સી. આર. પાટીલ : મોદી-શાહ કરતાં વધારે લીડથી જીતેલા 'પોલીસવાલા' નેતા
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપને વધુ એક વખત ચૂંટણીની વૈતરણિ પાર કરાવવાની જવાબદારી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પર છે.
કથિત રીતે સંગઠનના ફિડબૅક પછી જ પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પદ છોડવું પડયું હતું તથા આખેઆખું મંત્રીમંડળ બદલી નાખવામાં આવ્યું હતું.

ઇમેજ સ્રોત, C R PAATIL/FACEBOOK
પ્રદેશાધ્યક્ષ બન્યા બાદ પાટીલે સ્થાનિક સ્વરાજ્યથી માંડીને રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે. પાટીલ હવે આગામી વિધાનસભા ચૂંટણીમાં એ પ્રદર્શનનું પુનરાવર્તન કરવા માગે છે.
ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 182માંથી માત્ર 99 બેઠક મળી હતી, તે ત્રણ આંકડા પર પણ પહોંચવામાં નિષ્ફળ રહ્યો હતો. તાજેતરના ઇતિહાસનું આ તેનું સૌથી ખરાબ પ્રદર્શન હતું. કૉંગ્રેસના તૂટેલા ધારાસભ્યો તથા પેટાચૂંટણીના જોરે પાર્ટી 110નો આંકડો પાર કરવામાં સફળ રહી છે.
પાટીલ આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ 182 બેઠક પર ભાજપના વિજયનું લક્ષ્યાંક મૂકે છે. જે ગત વખતના પ્રદર્શન કરતાં લગભગ બમણા જેટલું છે.

પોલ, પાટીલ અને પ્રદર્શન

ઇમેજ સ્રોત, FACEBOOK/C R PAATIL
રાજકીય વિશ્લેષકો માને છે કે પાટીલે પ્રદેશાધ્યક્ષ બન્યા પછી સતત અઢી દાયકાથી સત્તામાં રહેવાને કારણે સંગઠનમાં આવેલ સુસ્તીને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. આ સિવાય પક્ષમાં પ્રવર્તમાન જૂથવાદ તથા પ્રદેશવાદને કડક હાથે ડામી દેવા પ્રયાસ હાથ ધર્યા છે.
'આગામી વિધાનસભા ચૂંટણીમાં વિજય રૂપાણીના ચહેરા સાથે જીતવું મુશ્કેલ બની જશે' એવા કથિત રીતે પાટીલ અને આરએસએસના અહેવાલ બાદ જ સપ્ટેમ્બર-2021માં ભૂપેન્દ્ર સરકાર અસ્તિત્વમાં આવી હતી. રૂપાણીના રાજીનામા બાદ મુખ્ય મંત્રીપદે ખુદ પાટીલના નામની પણ ચર્ચા ચાલી હતી.
રૂપાણીને હઠાવવામાં આવ્યા તે પછી રાજકોટ ખાતેના ભાજપના કાર્યક્રમમાં બંધબારણે તેમણે કાર્યકરોને 'શિસ્તમાં રહેવા તથા જૂથવાદ નહીં'ની સલાહ આપી હતી. જે દેખીતી રીતે 'રૂપાણી કૅમ્પ'ને ચેતવણી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય છેલ્લાં કેટલાંક વર્ષોથી અવગણી દેવામાં આવેલા, હાંસિયામાં ધકેલી દેવાયેલા સંનિષ્ઠ કાર્યકરો અને નેતાઓને પણ ફરીથી સક્રિય કરવા પ્રયાસ હાથ ધર્યા છે. ભાજપને મત અપાવવામાં મદદ કરી શકે તેવા ડૉક્ટર, વકીલ, લોકકલાકારો જેવા 'માઇક્રૉ ઇન્ફ્લ્યુએન્સર' પાર્ટી સાથે જોડાય તેવા વિશેષ પ્રયાસ હાથ ધર્યા છે.
જુલાઈ-2020માં ભાજપના પ્રદેશાધ્યક્ષ બન્યા તે પછી ભાજપે રાજ્યસભાની બે (જુલાઈ-2021), વિધાનસભાની પેટાચૂંટણી (એપ્રિલ-2021 મોરવા હરફ), સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તથા તમામ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે.
ઉંમર અને પ્રદર્શનના નામે પાટીલ 100 જેટલા 'નવા ચહેરા' લાવવાની વાત કહી ચૂક્યા છે. અગાઉની રૂપાણી સરકાર દરમિયાન સંગઠન અને સરકાર વચ્ચે સામંજસ્ય નહીં હોવાના તથા બંને વચ્ચે મતભેદ હોવાના અહેવાલ આવતા હતા.
કેન્દ્ર સરકારમાં ઓછામાં ઓછા એક તથા ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કમ સે કમ ચાર પ્રધાનો પાટીલ કૅમ્પના હોવાનું માનવામાં આવે છે. પાટીલે ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રધાનોને કાર્યકરોની વાત સાંભળવા તથા ફરિયાદ દૂર કરવા સલાહના સૂરમાં ચેતવણી આપી છે.
જુલાઈ-2020માં સીઆર પાટીલે ગાંધીનગરસ્થિત ગુજરાત ભાજપના મુખ્યાલય 'શ્રીકમલમ્' ખાતે પદભાર સંભાળ્યો હતો, ત્યારે તેમણે જણાવ્યું હતું:
"ભાજપ જ એવો રાજકીય પક્ષ છે, જેમાં સામાન્ય કાર્યકર્તાને પણ પોતાની ક્ષમતાને અનુસારની જવાબદારી મળે છે. જેણે નાના કાર્યકર્તા તરીકે પ્રવેશ કર્યો, તેને ત્રણ વખત સંસદસભ્ય અને આજે પ્રદેશાધ્યક્ષ તરીકેની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે."
પાટીલ જાણે છે કે તમામ 182 બેઠક જીતવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક કાર્યકરોની મદદ વગર શક્ય નહીં હોય.

'પોલીસવાલા' નેતા

ઇમેજ સ્રોત, C R PAATIL/FACEBOOK
સીઆર પાટીલનો જન્મ તા.16 માર્ચ 1955ના રોજ તત્કાલીન બૉમ્બે રાજ્યના જલગાંવ જિલ્લાના એદલાબાદના પીંપરી-અકરાઉત ગામ ખાતે થયો હતો.
બૉમ્બે રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાતનું ગઠન થયું, ત્યારે પાટીલ પરિવાર ગુજરાત આવી ગયો. અહીં દક્ષિણ ગુજરાતની શાળામાં તેમણે પ્રાથમિક અભ્યાસ કર્યો, બાદમાં સુરતમાં ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી અભ્યાસ કર્યો.
નિમણૂક સમયની ભાજપની વિજ્ઞપ્તી પ્રમાણે, 1975માં પિતા તથા આજુબાજુના લોકોને જોઈને તેઓ ગુજરાત પોલીસમાં જોડાયા.
વર્ષ 1984માં પોલીસકર્મીઓને પડતી તકલીફો અને સમસ્યાઓને જોઈને તેમણે યુનિયન ઊભું કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યા. બાદમાં તેમને પોલીસખાતામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.
આગળ જતાં સરકારી નોકરીનો સંબંધ તૂટી ગયો. 1989માં તેઓ ભાજપમાં જોડાયા અને જિલ્લા કક્ષાએ ભાજપના ખજાનચી પણ બન્યા, જોકે ચૂંટણીલક્ષી કારકિર્દી માટે તેમણે બે દાયકાની રાહ જોવી પડી.
પાટીલની જેમ જ જસપાલસિંહ, ભવાન ભરવાડ તથા જેઠા ભરવાડ પણ રાજકારણમાં આવ્યા, તેઓ પહેલાં પોલીસખાતામાં હતા.

