'મેં બાજરા અને જુવારના રોટલા ખાવાનું શરૂ કરી દીધું'

    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં બાજરીના રોટલાનું ચલણ છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં ભોજનમાં બાજરીનો રોટલો ખવાય છે.

બચપણમાં હું ઉત્તરપ્રદેશમાં મારાં દાદા-દાદીના ઘરે અવારનવાર જતી હતી. હું જોતી કે મારાં દાદી સાદા જુવાર-બાજરીના રોટલા ખાય છે.

લોટમાં ધીમે ધામે પાણી ઉમેરી તેઓ ગૂંદતાં અને લોટ બંધાઈ ગયા બાદ તેઓ એના નાના નાના લૂઆ કરી લેતાં. ત્યાર પછી એ લૂઆને બે હાથની હથેળી વચ્ચે રાખીને ધીરે ધીરે થાપતાં. વેલણ-પાટલી વગર તેઓ બે હાથની હથેળી વચ્ચે થાપી થાપીને ગોળ રોટલા બનાવતાં અને પછી એને માટીના ચૂલા પર, લાકડાંની આંચ પર શેકતાં.

રોટલી

ઇમેજ સ્રોત, Getty Images

તેઓ જ્યારે મને રોટલા પીરસતાં હતાં, ત્યારે હું નાક ચઢાવતી. મને સમજાતું નહોતું કે સુંવાળી, પાતળી અને ખાવામાં નરમ રોટલીના બદલે જુવાર-બાજરાના રોટલાને તેઓ આટલું મહત્ત્વ કેમ આપે છે.

પરંતુ કેટલાંક વર્ષો પહેલાં મેં પણ એ બધું ખાવાનું શરૂ કર્યું, જે મારાં દાદી ખાતાં હતાં. મેં મારા રસોડામાં ઘઉંના લોટની જગાએ બાજરીનો લોટ લાવીને મૂકી દીધો.

જોકે, રોટલો ખાવા માટે મારે વધારે મહેનત કરવી પડે છે, તો પણ હું એને છોડી ન શકી, કેમ કે, થોડા દિવસ રોટલા ખાધા પછી મને પોતાને લાગ્યું કે એ વધારે આરોગ્યપ્રદ છે.

line

જાડાં ધાન્યોનું ચલણ વધી રહ્યું છે

ચૂલા પર રાંધતી એક મહિલા (સાંકેતિક તસવીર)

જાડાં ધાન્યોના લોટમાંથી બનાવેલા રોટલા ખાનારી હું એકલી નથી. ગુજરાતમાં અને દેશમાં આ પરંપરાગત રીતે ખવાય છે.

જોકે થોડા સમય પહેલાં તે બિલકુલ ગાયબ થઈ ગયા હતા, એવા ઘણા પાક છે કે જે છેલ્લાં કેટલાંક વરસોમાં ખેતરોમાં અને પ્લેટોમાં પાછા આવ્યા છે.

ઇન્ટરનૅશનલ ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ સેમિ-એરિડ ટ્રૉપિક્સનાં ડાયરેક્ટર જનરલ ડૉ. જૅકલીન હૉગ્સે જણાવ્યું કે, "ખેતરો અને થાળીઓમાં જાડાં ધાન્યો પાછાં લાવવા માટે અને એના પર લાગી ગયેલી 'ભુલાઈ ગયેલા પાક'ની ટૅગને દૂર કરવા માટે નક્કર વૈશ્વિક પ્રયાસોની જરૂર છે."

ભારતમાં 2018ના વર્ષને 'યર ઑફ મિલેટ્સ' તરીકે ઊજવવામાં આવ્યું હતું. એ ઉપરાંત, ભારતના પ્રસ્તાવને સ્વીકારીને સંયુક્ત રાષ્ટ્રે 2023ના વર્ષને 'ઇન્ટરનૅશનલ યર ઑફ મિલેટ્સ' તરીકે ઊજવવાનો નિર્ણય કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર, એ વર્ષે જાડાં ધાન્યોથી થનારા સ્વાસ્થ્યલાભ વિશે લોકોને જાગરૂક કરવામાં આવશે.

જાડાં ધાન્ય અયોગ્ય માટીમાં પણ ઊગી શકે છે અને તુલનાત્મક રીતે એના માટે કીટનાશકોની પણ એટલી જરૂર નથી પડતી.

line

બધી રીતે સારાં જાડાં ધાન્ય

બાજરી

ઇમેજ સ્રોત, L VIDYASAGAR/ICRISAT

ડૉ. હૉગ્સ અનુસાર, "જાડાં ધાન્ય ઝડપથી ચલણમાં પાછાં આવી રહ્યાં છે. એને સ્માર્ટ ફૂડ તરીકે ઓળખવામાં આવે છેच કેમ કે ધરતી માટે, ખેડૂતો માટે અને તમારા આરોગ્ય માટે સારાં છે."

તેમણે જણાવ્યું કે, "એને વધારે પાણીની જરૂર નથી પડતી અને ઊંચા તાપમાનમાં પણ આસાનીથી ઊગી શકે છે. ખેડૂતો માટે એની ખેતી કરવી સારી છે, કેમ કે એની ખેતી અન્ય પાકોની સરખામણીએ સરળ છે, અને સાથે જ એને કીટક-જીવાત દ્વારા રોગ નથી થતા."

"જાડાં ધાન્ય આરોગ્ય માટે સારાં છે, કેમ કે એમાં પૌષ્ટિક તત્ત્વો વધારે પ્રમાણમાં હોય છે. અધ્યયનો અનુસાર, બાજરીથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે અને કૉલસ્ટ્રોલના લેવલમાં પણ સુધારો થાય છે. એ કૅલ્શિયમ, ઝિંક અને આયર્નની ઊણપને દૂર કરે છે અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે એ ગ્લૂટેન-ફ્રી હોય છે."

આરોગ્ય-નિષ્ણાતો જાડાં ધાન્યોમાં દિલચસ્પી ધરાવે છે એ બાબતે અચરજ નથી.

ભારતમાં ડાયાબિટીસના લગભગ 8 કરોડ દર્દી છે. દર વરસે લગભગ 1.7 કરોડ લોકો હૃદયરોગના કારણે મૃત્યુ પામે છે અને આખા દેશમાં 33 લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર છે, જેમાંનાં અડધાથી વધારે તો ગંભીર રીતે કુપોષિત છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક પ્રવચનમાં કુપોષણને ડામી દેવા માટે દેશમાં 'મિલેટ રેવોલ્યૂશન'ની વાત કરી હતી.

જાણકારો માને છે કે ભારત માટે એ લક્ષ્ય અશક્ય નહીં હોય, કેમ કે, ભારતીયો માટે હંમેશાંથી જાડાં ધાન્ય ભોજનના મુખ્ય સ્રોત રહ્યાં છે.

line

સદીઓથી છે ભોજનનો મુખ્ય સ્રોત

ખેતર

ઇમેજ સ્રોત, P SRUJAN/ICRISAT

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ રિસર્ચના નિર્દેશક વિલાસ ટોનપી અનુસાર, મનુષ્ય જાતિને પ્રાચીન સમયથી જે ખાદ્યાન્નો વિશે ખબર છે એ જુવાર અને બાજરી જેવાં જાડાં ધાન્ય છે.

તેમણે જણાવ્યું, "સિંધુઘાટી સભ્યતા સમયે પણ બાજરી વગેરેનું ઉત્પાદન થતું હતું. હાલ, 21 રાજ્યોમાં એની ખેતી થાય છે અને દરેક રાજ્ય અને ક્ષેત્રનાં પોતપોતાની રીતનાં અનાજ છે, જે માત્ર એમની ખાદ્ય-સંસ્કૃતિનો જ ભાગ નથી, બલકે, એમનાં ધાર્મિક અનુષ્ઠાનોનો પણ ભાગ છે."

ભારતમાં પ્રતિવર્ષ લગભગ 1.4 કરોડ ટન બાજરીનું ઉત્પાદન થાય છે. એટલું જ નહીં, ભારત દુનિયાનો સૌથી મોટો બાજરી-ઉત્પાદક દેશ પણ છે.

વિલાસ ટોનપીએ જણાવ્યું કે, "પરંતુ, છેલ્લાં 50 વર્ષમાં ખેતી માટે ઉપયોગી જમીન 3.8 કરોડ હેક્ટરથી ઘટીને 1.3 કરોડ હેક્ટર થઈ ગઈ છે; અને એની સાથે, 1960ના દાયકાની સરખામણીએ આજે બાજરીનું ઉત્પાદન ઘટીને 6 ટકા થઈ ગયું છે."

ડૉ. ટોનપીના જણાવ્યા અનુસાર, 1969-70થી દેશમાં બાજરીના ઉત્પાદનમાં ઘટાડાની શરૂઆત થઈ હતી.

વિલાસ ટોનપીએ જણાવ્યું કે, "એ સમય સુધી ભારત ખાદ્ય-સહાય મેળવતું હતું અને દેશની મોટી વસ્તીસંખ્યાના પોષણ માટે અનાજની આયાત કરતું હતું. ખાદ્યક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માટે અને કુપોષણને અંકુશમાં લાવવા માટે ભારતમાં હરિત ક્રાંતિ થઈ અને એના પરિણામસ્વરૂપે ચોખા અને ઘઉંનું વધારે ઉત્પાદન મેળવી શકાય એવી જાતોને ઉગાડવાનું શરૂ કરાયું."

ભારતમાં 1960થી 2015માં ઘઉંનું ઉત્પાદન ત્રણ ગણાથી વધારે વધ્યું અને ચોખાના ઉત્પાદનમાં 800 ટકા વૃદ્ધિ થઈ. પરંતુ આ દરમિયાન બાજરી જેવાં જાડાં ધાન્યોનું ઉત્પાદન ઓછું જ રહ્યું.

line

ઉપેક્ષા

અનાજ

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. હૅગ્સે જણાવ્યું કે, "વીતેલાં વરસોમાં ચોખા અને ઘઉંની ઊપજ વધારવા પર વધારે ભાર મુકાયો અને એ ગાળામાં બાજરી અને બીજાં પારંપરિક ખાદ્યોની ઉપેક્ષા થઈ; અને એ કારણે જ એનાં ઉત્પાદન પર અસર પડી."

તેમણે જણાવ્યું કે, "એને બનાવવાં (રાંધવું) એટલાં આસાન નથી અને આજકાલ કોઈની પાસે એટલો સમય પણ નથી હોતો. દાયકાઓથી એનો ઓછામાં ઓછો ઉપયોગ થઈ રહ્યો છે. બજારે પણ એની ઉપેક્ષા કરી છે. પરંતુ તમારે એ જાણી લેવું જોઈએ કે તમારા ભાણામાં જુદા જુદા સ્વાદ અને અલગ અલગ પ્રકારનાં પોષક તત્ત્વો હોવાં ખૂબ જ જરૂરી છે."

તેમણે ઉમેર્યું, "એવું કરવા માટે જે પાકોને ભૂલી જવાયા છે એમના પર પણ ઘઉં-ચોખા અને બીજા વ્યાવસાયિક પાકોની જેમ ધ્યાન આપવું પડશે."

જોકે, જાણકારો માને છે કે જુવાર-બાજરી, ધીરે ધીરે, હવે ચલણમાં પાછાં આવી રહ્યાં છે.

line

બાજરીની માગ વધારવાના પ્રયત્નો

ખેતર

ઇમેજ સ્રોત, Getty Images

આવાં જાડાં ધાન્યોને ફરીથી ચલણમાં લાવવા માટે કૃષિવૈજ્ઞાનિકો અનેક ઉપાયો સૂચવતા હતા, અને એમનાં સૂચનોનાં સારાં પરિણામ હવે દેખાવા લાગ્યાં છે.

ડૉ. ટેનપીએ જણાવ્યા અનુસાર, છેલ્લાં બે વર્ષમાં બાજરીની માગમાં 146 ટકાનો ઉછાળો નોંધાયો છે. બાજરી જેવાં જાડાં ધાન્યોમાંથી બનેલાં કૂકીઝ, ચિપ્સ, પફ અને અન્ય ખાદ્ય સામગ્રીઓ સુપરમાર્કેટ્સ અને ઑનલાઇન સ્ટોર્સમાં વેચાવાં લાગ્યાં છે.

સાર્વજનિક વિતરણ પ્રણાલીના માધ્યમથી લાખો લોકોને પ્રતિ કિલો એક રૂપિયાના દરે બાજરી અને જાડાં ધાન્ય અપાય છે. કેટલાંક રાજ્યોમાં મધ્યાહ્ન ભોજનમાં પણ આવાં જાડાં ધાન્યોમાંથી બનાવેલાં વ્યંજનો પીરસાઈ રહ્યાં છે.

જાડાં ધાન્ય ખાવા માટેનો વધી રહેલો લોકોનો રસ તેલંગણા રાજ્યના આદિવાસીઓ માટે વરદાનથી ઓછો નથી.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પી આઇલા, અસિફાબાદનાં 10 મહિલાઓના એ જૂથમાંનાં એક બહેન છે જેમને ઇક્રીસૅટે રુરલ ડે-કેર સેન્ટરમાં બાળકો માટેનું ભોજન બનાવવાની ટ્રેનિંગ આપી હતી.

પોતાના ગામથી ફોન પર મારી સાથે વાત કરતાં એમણે જણાવ્યું કે તેઓ ખાવાનું બનાવવામાં ઉપયોગી તમામ જરૂરી વસ્તુઓનું લિસ્ટ બનાવે છે અને મસાલાઓ વિશે લખે છે.

તેમણે જણાવ્યું કે ઑગસ્ટમાં એમણે જાડાં ધાન્યમાંથી બનાવેલાં 12 ટન ગળ્યાં અને નમકીન વ્યંજનો વેચ્યાં છે.

આઇલાએ જણાવ્યું કે એમને એ ખબર નથી કે જાડાં ધાન્ય ખાવા માટેનો લોકોનો શોખ કેમ વધી રહ્યો છે પણ તેમને એ વાતની ખુશી છે કે જીવનભર જે અનાજને પોતે મુખ્ય આહારરૂપે લેતાં હતાં, એને હવે બીજા લોકો પણ પસંદ કરે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન