'ધર્મ તો બદલ્યો પણ જ્ઞાતિ ક્યાંથી લાવીએ' મુસ્લિમમાંથી હિન્દુ બનેલા પરિવારની કહાણી - ગ્રાઉન્ડ રિપોર્ટ

મુસ્લિમમાંથી હિન્દુ બનનારા લોકો
ઇમેજ કૅપ્શન, દિલશાદ, નૌશાદ અને ઈર્શાદે હિન્દુ બન્યા પછી પોતાના નામ બદલીને દિલેર સિંહ, નરેન્દ્ર અને કવિ રાખ્યાં હતાં
    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા, બાગપતથી
લાઇન

મુસલમાનમાંથી હિન્દુ બનનારાઓને શું મુશ્કેલી થઈ ?

લાઇન
  • 2018માં બાગપતમાં એક મુસ્લિમ પરિવારના 13 લોકો હિન્દુ બની ગયા હતા
  • હિન્દુ બન્યા પછી તેમણે જ્ઞાતિના મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો
  • મુસ્લિમમાંથી હિન્દુ બનેલા ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવી પણ પરેશાન
  • વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે મુસલમાનમાંથી હિન્દુ બનનારા લોકોને પૂર્વજોની જ્ઞાતિ મળશે
લાઇન

ચાર વર્ષની છોકરીને ધર્મ વિશે ભલું શું ખબર હોય. તેને ઝોયા નામે બોલાવવામાં આવે તો પણ એ તો એવું જ સમજવાની કે તેનાં માતા-પિતા મુસલમાન છે એટલે તેનું નામ ઝોયા રાખવામાં આવ્યું છે.

પોતાનો ધર્મ શું હશે તેનો નિર્ણય બાળકોની મરજીથી થતો નથી. બાળકોનો ધર્મ તેમનાં માતા-પિતાના ધર્મથી જ નક્કી થઈ જાય છે. મા-બાપ ધર્મ બદલે તો બાળકો પર પણ તે ધર્મ અપનાવવાનું દબાણ આવે છે.

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બદરખા ગામમાં ચાર વર્ષની એક બાળકીને તેનું નામ પૂછ્યું તો તેણે કહ્યુઃ ઝોયા.

નામ જણાવ્યા પછી તેણે શરમાઈને પોતાની નાની આંગળીઓ મોં હોઠ પર રાખી હતી. બાજુમાં બેઠેલી તેની મોટી બહેને ઝોયાને કોણી મારીને કહ્યું કે તારું નામ ગુડિયા છે. બહેને કહ્યું એટલે ઝોયાએ તેનું નામ ગુડિયા હોવાનું જણાવ્યું.

આ દરમિયાન ઝોયાના ભાઈને પાડોશના એક છોકરાએ અનસ કહીને બોલાવ્યો. સાત વર્ષના અનસે તેના પિતા દિલશાદ તરફ નજર કરી.

દિલશાદે પાડોશીના છોકરાને ધમકાવતા કહ્યું કે સ્કૂલમાં આનું નામ અમર સિંહ છે. તેથી તેને સ્કૂલના નામથી બોલાવજે. અનસને તેના મૂળ નામથી જેણે બોલાવ્યો હતો એ છોકરો પણ દિલશાદના જવાબથી ઝંખવાઈ ગયો અને ચૂપચાપ ચાલ્યો ગયો.

line

હિન્દુ બનવાનો હેતુ

મુસ્લિમમાંથી હિન્દુ બનનારા લોકો
ઇમેજ કૅપ્શન, સીમા, ગુડિયા, અમર સિંહ, સારિકા અને સોનિયા સાથે તેમના પિતા દિલેર સિંહ, જેઓ અગાઉ દિલશાદ હતા.

