હસ્તમૈથુન કરવાના ફાયદા શું અને શરીરને કઈ નુકસાન થાય છે?
- લેેખક, ઓંકાર કરંબેળકર
- પદ, બીબીસી મરાઠી પ્રતિનિધિ
"ડૉક્ટર, મને હસ્તમૈથુનની 'ખરાબ' આદત પડી છે" કે પછી "ડૉક્ટર, હસ્તમૈથુનને કારણે મારા શરીરનો વિકાસ અટકી ગયો છે" જેવા અખબારો અને સામયિકોના પ્રશ્નોત્તર વિભાગમાં પૂછવામાં આવતા સવાલો તમે પણ વાંચ્યા હશે. આવા સવાલ મોટા ભાગના લોકોના મનમાં હોય છે.
સેક્સ અને તેની સાથે સંકળાયેલી મોટા ભાગની બાબતોને 'વર્જિત' ગણવામાં આવતી હોવાથી હસ્તમૈથુનસહિતના ઘણા વિષયોના સવાલો અનુત્તર રહી જાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
જીવનમાં જે વયે સેક્સ અને હસ્તમૈથુન સંબંધે જિજ્ઞાસા સર્જાય છે તે વયે એ સવાલોના જવાબ આપવા કોઈ ઉપલબ્ધ હોતું નથી. તેથી અયોગ્ય વ્યક્તિને પુછાયેલા આવા સવાલોના ખોટા જવાબ મળવાનું જોખમ વધારે હોય છે.
હસ્તમૈથુન વિશે મોકળાશથી વાત કરવામાં આવતી ન હોવાથી ગેરસમજ, અફવાઓ, ડરામણા વિચારો અને અનુચિત માર્ગદર્શનનું જોખમ વધે છે. તેથી વ્યક્તિના મનમાંનો ગૂંચવાડો ઘેરો બનવાની શક્યતા પણ વધુ હોય છે.

હસ્તમૈથુન એટલે શું?

ઇમેજ સ્રોત, Getty Images
હસ્તમૈથુન એટલે વ્યક્તિ દ્વારા તેના જનનાંગોને સ્પર્શ કરીને લેવામાં આવતો 'શારીરિક' સુખનો આનંદ. હસ્તમૈથુન કરતી વખતે વ્યક્તિ મનમાં કેટલીક કલ્પના કરે છે, શરીરસુખનો વિચાર કરીને ખુદને ઉત્તેજિત કરે છે અને વીર્યસ્ખલન કરે છે. દરેક વ્યક્તિ આ પ્રક્રિયા અલગ-અલગ રીતે કરતી હોય છે.
આ પ્રક્રિયાને હસ્તમૈથુન કહેવામાં આવે છે, પરંતુ લોકો વીર્યસ્ખલન માટે અલગ-અલગ રીતોનો ઉપયોગ કરતા હોય છે. હસ્તમૈથુનની વિભાવના અનુસાર, દરેક વ્યક્તિ આ પ્રક્રિયામાં હાથનો ઉપયોગ કરતી નથી.
'સમગ્ર કામજીવન' પુસ્તકના લેખક અને જાતીય સમસ્યાઓના નિષ્ણાત ડૉ. રાજન ભોસલેએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે "હસ્તમૈથુન શબ્દમાં હાથનો સંદર્ભ ભલે હોય, પણ દરેક વ્યક્તિની આગવી રીત હોઈ શકે. જેમ આપણે હાથથી ખાઈએ છીએ, ચમચાથી ખાઈએ છીએ કે ફોર્કથી ખાઈએ છીએ તેમ આનંદ મેળવવાની રીત બદલાઈ શકે છે, પરંતુ તેનું લક્ષ્ય સ્ખલન દ્વારા આનંદ મેળવવાનું છે. તેથી આજકાલ હસ્તમૈથુન માટે 'સેલ્ફ પ્લેઝર' શબ્દનો ઉપયોગ થાય છે."

હસ્તમૈથુન હાનિકારક છે?

ઇમેજ સ્રોત, Getty Images
હસ્તમૈથુન કરવામાં કશું ખરાબ નથી. વ્યક્તિ શરીરસુખનો આનંદ જાતે મેળવે તેમાં કંઈ ખોટું નથી. તે અત્યંત ખાનગી, વ્યક્તિગત બાબત છે, પરંતુ જાહેરમાં હસ્તમૈથુન કરવું તે ગુનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હસ્તમૈથુનથી તબિયત પર માઠી અસર થાય? રોગપ્રતિકારક ક્ષમતા ઘટે?
હસ્તમૈથુનથી કોઈ શારીરિક નુકસાન થતું નથી. તેની પ્રજનનક્ષમતા પર કે વીર્યનિર્માણની પ્રક્રિયામાં કોઈ માઠી અસર થતી નથી. તેને લીધે આંખો નીચે કાળાં કુંડાળાં પણ થતાં નથી.
હસ્તમૈથુનની શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પર તો જરાય અસર થતી નથી. કોઈ અશક્તિ પણ આવતી નથી.
આ વિશે વાત કરતાં 'મિથ્સ એન્ડ ફેક્ટ્સ ઓફ માસ્ટરબેશન' પુસ્તકના લેખક અને જાતીય સમસ્યાઓના નિષ્ણાત ડૉ. પ્રસન્ન ગદ્રેએ બીબીસી સાથેની વાતચીતમાં વધુ માહિતી આપી હતી.
ડૉ. ગદ્રેએ કહ્યું હતું કે "કોરોનાકાળમાં હસ્તમૈથુન કરવું જોઈએ કે નહીં એવો સવાલ પૂછવામાં આવે છે. આવા સમયગાળામાં હસ્તમૈથુન કરવામાં કંઈ ખોટું નથી. કોરોનામાં વ્યક્તિનું ઓક્સિજન લેવલ ઓછું થઈ જતું હોય છે એટલે તે સમયગાળામાં કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક તાણ લેવાની નહીં. કોવિડ પછી ઓક્સિજન લેવલ યોગ્ય સ્તરે હોય અને બીજી કોઈ સમસ્યા ન હોય તો હસ્તમૈથુન કરવામાં કોઈ વાંધો નથી."

હસ્તમૈથુન કરવાથી શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જાય?

ઇમેજ સ્રોત, Getty Images
હસ્તમૈથુન કરવાથી વીર્યપાત થાય છે, એ કારણે શરીરમાં લોહી ઘટે છે અને આખરે રોગપ્રતિકારક ક્ષમતા પર તેની માઠી અસર થાય છે, એવી ગેરસમજ પ્રવર્તે છે.
આ વિશે વાત કરતાં ડૉ. ગદ્રેએ કહ્યું હતું કે "શરીરમાંના રક્તકણ તથા શ્વેતકણના પ્રમાણ અને વીર્ય વચ્ચે કોઈ જ સંબંધ નથી. વીર્યપાત થવાથી રક્તનો પ્રવાહ અને રોગપ્રતિકારક ક્ષમતા ઘટતી હોવાની ગેરસમજ છે. હકીકતમાં આવું કશું જ નથી."
જે તણાવને કારણે રોગપ્રતિકારક ક્ષમતામાં ઘટાડો થાય છે એ જ તણાવથી મુક્તિ મેળવવા માટે હસ્તમૈથુનનો ઉપયોગ થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ સંદર્ભમાં ડૉ. ગદ્રેએ કહ્યું હતું કે "હસ્તમૈથુનની પ્રક્રિયા દરમિયાન મગજમાંથી ઓક્સિટોક્સિન નામનો એક પદાર્થ ઝરે છે, મગજમાં સારા હોર્મોન્સ સ્રવે છે અને એ સમયગાળામાં હૃદયમાંની રક્તવાહિની વિસ્તરે છે. હસ્તૈથુન શ્રાપ નહીં, વરદાન છે અને વરદાનથી રોગપ્રતિકારક ક્ષમતા ઘટે નહીં."
વારંવાર હસ્તમૈથુન કરવું યોગ્ય છે? દિવસમાં, સપ્તાહમાં, મહિનામાં કેટલી વખત હસ્તમૈથુન કરીએ તે યોગ્ય ગણાય? આવા સવાલો પણ કરવામાં આવે છે.
આ બાબતે વાત કરતાં ડૉ. રાજન ભોસલેએ કહ્યું હતું કે "કેટલા પ્રમાણમાં હસ્તમૈથુન યોગ્ય ગણાય તેનો કોઈ ચોક્કસ આંકડો નથી. તે પ્રમાણ વ્યક્તિ-વ્યક્તિએ બદલાતું હોય છે. તેમાં આંકડાનું મહત્ત્વ જ નથી. દરેક વ્યક્તિની હસ્તમૈથુનની શૈલી અલગ હોય છે અને તેથી તેનું આંકડો પણ અલગ-અલગ હોય છે. હસ્તમૈથુન વ્યસન ન બની જાય, તમારા જીવનમાં, એકાગ્રતામાં, અભ્યાસમાં કે કામમાં આડખીલીરૂપ ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ."
"કોઈ આદત કે વ્યસન તમારા જીવનમાં અડચણરૂપ બને તો સમસ્યા સર્જાય છે તેવું જ હસ્તમૈથુનની બાબતમાં પણ છે," એવું ડૉ. રાજન ભોસલેએ કહ્યું હતું.

હસ્તમૈથુન ન કરીએ તો શું થાય?

ઇમેજ સ્રોત, REBECCA HENDIN / BBC THREE
હસ્તમૈથુન કરશો નહીં, એક મહિના સુધી હસ્તમૈથુન ન કરો અને તમારા મન પર અંકુશ મેળવો એવી ઝુંબેશ આજકાલ ઇન્ટરનેટ પર ચાલી રહી છે.
હસ્તમૈથુન કરવાનું ટાળવાથી એકાગ્રતા સાધવામાં મદદ મળે છે, એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે. આ કારણે પણ લોકોના મનમાં શંકા સર્જાય છે.
જાતીય સમસ્યાઓના નિષ્ણાત ડૉ. પ્રકાશ કોઠારીએ બીબીસી સાથે હસ્તમૈથુન સંબંધી ગેરસમજો વિશે વાતો કરી હતી.
ડૉ. કોઠારીએ કહ્યું હતું કે "હું અત્યાર સુધીમાં લગભગ 50,000 દર્દીઓને મળ્યો છું. લોકોના મનમાં હસ્તમૈથુન બાબતે જાતજાતની ગેરસમજ પ્રવર્તે છે. હસ્તમૈથુનની પ્રક્રિયા સેક્સ જેવી જ છે. બન્નેમાં એક જ કામ થાય છે. તેથી હસ્તમૈથુનને કારણે કોઈ જ પ્રકારનું શારીરિક નુકસાન થતું નથી."
હસ્તમૈથુન કરવું જ ન જોઈએ એવી ધારણા સંદર્ભે ડૉ. કોઠારીએ કહ્યું હતું કે "તમે બે મહિના સુધી એક ડગલું પણ ન ચાલ્યા હો અને એક દિવસ અચાનક બે માઈલ ચાલવું પડે તો તમારા પગમાં દુખાવો થવાનો જ. તમે બે મહિના સુધી મૌન રહો અને તમને અચાનક વ્યાખ્યાન આપવાનું કહેવામાં આવે તો તમને બોલવા માટે શબ્દો મળશે નહીં. આ વાત આપણા જનનાંગોને પણ લાગુ પડે છે. હસ્તમૈથુન ખરાબ બાબત છે એવું એકેય શાસ્ત્રમાં લખ્યું નથી."

હસ્તમૈથુનના કોઈ નિયમો છે ખરા?

ઇમેજ સ્રોત, Getty Images
હસ્તમૈથુન એક કુદરતી પ્રક્રિયા છે, પણ તેમાં કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. જાહેરમાં હસ્તમૈથુન કરવું તે ગુનો છે એ યાદ રાખવું જરૂરી છે.
હસ્તમૈથુન કરતી વખતે સ્વચ્છતાની જાળવણી પણ જરૂરી છે.
નિષ્ણાત તબીબોના જણાવ્યા મુજબ, ખુદને સલામત રીતે ઉત્તેજિત કરીને વીર્યસ્ખલન કરવું જોઈએ. જોખમી રીતો કે વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. હસ્તમૈથુન એકાંતમાં કરવું હિતાવહ છે.

સ્ત્રીઓ પણ હસ્તમૈથુન કરતી હોય છે?

ઇમેજ સ્રોત, REBECCA HENDIN / BBC THREE
આ સવાલનો જવાબ છેઃ હા. મોટા ભાગના લોકો માને છે કે માત્ર પુરુષો જ હસ્તમૈથુન કરે છે, પરંતુ આ મોટી ગેરસમજ છે.
હૈદરાબાદસ્થિત સેક્સોલૉજિસ્ટ ડૉ. શર્મિલા મુજૂમદારે કહ્યું હતું કે "વિશ્વમાં લગભગ 62 ટકા સ્ત્રીઓ હસ્તમૈથુન કરે છે."
અલબત્ત, ભારતમાં આવા આંકડા મળવા મુશ્કેલ છે, કારણ કે પોતે હસ્તમૈથુન કરે છે એવું કહેવામાં ભારતીય સ્ત્રી ખચકાતી કે દોષભાવના અનુભવતી હોય છે.
મહિલાઓ માટે હસ્તમૈથુનના લાભની વાત કરતાં ડૉ. શર્મિલા મુજૂમદારે કહ્યું હતું કે "સ્ત્રીઓને હસ્તમૈથુનથી કોઈ નુકસાન થતું નથી. હસ્તમૈથુનને કારણે શરીરમાંથી ખાસ પ્રકારનાં હોર્મોન ઝરે છે, જે મૂડને બહેતર બનાવે છે. એ હોર્મોન તણાવ અને માસિક વેળાની પીડામાં પણ ઘટાડો કરે છે. એ ઉપરાંત સ્ત્રીને ચેપી યૌનરોગ થતા નથી અને સૌથી મહત્ત્વની વાત એ કે હસ્તમૈથુનથી ગર્ભાવસ્થાનું જોખમ પણ રહેતું નથી."
તેના બીજા પણ કેટલાક ફાયદા છે. સ્લીપ મેડિસિન નામના એક વૈજ્ઞાનિક સામયિકમાં પ્રકાશિત કરવામાં આવેલા એક અભ્યાસના તારણ અનુસાર, રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ નામના મજ્જાતંત્રના એક રોગમાંથી સાજા થવામાં હસ્તમૈથુન મદદરૂપ બની શકે છે.
ડૉ. શર્મિલા મુજૂમદારે ઉમેર્યું હતું કે "સતત તણાવમાં રહેતી ભારતીય મહિલાઓ હસ્તમૈથુન વડે હળવાશ અનુભવી શકે છે."

વિવાહિત લોકોએ હસ્તમૈથુન કરવું જોઈએ?

ઇમેજ સ્રોત, LAURÈNE BOGLIO/BBC
વિવાહિત લોકોએ હસ્તમૈથુન નહીં, પણ સાથે મળીને સેક્સ માણવું જોઈએ એવી વ્યાપક માન્યતા છે. ડૉ. પ્રસન્ન ગદ્રે માને છે કે આ માન્યતા ભૂલ ભરેલી છે. લોકોએ ક્યારે અને કેટલી વખત હસ્તમૈથુન કરવું જોઈએ તેની કોઈ નિશ્ચિત સંખ્યા નથી.
વિવાહિત વ્યક્તિના જીવન વિશે વાત કરતાં ડૉ. પ્રસન્ન ગદ્રેએ કહ્યું હતું કે "વિવાહિત લોકો હસ્તમૈથુન કરે તો તેમાં કશું ખોટું નથી. સહજીવનની શરૂઆતથી માંડીને બન્નેને એકમેકની સાથે બરાબર ગોઠી જાય ત્યાં સુધીના સમયગાળામાં હસ્તમૈથુનની મદદ લઈ શકાય. સેક્સ દરમિયાન બન્નેમાંથી એક પાર્ટનર વહેલો સંતુષ્ટ થઈ જાય તો તે બીજા પાર્ટનરને હસ્તમૈથુન વડે તૃપ્ત કરી શકે."
પત્ની ગર્ભવતી હોય ત્યારે પહેલા અને છેલ્લા ત્રણ મહિના સેક્સ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ડૉ, ગદ્રેએ કહ્યું હતું કે "સંપૂર્ણ ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી રોગનિષ્ણાત અને પ્રસૂતિ રોગનિષ્ણાતની સલાહનું પાલન કરવું જોઈએ. બાળકની સ્થિતિ, તબિયતને ધ્યાનમાં રાખીને સેક્સ કરવું જોઈએ અથવા તો ગર્ભાવસ્થાના નવેનવ મહિના હસ્તમૈથુનના વિકલ્પનો ઉપયોગ કરવો હિતાવહ છે."
તેમણે ઉમેર્યું હતું કે "ભૌગૌલિક રીતે એકમેકથી દૂર રહેતાં પતિ-પત્ની હસ્તમૈથુનની મદદ લઈ શકે. પતિ કે પત્ની બેમાંથી કોઈ એક ટૂંકી કે દીર્ઘકાલીન બીમારીથી પીડાતા હોય તેવા સંજોગોમાં સેક્સને બદલે હસ્તમૈથુન કરી શકે છે."
- 5જી નેટવર્કને કારણે અમેરિકાની વિમાન-વ્યવસ્થા ખોરવાઈ જશે?
- કોરોનામાં એઝિથ્રોમાઇસિન દવા કેટલી ઉપયોગી અને એની આડઅસર શું થાય?
- કોરોનાગ્રસ્ત વ્યક્તિથી અન્યને ચેપ લાગવાનું જોખમ કેટલા દિવસ સુધી રહે?
- કોરોનાની દવા મોલનુપિરાવીર ક્યારે લેવી જોઈએ અને તેનાથી નુકસાન શું થાય?
- બે ટાઇમના ભોજન વચ્ચે લાંબો ગાળો રાખવાથી ચરબી ઊતરી જાય છે?


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












