ છે. જેમાંની એક દીકરી પર સામૂહિક દુષ્કર્મ થયાની ફરિયાદ થઈ છે.
તેમનું કહેવું છે કે 'દીકરી પર દુષ્કર્મની ફરિયાદ બાદ આ કેસ માટે તેમના પર દબાણ થઈ રહ્યું છે અને લાલચો આપવામાં આવી રહી છે.'
ધોળકાના ચકચારી સામૂહિક દુષ્કર્મના કેસમાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાનાં માતા જણાવે છે કે, "અમને એવું પણ કહેવામાં આવે છે કે જે આરોપી પકડાયા છે તેમાંથી કેટલાકને આરોપમુક્ત કરી દો. તમે કહેશો તેટલા રૂપિયા આપશું. મારું તેમને કહેવું છે કે તમારી દીકરી સાથે આવું થયું હોત તો તમે શું કરત?"
હાલ પીડિતાનો પરિવાર તેમનું રહેઠાણ છોડીને અન્ય સ્થળે રહેવા ચાલ્યો ગયો છે.

'... જો વાત બહાર ગઈ તો માબાપને મારી નાખવામાં આવશે'

ઇમેજ સ્રોત, Tejas Vaidya
પોલીસ ફરિયાદ અનુસાર ધોળકામાં દસ માર્ચે રાત્રે સાડા નવથી પોણા બાર વચ્ચે ધોળકાથી ચારેક કિલોમિટર દૂર ખાનપુર લાટ મુકામે આ ઘટના ઘટી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ શહેરમાં દરેક ચોરે આ ઘટના ચર્ચાઈ રહી છે. કથિત દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાનાં માતા જણાવે છે કે, "દસ તારીખે મારી દીકરી એવું કહીને નીકળી કે જુમ્મેરાત પઢવા જાઉં છું. અમારા ઘરથી ચાર-પાંચ ઘર છોડીને જુમ્મેરાત પઢવા ગઈ હતી. એ દરમ્યાન ત્રણ યુવકોએ તેને બાઇકમાં બળજબરીપૂર્વક બેસાડી હતી."
"દીકરીએ ના પાડી તો કહ્યું કે જો તું નહીં બેસી રહે તો તને મારી નાખીશું. પછી તેને કોઈક મંદિર પાસે લઈ ગયા અને ત્યાંથી બાઇક બદલી નાખી હતી. પછી તેને ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં તેની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું."
"જે યુવકો તેને બાઇકમાં ઉઠાવી ગયા હતા તેઓ જ આ ઘટના પછી મારી દીકરીને ગર્લ્સ સ્કૂલ પાસે છોડીને ગયા હતા. ત્યારે એવી ધમકી પણ આપી હતી કે તારી સાથે જે થયું એની વાત કોઈને પણ કહી તો તારાં માબાપને મારી નાખવામાં આવશે. એ રાત્રે પોણા બાર વાગ્યે ઘરે આવી ત્યારે ચૂપચાપ હતી."
"રોતી હતી. તેના ગાલ લાલ હતા. મને શંકા તો ગઈ કે તેની સાથે કંઈક અજુગતું થયું છે. પછી એ જ રાત્રે સાડા બાર વાગ્યે અમે પોલીસ સ્ટેશન ગયા હતા. સવારે ચાર વાગ્યે અમને કહેવામાં આવ્યું કે તમારી દીકરી અહીં જ રહેશે."
"ઘટના બની એના બીજા દિવસે સાંજે છ વાગ્યાની આસપાસ પોલીસે એફઆઈઆર (ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ) નોંધી હતી. પોલીસે એફઆઈઆર રાત્રે જ લખવી જોઈતી હતી, પણ ન લખી."
જોકે, પોલીસ આ વાતનું ખંડન કરે છે. ધોળકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. એન. ચૌધરીએ કહ્યું હતું કે, "તે લોકો રાત્રે નહોતા આવ્યા, બીજા દિવસે આવ્યા હતા. જ્યારે આવ્યા ત્યારે જ એફઆઈઆર લખાઈ છે."

