મુકેશ અંબાણીની ઈશાને રિલાયન્સ રિટેલ સોંપીને આગળ કરવા પાછળની ગણતરી શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નિખિલ ઇનામદાર
- પદ, બીબીસી બિઝનેસ સંવાદદાતા, મુંબઈ

- મુકેશ અંબાણીએ તેમનાં ત્રણેય સંતાનોની વચ્ચે ઉત્તરાધિકાર મુદ્દે વિવાદ ન થાય તે માટેની યોજના ઘડી કાઢી છે, ઑગસ્ટ મહિનામાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં 220 અબજ ડૉલરના રિટેલ-ટુ-રિફાઇનિંગ સામ્રાજ્યમાં કોણ કઈ ભૂમિકા ભજવશે તેના વિશે સ્પષ્ટતા કરી હતી
- આકાશ ટેલિકોમ વ્યવસાય સંભાળશે તો ઈશા રિટેલનો વ્યવસાય જોશે, જ્યારે નાના દીકરા અનંતને ઍનર્જી સૅક્ટર માટે તૈયાર કરવામાં આવશે
- 20 વર્ષ પહેલાં ધીરૂભાઈ વસિયતનામું તૈયાર કર્યા વગર અવસાન પામ્યા હતા, જેના કારણે મુકેશ તથા તેમના નાના ભાઈ અનિલ વચ્ચે ભારે વિવાદ થયો હતો.
- અગાઉ ટાટા જૂથ અને સિંઘાનિયા (રેમન્ડ) પરિવારમાં વારસા માટે કલહ જોવા મળ્યો છે, જેના કારણે લાંબી અને ભદ્દી કાયદાકીય લડાઈઓ અને લવાદી પ્રક્રિયાને કારણે શૅરધારકોએ ભારે નુકસાન વેઠવું પડ્યું છે

દેશના ટોચના ધનિકોમાંથી એક મુકેશ અંબાણીએ તેમનાં ત્રણેય બાળકોની વચ્ચે ઉત્તરાધિકાર મુદ્દે વિવાદ ન થાય તે માટેની યોજના ઘડી કાઢી છે. ઑગસ્ટ મહિનામાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં 220 અબજ ડૉલરના રિટેલ-ટુ-રિફાઇનિંગ સામ્રાજ્યમાં કોણ કઈ ભૂમિકા ભજવશે તેના વિશે સ્પષ્ટતા કરી હતી.
આકાશ ટેલિકોમ વ્યવસાય સંભાળશે તો ઈશા રિટેલનો વ્યવસાય જોશે, જ્યારે નાના દીકરા અનંતને ઍનર્જી સૅક્ટર માટે તૈયાર કરવામાં આવશે. જોકે, કોને કેટલો વારસો મળશે, તેના વિશે હાલમાં કોઈ વિગતો બહાર નથી આવી અને તે અટકળોનો વિષય બની રહ્યો છે.
20 વર્ષ પહેલાં ધીરૂભાઈ વસિયતનામું તૈયાર કર્યા વગર અવસાન પામ્યા હતા, જેના કારણે મુકેશ તથા તેમના નાના ભાઈ અનિલ વચ્ચે ભારે વિવાદ થયો હતો. કદાચ એ પ્રકરણમાંથી મુકેશ અંબાણીએ જીવનનો કડવો પાઠ લીધો છે અને તેઓ ઇતિહાસનું પુનરાવર્તન નથી ઇચ્છતા.
સામાન્ય રીતે ભારતીય ઉદ્યોગગૃહોમાં અત્યારસુધી મહિલાઓની ભૂમિકા ઉપરછેલ્લી જ રહી છે, ત્યારે ઈશા અંબાણીને આટલી મોટી જવાબદારી સોંપીને અંબાણીએ નવો ચીલો પડ્યો છે.
છેલ્લા બે દાયકા દરમિયાન ભારતના અનેક વિખ્યાત ઉદ્યોગગૃહોમાં પેઢીપરિવર્તન થયું છે, જેમાં મહિલાઓને અગ્રણી અને નોંધપાત્ર ભૂમિકા મળી છે. છતાં નિષ્ણાતોનું માનવું છે કે આ દિશામાં હજુ ઘણુંબધું કરવાની જરૂર છે.

મુકેશ અંબાણીની યોજના

ઇમેજ સ્રોત, Getty Images
મુકેશ અંબાણી 65 વર્ષના છે અને તેઓ રિલાયન્સના ચૅરમૅન તથા મૅનેજિંગ ડાયરેક્ટર બાળકોને કંપનીના વહીવટના કેન્દ્રસ્થાને લાવતા પહેલાં થોડો સમય રાહ જોઈ શક્યા હોત.
ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસના થૉમ સ્કિમિધેની સેન્ટર ફૉર ફૅમિલી ઍન્ટરપ્રાઇઝ ખાતે મુખ્ય સલાહકાર પ્રો. કવિલ રામચંદ્રનના કહેવા પ્રમાણે, એશિયાના મોટાભાગના ઉદ્યોગગૃહોમાં પરિવારના વડા છેવટ સુધી સંપત્તિ પર કબજો જમાવી રાખવા માગે છે. પરંતુ મુકેશ અંબાણી પોતે "પારિવારિક વ્યવસાયોના નવી પેઢીના નેતા" તેમણે પોતે વારસા માટેની લડાઈ જોઈ છે, એટલે તેઓ પોતાના સંતાનોની સફરને શક્ય એટલી સુગમ બનાવવા માટે બની શકે એટલા પગલાં લઈ રહ્યા છે.
અગાઉ ટાટા જૂથ અને સિંઘાનિયા (રેમન્ડ) પરિવારમાં વારસા માટે કલહ જોવા મળ્યો છે. જેના કારણે લાંબી અને ભદ્દી કાયદાકીય લડાઈઓ અને લવાદી પ્રક્રિયાને કારણે શૅરધારકોએ ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિષ્ણાતોના કહેવ પ્રમાણે, અંબાણી જેવા ધનાઢ્ય એશિયન પરિવારો દૂધના દાઝ્યાં છે, જે છાશ પણ ફૂંકી-ફૂંકીને પી રહ્યા છે.
ધનાવોને પરામર્શ આપતી કંપની હબ્બીસના તારણ પ્રમાણે, "કોવિડ-19ના પરિપેક્ષ્યમાં પણ આગામી પેઢીને સંપત્તિનું હસ્તાંતરણ કરવાનું ચલણ વધ્યું છે."
પ્રૉપર્ટીની બાબતો માટેની વૈશ્વિક પરામર્શદાતા કંપની નાઇટ ફ્રૅન્ક એશિયાના લગભગ અરધોઅરધ ધનાઢ્ય પરિવારોમાં વારસા માટેની સુદ્રઢ અને સ્પષ્ટ યોજાના તૈયાર છે. મહામારી પછી ભારતના 84 ટકા અતિશ્રીમંત લોકો આગામી પેઢીને કેવી રીતે સંપત્તિ સોંપશે તેના વિશેની ચિંતા કરવા લાગ્યા છે .

દીકરી દાવેદાર નહીં હક્કદાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
વારસાની યોજનામાં મહિલાઓની ભૂમિકાની પણ પુનઃસમિક્ષા થઈ રહી હોય તેમ જણાય છે. ત્રણેય સંતાનોની વચ્ચે નેતૃત્વની જવાબદારીની ચર્ચા કરતી વખતે અંબાણીએ કહ્યું હતું, "રિલાયન્સ ખાતે યુવા પ્રોફેશનલ્સ અને લીડર્સની ટીમ અભૂતપૂર્વ કામ કરી રહી છે. તેઓ (ત્રણેય સંતાનો) સમાન લોકોની વચ્ચે પહેલાં છે."
અંબાણી પરિવારમાં વારસાની લડાઈ થઈ તે પહેલાં જ ઈશા અંબાણીના ફોઈઓનાં અન્ય ઉદ્યોગગૃહોમાં લગ્ન થઈ ગયાં હતાં. ત્યારે ઈશા અંબાણીને પણ ભાઈઓને "સમકક્ષ" ગણવાનું પરિવર્તન આવતું જણાય છે. ઈશા રિલાયન્સમાં આવ્યાં તે પહેલાં કન્સલ્ટન્સી ફર્મ મેકેન્સી માટે કામ કરતાં. તેમણે યેલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
પ્રો. રામચંદ્રનના કહેવા પ્રમાણે, અંબાણી પરિવાર પરંપરાગત ગુજરાતી વેપારી સમુદાયની ઉપર ભારે પ્રભાવ ધરાવ છે. એટલે ઈશા અંબાણીને આગળ કરવાના તેમના નિર્ણયથી સમાજમાં "સશક્ત સંદેશ" જશે.
વારસા માટેનું આયોજન કરવા માટે સલાહ આપતી કંપની ટેરેન્ટિયાના સ્થાપક અને મૅનેજિંગ ડિરેક્ટર સંદીપ નારલેકરના મતે "આ એક મોટી પહેલ છે તથા અન્ય પરિવારો પણ તેને અનુસરવા માટે પ્રેરાશે."
પરિવારની મહિલાએ કંપનીમાં નેતૃત્વકેન્દ્રિત ભૂમિકા સ્વીકારી હોય તેવું ઈશા પહેલું ઉદાહરણ નથી. આ પહેલાં ગોદરેજ જૂથમાં નિશબા ગોદરેજ તથા પાર્લે ઍગ્રોના નાદિયા ચૌહાણ સહિત અડધોડઝન જેટલાં મહિલા સમાન ભૂમિકા ભજવી રહ્યાં છે.
જાણકારોના કહેવા પ્રમાણે, આ પરિવર્તન પાછળ અનેક પરિબળ જવાબદાર છે. મહિલાઓમાં ઉચ્ચશિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે. બીજું કે સંયુક્ત પરિવારોના બદલે વિકેન્દ્રિત પરિવારોની સંખ્યા વધી રહી છે.
ભારતના અગ્રણી ટેક્ષ્ટાઇલ જૂથના વૅલસ્પન ગ્રૂપનાં (2.7 અબજ ડૉલર) સીઈઓ દીપાલી ગોયેન્કાના કહેવા પ્રમાણે, મહિલાઓ તેમનાં અધિકારો વિશે વાચાળ બની રહી છે તથા એના માટે સંઘર્ષ કરવા પણ તૈયાર છે.
18 વર્ષની ઉંમરે દીપાલીનું લગ્ન થઈ ગયુ હતું. સંતાનો મોટાં થયાં તે પછી તેઓ પતિના વ્યવસાયમાં જોડાયાં અને હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કરવાનું નક્કી કર્યું.

સમાન અધિકાર

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, આ દિશામાં હજુ ઘણું કરવાની જરૂર છે. ટેરેન્ટિયાના એક અભ્યાસને ટાંકતા નારલેકરે જણાવ્યું હતું કે સંપત્તિનું આયોજન કરતી વેળાએ હજુ પણ ભારતના 10માંથી આઠ પરિવારમાં દીકરા પ્રત્યે ઝુકાવ જોવા મળે છે. એટલે સુધી કે "દીકરા અને દીકરી વચ્ચે સંપત્તિનું વિતરણ પણ સમાન નથી હોતું."
ચેન્નાઈસ્થિત મુરુગપ્પા ગ્રૂપનાં વારસોમાંથી એક વલ્લી અરૂનાચલમે બોર્ડમાં બેઠક મેળવવા માટે કટુ સાર્વજનિક લડાઈ લડવી પડી હતી. જે દેખાડે છે કે હજુ પણ ભારતમાં મહિલાઓ સામે અનેક અવરોધ ઊભા છે.
કાયદાકીયક્ષેત્રે પણ કેટલાંક પરિવર્તનો થઈ રહ્યાં છે. જેમકે, મહિલાઓને વારસામાં સમાનાધિકાર મળેલા છે. ચાહેર તે પરિણીત હોય કે ન હોય. જેના કારણે મહિલાઓને વારસાનું હસ્તાંતરણ સુગમ બન્યું છે. સરકારી જોગવાઈઓ પ્રમાણે કંપનીના બોર્ડમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ, જેના કારણે પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ વધી રહ્યું છે.
જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે પિત્તૃસત્તાક માનસિકતા સામેની લડાઈ હજુ શરૂ જ થઈ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