નરેન્દ્ર મોદીની નજીક

ઇમેજ સ્રોત, CR PATEEL TWITTER
દક્ષિણ ગુજરાતમાં ભાજપના દિગ્ગજ નેતા કાશીરામ રાણાનો હાથ પકડીને તેઓ રાજકારણમાં પ્રવેશ્યા અને આગળ આવ્યા. જ્યારે ગુજરાત ભાજપ 'કેશુભાઈ કૅમ્પ' અને 'મોદી કૅમ્પ' એમ બે ભાગ પડ્યા, ત્યારે સી.આર. પાટીલે તત્કાલીન મુખ્ય મંત્રી સાથે રહેવાનું પસંદ કર્યું હતું.
આગળ જતાં રાણાએ પાર્ટી છોડી દીધી અને કેશુભાઈ પટેલ તથા ગોરધનભાઈ ઝડફિયા દ્વારા સ્થાપિત 'ગુજરાત પરિવર્તન પાર્ટી'માં જોડાયા હતા. બાદમાં આ પાર્ટી ભાજપમાં ભળી ગઈ.
2009માં ગુજરાતની લોકસભા બેઠકોનું પુનર્ગઠન થયું, ત્યારે નવસારી બેઠકનું સર્જન થયું, તેની પ્રથમ ચૂંટણીના ઉમેદવાર તરીકે ભાજપે સી. આર. પાટીલને ચૂંટણીજંગમાં ઉતાર્યા.
કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એન.ડી.એ.નો પરાજય થયો, પરંતુ પાટીલ પ્રથમ વખત લોકસભાના દાદરા ચઢવામાં સફળ રહ્યા.
'ગણેશોત્સવ', 'ગોવિંદા સમિતિ' જેવાં આયોજનો અને 'મરાઠા પાટીલ સમાજ મંડલ', 'મહારાષ્ટ્રીયન વિકાસ મંડળ' અને 'છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ' જેવાં સંગઠનોની કામગીરીને કારણે મરાઠીભાષી સ્થાનિકોમાં તેમની લોકપ્રિયતા વધી. પાટીલ ભાજપના કાર્યકરોમાં 'ભાઉ' તથા સામાજિક વર્તુળમાં 'સીઆર' તરીકે ઓળખાય છે.
કોવિડ-19ના કારણે લાગુ લૉકડાઉન સમયે પરપ્રાંતીય શ્રમિકોને વતન મોકલવા માટે ઓડિશા, બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની ટ્રેનો માટે રજૂઆત કરવામાં તેમણે અગ્રણી ભૂમિકા ભજવી હતી.
કોરોનાની બીજી લહેર દરમિયાન સુરતમાં સંગઠનસ્તરેથી પાંચ હજાર રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની જાહેરાત પણ તેમણે કરી હતી. સામાન્ય નાગરિક માટે એક-એક ઇન્જેક્શન દોહ્યલું હતું ત્યારે પાટીલ આટલી મોટી સંખ્યામાં ઇન્જેક્શન કેવી રીતે મેળવી શક્યાં તેવો સવાલ વિપક્ષ, સામાન્ય નાગરિક તથા સ્વૈચ્છિક સંસ્થાઓએ ઉઠાવ્યો હતો. ખુદ તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણી માટે તેનો જવાબ આપવો મુશ્કેલ બની ગયો હતો.
આ સિવાય સુરત ઍરપૉર્ટનો લાંબા સમયથી પડતર પડેલો પ્રશ્ન પણ તેમના કાર્યકાળ દરમિયાન ઉકેલાયો હતો. સુરત ડાયમંડ બુર્સનું કામ આગળ વધ્યું હતું. સુરત તથા દક્ષિણ ગુજરાતમાં શ્રમિકથી લઈને માલિક સુધીની પહોંચ ધરાવે છે.
2014માં નરેન્દ્ર મોદી ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર હતા અને તેમને આગળ રાખીને પાર્ટી ચૂંટણી લડી હતી. ત્યારે પાર્ટીએ તેમને ફરી નવસારીથી ઉમેદવાર બનાવ્યા હતા.
પાટીલના ઉદયને નજીકથી જોનારા વરિષ્ઠ પત્રકાર અજય નાયકના કહેવા પ્રમાણે, "એ ચૂંટણીમાં બિલિમોરાથી નવસારી સુધી અડધો દિવસનો ચૂંટણીપ્રવાસ તેમની સાથે તેમની કારમાં ખેડ્યો હતો. એ સમયે લોકોનો પ્રતિસાદ જોઈને લાગે કે પાટીલ 'જનાધાર'વાળા નેતા છે."
2014માં 'મોદી લહેર'માં પાંચ લાખ 58 હજાર કરતાં વધુ મતોથી ચૂંટાયા હતા. લીડની દૃષ્ટિએ તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (વડોદરા બેઠક) તથા પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી. કે. સિંહ બાદ દેશમાં ત્રીજા ક્રમે હતા.
નાયક ઉમેરે છે, "સારા-માઠા પ્રસંગે હાજર રહેવાની ખાસિયત પાટીલને સામાન્ય વર્ગમાં લોકપ્રિય બનાવે છે. થોડાં વર્ષો પહેલાં એક સાર્વજનિક કાર્યક્રમમાં તેમની સાથે મુલાકાત થઈ, ત્યારે રાત્રે નવ વાગ્યા હશે."
"એમનું કહેવું હતું કે તે દિવસનો એ તેમનો 22મો કાર્યક્રમ હતો, જેમાં તેમણે હાજરી આપી હતી."
પાટીલ પોતાની સંસદની ઑફિસ માટે આઈ.એસ.ઓ. (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશનનું) સર્ટિફિકેટ લેનાર દેશના પ્રથમ સંસદસભ્ય હોવાના અહેવાલ છે.
સંસદસભ્યોની કામગીરી ઉપર નજર રાખતા સંગઠન PRS લૅજિસ્લેટિવ રિસર્ચના રિપોર્ટ પ્રમાણે, 15મી લોકસભા દરમિયાન તેમની હાજરી 78 ટકા (દેશ તથા ગુજરાતની સરેરાશ 76%) હતી. જે 16મી લોકસભામાં વધીને 91 ટકા ઉપર પહોંચી. આ ગાળા દરમિયાન દેશના સંસદસભ્યોની સરેરાશ હાજરી 80 ટકા અને ગુજરાતના સંસદસભ્યોની હાજરી 84 ટકા હતી. તેમણે માત્ર છ ચર્ચામાં (રાષ્ટ્રીય સરેરાશ 67 તથા ગુજરાતના સંસદસભ્યોની સરેરાશ 41) ભાગ લીધો હતો.
17મી લોકસભામાં અત્યાર સુધી (ફેબ્રુઆરી-2022) તેમની હાજરી 74 ટકા જેટલી છે, તેઓ પ્રદેશાધ્યક્ષ બન્યા, તે પહેલાં આ ટકાવારી 95 ટકાની હતી. સંસદસભ્યોની હાજરીની રાષ્ટ્રીય સરેરાશ 79 ટકા તથા ગુજરાતના પ્રતિનિધિઓની સરેરાશ 84 ટકા છે. તેમણે માત્ર બે ચર્ચામાં જ ભાગ લીધો છે. રાષ્ટ્રીય સરેરાશ 30.6 તથા ગુજરાતની સરેરાશ 20.9 ટકા જેટલી છે.
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ચાર લાખ 80 હજાર) તથા ગૃહમંત્રી અમિત શાહ (પાંચ લાખ 55 હજાર) કરતાં વધુ મત (છ લાખ 89 હજાર)ની લીડથી જીત્યા હતા. સુરતનાં દર્શનાબહેન જરદોશ (પાંચ લાખ 47 હજાર) તથા વડોદરાનાં રંજનબહેન ભટ્ટ (પાંચ લાખ 90 હજાર મત) સાથે ટોપ-5માં હતા.
16મી તથા 17મી લોકસભાચૂંટણી દરમિયાન ભાજપે ગુજરાતની તમામ 26 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