દુષ્કર્મ કેસમાં આઠની ધરપકડ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ કેસમાં હાલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. સગીરાનાં માતાનું કહેવું છે કે "પોલીસ જે રીતે કાર્યવાહી કરી રહી છે તેની સામે પણ અમને અસંતોષ છે. દુષ્કર્મની આ ઘટનામાં કમસે કમ દસ લોકો સામેલ હતા."
"પોલીસે આઠ લોકોની જ ધરપકડ કરી છે. બે લોકોને હાજર નથી કર્યા. અમે ઇચ્છીએ છીએ કે આ ઘટનામાં કોઈ બાકાત ન રહેવું જોઈએ. ઘટનાનો જે મુખ્ય સૂત્રધાર છે તે જ જેલમાં નથી."
ડી. એન. ચૌધરીએ કહ્યું હતું કે, "એફઆઈઆરમાં આઠ લોકોનાં જ નામ છે. અમે તે તમામને પકડીને જેલમાં મોકલી દીધા છે."
પોલીસને પૂછવામાં આવ્યું કે પરિવાર કહે છે કે આઠથી વધારે આરોપી હતા, ત્યારે પોલીસે કહ્યું હતું કે, "એફઆઈઆરમાં જેટલા લખાવ્યા છે તેમને પકડી પાડ્યા છે. તેમને પછી એવું લાગતું હોય કે વધારે લોકો છે તો સાથે એના આધાર પુરાવા વગેરે રજૂ કરવા પડે."
આ દુષ્કર્મમાં ધોળકાના ભાજપના એક કાઉન્સિલરનો પુત્ર પણ કથિત રીતે સંડોવાયેલો છે એવું પણ ચર્ચાઈ રહ્યું છે.

પીડિતા આરોપીને ઓળખતી હતી?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
એફઆઈઆરમાં પીડિતાના પિતાએ લખાવ્યું છે કે, "મારી દીકરીએ જણાવ્યું હતું કે બહેનપણીના ઘરે રાતે સાડા નવે જતી હતી ત્યારે મોમીન હૉસ્પિટલ નજીક મને ત્રણ છોકરા બાઇક લઈને મળ્યા હતા. જેઓને હું સારી રીતે ઓળખતી હતી. તેમાંથી એક આરોપીએ કહ્યું કે અમારી સાથે બેસી જા, આપણે ફરીને આવીએ, એમ કહેતા હું બાઇક પર બેસી ગયેલી અને અમો ચારેય જણા બાઇક પર બેસીને ફરવા ગયેલા અને એ ત્રણેય જણા મને ખાનપુર લાટ પાસે ખેતરમાં આવેલી એક ઓરડીમાં લઈ ગયા હતા, જ્યાં દુષ્કર્મ ગુજાર્યું હતું."
12 માર્ચે આરોપીના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પીડિતાનો પણ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

આરોપીઓ પર કયા-કયા ગુના નોંધાયા?

ઇમેજ સ્રોત, Tejas Vaidya
આ કેસમાં આરોપી પર અપહરણ, સામૂહિક દુષ્કર્મ તેમજ પોક્સો કાયદા અંતર્ગત ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, "મેડિકલ રિપોર્ટ આવવાના બાકી છે."
ધોળકામાં રહેતા અને વ્યવસાયે વકીલ માઝ ખાન જણાવે છે કે, "પોક્સોના કાયદા મુજબ પીડિતના ઘરે જઈને સાથે ચાઇલ્ડ વૅલ્ફેર કમિટીનાં મહિલા સભ્યને સાથે રાખીને પીડિતની પૂછપરછ થવી જોઈએ. જે આ કેસમાં નથી થયું."
"પીડિત છોકરીને 24 કલાક પોલીસ સ્ટેશને પૂછપરછ માટે રાખવામાં આવી. પીડિતને કોના મારફતે પોતાનું નિવેદન આપવું છે એ પણ પૂછવામાં નહોતું આવ્યું. હું એ વખતે સ્પૉટ પર હાજર હતો."
એન. ડી. ચૌધરીએ આ આરોપોનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, "એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં જ નોંધાય છે. બાકીની પ્રક્રિયા પછી થતી હોય છે. અમે નિયમોનુસાર જ કામ કર્યું છે."
માઝ ખાન કહે છે કે, "સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર 164 સીઆરપીસી (કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર) મુજબ આવા કેસમાં પીડિત અને મૅજિસ્ટ્રેટ જ વાત કરે છે અને એ નિવેદનને સીલબંધ રાખવામાં આવે છે, ટ્રાયલ ચાલે છે ત્યારે કોર્ટમાં એ નિવેદન રજૂ થાય છે. જેનું આમાં પાલન નથી થયું. આ ઘટનામાં મેજિસ્ટ્રેટ પાસે નિવેદન નોંધાય એવી અમારી રજૂઆત છે."
તમામ આરોપી હિન્દુ છે. મુસ્લિમ સમુદાયના કેટલાક આગેવાન તરુણી તરફે આવી ગયા છે. ગામમાં આ ઘટનાની ચર્ચા છે ,કે ઘટના સંવેદનશીલ હોવાથી લોકો ખૂલીને કશું બોલતા નથી.
પોલીસે જણાવ્યા અનુસાર 'આરોપીઓ છૂટક કમાણી કરતા હતા. કોઈ ફૂલ વેચતું હતું તો કોઈ પાણીપુરીની લારી ચલાવતું હતું તો કોઈ છૂટક મજૂરી કરતું હતું.'


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












