હાર્ટઍટેક : કોલેસ્ટ્રૉલ શું છે? તેનાથી શું જોખમ છે?

    • લેેખક, ડૉ. દુર્ગેશ મોદી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

હાર્ટઍટેક એક એવી અવસ્થા છે જેનો સંબંધ શરીરમાં વધી રહેલા કોલેસ્ટ્રૉલ સાથે હોવાનું માનવામાં આવે છે. તે ઘણી વાર મૃત્યુમાં પરિણમે છે. અમુક ફિલ્મ સ્ટાર અને ખ્યાતનામ ચહેરાના આ કારણસર નિધનથી ફરી એક વાર હાર્ટઍટેક અને કોલેસ્ટ્રૉલ ચર્ચામાં છે ત્યારે વાંચો આ જીવલેણ અવસ્થાને ટાળવા માટે કોલેસ્ટ્રૉલને નિયંત્રિત કરવાની ટિપ્સ.

હાર્ટ

ઇમેજ સ્રોત, Thinkstock

કોલેસ્ટ્રૉલ એ સ્ટરૉલ પ્રકારની એક ચરબી છે. માનવશરીરના લગભગ તમામ કોષોની દીવાલન આવશ્યક માળખાગત ભાગ હોય છે.

ઉપરાંત શરીરમાં અલગઅલગ પ્રકારના સ્ટેરૉઇડ અંત:સ્ત્રાવો જેવા કે એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, ગ્લુકોકોર્ટિંકોઇડ્સ, મિનરલોકોર્ટિંકોઇડ્સ તથા વિટામિન ડી અને પિત્ત એસિડની બનાવટમાં પુરોગામી ઘટક તરીકે અનિવાર્ય છે.

70 કિલોગ્રામના માણસમાં આશરે 35 ગ્રામ જેટલું કોલેસ્ટ્રૉલ શરીરના જુદા જુદા ભાગોમાં વહેંચાયેલું હોય છે અને અંદાજે એક ગ્રામનું રોજિંદું ચયાપચય થાય છે.

line

કોલેસ્ટ્રૉલ એટલે શું?

શેન વૉર્નનું નિધન હાર્ટઍટેકથી થયું હોવાની સંભાવના છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શેન વૉર્નનું નિધન હાર્ટઍટેકથી થયું હોવાની સંભાવના છે

સાધારણ લાઇપો પ્રોટીન ચકાસણીમાં કુલ કોલેસ્ટ્રૉલ HDL કોલેસ્ટ્રૉલ, LDL કોલેસ્ટ્રૉલ, VLDL, ટ્રાઇગ્લિસેરાઇડ્સના લોહીમાંના પ્રમાણ માપણી કરવામાં આવે છે. તે પૈકી HDLને સામાન્ય ભાષામાં સારું કોલેસ્ટ્રૉલ અને LDLને ખરાબ કોલેસ્ટ્રૉલ કહેવાય છે.

સારું કોલેસ્ટ્રૉલ ઓછું અને બાકીના તમામ લાઇપોપ્રોટીન વધુ હોય તો શરીરની રુધિરવાહિનીઓમા 'ઓથેરોસ્કેલેરોસિસ' થવાનું જોખમ વધુ રહે છે.

રુધિરવાહિનીઓની દીવાલોમાં ચરબી, કૅલ્શિયમ, માક્રોફેજ પ્રકારના શ્વેતકણો ભેગા થાય અને તેથી રુધિરના વહનનો રસ્તો સાંકડો થાય તે પરિસ્થિતિને આથેરોસ્કેલેરોસિસ કહે છે.

ઉત્તરોત્તર વધતાં જતાં આથેરોસ્કેલેરોસિસથી હૃદયરોગનો હુમલો, મગજનો લકવો, પીરેફરેલ આર્ટરી ડિસીઝ, કિડનીની બીમારીઓ થવાની સંભાવના વધતી જાય છે.

ખોરાકમાં વધુ પડતા તેલવાળા પદાર્થ લેવામાં આવે તો લોહીમાં કોલેસ્ટરૉલનું પ્રમાણ વધે. ખાસ કરીને સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ્સ લેવામાં આવે ત્યારે.

એ સિવાય ડાયાબિટીસ, મેદસ્વીપણું, દારૂનું સેવન, કોન્ટ્રાસેપ્ટિવ પિલ, સ્ટેરોઇડ દવાઓ, કિડનીની બીમારીઓ, યકૃતની બીમારીઓ, હાઇપોથાઇરોડિસમ અને કેટલાંક જનીનસંબંધી કારણોથી પણ લાઇપોપ્રોટીનનું પ્રમાણ શરીરમાં વધી શકે છે.

line

કોલેસ્ટ્રૉલની ચકાસણી કોણે કરાવવી જોઈએ?

કોલેસ્ટરૉલનું પ્રમાણ સુરક્ષિત મર્યાદામાં જાળવી રાખવા શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોલેસ્ટ્રૉલનું પ્રમાણ સુરક્ષિત મર્યાદામાં જાળવી રાખવા શું કરવું?

જનીનસંબંધી કારણસર વિવિધ પ્રકારના લાઇપોપ્રોટીનના ઊંચા પ્રમાણ યુવાનીમાં પણ વધી શકે છે. પરંતુ આ જનીનસંબંધી બીમારીઓ જવલ્લે જ જોવા મળે છે.

ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના દર્દીઓએ, 40 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ખાસ કરીને મેદસ્વી લોકોએ, ધૂમ્રપાન કે મદિરાપાન કરતાં લોકોએ ડૉક્ટરની સલાહ પછી જરૂરિયાત મુજબ લિપિડ પ્રોફાઇલની તપાસ કરાવવી જોઈએ.

કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીઓને ટાળવા અને આથેરોસ્કેલેરોસિસથી થતાં જોખમો ઓછાં કરવા કોલેસ્ટ્રૉલનું પ્રમાણ - ખાસ કરીને LDL કોલેસ્ટ્રૉલનું પ્રમાણ મર્યાદિત રાખવું આવશ્યક છે.

જીવનશૈલીમાં ફેરફાર એ આવું કરવા માટેનું પ્રથમ પગલું છે.

  • ખોરાકમાં સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ચરબીઓનું પ્રમાણ ઓછું કરવું
  • નિયમિતપણે એરોબિક કસરત કરવી. (દા.ત., અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ 30 મિનિટ દોડવું કે ઝડપથી ચાલવું.)
  • ધૂમ્રપાન અને દારૂનું સેવન બંધ કરવું, ડાયાબિટીસને કાબૂમાં રાખવો

આ તમામ પરિવર્તનો છતાં જો લોહીમાં કોલેસ્ટ્રૉલનું પ્રમાણ વધેલું રહે તો ડૉક્ટરની સલાહ અને શરીરની જરૂરિયાત મુજબ ઉપલબ્ધ અલગઅલગ દવાઓમાંથી સારી દવા લેવી. તેમાં શરૂઆત મહદ્અંશે સ્ટેટીન પ્રકારની દવાથી કરવામાં આવે છે.

એ સિવાય કોલેસ્ટરૉલનું શોષણ રોકતી દવાઓ, બાઇલ એસિડ સિક્વેસ્ટ્રન્ટ્સ, નિકોટીનિક એસિડ વગેરે દવાઓ પણ કેટલાક સંજોગોમાં વાપરવામાં આવે છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો