ભાજપ સત્તામાં આવ્યો ત્યારથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કેટલું પરિવર્તન થયું?

- લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
- પદ, બીબીસી સંવાદદાતા, નાગપુરથી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર એક નજર
- આરએસએસના સંસ્થાપક ડૉ. કેશવ બલીરામ હેડગેવાર હતા
- હેડગેવારે ઈ.સ. 1925માં નાગપુરમાં સંઘની શરૂઆત કરી હતી
- આરએસએસે પોતાની વેબસાઇટ પર લખ્યું છે કે કોઈ પણ હિન્દુ પુરુષ સંઘનો સભ્ય બની શકે છે
- ભારતમાં શહેર અને ગામ મળીને 50 હજાર સ્થળે સંઘની શાખા છે
- મહાત્મા ગાંધીની હત્યા બાબતે સંઘ સામે સવાલો થયા હતા
- ગાંધીની હત્યા પછી આરએસએસ પર પ્રતિબંધ પણ મુકાયો હતો
- મોહન ભાગવત 2009થી આરએસએસના સરસંઘચાલક છે
આઠ વર્ષ પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મુખ્યાલયમાં પાછા ફરીને જોતાં ઘણું બધું બદલાયેલું જોવા મળે છે. આ એ જ આઠ વર્ષ છે જ્યારથી આરએસએસના વૈચારિક માર્ગદર્શન હેઠળ ચાલનારી ભારતીય જનતા પાર્ટી પોતાની તાકાતના બળે બહુમત હાંસલ કરીને કેન્દ્રમાં સત્તા પર છે.
આ પરિવર્તન માત્ર સ્વયંસેવકોના પોશાક (ગણવેશ) સુધી સીમિત નથી, 'ખાખી ચડ્ડી'ની જગ્યા 'ફુલ પૅન્ટે' લઈ લીધી છે, અને હવે એનો રંગ ઘેરો બદામી થઈ ગયો છે, પરંતુ આ ઉપર ઉપરથી દેખાતો ફેરફાર છે, ઘણાં પરિવર્તનો બીજાં પણ થઈ રહ્યાં છે.
નાગપુરના રેશિમબાગમાં આરએસએસ મુખ્યાલય પરિસરમાં ઘણી નવી ઇમારતો ઊભી થઈ ગઈ છે, જગ્યાએ જગ્યાએ કમાન્ડો ફરી રહ્યા છે, પરેડમાં સામેલ સ્વયંસેવકોની સંખ્યામાં કદાચ મામૂલી વધારો થયો છે પરંતુ મહેમાનોની ખુરશીઓ ઓછામાં ઓછી ચાર-પાંચ ગણી વધી ગઈ છે.
1925માં વિજયાદશમીના દિવસે સ્થાપિત થયેલો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ત્રણ વર્ષ પછી પોતાની સોમી વર્ષગાંઠ ઊજવી રહ્યો હશે. સંઘ માટે દર વર્ષે વિજયાદશમી મોટો દિવસ હોય છે. તે દિવસે દેશભરમાંના સ્વયંસેવક પ્રતિનિધિઓ ખૂબ ઉત્સાહ સાથે વિશેષ આયોજન માટે નાગપુરમાં ઊમટી પડે છે.
આ વખતના આયોજનમાં વધુ એક મહત્ત્વનું પરિવર્તન હતું, મુખ્ય અતિથિ એક મહિલા પર્વતારોહક સંતોષ યાદવને બનાવાયાંનું.
ચકાચક બીએમડબ્લ્યુ કારની પાછળ પાછળ જ્યારે સંઘપ્રમુખની ટાટા સફારી સ્ટેજની સામે પહોંચી ત્યારે એમની સાથે સંતોષ યાદવ પણ હતાં, લાલ રંગની ડિઝાઇનવાળી સફેદ સાડી પહેરેલાં, માથું પાલવથી ઢાંકેલાં.
સંતોષ યાદવે પોતાના ટૂંકા ભાષણમાં કહ્યું, "કોઈના પણ વિશે જાણ્યા વિના દ્વેષ ન રાખવો જોઈએ" અને બોલ્યાં કે, "બધા ભારતીયોની જવાબદારી છે કે તેઓ વિશ્વમાં સનાતન સંસ્કૃતિનો પ્રચાર કરે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મીડિયા અને મહિલા સહભાગિતા પર ભાર