વાસ્તવમાં દિલશાદના પરિવારના કુલ 13 લોકો 2018માં મુસ્લિમમાંથી હિન્દુ બન્યા હતા. એ 13 લોકોમાં ત્રણ ભાઈ- નૌશાદ, દિલશાદ તથા ઇર્શાદ, તેમનાં પત્નીઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

તેમના પિતા અખ્તર અલી પણ પત્ની સાથે હિન્દુ બન્યા હતા. એ વખતે તેમની ફરિયાદ એ હતી કે મુશ્કેલીના સમયમાં મુસલમાનોએ સાથ ન આપ્ચો એટલે તેમણે ઇસ્લામ છોડવાનો નિર્ણય કર્યો હતો. આ પરિવાર હિન્દુ બન્યો ત્યારે ઝોયા તો છ મહિનાની હતી.

આખો પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. નૌશાદ રાજ મિસ્ત્રી છે. દિલશાદ ગામેગામ ફરીને કપડાં વેચે છે અને ઈર્શાદ પણ એ જ કામ કરે છે. તેમના પિતા પણ એ જ કામ કરતા હતા, પરંતુ હવે વૃદ્ધ થઈ ગયા છે.

અખ્તર અલીના નાના પુત્ર ગુલશનનો મૃતદેહ 2018માં શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. તેમનું કહેવું હતું કે ગુલશનની હત્યા કરવામાં આવી હતી અને કોમના લોકોએ તેમને સાથ આપ્યો ન હતો.

યુવા હિન્દુ વાહિનીના લોકોએ તેમને મદદ કરી હતી અને એ પછી તેમણે ઇસ્લામ છોડવાનો નિર્ણય કર્યો હતો. હિન્દુ ધર્મ અપનાવ્યો પછી ગામના જ જગબીર સિંહે તેમને પોતાનું ઘર આપ્યું હતું. ગામમાંનું જગબીર સિંહનું ખાલી હતું, કારણ કે તેમનો આખો પરિવાર મેરઠમાં રહેતો હતો.

જોકે, મુસલમાનમાંથી હિન્દુ બનવાની આ પરિવારની સફર બહુ લાંબી ન રહી. એમના પરિવારની મહિલાઓ હિન્દુ ધર્મ અપનાવવા ઈચ્છતી ન હતી.

હિન્દુ બન્યા પછી નૌશાદનાં પત્ની રૂકૈયા પિયર ચાલ્યાં ગયાં હતાં. તેમણે કહ્યું હતું કે હિન્દુ બન્યા પછી તેમના નિકાહ તૂટી ગયા છે.

અને હવે તે સાસરે પાછાં આવશે નહીં. નૌશાદ કહે છે કે મારા માટે એકલું રહેવું મુશ્કેલ હતું, કારણ કે મારાં બાળકો પણ પત્ની સાથે જ ચાલ્યા ગયાં હતાં.

line

હિન્દુ બનવાથી શું મળ્યું ?

મુસ્લિમમાંથી હિન્દુ બનનારા લોકો
ઇમેજ કૅપ્શન, ત્રણ ભાઈઓમાંથી બે ભાઈ ફરી મુસલમાન બની ગયા છે, પણ દિલશાદ (ડાબે) હજુ પણ હિન્દુ છે.

નૌશાદે બે જ મહિનામાં ફરીથી ઇસ્લામ અપનાવી લીધો હતો અને પત્ની સાથે ફરી નિકાહ કરી લીધા હતા. આ રીતે ઇર્શાદનું કહેવું છે કે તેઓ જે વિચારીને હિન્દુ બન્યા હતા તેમાંથી કશું હાંસલ થયું નહીં. ઇર્શાદે હિન્દુ બન્યા પછી પોતાનું નામ કવિ રાખ્યું હતું. તેઓ કહે છે કે તેઓ ન્યાય માટે હિન્દુ બન્યા હતા, પણ હિન્દુ બન્યા પછી પણ ન્યાય મળ્યો નહીં.

