રશિયા-યુક્રેન સંઘર્ષ : યુક્રેનમાં જ્યારે ફૈસલે કમલ માટે ફ્લાઇટ છોડી દીધી-યુપીના બે મિત્રોની કહાણી
- લેેખક, શહબાઝ અનવર
- પદ, બિજનૌરથી, બીબીસી હિન્દી માટે
યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે માનવીય વિટંબણાઓની સાથેસાથે માનવતાની મહેકભરી કહાણીઓ પણ જોવા મળી રહી છે.
આવી જ એક કહાણી છે ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના મોહમ્મદ ફૈસલ અને વારાણસીના કમલસિંહ રાજપૂતની.
ફૈસલને યુક્રેન પર થયેલા હુમલા પહેલાં ભારત પાછા ફરવાની તક મળી હતી, પરંતુ એમણે પોતાની સાથે ભણતા મિત્ર કમલ માટે ફ્લાઇટ જતી કરી, અને હવે બંને દોસ્ત રોમાનિયાની શરણાર્થી શિબિરમાં દેશમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે.

ઇમેજ સ્રોત, KAMAL AND FAISAL
બંને યુક્રેનના ઇવાનોસ્થિત ફ્રૅન્કવિસ્ક નૅશનલ મેડિકલ યુનિવર્સિટીમાં એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થી છે.

શી છે ઘટના?

ઇમેજ સ્રોત, KAMAL AND FAISAL
ફૈસલને ભારત પાછા ફરવા માટે 22 ફેબ્રુઆરીએ પછીના દિવસની ફ્લાઇટની ટિકિટ મળી ગઈ હતી પરંતુ કમલસિંહને ટિકિટ મળી નહોતી, જેથી તેઓ નિરાશ થયા હતા.
પોતાના દોસ્તને ઉદાસ થયેલો જોઈને ફૈસલે કહ્યું કે તે ફ્લાઇટમાં નહીં જાય.
બીબીસીએ આ બંને મિત્રોનો રોમાનિયાની શરણાર્થી શિબિરમાં ફોન પર સંપર્ક કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટેલિફોનિક વાતચીતમાં કમલસિંહે જણાવ્યું કે, "એવા સમયે કે જ્યારે બધાં લોકોને અહીંથી ભાગી જવાની પડી હતી, ફૈસલે પોતાની ફ્લાઇટ છોડી દીધી. એમનાં માતા અને પરિવારનાં અન્ય લોકોના કૉલ આવ્યા હતા કે 23 ફેબ્રુઆરીએ ફ્લાઇટ છે, પરંતુ ફૈસલે ઘરનાં લોકોને સ્પષ્ટ કહી દીધું કે તેઓ ભારત નથી આવતા. ફૈસલને મેં ઘણું કહ્યું કે તેઓ જતા રહે, હું આવી જઈશ, પરંતુ તેઓ મને છોડીને ના ગયા."
ફૈસલ પોતાના ફ્લાઇટ જતી કરવાના નિર્ણયને યોગ્ય ગણાવે છે. તેમણે કહ્યું, "કમલ અને હું 11 ડિસેમ્બર, 2021એ યુક્રેનના કિએવમાં પહેલી વાર મળ્યા હતા. હું કતાર ઍરલાઇન્સ દ્વારા ગયો હતો, જ્યારે કમલ ફ્લાય દુબઈ દ્વારા ગયેલા. અમારો પરિચય થયો અને પછી અમે એક જ ટ્રેનમાં ઇવાનો પહોંચ્યા અને અહીં એક જ હૉસ્ટેલમાં રહેવા લાગ્યા. અમારા વિચારોમાં ઘણું સામ્ય છે."
યુદ્ધની સ્થિતિમાં પણ ફ્લાઇટ જતી કરવાના નિર્ણય વિશે ફૈસલે કહ્યું કે, "મારી ફ્લાઇટ 23 ફેબ્રુઆરીની હતી. માએ ફોન કરીને જાણકારી પણ આપી દીધી હતી, પરંતુ મેં ચોખ્ખા શબ્દોમાં ઇનકાર કરી દીધો. મારી જગ્યાએ મારા કૉન્ટ્રાક્ટરે બીજા કોઈને ફ્લાઇટમાં ભારત મોકલી દીધા."
"મારા મગજમાં એક વિચાર આવ્યો કે જ્યારે સારા સમયમાં દોસ્ત છે તો ખરાબ સમયમાં પણ મારે પોતાના મિત્રનો સાથ ન છોડવો જોઈએ. કમલની ટિકિટ બુક નહોતી થઈ શકી તેથી મેં પણ મિત્રને છોડી જવાનું યોગ્ય ન માન્યું."

