રશિયા-યુક્રેન સંઘર્ષ : યુક્રેનમાં વસતા ગુજરાતીઓ માટે શું છે હેલ્પલાઇન નંબર?
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. ત્યારે યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ થઈ છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ જાણકારી આપી છે.

તેમણે ટ્વીટમાં લખ્યું કે "બહુ દુ:ખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખારકિએવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તેમણે કહ્યું કે મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે અને અમે એમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે રશિયન સેનાનો કાફલો યુક્રેનની રાજધાની કિએવ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ત્યાં પરિસ્થિતિ વધુ બગડે તેમ હોવાથી યુક્રેનમાં ભારતીય દૂતવાસે એક નવી ઍડવાઇઝરી જારી કરી છે.
ટ્વિટર પર શૅર કરાયેલી ઍડવાઇઝરીમાં દૂતાવાસે કિએવમાં રહેતા ભારતીય નાગરિકોને આજના દિવસમાં તાત્કાલિક ધોરણે ટ્રેન અથવા તો કોઈપણ રીતે કિએવ છોડવા કહ્યું છે.

યુક્રેનમાં ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ પણ ફસાયા

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારે યુક્રેનમાં ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ પણ ફસાયેલા છે. તેમણે ભારત સરકાર પાસેથી મદદ માટે અપીલ કરી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર ગુજરાત સરકારના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ગુરુવારે બાંહેધરી આપી કે કેન્દ્ર સરકાર અને યુક્રેનમાં ભારતીય દૂતાવાસ દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા બધા લોકો જેમાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે, તેમને ઇમર્જન્સી નંબર આપેલા છે. તેમણે ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવું જોઈએ.
"કેટલાક ગુજરાતીઓ સહિત ભારતીયો માટે ફ્લાઇટ્સની વ્યવસ્થા કરાઈ હતી પરંતુ કેટલાક ગુજરાતીઓ ત્યાં પહોંચી શક્યા નહોતા. હવે પરિસ્થિતિ વણસી રહી છે." તેમણે ભરોસો અપાવવાનો પ્રયત્ન કર્યો કે ભારતીયોની સુરક્ષા ભારતની સરકારની પ્રાથમિકતા છે.
બીબીસી ગુજરાતીએ કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી જેમણે જણાવ્યું કે ત્યાં શું પરિસ્થિતિ છે.
યુક્રેનમાં અભ્યાસ કરતાં ગુજરાતનાં એક વિદ્યાર્થિની આઇશા શેખે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે ક્યારના ભારતીય દૂતાવાસ અને યુનિવર્સિટીને કહી રહ્યા કે કંઈક પગલાં લેવાવા જોઈએ પરંતુ અમારી યુનિવર્સિટીએ અમારું ન સાંભળ્યું અને ભારતીય દૂતાવાસે યુનિવર્સિટી પર કોઈ દબાણ પણ ન કર્યું."
ગુરુવારે રશિયાએ યુક્રેન પર સૈનિક કાર્યવાહીની જાહેરાત કરી ત્યારે ત્યાં માર્શલ લૉ લગાવવાની તૈયારી હતી.
તે વખતે આઇશાએ બીબીસી સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે "અહીં માર્શલ લૉ લાદવામાં આવશે એવું કહેવાઈ રહ્યું છે, શહેરમાં બૉમ્બવિસ્ફોટનો અવાજ સંભળાઈ રહ્યો, સાઇરન વાગી રહ્યાં છે. મારી સાથે આશિતા અને દિવ્યા નામની બે અન્ય વિદ્યાર્થિની છે. આશિતા રાજસ્થાન અને દિવ્યા મધ્ય પ્રદેશનાં છે. અમે અહીંયાં જ છીએ."
તેમણે કહ્યું કે યુનિવર્સિટીએ હવે જણાવ્યું કે જ્યારે પરિસ્થિતિ વણસી ગઈ છે ત્યારે ઑનલાઇન શિક્ષણ શરૂ કરાશે. પ્લીઝ, અમારી મદદ કરો. અમારી બધી ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે. અમને ખબર નથી કે કેવી રીતે પાછા જઈશું.
વધુમાં તેમણે કહ્યું કે, "ઍર ઇન્ડિયાની ફ્લાઇટ પણ કિવ નહોતી પહોંચી. અમે અપીલ કરીએ છીએ કે અમને અહીંથી બહાર કાઢવામાં આવે. અમે યુક્રેનમાં ભણીએ છીએ. અમારી સરકારે અમને બચાવવા માટે કંઈકને કંઈક કરવું જોઈએ. અમે ફસાયેલા છીએ"

ભારતમાં તેમનાં માતા સબિયા શેખે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "એ લોકોની પરિસ્થિતિ સારી નથી. અમે ભારત સરકાર અને યુક્રેનમાં ભારતીય દૂતાવાસને અપીલ કરીએ છીએ કે એમને બહાર કાઢવામાં આવે. ભારતના બધા વિદ્યાર્થીઓને પાછા લાવો."
"તેમની પાસે પૈસા નથી, ભોજન નથી, કૅન્ડલ-ટૉર્ચ કંઈ નથી. માર્શલ લૉ આવવાથી વીજળી, પાણી, ગૅસ પાઇપલાઇન બધું બંધ થઈ જશે. બાળકો શું ખાશે-પીશે."
ગુજરાતનાં રુહીના શેખ નામનાં વિદ્યાર્થિનીએ કહ્યું કે, "બધી ફ્લાઇટ્સ બંધ થતાં અમે સ્વદેશ પાછા નથી આવી શકતા. મારી વિનંતી છે કે ભારતીય દૂતાવાસને જલદી પગલાં લેવા જોઈએ."
રુહીના શેખના ભાઈ રઈસ શેખે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "અમારી બહેન યુક્રેનમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે અને ફાઇનલ યરમાં છે. અત્યારની પરિસ્થિતિ બગડી છે અને તે ફસાયેલી છે, તેની સાથે હૉસ્ટલમાં 25-30 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. ભોંયરામાં આશરો લઈ રહ્યા છે."
ભારતીય દૂતાવાસ તરફથી ગુરુવારે યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકો માટે ત્રીજી ઍડવાઇઝરી જાહેર કરી છે.

યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ હેલ્પલાઇન નંબર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બિનનિવાસી ગુજરાત વિભાગ દ્વારા પણ આ માટે ખાસ નંબર જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્ય બિનનિવાસી વિભાગ દ્વારા જાહેર કરાયેલા નંબર 079 232-51312 અને 079 232-51316 છે. આ નંબર પણ ફોન કરી મદદ અને માર્ગદર્શન મળી શકાશે.
યુક્રેનસ્થિત ભારતીય દૂતાવાસમાં મદદ માટે +380997300428, +380997300483 નંબર પર [email protected] મેઈલ કરી શકાશે.
યુક્રેનમાં ફસાયેલા લોકોની જાણકારી માટે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. આ કંટ્રોલ રૂમનો નંબર 27552144 અને 27560511 છે.
અમદાવાદ જિલ્લાના લોકો આ કંટ્રોલ રૂમમાં યુક્રેનમાં ફસાયેલા લોકોની જાણકારી આપી શકશે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રયાસ

ગુરુવાર રાત્રે પ્રેસ કૉન્ફરન્સમાં ભારતના વિદેશ સચિવે હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે યુક્રેનમાં 20 હજાર ભારતીયો હાજર છે અને ભારતે યુક્રેનની પરિસ્થિતિ મુજબ કેટલાંક પગલાં લીધાં છે.
તેમણે કહ્યું કે યુક્રેનમાં ઘટનાક્રમ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે. પરિસ્થિતિ મુજબ કેટલાંક પગલાં લેવામાં આવ્યાં જેમાં ત્યાં રહેતા ભારતીય નાગરિકોનું પંજીકરણ પણ સામેલ છે.
શ્રૃંગલાએ કહ્યુંકે આ કામ એક મહિના પહેલાંથી શરૂ થઈ ગયું હતું. ઑનલાઇન પંજીકરણથી જાણી શકાય કે યુક્રેનમાં 20 હજાર ભારતીયો રહે છે.
તેમણે કહ્યું કે ગત કેટલાક દિવસોમાં 4,000 ભારતીય યુક્રેન છોડી ચૂક્યા છે. દિલ્હીસ્થિત વિદેશ મંત્રાલયના કંટ્રોલ રૂમથી 980 કૉલ્સ અને 850 ઇમેલ મળ્યા છે.
આ દરમિયાન તેમણે એવું પણ કહ્યું કે યુક્રેનસ્થિત ભારતીય દૂતાવાસ પોતાનું કામ ચાલુ રાખશે.
તેમણે કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ભારતીય અધિકારીઓને યુક્રેનની નજીક આવેલા દેશોમાં મોકલાયા છે.
આ અધિકારી રશિયન ભાષા બોલે છે જેથી આ કારણે તેમને પરેશાન નહીં થવું પડે. આમાંથી કેટલાક અધિકારી ત્યાં પહોંચી ગયા છે.
યુક્રેન, પોલૅન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા અને હંગરીમાં હાજર ભારતીય રાજદૂતોને કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાંથી કાઢવામાં આવેલા ભારતીયોને આ દેશોમાં પ્રવેશ અપાવે જેથી તેમને ભારત લાવી શકાય.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