ઇર્શાદ કહે છે કે "હું હિન્દુ તો બની ગયો, પણ મારાં તમામ સગાં તો મુસ્લિમ જ હતાં. કોઈએ હિન્દુ બનવાની તૈયારી દેખાડી નહીં. કોઈ મારી સાથે વાત કરતું ન હતું. મારો ફોનનો પણ કોઈ જવાબ ન આપતું. બીજી તરફ હિન્દુઓમાં જ્ઞાતિ વ્યવસ્થા છે. ખુદને હિન્દુ તો બનાવી લીધા પણ જ્ઞાતિ ક્યાંથી લાવવી. જ્ઞાતિ ન મળે તો વિવાહનું શું. મને એવું લાગ્યું કે આ તો પોતાના જ પગ પર કુહાડી મારવા જેવી વાત થઈ."

અખ્તર અલીના સૌથી મોટા વહુ શાબરા ખાતુન કહે છે કે "હિન્દુ ધર્મમાં કોઈ અમારો સ્વીકાર નહીં કરે એ હું જાણતી હતી. તેથી મેં નિર્ણય કર્યો હતો કે ભલે ગમે તેવી મુશ્કેલી થાય, પણ હું હિન્દુ નહીં બનું. મારા બાળકો સાથે લગ્ન કોણ કરશે? હિન્દુ બનીને બ્રાહ્મણ તો બનવાની ન હતી. બનવાનું તો દલિત જ હતું. તો પછી મારે છૂત-અછૂતની સમસ્યાનો સામનો શા માટે કરવો?

જુઓ, મુસલમાન બનવું આસાન છે, પણ હિન્દુ બન્યા પછી પણ તમે તમારા ભૂતકાળથી ભાવિ જીવનને અલગ કરી શકતા નથી."

અખ્તર અલીનો આખો પરિવાર ફરી મુસલમાન બની ગયો, પરંતુ તેમના ત્રીજા પુત્ર દિલશાદ આજે પણ હિન્દુ જ છે. તેમણે 2018માં પોતાનું નામ બદલીને દિલેર સિંહ રાખ્યું હતું. દિલેર સિંહે તેમનાં પાંચેય સંતાનોના હિન્દુ નામ રાખ્યાં છે. એ પાંચેયની વય ચારથી પંદર વર્ષ વચ્ચેની છે. દિલેર સિંહે તેમનાં પત્નીનું નામ મંજુ રાખ્યું છે.

દિલેર સિંહ છેલ્લાં ચાર વર્ષથી હિન્દુ છે. તેનાથી તેમને કોઈ ફાયદો થયો? આ સવાલના જવાબમાં તેમના ચહેરા પર લાંબા સમય સુધી મૌન જોવા મળે છે.

મૌન તોડતાં દિલેર સિંહ કહે છે કે "મળવાનું શું હતું? મળે તો મહેનતથી જ. ધર્મથી નામ બદલાઈ જાય. એટલું જરૂર કહીશ કે ગામના હિન્દુઓએ મદદ કરી. જયબીર સિંહે જે ઘર આપ્યું હતું એ હજુ પણ મારું છે. મારા ભાઈઓ ફરીથી મુસલમાન બની ગયા છે, પણ રહે છે આ જ ઘરમાં. તેમને કોઈ બહાર કાઢ્યા નથી."

line

હિન્દુઓનું શું કહેવું છે?

મુસ્લિમમાંથી હિન્દુ બનનારા લોકો
ઇમેજ કૅપ્શન, બાગપતના બદરખા ગામના રામનિવાસ સિંહ અને સુખબીર સિંહ.

જયબીર સિંહના પરિવારના સુખબીર સિંહ કહે છે કે "તેઓ હિન્દુ બન્યા એટલે તેમને આ ઘર આપવામાં આવ્યું ન હતું. ઘર ખાલી હતું અને આ લોકો રહે તો ઘરમાં સાફસફાઈ થતી રહે એ હેતુસર ઘર આપવામાં આવ્યું હતું. તેમણે જે ધર્મનું પાલન કરવું હોય તે કરે, અમને તેનાથી કોઈ ફરક પડતો નથી."

