યુક્રેન યુદ્ધ : રશિયા-અમેરિકા સાથેના સંબંધોની બાબતે ભારત તલવારની ધારે ચાલે છે?
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
યુક્રેન પરના રશિયાના હુમલા પછી ઊભી થયેલી પરિસ્થિતિમાં જો કોઈ દેશે સૌથી મોટા પડકારનો સામનો કરવો પડ્યો હોય તો તે દેશ છે ભારત - આવું વિદેશ અને વ્યૂહાત્મક બાબતોના જાણકારોનું કહેવું છે.
તેઓ માને છે કે હાલના સંજોગોમાં ભારત એક રીતે 'તલવારની ધાર' પર ચાલી રહ્યું છે, જેમાં એણે રશિયા અને અમેરિકા, બંને સાથે પોતાના સંબંધો વચ્ચે સામંજસ્ય જાળવી રાખવાના પડકારનો સામનો કરવો પડે છે.

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ રાજદ્વારી અને વિદેશી બાબતોના વિશેષજ્ઞ નવતેજ સરનાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે અત્યાર સુધી તો ભારત એવું ઔચિત્ય જાળવી રાખવામાં સફળ રહ્યું છે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું કે, ભારતની સામે આ બંને દેશ સાથે સંબંધો જાળવી રાખવાના પડકારો ખૂબ વધારે છે.
રશિયાવિરોધી પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા બાબતે અમેરિકા ભારત પર સતત દબાણ કરી રહ્યું છે. ગુરુવારે 'ક્વાડ'ની બેઠક પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ભારપૂર્વક કહ્યું કે રશિયાના યુક્રેન પરના હુમલા અંગે 'કોઈ બહાનું કે મુદ્દાને ટાળી દેવાનું વલણ નહીં ચાલે.'
દેખીતું છે કે, બાઇડનનો ઇશારો ભારત તરફ જ હતો, કેમ કે, 'ક્વાડ'માં સામેલ બીજા દેશો, જેમ કે, જાપાન અને ઑસ્ટ્રેલિયા, સ્પષ્ટરૂપે રશિયાની ટીકા કરી રહ્યા છે અને આ બાબતમાં તેઓ અમેરિકાની સાથે ઊભેલા જોવા મળે છે.
બુધવારે જ અમેરિકન સેનેટની બેઠક યોજાઈ હતી, જેમાં ભારતના વલણ અંગે ચર્ચા થઈ હતી. ચર્ચા દરમિયાન અમેરિકાના દક્ષિણ એશિયન બાબતોના મંત્રી ડોનાલ્ડ લૂએ કહ્યું કે અમેરિકન અધિકારીઓએ ભારત સાથે આ મુદ્દે વાત કરી છે અને જણાવવાનો પ્રયાસ કર્યો છે કે યુક્રેન પરના હુમલા અંગે ભારતનું ટીકાત્મક નિવેદન ખૂબ જ મહત્ત્વનું હશે.

ક્યારેય યુદ્ધના પક્ષમાં નથી રહ્યું ભારત

ઇમેજ સ્રોત, Getty Images
નવતેજ સરનાએ જણાવ્યું કે એ જુદી વાત છે કે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં થયેલા 'વોટિંગ'માં ભાગ ન લીધો, તેમ છતાં, ભારત ક્યારેય યુદ્ધના પક્ષમાં નથી રહ્યું.
તેમણે કહ્યું કે, "વોટિંગથી પોતે અલગ રહ્યા છતાં ભારતે યુક્રેનમાં માનવીય સહાયતા મોકલવાની પહેલ પણ કરી છે અને પોતાને સંયુક્ત રાષ્ટ્રના 'ચાર્ટર'થી દૂર પણ રાખ્યો, જેમાં રશિયાને સંયમ જાળવવાની અને યુદ્ધ સમાપ્ત કરી દેવાની અપીલ કરવામાં આવી છે. ભારત પણ ઇચ્છે છે કે સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા જ આવે, નહીં કે યુદ્ધ દ્વારા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાણકારો એમ પણ માને છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતનો અમેરિકા સાથેનો આર્થિક અને સામાજિક સહયોગ ઘણો વધ્યો છે, એ જોતાં, ભારત માટે આ પરીક્ષાની ઘડી છે. બીજી તરફ, ભારત સંરક્ષણાત્મક ઉત્પાદનોના પુરવઠા બાબતે રશિયા પર નિર્ભર રહ્યું છે.
વર્ષ 2018માં જ ભારતે લાંબા અંતરની મારકશક્તિ ધરાવતા 'સર્ફેસ ટૂ ઍર મિસાઇલ'ના પુરવઠા માટે રશિયા સાથે 500 કરોડ અમેરિકન ડૉલરની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.
એ માટે ભારતે નાણાંની પહેલાં હફ્તાની ચુકવણી પણ કરી દીધી છે. રશિયાએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે યુક્રેનમાં ચાલી રહેલા એના લશ્કરી અભિયાનની ભારતને અપાનારા મિસાઇલના સપ્લાય પર કશી અસર નહીં થાય અને તે (મિસાઇલ) નક્કી કરાયેલી સમયમર્યાદામાં ભારતને આપી દેવાશે.

ભારત અને રશિયા વચ્ચે જૂના સંબંધ
નવતેજ સરનાનું કહેવું છે કે 70ના દાયકાથી જ ભારત અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક સંબંધો રહ્યા છે અને શસ્ત્રોના પુરવઠા માટે ભારત રશિયા પર આધારિત રહ્યું છે. એ ઉપરાંત અંતરિક્ષ અભિયાન અને ઊર્જાના ક્ષેત્રમાં પણ ભારત અને રશિયાનો સહયોગ રહ્યો છે.
જોકે, અમેરિકન કૉંગ્રેસની બેઠક દરમિયાન ભારતના વલણ બાબતે ટીકા પણ કરવામાં આવી, પરંતુ એમ પણ કહેવામાં આવ્યું કે સુરક્ષા ઉપક્રમો અને શસ્ત્રોની બાબતમાં ભારતના રશિયા પરના અવલંબનમાં 53 ટકાનો ઘટાડો થયો છે.
લંડનસ્થિત કેંગ્સ કૉલેજમાં ઇન્ટરનેશનલ સ્ટડીઝના વિભાગાધ્યક્ષ હર્ષ વી. પંતે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે, અમેરિકા પણ જાણે છે કે 'ક્વાડ' માત્ર સહયોગનો એક મંચ છે, નહીં કે કોઈ ગઠબંધન. તેથી ભારતનું જે 'સ્ટૅન્ડ' છે એ બાબતમાં 'ક્વાડ'નું કશું દબાણ નથી.
તેમણે જણાવ્યું કે, જેવા સંબંધો ભારત અને અમેરિકા વચ્ચે રહ્યા છે, એવા જ સંબંધ ભારતના રશિયા સાથે પણ છે. પંતે કહ્યું કે, અમેરિકાએ ક્યારેય ભારત પર કોઈ પ્રતિબંધ નથી મૂક્યા. અલબત્ત, 1998માં એક વાર એવી સ્થિતિ જરૂર ઊભી થઈ હતી, જ્યારે 'ન્યૂક્લિયર સંધિ' પર ભારતે હસ્તાક્ષર નહોતા કર્યા. પરંતુ એ પ્રતિબંધ પણ એક વર્ષની અંદર જ ઉઠાવી લેવાયા હતા.

રશિયા અને અમેરિકા, બંને ભારત માટે મહત્ત્વનાં

ઇમેજ સ્રોત, Reuters
પંતનું કહેવું છે કે, "ભારતને ખબર છે કે એના માટે અમેરિકા પણ મહત્ત્વપૂર્ણ છે અને રશિયા પણ. જોકે, ભારતનું ઘરેલુ રાજકારણ અમેરિકાવિરોધી જ રહ્યું છે અને વડા પ્રધાન હોવા છતાં મનમોહનસિંહને પણ અમેરિકાની સાથે ન્યૂક્લિયર સંધિની બાબતમાં ઘરેલુ ફ્રન્ટ પર ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો."
હર્ષ વી. પંતે જણાવ્યું કે, એશિયામાં ચીનની મહત્ત્વાકાંક્ષાનો પ્રશ્ન પણ છે અને તે જોતાં અમેરિકા માટે ભારત ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તે ભારત સાથેના સંબંધો તોડી નાખવાની સ્થિતિમાં નથી.
તેમણે કહ્યું કે, "જો અમેરિકાએ ચીન સામે ટક્કર ઝીલવી હશે તો એણે ભારત સાથે પણ વ્યૂહાત્મક સબંધો જાળવી રાખવા પડશે. ભારત માટે પણ અમેરિકા એટલું જ મહત્ત્વપૂર્ણ છે."
એમનું કહેવું છે કે, "જ્યારે ઈરાન સાથે અમેરિકાના સંબંધો બગડવા લાગ્યા હતા ત્યારે પણ એ કહેતો હતો કે ભારત પણ ઈરાન સાથેના સંબંધો પૂરા કરી દે. પરંતુ ભારતે એવું ના કર્યું, કેમ કે દરેક દેશની પોતાની કૂટનીતિ અને જરૂરિયાતો હોય છે. તેથી અમેરિકાએ પણ ભારત પર એટલું દબાણ ન કર્યું."
તો, વરિષ્ઠ પત્રકાર અભિજિત અય્યર મિત્રાએ જણાવ્યું કે, ભારત સાર્વજનિકરૂપે રશિયાની નિંદા ન કરી શકે પરંતુ એણે યુદ્ધ સમાપ્ત કરી દેવા અને શાંતિ જાળવી રાખવા માટે સતત અપીલ કરી છે.
એમનું કહેવું છે કે, ભારતે જે વલણ અપનાવ્યું છે એવું જ વલણ સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાતે પણ રાખ્યું છે, કેમ કે, દરેક દેશની પોતપોતાની પ્રાથમિકતાઓ હોય છે અને વ્યૂહાત્મક જરૂરિયાતો પણ.
અભિજિતે જણાવ્યું કે, "જ્યારે ઇરાક પર હુમલો થયો હતો ત્યારે, ઇરાકમાં ભારતની ઘણી પરિયોજનાઓ ચાલતી હતી તેમ છતાં, પણ ભારત પોતે તટસ્થ રહ્યો હતો. એ જ રીતે જ્યારે લીબિયા અને સીરિયા પર હુમલા થયા ત્યારે પણ ભારત તટસ્થ જ રહ્યું હતું. કૂટનીતિમાં મૂંગા રહેવું પણ ઘણું બધું કહી દેતું હોય છે અને તટસ્થ રહેવાના પણ એના પોતાના સંકેતો હોય છે."



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












