યુક્રેન સંકટ : ગુજરાતના વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા બીજા દેશોમાં કેમ જાય છે?
- લેેખક, હિંમત કાતરિયા
- પદ, બીબીસી ગુજરાતી
રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓ સુધી સરહદે વિવાદ ચાલ્યા બાદ બંને દેશો વચ્ચે હવે સંઘર્ષ જારી છે.
આના કારણે કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ. જેની અસર ભારતમાં પણ પડી. ભારતના અસંખ્ય વિદ્યાર્થીઓ યુક્રેનની કૉલેજોમાં અભ્યાસ કરતાં હોઈ સ્વદેશમાં તેમના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું.
સોશિયલ મીડિયામાં સતત ભારતીય વિદ્યાર્થીઓના મદદ માટેના વીડિયો સંદેશ વાઇરલ થવા લાગ્યા.

ઇમેજ સ્રોત, NANDAN DAVE
આ તમામ પરિસ્થિતિને નિકટથી જોવાનો પ્રયાસ કરવામાં આવે તો જાણવા મળે છે કે ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન જેવા નાના દેશોમાં ખાસ કરીને મેડિકલના અભ્યાસ માટે જાય છે.
પરંતુ આવું કેમ? ભારત અને ગુજરાતમાં અસંખ્ય મેડિકલ કૉલેજો અને યુનિવર્સિટીઓ હોવા છતાં ભારતના વિદ્યાર્થીઓ યુક્રેન જેવા નાના દેશો પર કેમ પસંદગી ઉતારે છે?
ભાષા અને સંસ્કૃતિનો અવરોધ હોવા છતાં કેમ ભારતીય વિદ્યાર્થીઓ અને તેમનાં માતાપિતા નાના ઇસ્લામિક અને યુરોપિયન દેશોને મેડિકલના અભ્યાસ માટે પસંદ કરી રહ્યા છે.
આ પ્રશ્ન એટલો ચર્ચાસ્પદ બન્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ બાબતની નોંધ લીધી છે.
આ પ્રશ્નનો સંતુલિત જવાબ મેળવવા માટે બીબીસી ગુજરાતીએ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પહેલાં જાણીએ કે યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી સહિત ભારતીય વિદ્યાર્થીઓને કેવી કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની વ્યથા

ઇમેજ સ્રોત, RAJAT JOHAL
શહબાઝ અનવરે ઉત્તર પ્રદેશના બિજનોરથી બીબીસી માટે એક ખાસ અહેવાલમાં યુક્રેનમાં ફસાયેલાં એક વિદ્યાર્થિનીની સ્થિતિ જણાવી હતી.
આ અહેવાલમાં યુક્રેનમાં ફસાયેલાં ઉત્તર પ્રદેશના બિજનોરના સના ઉર્ર રહેમાને તેમની ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું :
"યુક્રેનમાં હવાઈ હુમલા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. લોકોએ સુપર માર્કેટમાંથી દાળ, ચોખા, લોટ બધું ખરીદી લીધું છે. અમે ખરીદી માટે પહોંચ્યા ત્યાં સુધીમાં બધો સ્ટૉક વેચાઈ ચૂક્યો હતો. તેથી અમારે મેગી, ફળો, બ્રેડ કે જ્યૂસ વગેરે ખરીદવાં પડ્યાં હતાં. અમે શું કરીએ? ખાવા માટે જે સામગ્રી લીધી છે તેનાથી તો બહુ-બહુ બે-ત્રણ દિવસ ગુજારો થઈ શકશે."
કંઈક આવો જ કિસ્સો છે પ્રતીક વર્માનો.
યુક્રેનમાં અભ્યાસ કરતા બુલંદશહેરના રહેવાસી પ્રતીક વર્માએ એક વીડિયો બનાવીને તેમના પરિવારજનોને મોકલ્યો હતો.
વીડિયોમાં પ્રતીક જણાવે છે કે તેઓ કિએવમાં એક સ્થળે રેલવે સ્ટેશન પર ફસાયેલા છે. તેઓ તેમને ત્યાંથી બહાર કાઢવા માટે અપીલ કરી રહ્યા છે.

'ભારતમાં મેડીકલનો અભ્યાસ કરો, નાના વિદેશી દેશોમાં નહીં'
ભારતીય વિદ્યાર્થીઓ ભાષા અવરોધ હોવા છતાં તબીબી શિક્ષણ માટે ઘણા નાના દેશોમાં જઈ રહ્યા છે તેની નોંધ લેતાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ખાનગી ક્ષેત્રને આગળ આવવા અપીલ કરી હતી.
ડેક્કન હેરાલ્ડના એક અહેવાલ અનુસાર, આરોગ્યક્ષેત્રની કેન્દ્રીય બજેટ જાહેરાતો પર વેબિનારમાં બોલતાં PM મોદીએ સૂચવ્યું કે, "રાજ્ય સરકારોએ તબીબી શિક્ષણ માટે જમીન ફાળવણી માટે 'સારી નીતિઓ' પણ ઘડવી જોઈએ. જેથી ભારત વૈશ્વિક માંગને પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં ડૉકટરો અને નર્સો બનાવી શકે."
યુક્રેન પર રશિયાના હુમલા બાદ સર્જાયેલી પરિસ્થિતિના સંદર્ભમાં તેમણે આ ટિપ્પણી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જોકે PM મોદીએ યુક્રેનનો સીધો ઉલ્લેખ કર્યો નહોતો.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, "ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશમાં જાય છે, ખાસ કરીને તબીબી શિક્ષણ માટે. પરિણામે સેંકડો અબજો રૂપિયા પણ દેશની બહાર જઈ રહ્યા છે. ત્યાં ભાષાની સમસ્યા છે. ત્યારે શું આપણું ખાનગી ક્ષેત્ર આ ક્ષેત્રમાં મોટા પાયે પ્રવેશી ન શકે? શું આપણી રાજ્ય સરકારો જમીનફાળવણી સારી રીતે ન કરી શકે?"
ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં ફસાયેલા અમુક ભારતીય વિદ્યાર્થીઓને રાહત અને બચાવ ફલાઇટ મારફતે સલામત રીતે રવિવારે વહેલી સવારે ચાર વાગ્યે નવી દિલ્હી અને ત્યાંથી ગુજરાત લાવવામાં આવ્યા. જ્યાંથી તેમના વતન સુધી પહોચાડવાની વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકારે કરી હતી.
હવે વાત કરીએ યક્ષપ્રશ્નની. આખરે કેમ ભારતના ભવિષ્યના ડૉક્ટરો પોતાની કારકિર્દીના નિર્માણ માટે સ્વદેશીની જગ્યાએ વિદેશી કૉલેજો અને યુનિવર્સિટીઓ પર પસંદગી ઉતારે છે.

શા માટે વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે વિદેશમાં જાય છે?
સુરતનાં પૂજા પટેલ યુક્રેનની બુકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યાં છે.
બૅન્કમાં કામ કરતા તેમના પિતા અશોક પટેલના કહેવા પ્રમાણે, "પૂજાનું એમબીબીએસનું પૅકેજ 19.70 લાખનું હતું. જેમાં ભોજનનો સમાવેશ થતો નથી. એક વર્ષ માટે કૅન્ટીનમાં જમવાનું ફરજિયાત છે."
"જેનો વાર્ષિક એક હજાર ડોલર ખર્ચ છે. તે પછી વિદ્યાર્થી પોતાની રીતે ભોજનની વ્યવસ્થા કરી શકે છે. પૂજાના અભ્યાસ માટે આવવા જવા સહિતનો કુલ ખર્ચ 25 લાખ થશે."
તેઓ કહે છે, "યુક્રેન, કઝાકિસ્તાન, બેલારુસ, કાર્ગિસ્તાન, જ્યોર્જિયા, રશિયા વગેરે દેશોમાં આટલાં પૅકેજ હોય છે. જ્યારે અહી 80 લાખથી એક કરોડ રૂપિયાનું પૅકેજ લેવું પડે, જે કોને પોસાય?"
"મેં કઝાકિસ્તાન અને કાર્ગિસ્તાન એ બે મુસ્લિમ દેશમાં પૅકેજ 13 લાખ અને 15 લાખની આસપાસ હોવાનું પણ સાંભળ્યું છે. ભોજનના ખર્ચ સાથે 19 લાખમાં અભ્યાસ પૂરો થઈ જાય. આટલા ઓછા ખર્ચમાં સારું ભણવાનું મળતું હોય તો લોકો શું કામ ન જાય?"
પૂજાનો પ્રવેશ અમદાવાદની શ્રીહરિ એજ્યુકેશન કન્સલ્ટન્સીના માધ્યમથી થયું હતું.
અશોક પટેલના કહેવા પ્રમાણે ત્યાંથી ભણીને આવેલા વિદ્યાર્થીએ અહીં પ્રૅક્ટિસ કરી શકે માટે તેમણે MCIની પરીક્ષા પાસ કરવી પડે છે. પહેલાં આ પરીક્ષાનો નિયમ માત્ર વિદેશી વિદ્યાર્થીઓ માટે જ હતો પરંતુ વર્ષ 2023થી બધા માટે આ પરીક્ષા આપવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
પોતાનાં બાળકોને યુક્રેનમાં ભણાવવાનાં નકારાત્મક પાસાં ધ્યાનમાં આવ્યાં છે? આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, "શિક્ષણ તો ત્યાંનું સારું જ છે પરંતુ ત્યાં વસતિ ઓછી હોવાથી અને અહીં વસતિની ગીચતા વધુ હોવાથી અહીં હૉસ્પિટલોમાં જે અનુભવ મળે તે ત્યાં ન મળી શકે, એ એક માઇનસ પૉઇન્ટ છે."

અભ્યાસક્રમ સમાન પરંતુ ફીમાં જમીન-આસમાન સમો ફેર કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
આવાં જ અન્ય એક વિદ્યાર્થિની એવાં અમદાવાદનાં ઇઝમા મન્સુરી યુક્રેનની પશ્ચિમે આવેલી બુકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં એમબીબીએસના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે.
ભારત સરકારની રેસ્ક્યૂ ફ્લાઇટમાં તેઓ વતન આવ્યાં છે.
ઇઝમાના પિતા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "ઇઝમાને બારમામાં 65 ટકા ગુણ મળ્યા હતા અને ત્યાં 25થી 30 લાખ રૂપિયાના ખર્ચમાં એમબીબીએસ પૂરું થઈ જાય છે. ઉપરાંત અહીંના અને ત્યાંના અભ્યાસક્રમમાં ખાસ કોઈ તફાવત નથી. અહી અભ્યાસમાં ભારે ખર્ચને કારણે અમે દીકરીને ત્યાં ભણવા મૂકી. અત્યાર સુધી કોઈ સમસ્યા થઈ નહોતી."
તેઓ ઉમેરે છે, "બાળકને હૃદયથી દૂર કરીને બહાર ભણવા મોકલવું કોઈને ન ગમે પણ સંતાનના ભવિષ્યને અને અહીંના મોંઘા શિક્ષણને ધ્યાનમાં રાખીને આવા નિર્ણયો લેવા પડે છે."
અભ્યાસક્રમ અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં આવે છે અને ઇઝમાના પિતાના કહેવા પ્રમાણે, પ્રથમ સેમેસ્ટરમાં યુક્રેનિયન ભાષા પણ ભણાવવામાં આવે છે જેથી ભારતીય વિદ્યાર્થીઓ ત્યાંની હૉસ્પિટલોમાં લોકો સાથે સંવાદ સ્થાપી શકે.
આ સિવાય ધોરણ 12માં 65 ટકા સાથે વર્તમાન વર્ષમાં જ યુક્રેનમાં એમબીબીએસ કરવા ગયેલા ઓમ જાની યુક્રેનમાં ફસાયા હતા અને પહેલી ફ્લાઇટમાં વતન રાજકોટ પરત ફર્યા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ

યુક્રેનમાં અભ્યાસ દરમિયાન કેવી તકલીફોનો સામનો કરવો પડે છે?
આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, "ત્યાંની ઠંડી સહન થઈ શકે એવી હોય છે. દરેક યુનિવર્સિટી સ્થાનિક ભાષા શીખવે છે એટલે ભાષાની કોઈ સમસ્યા નડતી નથી. આમ આપણો સમાજ ત્યાં નથી પરંતુ હજારો ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે એટલે એકલતા નથી લાગતી. હું જે કૉલેજમાં ભણું છું તેમાં જ 1,000-1,500 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે."
જસદણનાં દામિની રાઠોડ યુક્રેનમાં એમબીબીએસમાં ભણે છે. તેમનાં માતા-પિતા નર્સિંગ સ્ટાફમાં છે.
અહી તેમને મેડિકલમાં અભ્યાસ માટેની ફી પોસાતી નહોતું એટલે 20 લાખના પૅકેજમાં દીકરીને યુક્રેન ભણવા મોકલ્યાં હતાં.
તેમના પિતા જગદીશ રાઠોડ કહે છે, "અહી આયુર્વેદમાં ફ્રીમાં પ્રવેશ મળતો હતો પણ મારી દીકરીને એમબીબીએસ જ કરવું હતું. અમને અહીંની ફી પોસાતી નહોતી એટલે ત્યાં મોકલી અને ત્યાં તેમને કોઈ તકલીફ નહોતી."
વિદ્યાર્થીઓને યુક્રેન ભણવા મોકલતી શ્રીહરિ ઍજ્યુકેશન કન્સલ્ટન્સીના ડૉ. નિર્ભય વિદેશમાં ભણવાના ફાયદા ગણાવતા કહે છે, "મેં મારું એમબીબીએસ બુકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી, યુક્રેનમાંથી કર્યું છે. હું માત્ર આ યુનિવર્સિટી સાથે જોડાયેલો છું."
"અત્યારે આ યુનિવર્સિટીમાં 800-900 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેઓ અમારા મારફતે ત્યાં ગયા છે. વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓને વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિનો લાભ મળે છે, જો તમે સારી કૉલેજમાં હો તો પ્રૅક્ટિકલનો પણ સારો અનુભવ મળે છે."
તેઓ આગળ જણાવે છે કે, "ઠંડી અને ભોજન એ ત્યાંનાં નકારાત્મક પાસાં છે. ઠંડીની સાથે તમે અનુકૂલન સાધી શકો છો. ભોજન માટે અહીંથી રસોઇયાને લઈ જઈ શકો છો. આવી રીતે ઘણા રસોઇયા ત્યાં જાય છે."

વિદેશમાં MBBS સસ્તું અને ભારતમાં મોંઘું કેમ?

ઇમેજ સ્રોત, RAJAT JOHAL
વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વાત કરતાં તબીબી અભ્યાસ માટે વિદેશને પસંદ કરવા પાછળનું મુખ્ય કારણ મોટા ભાગે ઓછી ફી જ હોવાનું સામે આવ્યું.
યુરોપિયન દેશોમાં એમબીબીએસ કેમ આટલું સસ્તું અને અહીં કેમ મોંઘું છે?
આ પ્રશ્નના જવાબમાં એક અધિકારી નામ નહીં આપવાની શરતે કહે છે કે, "આપણે મેડિકલ ઍજ્યુકેશનને ગુણવત્તાના નામે પ્રિમિયમ કાર જેવું બનાવી દીધું છે. જેમાં સંસ્થા ઊભી કરવા માટેની સગવડો પાછળનો ખર્ચ સામેલ છે. સંસ્થા પાછળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળનો ખર્ચ જ 400-500 કરોડ રૂપિયા થાય છે."
આ શિક્ષણ પર ઘણાં વરસો સુધી સરકારે નિયંત્રણ રાખ્યું એટલે માંગ અને પુરવઠામાં ભારે અંતર સર્જાયું. એટલે નવી ખૂલેલી ખાનગી કૉલેજો પ્રિમિયમ ચાર્જ કરવા માંડી."
આ અધિકારી વધુ માહિતી આપતાં કહે છે કે, "આ સિવાય મેડિકલ શિક્ષણ માટે લાયકાત ધરાવતા શિક્ષકો પણ ખૂબ ઊંચી ફી વસૂલતા હોય છે, જેને કારણે કુલ ખર્ચમાં તોતિંગ વધારો થાય છે."
અંતમાં તેઓ ઉમેરે છે, "આ સિવાય પણ આપણા દેશમાં મેડિકલના અભ્યાસ માટેનો ખર્ચ કેમ વધારે આવે છે અને ત્યાં કેમ ઓછો થાય છે તે અંગે વિગતવાર અભ્યાસ થાય તે જરૂરી છે."



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