અવારનવાર એક બાબતે સંઘની ટીકા થાય છે કે એમાં મહિલાઓને સભ્યપદ નથી અપાતું, તે માત્ર પુરુષોનું સંગઠન છે. એના જવાબમાં સંઘ કહેતો રહ્યો છે કે મહિલાઓનું એક અલગ સંગઠન છે, જેનું નામ રાષ્ટ્રસેવિકા સમિતિ છે.
પોતાને સાંસ્કૃતિક સંગઠન કહેનારા સંઘના નેતા સ્ત્રી-પુરુષ વચ્ચે કામની પરંપરાગત વહેંચણીના સમર્થક રહ્યા છે, એનો અર્થ એક એવી સામાજિક વ્યવસ્થા છે જેમાં પુરુષો બહારનું કામ કરે અને સ્ત્રીઓ ઘર અને બાળકો સાચવે. પરંતુ હવે મહિલાઓ માટે સંઘ કૂણું વલણ દર્શાવી રહ્યો છે.

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પોતાના એકાદ કલાકના ભાષણની શરૂઆતમાં જ કહ્યું કે 'માતૃશક્તિના રૂપમાં સન્માનિત' મહિલાઓનું આરએસએસના મંચ પર હંમેશાં સ્વાગત કરવામાં આવે છે.
એમણે કૉંગ્રેસનાં સાંસદ રહેલાં અનસૂયાબાઈ કાલે અને પૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી રાજકુમારી અમૃતકોરનું ઉદાહરણ ટાંક્યું, જેમણે 1930ના દાયકામાં સંઘના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
પરંતુ નોંધવા જેવી બાબત એ છે કે, સંતોષ યાદવ એવાં પહેલાં મહિલા છે જેમને સ્થાપના દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનવાનું સન્માન મળ્યું છે, અને આ પેલા પરિવર્તનને દેખાડવાનો જાણીબૂઝીને કરેલો નિર્ણય લાગે છે.
એક એવો પણ સમય હતો જ્યારે સંઘ પ્રચાર પર ખાસ ધ્યાન આપ્યા વગર 'સામાજિક કાર્યો પ્રતિ સમર્પિત સાંસ્કૃતિક સંગઠન'ની છાપ ઊભી કરતો હતો. પરંતુ હવે આ બાબતમાં સંઘની નીતિમાં પરિવર્તન દેખાય છે.
જેમ કે, ભાજપની સરકાર બન્યા પછીથી સંઘના ઘણા મોટા કાર્યક્રમોનું દૂરદર્શન પરથી સીધું પ્રસારણ કરાયું છે, આ વખતે પણ એવું જ થયું.
ઉપરાંત, ઘણી ખાનગી વેબસાઇટ્સ, સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ, સંઘ અને ભાજપ સાથે સંકળાયેલાં ટ્વિટર હૅન્ડલ્સ, ફેસબુક પેજિસ અને યૂટ્યૂબ ચૅનલ્સ પર આ આયોજનને સતત દર્શાવાઈ રહ્યું હતું.

સંઘને નજીકથી જાણનારા આને પ્રચાર-પ્રસારમાં ટેક્નૉલૉજીના ભરપૂર પ્રયોગની રણનીતિ તરીકે જુએ છે.
ઈ.સ. 2014માં જ્યારે પહેલી વાર સરકારી ટીવી ચૅનલ દૂરદર્શને સંઘના વિજયાદશમી કાર્યક્રમને લાઇવ બતાવ્યો હતો ત્યારે એ બાબતે સવાલ ઊભો થયો હતો કે શું કોઈ ખાસ વિચારધારાવાળી બિન-સરકારી સંસ્થાના અંગત કાર્યક્રમને સરકારી મીડિયા પરથી પ્રસારિત કરવો તે નૈતિક રીતે ઉચિત છે?
પરંતુ છેલ્લાં 8 વર્ષોમાં વાતાવરણ એટલું બદલાયું છે કે આ વાદવિવાદ નકામા જેવો થઈ ગયો છે અને લોકોએ 'ન્યૂ નૉર્મલ' માનીને એના વિશે ચર્ચા કરવાનું બંધ કરી દીધું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
મીડિયા બાબતોના જાણકાર અને લેખક ડૉ. મુકેશકુમારે કહ્યું, "પહેલાંથી દૂરદર્શનનો ઉપયોગ સરકારી પિપૂડા જેવો થતો રહ્યો છે. રાજીવ ગાંધીના જમાનામાં લોકો દૂરદર્શનને રાજીવદર્શન કહેવા લાગ્યા હતા, પરંતુ એ સમયે પણ કૉંગ્રેસ પાર્ટીની પ્રવૃત્તિઓનો પ્રચાર-પ્રસાર એના પર જોવા નહોતો મળતો."
"એક બિન-સરકારી સંગઠનના કાર્યક્રમો અને એના પ્રમુખના ભાષણના સીધા પ્રસારણને યોગ્ય ઠરાવવાં અશક્ય વાત છે, પરંતુ હવે આના પરની ચર્ચા કે વાદવિવાદ બંધ થઈ ગયો છે, આ સત્તાધારી પાર્ટીના પૈતૃક સંગઠનનો કાર્યક્રમ છે, જેને ન બતાવવાની હિંમત સરકારી પ્રસારક કઈ રીતે કરી શકે?"

સામાજિક અસમાનતા અને બેરોજગારી અંગે ચર્ચા

વિજયાદશમીના થોડાક દિવસ પહેલાં સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ ગ્રામીણ ભારતમાં બેરોજગારી દૂર કરવાની દિશામાં કામ કરવા પર ભાર મૂક્યો હતો.
એમણે એમ પણ કહ્યું હતું કે ભારતમાં હજી પણ કરોડો લોકો ખૂબ ગરીબીની હાલતમાં જીવન વિતાવી રહ્યા છે, જેમની સ્થિતિમાં સુધાર લાવવાની પ્રાથમિકતા હોવી જોઈએ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં બયાનો-ભાષણોમાં 'રાષ્ટ્રીય એકતા', 'સમરસતા', 'ભારતીય સંસ્કૃતિ', 'ગૌરવશાળી ઇતિહાસ', 'મહાન પરંપરા', 'ભારતમાતાનો વૈભવ', 'હિન્દુ ધર્મની મહાનતા', 'વિશ્વગુરુ' વગેરે પર ભરપૂર ભાર મુકાતો રહ્યો છે, પરંતુ આ એક પરિવર્તન જ છે કે સંઘના મંચ પરથી કદાચ પહેલી વાર સામાજિક અસમાનતાઓ અને ગરીબી-બેરોજગારી જેવા મુદ્દે વાત થઈ રહી છે.
સામાજિક ન્યાયની વાતો સંઘના મંચ પરથી ભાગ્યે જ ક્યારેક સાંભળવા મળે છે, જાતિ આધારિત ભેદભાવની વાતો કરનારાઓને જ ઘણી વાર જાતિવાદી ઠરાવી દેવાય છે, પરંતુ પોતાના વિજયાદશમીના ભાષણમાં જાતિઓનું નામ લીધા વગર મોહન ભાગવતે 'ઘોડે ચઢવા'ની વાત એ સંદર્ભમાં કહી કે હવે આ પ્રકારના વિવાદ હિન્દુ સમાજમાં ન હોવા જોઈએ.
એ પણ રસપ્રદ છે કે થોડા દિવસ પહેલાં સંઘના પ્રમુખ મોહન ભાગવતે દિલ્હીમાં એક મસ્જિદ અને મદરેસાની મુલાકાત લીધી હતી, જેના પછી જણાવાયું હતું કે 'સંઘ હંમેશાં બધા સમુદાયો સાથે સંવાદના પક્ષમાં રહ્યો છે.'

મોહન ભાગવતના ભાષણમાં સમાજમાં સમાનતાની વાતો સાંભળવા મળી અને 'તથાકથિત અલ્પસંખ્યકો'ને ખાતરી કરાવવાના પ્રયાસની પણ ચર્ચા થઈ.
એમણે બંધારણની ગરિમા જાળવી રાખવાની સલાહ પણ આપી. આ બધી બાબતોને સંઘમાં પરિવર્તનના સંકેતો રૂપે જોઈ શકાય છે.
સંઘમાં નવીનતા લાવવાની કોશિશ અંગે લોકોના મત જુદા જુદા છે. જેમાં, સમાજશાસ્ત્રી બદ્રી નારાયણ આને મંથન માને છે, જે એમના મતે સકારાત્મક દિશાનું પગલું છે, તો લેખક અને રાજકીય વિશ્લેષક નીલાંજન મુખોપાધ્યાય આને માત્ર સાંકેતિક માને છે, કેમ કે, એમના અનુસાર, 'છેલ્લાં વરસોમાં મુસ્લિમવિરોધી ભાવનાઓ વધારે બળવાન થઈ છે.'
તો દૈનિક ભાસ્કર અખબારના સમૂહ સંપાદક પ્રકાશ દુબે આરએસએસની સરખામણી 'પિંજરામાં ફસાઈ ગયેલી ચકલી' સાથે કરે છે, જે બહાર નથી નીકળી શકતી.
પ્રકાશ દુબેએ કહ્યું, "જે રીતે વિચારોની દીવાલ સંઘની આસપાસ ચણાઈ ગઈ છે, એને તોડીને બહાર નીકળી શકવું ખૂબ મુશ્કેલ જણાય છે."

પરિવર્તન કેટલું વૈચારિક, કેટલું તકનીકી
સંગઠનમાં આંતરિક પરિવર્તન કે એની પ્રક્રિયાને બે અલગઅલગ ભાગમાં જોઈ શકાય છે - પહેલો, તકનીકી રીતે સક્ષમ થવાનો પ્રયાસ, બીજો, વૈચારિક પરિવર્તન.
બદ્રી નારાયણે પોતાના પુસ્તક 'રિપબ્લિક ઑફ હિન્દુત્વ, હાઉ ધ સંઘ ઇઝ રિશેપિંગ ઇન્ડિયન ડેમોક્રસી'માં લખ્યું છે, "આરએસએસને માટેની આપણી ધારણા છે કે એના બધા વૉલન્ટિયર્સ ઘરડા, રૂઢિચુસ્ત અને આજની દુનિયાથી કપાયેલા લોકો છે. આ વાત સત્યથી ઘણી દૂરની છે. એના સ્વયંસેવક સતત ટેક્નૉલૉજીમાં પ્રાવીણ્ય મેળવતા જાય છે."
"સોશિયલ મીડિયા પર તેઓ મોટી સંખ્યામાં હાજર છે અને પોતાના સંદેશને ફેલાવવા માટે તેઓ એનો ઉપયોગ વ્યાપકપણે કરી રહ્યા છે."
જીબી પંત સોશિયલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર બદ્રી નારાયણનું કહેવું એમ હતું કે કોરોના મહામારીના સમયમાં જે રીતે સમાજના બીજા વર્ગો, કાર્યાલયો અને સંગઠનોમાં સોશિયલ મીડિયા, ઝૂમ વગેરેનો ઉપયોગ બેઠકો, વિચારવિમર્શ માટે વધ્યો છે, એ જ રીતના ફેરફાર સંઘમાં પણ થયા છે.
યુવા લોકોને સંગઠનમાં જોડવા માટે ઈ.સ. 2011થી જ તકનીકનો ઉપયોગ થઈ રહ્યો છે, 'જૉઇન આરએસએસ' કાર્યક્રમ અંતર્ગત આ અભિયાન ચાલી રહ્યું છે.
આરએસએસના વરિષ્ઠ નેતા અને પ્રચારપ્રમુખ ડૉ. સુનીલ આંબેકર અનુસાર વાર્ષિક સવા લાખ લોકો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આરએસએસની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ અરજીપત્ર ભરે છે, જેમને એમની રુચિ-ઇચ્છા અનુસાર જુદાં જુદાં કામો સોંપવામાં આવે છે.
સંઘની સત્તાવાર વેબસાઇટ અનુસાર ગામ-શહેરમાં દરરોજ 57 હજાર કરતાં પણ વધારે શાખાઓ થાય છે, જે શાખાઓ સંઘ સાથે જોડાયેલા સક્રિય લોકોના સૌથી નાના અને સ્થાનિક એકમો છે.
'આરએસએસ રોડમૅપ ફૉર ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી' નામના પુસ્તકના લેખક ડૉ. સુનીલ આંબેકરે કહ્યું કે આ ઉપરાંત આઇટી પ્રૉફેશનલ્સને ધ્યાનમાં રાખીને અમે કાર્યક્રમ શરૂ કર્યા છે, જેનો હેતુ સંઘના પ્રચાર-પ્રસારમાં ટેક્નૉલૉજીના સુચારુ ઉપયોગને સુનિશ્ચિત કરવાનો છે.