સુખબીર સિંહ કહે છે કે "જુઓ, હિન્દુમાંથી મુસલમાન બનવું આસાન છે, પણ મુસલમાનમાંથી હિન્દુ બનવું મુશ્કેલ છે. હિન્દુ સમાજમાં આજે પણ જ્ઞાતિનું ઘણું મહત્વ છે. આજે પણ લગ્ન આંતરજ્ઞાતીય જ થાય છે. કોઈ મુસલમાન હિન્દુ બનશે તો તેને કઈ જ્ઞાતિ અપનાવશે? જ્ઞાતિ તો જન્મજાત હોય છે. તે કોઈ પસંદ કરી શકતું નથી. ધારો કે અમારે જાટ જ્ઞાતિમાં જવા ઇચ્છીએ તો ક્યો જાટ અમને અપનાવશે?"

પશ્ચિમ બંગાળની જાધવપુર યુનિવર્સિટીમાં રાજનીતિ વિજ્ઞાનના પ્રોફેસર અબ્દુલ મતીન જણાવે છે કે ભારતમાં ઘર વાપસીનો જે નારો આપવામાં આવ્યો હતો એ સામાજિક અને રાજકીય છેતરપિંડી છે.

પ્રોફેસર મતીન કહે છે કે "ઘર વાપસીની હાકલ તો કરી રહ્યા છો પણ કોના ઘરમાં વાપસીની વાત કરો છો? ઘરની બાલ્કનીમાં રહેવાનું છે કે આંગણામાં કે પછી ગેરેજમાં રહેવાનું છે? હું માનું છું કે ઘરની ડોરબેલ વગાડો તો કોઈ દરવાજો પણ ખોલશે નહીં."

હિન્દુ ધર્મમાં જ્ઞાતિની જે સાંકળ છે તેને તોડવી આસાન નથી. તેને ડૉ. આંબેડકર પણ તોડી શક્યા ન હતા અને હારીને બૌદ્ધ બની ગયા હતા. જે બિન-બ્રાહ્મણ ધર્મો છે એટલે કે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મની વાત કરીએ તો તેમાં સામૂહિકતાની ભાવના છે.

સેન્સ ઑફ બિલોંન્ગિંગ છે એટલે કે તમે એ સમૂહનો હિસ્સો છો અને તેની સાથે તાદાત્મ્ય અનુભવો છો. લોકો હિન્દુ ધર્મ અપનાવી તો લે છે, પણ તેમને સામાજિક સ્વીકૃતિ મળતી નથી."

line

ઘર વાપસીમાં ઘર ક્યાં છે?

મુસ્લિમમાંથી હિન્દુ બનનારા લોકો
ઇમેજ કૅપ્શન, ગામના શિવ મંદિર બહાર બેઠેલા દિલેર સિંહ.

પ્રોફેસર મતીન કહે છે કે "જે લોકો હિન્દુ બની રહ્યા છે તેમનું હૃદય પરિવર્તન નથી થયું. આ ધર્માંતરણ રાજકારણ પ્રેરિત છે. કોઈ મુસલમાન હૃદય પરિવર્તનથી હિન્દુ બને તો હિન્દુ સમાજનું હૃદય પરિવર્તન પણ થશે? હિન્દુ સમાજ એટલો ઉદાર થશે કે તેમનો સ્વીકાર કરી લે?"

"જે મુસલમાનો હિન્દુ બને છે તેમની ઓળખ વધારે જટિલ બની જાય છે. હિન્દુ સમાજમાં તો ઓળખ બાબતે પહેલાંથી જ જાતજાતની જટિલતા છે. એ સ્થિતિમાં નવી જટિલતા સાથે રહેવાનું બહુ મુશ્કેલ બની જાય છે. ધર્માંતર પછી પણ હિન્દુઓના વ્યાપક સમાજમાં પ્રવેશવું મુશ્કેલ છે."