પરિવારોની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, KAMAL AND FAISAL
કમલસિંહ રાજપૂતનો પરિવાર વારાણસીના પાંડેપુરમાં રહે છે. ત્યાં એમના પિતા ઉદયનારાયણસિંહની હૉસ્પિટલ છે, જ્યારે માતા ગૃહિણી છે. કમલનાં બહેન વર્તિકા આઇઆઇટી ભોપાલમાં ભણે છે.
બીજી તરફ, ફૈસલનો પરિવાર ઉત્તર પ્રદેશના હાપુડમાં બુલંદશહર રોડ પર રહે છે. એમના પિતા સાઉદી અરબમાં એક કંપનીમાં નોકરી કરે છે.
ફૈસલનાં માતા સાયરાએ બીબીસીને જણાવ્યું કે, "દીકરાની ફ્લાઇટ 23 ફેબ્રુઆરીએ હતી, પરંતુ અચાનક જ એના ફ્લાઇટ જતી કરવાના નિર્ણયથી અમે બધાં ચોંકી ગયાં હતાં. સાચું કહું તો હું દીકરાની સુરક્ષા બાબતે ખૂબ જ ચિંતાતુર હતી અને આવા સમયમાં એનો આ નિર્ણય બિલકુલ યોગ્ય ના લાગ્યો, પરંતુ ફૈસલે જ્યારે કમલ વિશે જણાવ્યું તો અમને લાગ્યું કે કદાચ એણે બરાબર જ કર્યું છે. હવે અમારી દુઆઓમાં બંને બાળકોનો સમાવેશ થઈ ગયો છે."

એકબીજાનો હાથ પકડીને પાર કરી સરહદ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ફૈસલે જણાવ્યા અનુસાર, એમણે ગયા શનિવારની સવારે 11 વાગ્યે ઇવાનો છોડ્યું હતું. તેમને બસ દ્વારા રોમાનિયાની બૉર્ડરથી અંદાજે 10 કિલોમીટર દૂર જ ઉતારી દેવાયા હતા. ત્યાંથી એમણે ચાલતાં જઈને બૉર્ડર ક્રૉસ કરવાની હતી.
ફૈસલે કહ્યું કે, "અમે બપોરના લગભગ સાડા ત્રણ વાગ્યે બૉર્ડરથી અંદાજે 10 કિલોમીટર દૂર પહોંચી ગયા હતા. ત્યાર બાદ મેં અને કમલસિંહે એકબીજાનો હાથ પકડી લીધો. અમે કહ્યું કે આપણે એકબીજાનો હાથ નહીં છોડીએ."
કલાકોની મથામણ અને ખૂબ જ ભીડ વચ્ચે પણ ફૈસલ અને કમલે એકબીજાનો હાથ ન છોડ્યો.
કમલસિંહે કહ્યું કે, "ત્યાં બૉર્ડર ક્રૉસ કરવી આસાન નહોતું. ખૂબ જ ભીડ હતી. બધાને ખાલી પોતાની જ પડી હતી. અમે કલાકો સુધી ધક્કામુક્કીમાં રહ્યા. રવિવારે સવારે સાડા ત્રણ વાગ્યે અમે બૉર્ડરના ગેટની લગોલગ પહોંચ્યા. ભીડના ધક્કાને કારણે અમે ગેટ સાથે જાણે ચોંટી ગયા હતા. એમાં જ ધીરે ધીરે આગળ વધતા ગયા."
"જ્યારે ગેટમાંથી પસાર થવાનું આવ્યું ત્યારે યુક્રેની સૈનિકોએ અમારા ખભા પર બંદૂકોના બટ માર્યા. તેઓ અમે બંનેએ એકબીજાનો હાથ પકડેલો હતો તેથી નારાજ હતા, પરંતુ અમે એકબીજાનો હાથ ના છોડ્યો. સવારે સાડા છ વાગ્યે અમે રોમાનિયા બૉર્ડરમાં પ્રવેશ્યા. એ જ સવારે લગભગ સાડા નવ આસપાસ તમામ ઔપચારિકતાઓ પૂરી થયા બાદ અમે શરણાર્થી શિબિર રોમાનિયામાં પહોંચી ગયા હતા. હવે અહીં ફ્લાઇટની રાહ જોઈ રહ્યા છીએ."

ભારતમાં ભણતર મોંઘું, તેથી ગયા યુક્રેન

ઇમેજ સ્રોત, KAMAL AND FAISAL
ફૈસલ અને કમલસિંહ, બંનેએ બારમા ધોરણ પછી બે વખત નીટની પરીક્ષા આપી છે.
બકૌલ મોહમ્મદ ફૈસલે 2020-21માં નીટમાં 512 માર્ક્સ મેળવ્યા હતા, પરંતુ આટલા માર્ક્સમાં પ્રાઇવેટ મેડિકલ કૉલેજમાં જ ઍડ્મિશન મળી શકતું હતું.
અહીં ભારતમાં સંપૂર્ણ અભ્યાસનો ખર્ચ લગભગ 65-70 લાખ રૂપિયા આપવો પડતો, જે એમના પરિવારના બજેટ બહાર હતો.
કમલસિંહને પણ એ જ વર્ષની નીટની પરીક્ષામાં 527 માર્ક્સ મળ્યા હતા. એમણે પણ આ જ કારણ ગણાવીને યુક્રેનમાં મેડિકલમાં ભણવા જવાની વાત કહી.

ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ કરે સરકાર
વાતચીતની વચ્ચે વચ્ચે બંને મિત્રો વારે-વારે એક જ વાત પર ભાર મૂકતા હતા કે સરકારે યુક્રેનમાં ફસાયેલાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને મદદ કરવી જોઈએ.
કમલસિંહે કહ્યું, "અમને ખબર છે કે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ત્યાં કેવી મુશ્કેલીમાં છે. મેં મારી નજરે જોયું છે કે કઈ રીતે ભૂખ્યાં-તરસ્યાં બાળકો કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે બૉર્ડર ક્રૉસ કરવાની કોશિશ કરી રહ્યાં છે. ઘણી છોકરીઓ તો બેભાન થઈને પડી ગઈ. સરકારે એમની મદદ કરવી જોઈએ."
યુરેશિયા એજ્યુકેશન લિંકના સંસ્થાપક ડૉક્ટર મસરૂર અહમદ યુક્રેનમાં ફસાયેલાં બાળકોને ત્યાંથી બહાર કાઢી લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. એમની સંસ્થાના માધ્યમથી દર વર્ષે સેંકડો બાળકો યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરવા પહોંચે છે.
ડૉક્ટર મસરૂરે બીબીસીને જણાવ્યું કે, "હાપુડના મોહમ્મદ ફૈસલ મારા સ્ટુડન્ટ છે. 23 ફેબ્રુઆરીએ એમની ફ્લાઇટ હતી, પરંતુ તેઓ એ ફ્લાઇટમાં નહોતા ગયા. એમની જગ્યાએ બીજા વિદ્યાર્થીને મોકલવામાં આવ્યા હતા."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