સક્રિયતા, સામર્થ્ય અને સ્વીકાર્યતા વધ્યાં

ભાજપ સત્તામાં આવ્યા પછીથી સંઘનાં આર્થિક સંસાધનોમાં વૃદ્ધિ થઈ છે કે નહીં, એ ચોક્કસપણે કહી શકાય એમ નથી, કેમ કે બીજાં બિન-સરકારી સંગઠનોની જેમ સંઘ એક રજિસ્ટર્ડ બૉડી નથી, બધી નોંધાયેલી સંસ્થાઓએ પોતાનાં રોજમેળ ખાતાંનો દર વર્ષે હિસાબ આપવાનો હોય છે, પરંતુ સંઘની બાબતમાં એવું નથી.
આર્થિક સંસાધનોની બાબતે પારદર્શિતાના અભાવના લીધે પણ સંઘે ટીકાનો સામનો કરવો પડે છે.
ભાજપ સત્તામાં આવ્યા પછી સંઘનાં સંસાધનો વિશે કશું કહેવું ભલે મુશ્કેલ હોય પરંતુ એની સક્રિયતા ઘણી વધી છે.
એક સમયે સેક્યુલર પાર્ટીઓ એનાથી ખાસ્સું અંતર જાળવતી હતી, પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સંઘનું આતિથ્ય સ્વીકારીને એ વાતના સંકેત આપ્યા કે તે એવી શક્તિ નથી કે જેને નજરઅંદાજ કરી શકાય.

'ફ્રૅંડ્સ ઑફ આરએસએસ', વિશ્વ હિન્દુ પરિષદ જેવી સંસ્થાઓએ વિદેશી ધરતી પર પણ હિન્દુત્વની વિચારધારાના પ્રચાર-પ્રસારનું કામ ઘણા સમયથી ચાલુ કરી દીધું છે.
જોકે, એનો વિરોધ પણ થઈ રહ્યો છે અને અમેરિકામાં જ ઘણા સાંસદો અને સંગઠનો તરફથી એના પર પ્રતિબંધ મૂકવાની માગ થઈ છે અને એવો આક્ષેપ પણ થયો કે આરએસએસ-વીએચપી જેવાં સંગઠન એમની ચૂંટણી અને લોકશાહી પ્રણાલીમાં દખલ કરવાની કોશિશ કરી રહ્યાં છે.

ઊંડી અને મજબૂત પકડ બનાવવા પર કામ

સંઘને નજીકથી જાણનારા એક વરિષ્ઠ પત્રકારે કહ્યું કે સંઘ ઉપરથી જેટલો દેખાય છે એનાથી ઘણી મોટી અને ઊંડી એની અસર છે. દુનિયાનાં બધાં મોટાં શહેરોથી લઈને સુદૂર ગામોમાં, વકીલો, ડૉક્ટરો, વિદ્યાર્થીઓથી લઈને સંતો-મહંતો અને કીર્તન મંડળોમાં સંઘ સાથે જોડાયેલા લોકો સક્રિય છે. રાષ્ટ્રીય મુસ્લિમ મંચ હોય કે આદિવાસીઓની વચ્ચે કામ કરનારાં વનવાસી કલ્યાણ કેન્દ્ર, બધી જગાએ સંઘની વિચારધારામાં માનનારાની હાજરી છે.
40થી વધારે સંગઠન સીધી રીતે સંઘ સાથે જોડાયેલાં છે, એ સિવાય પણ સેંકડો એવી સંસ્થાઓ અને સમૂહ છે જે સંઘના એજન્ડાને આગળ વધારવાના કામમાં લાગેલાં છે.
ઉદાહરણ તરીકે, સરસ્વતી શિશુ મંદિર, જે સીધી રીતે સંઘ સાથે સંકળાયેલું નથી, પરંતુ એમની વિચારધારાનો પ્રસાર બાળકોમાં કરે છે.
બદ્રી નારાયણે 'રિપબ્લિક ઑફ હિન્દુત્વ'માં લખ્યું છે કે ગામેગામ સ્વયંસેવક હોવાના કારણે લોકોના વિચારોને પ્રભાવિત કરવામાં અને એમના વિશેની સાચી માહિતી એકત્ર કરવામાં ભાજપને ઘણી મદદ મળે છે.
2014 અને 2019ની ચૂંટણીમાં બૂથ મૅનેજમૅન્ટ સમિતિઓ તૈયાર કરવામાં આવી હતી, જેમાં જાતિ-સમુદાયના પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખવામાં આવ્યું.
પ્રશિક્ષણ પછી એ લોકોને વિસ્તાર સોંપી દેવાયા જ્યાં તેઓ દરરોજ અલગઅલગ ઘરોમાં જતા, લોકોના મતનો અંદાજ મેળવતા અને જો કોઈ નરેન્દ્ર મોદીથી નારાજ દેખાતા કે પ્રભાવિત થયેલા ન જણાતા તો એને સમજાવીને માર્ગ પર લાવવાનો પ્રયાસ ચાલુ રહેતો.

પરિવર્તન કેટલું ઉપરછલ્લું, કેટલું વાસ્તવિક?

નીલાંજન મુખોપાધ્યાયે આરએસએસમાં પરિવર્તનના સવાલના જવાબમાં કહ્યું, "તેઓ પોતાનામાં પરિવર્તન કરીને નવીનતા કઈ રીતે લાવી શકે છે, જ્યારે એમના બધા વાદવિવાદ હજુ પણ જૂનાપુરાણા મુદ્દા પર જ અટકેલા છે અને છેલ્લાં આઠ વર્ષમાં આ પ્રકારની વિચારધારાને લીધે લોકો વધારે જક્કી જ થયા છે, ઉદાર નહીં."
મુખોપાધ્યાયે ઘણાં ઉદાહરણ આપ્યાં, જેમ કે, કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની પહેલી સરકાર બન્યા પછી તરત જ ઘણાં રાજ્યોએ ગૌવધ અંગેના કાયદાને વધારે કડક બનાવી દીધો. જેનું પરિણામ એ આવ્યું કે જાનવરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું પણ મુશ્કેલ થઈ ગયું. દેશના ઘણા ભાગોમાં પશુઓના વેપારીઓને ગાયના ચોર હોવાના આરોપસર મારી-પીટીને મારી નંખાયા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ જ રીતે, આંતરધાર્મિક લગ્નને મુશ્કેલ કરી દેનારા ઘણા કાયદા ભાજપશાસિત રાજ્ય સરકારોએ પારિત કર્યા છે.
કોરોના માટે માત્ર મુસ્લિમ સંગઠન તબલીગી જમાતને જવાબદાર ઠરાવી એટલું જ નહીં, પછી એ બહાને મુસ્લિમ વેપારીઓના બહિષ્કારની વાતો કહેવાઈ. થોડા સમય પછી સુપ્રીમ કોર્ટે એને તબલીગી જમાતને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું અને દિલ્હી પોલીસની એના માટે આકરી ટીકા કરી.
બુધવારે મોહન ભાગવતના ભાષણનું ઉદાહરણ ટાંકીને નીલાંજન મુખોપાધ્યાયે કહ્યું, "આજે પણ વસ્તીસંખ્યાની બાબતમાં એ જ પ્રકારના તર્ક અપાયા કે હિન્દુઓની સંખ્યા ઓછી થઈ જશે, તેઓ ભારતમાં અલ્પસંખ્યક થઈ જશે."
"વાસ્તવમાં આરએસએસને તકલીફ એ છે કે તે પોતાની આઉટડેટેડ વાતોને ખોટી નથી માનતું, બલકે કહે છે કે અમે સમયની જરૂરિયાત અનુસાર ચાલી રહ્યા છીએ."
જોકે, સરકારે 2021માં વસ્તીગણતરી નથી કરાવી. સરકારી આંકડા દર્શાવે છે કે તાજેતરનાં વરસોમાં બીજા સમુદાયોની સરખામણીએ મુસલમાનોમાં પ્રજનનદર ઝડપથી ઘટ્યો છે, પરંતુ સંઘ સાથે જોડાયેલા લોકો હજુ પણ મુસલમાનોની વધારે બાળકો પેદા કરવાની વાતો સાર્વજનિક મંચો પરથી કરતા રહે છે.

મોહન ભાગવતે પોતાના ભાષણમાં કહ્યું કે વસ્તીસંખ્યાનો નવો નિયમ લાવવો જોઈએ જે બધા પર સમાન રીતે લાગુ થાય.
એમણે કહ્યું કે ધાર્મિક આધાર પર વસ્તીનું અસંતુલન દેશોની એકતા અને અખંડતા માટે જોખમ ઊભું કરે છે. એમણે મુસલમાનોનું નામ ન લીધું, પરંતુ તેઓ કથિત રીતે મુસલમાનોની ઝડપથી વધતી વસતી તરફ ઇશારો કરી રહ્યા હતા.
'ધ આરએસએસઃ આઇકન્સ ઑફ ઇન્ડિયન રાઇટ' અને 'નરેન્દ્ર મોદી, ધ મૅન, ધ ટાઇમ' જેવાં પુસ્તકોના લેખક નીલાંજન મુખોપાધ્યાયે કહ્યું કે, "કહેવા અને કરવામાં સ્પષ્ટ અંતર દેખાય છે. સંઘના મોટા લોકો કહે છે કે એમનું વલણ મુસલમાનવિરોધી નથી, પરંતુ એ જ સંઘ સાથે સંકળાયેલાં સંગઠનના લોકો મુસલમાન ઉદ્યોગપતિઓનો બહિષ્કાર કરવાનું અભિયાન ખુલ્લેઆમ ચલાવે છે."
સંઘ સાથે લાંબા સમયથી જોડાયેલા રહેલા દિલીપ દેવધર માને છે કે, "સંઘ વિરોધાભાસની પૉલિસી પર ચાલે છે, પરંતુ એની અંદર એ ઊર્જા છે કે તે આ વિરોધાભાસને મૅનેજ પણ કરી શકે છે. સંઘર્ષ થતો રહેશે પણ જ્યારે આરએસએસ સીટી મારશે તો લોકો એક લાઇનમાં ઊભા રહી જશે."
દિલીપ દેવધરે કહ્યું કે, "આરએસએસ સાથે 40 કરતાં વધારે સંગઠન જોડાયેલાં છે, મજૂરો સાથે કામ કરનાર ભારતીય મજદૂર સંઘથી માંડીને સ્વદેશી જાગરણ મંચ અને રાજકારણના ક્ષેત્રમાં સમાન વિચાર ધરાવનારા ભાજપ સુધીનાં બધાં."
"આ બધાંના વિચારોમાં ઘણી વાર મતભેદ ઊભો થાય છે જે બહાર પણ આવી જાય છે પરંતુ આખરે તો સમાધાન થઈ જાય છે, જેમાં સંઘની મોટી ભૂમિકા રહે છે, તેથી એને સંઘ પરિવાર કહેવાય છે."
કેટલાક લોકો સંઘના બીજા પ્રમુખ ગુરુ ગોલવલકરના પુસ્તક 'બંચ ઑફ થૉટ્સ'માંથી કેટલાક વિવાદાસ્પદ ભાગને દૂર કરવાના નિર્ણયને સકારાત્મક પગલું માને છે પરંતુ કેટલાકનું કહેવું છે કે એ પણ ભાજપના સમર્થનમાં વોટ વીણી લેવાની નીતિ સિવાય બીજું કંઈ નથી.
ગોલવલકરના પુસ્તકમાં મુસલમાનો અને ખ્રિસ્તીઓને શત્રુ તરીકે દર્શાવવામાં આવ્યા હતા, જે ભાગને હવે કાઢી નખાયો છે.
બદ્રી નારાયણે પોતાના પુસ્તકમાં સ્વીકાર્યું છે કે આરએસએસનું મિશન એક સાંસ્કૃતિક નેતૃત્વનું નિર્માણ કરવાનું છે, જેમાં આખા હિન્દુ સમુદાયનો સમાવેશ હોય. સાથે જ, એવા લોકો પણ હોય જે બિન-હિન્દુ આદિવાસીઓમાં ગણાઈ જાય છે અને એમાં બીજા અલ્પસંખ્યક સમૂહ પણ સામેલ હશે.
તેઓ આ દાવાને પણ નકારી કાઢે છે કે ભાજપની જીતે સમાજમાંથી જાતિવ્યવસ્થાને સમાપ્ત કરી દીધી છે, અને લખ્યું છે કે, આ જીત અલગઅલગ સમુદાયોની જૂથબંધી કરીને હાંસલ કરવામાં આવી છે, જેમાં અલગઅલગ જાતિઓ-સમુદાયોની જુદી જુદી લાલસાઓ છે, જેમ કે, જાતિની ઓળખ, વિકાસ અને હિન્દુત્વ ફોલ્ડમાં સામેલ થવાની ઇચ્છા.
બદ્રી નારાયણે કહ્યું કે, "આરએસએસની બાબતમાં કંઈ પણ નિશ્ચિત રૂપે કહી શકાય નહીં, એ સતત બદલાતો રહે છે અને વિકસિત થતો રહે છે, તે પોતાની ઇમેજને ધ્વસ્ત કરી દે છે અને ફરી નવી ઇમેજ ઊભી કરે છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