પ્રોફેસર મતીન ઉમેરે છે કે "સઈદ નકવીની નવલકથા ધ મુસ્લિમ વેનિશિઝ મેં હમણાં જ વાંચી. તેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાંથી મુસલમાનો અચાનક ખતમ થઈ જાય છે. તાજ મહેલ, કુતુબ મિનારથી માંડીને લાલ કિલ્લા સુધીનું બધું ગાયબ થઈ જાય છે. એ પછી ભારતમાં રાજકીય પક્ષો એ વિચારથી પરેશાન થઈ જાય છે કે ચૂંટણી કેવી રીતે લડવી? મુસ્લિમોને પાછા લાવવા માટે ચૂંટણી પંચની ઑફિસના દરવાજા બહાર યજ્ઞ કરવામાં આવે છે. મીડિયાને પણ ચર્ચા માટે કોઈ નકલી મુદ્દો મળતો નથી. તમે સવાલ પૂછ્યો એટલે આ નવલકથા સહજ યાદ આવી ગઈ."

વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મંત્રી સુરેન્દ્ર જૈન કહે છે કે "મુસલમાન હિન્દુ બને ત્યારે રોટી-બેટીના સંબંધનો સવાલ સર્જાય છે."

"સ્વીકાર્યતાનો સવાલ પણ છે. અમે તેનું નિરાકરણ શોધી કાઢ્યું છે. હિન્દુ બનેલા મુસ્લિમોને તેમના પૂર્વજો જે જ્ઞાતિના ગણવામાં આવશે."

"અહીંના બધા મુસલમાનોના પૂર્વજો હિન્દુ જ હતા અને પોતાના પૂર્વજો વિશે કોણ ન જાણતું હોય. શેખ અબ્દુલ્લાનો પરિવાર કૌલ બ્રાહ્મણ હતો એ કોણ નથી જાણતું. એવી જ રીતે મોહમ્મદ અલી જિન્નાના પરિવાર વિશે પણ બધા જાણે છે."

જિન્નાના પૂર્વજ ગુજરાતની લોહાણા-ઠક્કર જ્ઞાતિના હતા. આ હિન્દુ જ્ઞાતિ ગુજરાતમાં વેપારી સમુદાયની છે.

line

હિન્દુ બન્યા પછી જ્ઞાતિનું શું?

મુસ્લિમમાંથી હિન્દુ બનનારા લોકો
ઇમેજ કૅપ્શન, દિલશાદનાં પત્ની મનસુ હવે મંજુ બની ગયાં છે.

સુરેન્દ્ર જૈન કહે છે કે "હરિયાણામાં આવું બનવું શરૂ થઈ ગયું છે. ઇસ્લામ છોડીને હિન્દુ બનેલા લોકોને સ્વીકારવાનું જાટોએ શરૂ કરી દીધું છે. ઘર વાપસી માત્ર એક નારો નથી."

"આ કામ ચાલી જ રહ્યું છે. મુસલમાનોમાં જ્ઞાતિ વ્યવસ્થા નથી એવું કહેતા લોકો ઈસ્લામને જાણતા નથી. કોઈ શેખ પસમાંદા (પછાત જ્ઞાતિની કન્યા) સાથે લગ્ન કરશે? શિયા અને સુન્નીઓ વચ્ચેની દુશ્મનાવટથી કોણ અજાણ છે?"

"ઇસ્લામ છોડીને હિન્દુ બનતા લોકોને તેમના પૂર્વજોની જ્ઞાતિ મળે એ હેતુસર અમે આ કામ કરી રહ્યા છીએ. મેવાતના મુસલમાનોના હિન્દુ ગોત્રની પણ અમને ખબર છે. તેથી આ બાબતે ગૂંચવાઈ જવાની જરૂર નથી."

ગુજરાત યુનિવર્સિટીમાં સામાજિક વિજ્ઞાનના પ્રોફેસર ગૌરાંગ જાની કહે છે કે "સુરેન્દ્ર જૈને એવું કહેવું જોઈતું હતું કે તેઓ જ્ઞાતિવિહિન સમાજ બનાવવા ઇચ્છે છે, જેથી નાતજાતના ભેદભાવ ખતમ થઈ જાય, પરંતુ તેઓ વર્ણ વ્યવસ્થાને છેડવા ઇચ્છતા નથી. તેથી મુસલમાનોને હિન્દુ બનાવીને પણ તેઓ જ્ઞાતિમાં વિભાજન કરશે."

"પાછલાં દસ વર્ષમાં મુસલમાનોની જે ઇમેજ બનાવવામાં આવી છે એ ઇમેજને લોકો ધિક્કારશે કે સ્વીકારશે? આ સવાલ વિશ્વ હિન્દુ પરિષદે ખુદને પૂછવો જોઈએ."

"હિન્દુઓમાં સ્વીકારની આટલી ઉદ્દાત ભાવના છે તો તેઓ મુસલમાનોને ઘર ભાડે કેમ નથી આપતા?"

અખ્તર અલીના પરિવારને યુવા હિન્દુ વાહિનીના બાગપત જિલ્લા અધ્યક્ષ યોગેન્દ્ર તોમરે મુસલમાનમાંથી હિન્દુ બનવામાં મદદ કરી હતી. અમે તેમને પૂછ્યું હતું કે અખ્તર અલીનો પરિવાર ફરી મુસ્લિમ શા માટે બની ગયો?

આ સવાલના જવાબમાં યોગેન્દ્ર તોમરે કહ્યું હતું કે "તેમની પત્નીઓ અને બાળકો તેમને છોડીને ચાલ્યા ગયાં હતાં. તેથી તેમણે ફરીથી ઇસ્લામ અપનાવવો પડ્યો, પણ અમારી ઝૂંબેશ અટકી નથી. અમે ઇચ્છીએ છીએ કે તમામ મુસલમાનો ઘર વાપસી કરે."

વસીમ રિઝવીને હિન્દુ બનવાથી શું મળ્યું?

મુસ્લિમમાંથી હિન્દુ બનનારા લોકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વસીમ રિઝવી ગત વર્ષની પાંચ ડિસેમ્બરે મુસલમાનમાંથી હિન્દુ બન્યા હતા.

ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવી ગત વર્ષે પાંચ ડિસેમ્બરે હિન્દુ ધર્મ અપનાવીને જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી બન્યા હતા. 51 વર્ષના આયુષ્યમાં જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી 50 વર્ષ, બે મહિના મુસ્લિમ હતા અને છેલ્લા દસ મહિનાથી હિન્દુ છે. છેલ્લા દસ મહિનાને તેઓ કેવી રીતે મૂલવે છે?

ત્યાગી કહે છે કે "સનાતન ધર્મ અપનાવવાના પડકારોનો અંદાજ મને પહેલેથી જ હતો. અહીં લોકો અન્યધર્મીઓને અપનાવતા નથી."

"સૌથી પહેલી મુશ્કેલી તો જ્ઞાતિ અને સમુદાય સંબંધી હોય છે. તમે કોઈ જ્ઞાતિ અપનાવી હોય તો પણ એ જ્ઞાતિના લોકો તમને અપનાવતા નથી."

"મેં મારા નામ સાથે ત્યાગી અવટંક જોડી એનો અર્થ એ નથી કે ત્યાગી સમાજ મારી સાથે રોટી-બેટીનો સંબંધ બાંધશે. મારો ભૂતકાળ તેમને રોકશે."

"સનાતન ધર્મની આ જ મુશ્કેલી છે. સાતમી સદીનો ધર્મ ઈસ્લામ વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો ધર્મ બન્યો છે તો તેમાં કેટલીક ખૂબી પણ છે."

જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી ઉમેરે છે કે "ઇસ્લામમાં એકમેકની સાથે મળી જવાનો અવકાશ છે. તમે ઇસ્લામ અપનાવી લો પછી તમારા ભૂતકાળ સાથે તેને કશું લાગતુંવળગતું નથી. તેમાં વૈવાહિક સંબંધમાં પણ કોઈ મુશ્કેલી થતી નથી."

" ઇસ્લામમાં જ્ઞાતિ બાબતે કોઈ અપમાન સહન કરવું પડતું નથી. હું જીવનના છેલ્લા શ્વાસ સુધી સનાતન ધર્મમાં રહીશ, પરંતુ મારી સાથે કોઈ રોટી-બેટીનો સંબંધ બાંધશે નહીં એ હું જાણું છું."

"તેથી મને લાગે છે કે અમે નથી ઘરના રહ્યા કે નથી ઘાટના. ઈસ્લામમાં હતો ત્યારે પણ અકળામણ હતી અને અહીં છું ત્યારે પણ અળગો હોવાની લાગણી અનુભવું છું."

જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગીના જણાવ્યા મુજબ, સનાતન ધર્મ અપનાવ્યા પછી તેમના નિકાહ તૂટી ગયા છે. પરિવાર પર માઠી અસર થઈ છે.

તેઓ કહે છે કે "સાચું કહું તો મેં જ મારું જીવન ઝેર બનાવ્યું છે. તેથી મેં આખા પરિવાર સાથે સનાતન ધર્મ અપનાવ્યો ન હતો. હું પહેલાં આવીને જાત અનુભવ મેળવવા ઇચ્છતો હતો. આખો પરિવાર સનાતની ન બન્યો એ સારું થયું."

line

ધર્મ આટલો મહત્ત્વનો શા માટે?

મુસ્લિમમાંથી હિન્દુ બનનારા લોકો
ઇમેજ કૅપ્શન, બદરખા ગામમાં મુસ્લિમોની હિન્દુ બનાવવા માટે 2018માં અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

માણસના જીવનમાં ધર્મ એટલો મહત્ત્વનો કેમ હોય છે કે એના માટે લગ્ન અને પરિવાર વેરવિખેર કરવા માટે તે તૈયાર થઈ જાય છે?

આ સવાલના જવાબમાં જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી કહે છે કે "માનવતાથી વધુ મહત્ત્વનું કશું જ હોતું નથી, પણ મેં ધર્મને વધારે મહત્ત્વ આપ્યું તે સાચું છે. એટલું જરૂર કહીશ કે ઘર વાપસીને આંદોલન બનાવવું હોય તો હિન્દુ ધર્મે મુસ્લિમોને હાથ ફેલાવીને અપનાવવા પડશે, અન્યથા આ આંદોલન રાજકીય તિકડમ બની જશે."

જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગીની ફરિયાદો બાબતે સુરેન્દ્ર જૈન કહે છે કે "વસીમ રિઝવીને મીડિયામાં ચમકવું અને બેફામ બોલવું બહુ ગમતું હતું. અમે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો છીએ, પણ મોહમ્મદ પયગંબર બાબતે અમે ક્યારેય કશું વાંધાજનક નિવેદન કર્યું નથી."

"ઓવૈસીને ચેતવણી જરૂર આપી હતી કે તેઓ કૌશલ્યા અને રામ વિશે બોલવાનું બંધ નહીં કરે તો અમે મોહમ્મદ પયગંબર વિશે બોલવાનું શરૂ કરીશું."

"જોકે, અમે એ વિશે ક્યારેય બોલ્યા નથી. વસીમ રિઝવીએ પણ આ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ. તેઓ બેફામ બોલવા લાગ્યા હતા અને તેનું પરિણામ તેમણે ભોગવવું પડે છે."

સુરેન્દ્ર જૈનના જણાવ્યા મુજબ, વસીમ રિઝવીને કોઈ મુશ્કેલી હતી તો તેમણે અમને વાત કરવી જોઈતી હતી. મીડિયામાં જઈને કંઈ પણ બોલવાની જરૂર ન હતી. "અમે યતિ નરસિમ્હાનંદ જેવા કટ્ટરતમ હિન્દુને સમર્થન આપી શકીએ નહીં."

ઇસ્લામનો સ્વીકાર કરનાર સાથે રોટી-બેટીના સંબંધમાં કોઈ ભેદભાવ થતો નથી, એવું કોલકાતા યુનિવર્સિટીમાં રાજનીતિ વિજ્ઞાનના પ્રોફેસર હિમાદ્રી ચેટરજી એવું નથી માનતા.

તેઓ કહે છે કે "ઉચ્ચ જ્ઞાતિનો કોઈ મુસ્લિમ પસમાંદા મુસલમાન પરિવારની દીકરી સાથે લગ્ન કરશે? દલિતોની હાલત ઇસ્લામમાં પણ એવી જ છે. કોઈ વ્યક્તિ ધર્માંતરણ કરે તો પણ તેની સામાજિક ઓળખ એની સાથે જ આવે છે."

line

ડૉ. આંબેડકર પણ લાચાર

મુસ્લિમમાંથી હિન્દુ બનનારા લોકો

ઇમેજ સ્રોત, EPA

સુરેન્દ્ર જૈને ધર્માંતર કરનારને તેના પૂર્વજોની જ્ઞાતિ આપવાની વાત કરી હતી, પણ એમ કરવું આસાન છે?

પ્રોફેસર હિમાદ્રી ચેટરજી કહે છે કે "ઘર વાપસી કરનારાઓને તેઓ જ્ઞાતિ આપશે તો મામલો વધુ મજેદાર થઈ જશે. એ પછી તો હિન્દુ ધર્મગ્રંથોમાં સુધારા કરવા પડશે."

"ડૉ. આંબેડકરે હિન્દુ ધર્મ સામે વિદ્રોહ શા માટે કર્યો હતો? જ્ઞાતિના દુષ્ચક્રથી બચવા માટે. તેમણે બહુ સંશોધન કરીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો."

"બૌદ્ધ પણ પોતાની મરજી મુજબ બનાવ્યા હતા. ડૉ. આંબેડકરે તેને નવાચાર બૌદ્ધ ધર્મ ગણાવ્યો હતો, પરંતુ જૈન સાહેબ તો જ્ઞાતિને તિલાંજલિ આપવા જ ઇચ્છતા નથી."

પ્રોફેસર હિમાદ્રી ચેટરજી ઉમેરે છે કે "હું પ્રોફેસર મતીનની વાતમાં ઉમેરો કરવા ઇચ્છું છું. ઘર વાપસી કરનારને માસ્ટર બેડરૂમમાં સ્થાન મળી શકશે?"

"કોઈ એવી શરત મૂકશે કે મને હિન્દુ ધર્મમાં બ્રાહ્મણ બનાવો તો હું ધર્માંતર કરીશ ત્યારે જૈન સાહેબ તેને બ્રાહ્મણ બનાવી દેશે? સવાલ એ જ છે કે ઘર વાપસી કરીને કોઈ ગૅરેજમાં રહેવા શા માટે આવે? જૈન સાહેબે માસ્ટર બેડરૂમ આપવો જોઈએ."

દિલેર સિંહ, દિલશાદ હતા ત્યારે પણ ગામેગામ ફરીને કપડાંનો વેપાર કરતા હતા અને આજે ચાર વર્ષ પછી પણ એ જ કામ કરે છે.

તેમનાં પત્ની મનસુમાંથી મંજુ બની ગયાં છે, પરંતુ તેમણે આજેય તેમના પતિ તથા પાંચ બાળકો માટે રોજ ભોજન રાંધવાનું હોય છે. માત્ર નામ બદલ્યું છે, પણ નામમાં શું રાખ્યું છે?

પ્રોફેસર હિમાદ્રી ચેટરજી કહે છે કે 'ઘર વાપસી'ને બદલે 'નામ વાપસી' હોત તો સારું થાત, કારણ કે અહીં ઘર તો છે જ નહીં.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન