એનડીટીવીમાં અદાણી જૂથ દ્વારા હિસ્સો ખરીદવા પાછળની કહાણી શું છે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, આલોક જોશી
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિન્દી માટે

સંક્ષિપ્તમાં: એનડીટીવીમાં અદાણી જૂથના હિસ્સા અંગે જાણવા જેવી તમામ વિગતો

- અદાણી ગ્રૂપે એનડીટીવીમાં મોટો હિસ્સો ખરીદી લીધો છે અને હવે 26% જેટલા વધારાના શૅર ખરીદવા માટે ઓપન ઑફરની જાહેરાત પણ કરી દીધી છે
- અદાણી ગ્રૂપ પ્રણય રોય, રાધિકા રોય અને એનડીટીવી મૅનેજમૅન્ટની ઇચ્છા વિરુદ્ધ કંપનીને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જેને હૉસ્ટાઈલ ટેકઓવર કહેવામાં આવે છે
- સવાલ એ છે કે અદાણી જૂથ એનડીટીવીને ટેકઓવર કરવા માટે રાજીખુશીથી સંમત થઈ રહ્યું છે કે પછી તેમની પર દબાણ કરવામાં આવી રહ્યું છે?
- પ્રણય અને રાધિકા બંને અલગ-અલગ અને આરઆરપીઆર હોલ્ડિંગ્સ દ્વારા કંપનીની કુલ પેઇડ-અપ મૂડીના 61.45% હિસ્સો ધરાવે છે
- કંપનીની પ્રેસ રિલીઝમાં લખવામાં આવ્યું છે કે વીસીપીએલ પાસે આરઆરપીઆરના વાઉચર છે અને તેના એનકૅશમૅન્ટ પર તે આ કંપનીમાં 99.99% હિસ્સો મેળવી શકે છે
- 0.49% શૅર કેમ છોડી દેવાયા તે સમજવું મુશ્કેલ છે
- આરઆરપીઆર નામનો અર્થ રાધિકા રૉય પ્રણય રૉય એટલે કે કંપનીનાં સ્થાપક પ્રમોટર દંપતી
- વીસીપીએલએ 2009-10માં એનડીટીવીને અથવા તેના પ્રમોટરોને લૉન આપી હતી
- જેની સામે આરઆરપીઆરનો હિસ્સો પોતાની પાસે ગીરો રાખવામાં આવ્યો હતો
- વીસીપીએલ કંપની અંબાણી પરિવાર અથવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી હતી
- એટલે કે લૉન અંબાણીએ આપી હતી અને વસૂલાત સમયે અદાણી આગળ આવ્યા હતા

અદાણી જૂથે એનડીટીવી ખરીદી લીધું છે. અદાણી જૂથે એનડીટીવીમાં મોટો હિસ્સો ખરીદી લીધો છે અને હવે 26% જેટલા વધારાના શૅર ખરીદવા માટે ઓપન ઑફરની જાહેરાત પણ કરી દીધી છે.
અદાણી ગ્રૂપ પ્રણય રોય, રાધિકા રોય અને એનડીટીવી મૅનેજમૅન્ટની ઇચ્છા વિરુદ્ધ કંપનીને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જેને 'હૉસ્ટાઈલ ટેકઓવર' કહેવામાં આવે છે.
આમાંની કોઈ પણ વાત સાચી હોઈ શકે છે. પહેલાં બેમાં કહેવાની રીતમાં ફરક છે અથવા એવું કહેવું યોગ્ય નથી કે અડધાથી વધુ હિસ્સો મેળવ્યા વગર કંપની ખરીદી લીધી છે.
પરંતુ જો પડદા પાછળની વાત માનવામાં આવે કે એનડીટીવીનાં સીઈઓ સુપર્ણાસિંહે તેમની સાથે કામ કરતા તમામ લોકોને એક મેઇલ લખીને જાણ કરી છે, તો ચોક્કસથી મોટો તફાવત આવી જાય છે.
ફરક માત્ર એટલો જ છે કે અદાણી ગ્રૂપ એનડીટીવી પર કબજો કરવા કે એના શૅરોનો 50 ટકાથી વધારે ભાગ ખરીદવાનું કામ કંપીના વર્તમાન પ્રમોટરોની સાથે વાત કરીને રાજીખુશીથી કરી રહ્યું છે કે એમની સાથે બળજબરી કરી રહ્યું છે?

એનડીટીવીના સંદેશનો અર્થ

ઇમેજ સ્રોત, NDTV
જો એનડીટીવીનાં સીઈઓ દ્વારા લખવામાં આવેલા સંદેશને સાચો માની લેવામાં આવે તો અહીં મામલો બળજબરીનો જ છે.
ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રૂપ દ્વારા જાહેરાત કરવામાં આવી તેના એક દિવસ પહેલા એનડીટીવીએ સ્ટૉક ઍક્સચેન્જોને પત્ર લખ્યો હતો કે એક અખબારના રિપોર્ટરે તેમને પૂછ્યું છે કે શું પ્રણય રૉય અને રાધિકા રૉય તેમની હોલ્ડિંગ કંપની આરઆરપીઆર દ્વારા જાળવી રાખેલો હિસ્સો વેચી રહ્યાં છે.
કંપનીએ તે પત્રકાર અને ઍક્સચેન્જને લખીને જણાવ્યું હતું કે આ અફવા પાયાવિહોણી છે અને રાધિકા અને પ્રણય રૉયે હિસ્સો વેચવા અથવા કંપનીની માલિકી બદલવા વિશે ન તો કોઈ વાત કરી છે કે ન તો કોઈની સાથે વાત કરી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રણય અને રાધિકા બંને અલગ-અલગ અને આરઆરપીઆર હોલ્ડિંગ્સ દ્વારા કંપનીની કુલ પેઇડ-અપ મૂડીના 61.45% હિસ્સો ધરાવે છે.
કંપનીઓના વેચાણ અથવા મોટા હિસ્સાના વેચાણના કિસ્સામાં પણ આવી સ્પષ્ટતા પણ કોઈ નવી વાત નથી. નિયમ એવો છે કે સૌથી પહેલાં જાણકારી સ્ટૉક ઍક્સચેન્જને આપવી, એટલે વાતચીત ચાલતી હોય તો પણ તેના પર કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવતો નથી.
પરંતુ મોટાભાગના કિસ્સામાં, કંપનીઓ કહે છે કે તેઓ બજારની અટકળો પર કોઈ ટિપ્પણી કરશે નહીં. આવી સ્પષ્ટ ભાષામાં લખાયેલું ખંડન ભાગ્યે જ આવે છે.
પરંતુ ખંડન છતાં એક જ દિવસ બાદ અદાણી જૂથ દ્વારા કાયદેસર જાહેરાત કરવામાં આવી હતી કે તેમની કંપની એએમએનએલ પરોક્ષ રીતે એનડીટીવીનો 29.18% હિસ્સો ખરીદી રહી છે તેમજ 26 ટકાના વધારાના શૅર ખરીદવા માટે ઓપન ઑફર અથવા ખુલ્લો પ્રસ્તાવ પણ રજૂ કરી રહ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
કંપનીની પ્રેસ રિલીઝમાં લખવામાં આવ્યું છે કે એએમજી મીડિયા નેટવર્ક્સ લિમિટેડની પેટા કંપની વીસીપીએલ પાસે આરઆરપીઆર હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડના વાઉચર છે અને તેના એનકૅશમૅન્ટ પર તે આ કંપનીમાં 99.99% હિસ્સો મેળવી શકે છે.
કંપનીએ વાઉચરોને 99.5% શૅરમાં તબદીલ કરવા માટે આ અધિકારનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. આ સાથે વીસીપીએલ હવે આરઆરપીઆર હોલ્ડિંગ્સ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેશે. 0.49% શૅર કેમ છોડી દેવાયા તે સમજવું મુશ્કેલ છે.
આરઆરપીઆર હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ એ કંપની છે જેની પાસે એનડીટીવીના 29.18% શૅર છે. અર્થાત્ કે એનડીટીવીનો આ હિસ્સો હવે અદાણી ગ્રૂપનો બની ગયો છે.
જો આરઆરપીઆર નામનો અર્થ સમજવામાં આવે તો તે છે રાધિકા રૉય પ્રણય રૉય એટલે કે કંપનીનાં સ્થાપક પ્રમોટર દંપતી. આ સિવાય પણ બંને પાસે લગભગ 16-16 ટકાનો હિસ્સો છે.
પરંતુ એનડીટીવીના મૅનેજમૅન્ટનું કહેવું છે કે 'આજના ઘટનાક્રમથી એનડીટીવી, રાધિકા અને પ્રણય સાવ અજાણ છે. આ સંપાદન તેમની સંમતિ કે જાણકારી વગર થયું હતું. તેનો આધાર 2009-10માં કરવામાં આવેલો એક લૉન કરાર છે.'
કંપનીનું એમ પણ કહેવું છે કે તે આગળની પ્રક્રિયા અંગે માહિતી એકત્ર કરી રહી છે અને તેમાં કાનૂની અથવા નિયમનકારી વિકલ્પોનો પણ સમાવેશ થઈ શકે છે.

રિલાયન્સ સાથે જોડાતા તાર

ઇમેજ સ્રોત, Getty Images
અહીં વાર્તામાં બીજો પણ વળાંક છે. વીસીપીએલ નામની જે કંપની મારફતે અદાણી જૂથે એનડીટીવીનો હિસ્સો ખરીદવાનું નક્કી કર્યું હતું તે કંપનીએ 2009-10માં એનડીટીવીને અથવા તેના પ્રમોટરોને લૉન આપી હતી. જેની સામે આરઆરપીઆરનો હિસ્સો પોતાની પાસે ગીરો રાખવામાં આવ્યો હતો એટલે કે તેમની પાસે દેવાને ઇક્વિટીમાં કન્વર્ટ કરવાનો અધિકાર હતો.
જોકે, એનડીટીવી કે તેનાં પ્રમોટરોએ અદાણી ગ્રૂપ પાસેથી કોઈ લૉન લીધી નથી. જ્યારે આ લૉનનો સોદો થયો ત્યારે વીસીપીએલ કંપની અંબાણી પરિવાર અથવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી હતી. એટલે કે લૉન અંબાણીએ આપી હતી અને વસૂલાત સમયે અદાણી આગળ આવ્યા હતા. કદાચ આ જ કારણ છે કે એનડીટીવી મંગળવારે જે બન્યું તેને અનપેક્ષિત ગણાવી રહ્યું છે.
સમાચારની પાછળના સમાચારને પકડતી ન્યૂઝ વેબસાઈટ ન્યૂઝલૉન્ડ્રીએ 14 જાન્યુઆરી, 2015ના રોજ એક સમાચાર લખ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે મુકેશ અંબાણીની કંપનીઓ માત્ર રાઘવ બહલના નેટવર્ક 18ની જ નહીં પણ એનડીટીવીને પણ પોતાની દેવાદાર બનાવી રહી હતી. આ સમાચારમાં વિશ્વપ્રધાન કૉમર્શિયલ પ્રાઈવેટ લિમિટેડની ઑફિસનું સરનામું પણ જણાવવામાં આવ્યું હતું.
જોકે, પાછળથી તે બદલાઈ ગયું. પરંતુ આ એ જ સરનામું છે જ્યાંથી હાલમાં નેટવર્ક18ની ચેનલો ચાલે છે. આ જ સરનામે શિનાનો રિટેલ પ્રાઇવેટ લિમિટેડ નામની અન્ય એક કંપની ચાલી રહી હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો એક ભાગ એવી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ હોલ્ડિંગ્સ લિમિટેડ આ કંપનીમાં 100 ટકા હિસ્સો ધરાવે છે.
રિલાયન્સ ગ્રૂપની કંપની રિલાયન્સ વેન્ચર્સ લિમિટેડે 2009-10માં શિનાનો રિટેલને 403.85 કરોડ રૂપિયાની લૉન આપી હતી. તે અસુરક્ષિત લોન હતી. તે જ વર્ષે શિનાનોએ વિશ્વપ્રધાન એટલે કે વીસીપીએલને બરાબર એટલી જ રકમની લૉન આપી હતી. તે વર્ષે આરઆરપીઆર હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડની બૅલેન્સ શીટ દર્શાવે છે કે તેમને એટલી જ રકમની લૉન મળી છે.
આ લૉન ક્યાંથી મળી તે લખ્યું નથી. પરંતુ ડિસેમ્બર 2014માં આવકવેરાવિભાગે અન્ય કેટલાક કેસમાં દિલ્હી હાઇકોર્ટમાં લેખિત નિવેદન આપ્યું હતું કે તેમને આ રકમની સંપૂર્ણ વિગતો આરઆરપીઆર હોલ્ડિંગ્સ પાસેના બેનામી સ્ત્રોતોમાંથી મળી ગઈ છે. એ સ્પષ્ટ છે કે પૈસા રિલાયન્સમાંથી નીકળ્યા હતા અને શિનાનો અને વિશ્વપ્રધાન મારફતે આરઆરપીઆર સુધી પહોંચ્યા હતા.

અદાણી જૂથ શું ઇચ્છે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આવી જ વાર્તા નેટવર્ક 18ને મળેલી લૉન અંગેની પણ હતી, જેના બદલામાં સ્થાપક પ્રમોટર રાઘવ બહલનો આખો હિસ્સો એક સવારે અચાનક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો થઈ ગયો. ત્યારે પણ આમ જ લનને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.
અને હવે એનડીટીવીમાં એ જ વાર્તાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. વિશ્વપ્રધાનની માલિકી બદલવાના સમાચાર કોની કોની પાસે હતા, ખબર નથી.
એનડીટીવીનું કહેવું છે કે દેવાને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાનો અથવા વૉરંટનો ઉપયોગ કરવાનો નિર્ણય એનડીટીવીના સ્થાપકોને જાણ, તેમની સંમતિ અથવા કોઈપણ વાતચીત વિના લેવામાં આવ્યો છે.
વિશ્વપ્રધાન, એએમપીએલ અને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ તરફથી 26% હિસ્સા માટે ઓપન ઑફર આવી છે તે પણ વધુ ઔપચારિક લાગે છે કારણ કે મંગળવારે બજારમાં એનડીટીવીનો શૅર રૂપિયા 369.75 પર બંધ થયો અને ઓપન ઑફરની કિંમત રૂપિયા 294 છે. એટલે કે એવુ બની શકે કે આ ઓપન ઑફરમાં કંપનીને વધુ શૅર ન મળે.
એવું પણ બની શકે છે કે આરઆરપીઆર હોલ્ડિંગ્સમાં 99.5% હિસ્સો મેળવી લીધા પછી અદાણી જૂથ આ જ મૅનેજમૅન્ટ સાથે વાટાઘાટો કરીને કંપનીને એવો પ્રયાસ કરે કે કંપનીને આ જ લોકો ચલાવે. એટલે કે, તેઓ ફક્ત રોકાણકારની જેમ કંપનીમાં પ્રવેશ કરવા માંગે છે.
પરંતુ જો રાઘવ બહલ-રિલાયન્સ સોદામાંથી ધડો લઈએ તો તે એમ છે કે આ પ્રકારનો ઉત્સાહ લાંબા સમય સુધી ટકાવી રાખવો લગભગ અશક્ય છે.
જો કે એનડીટીવી આ મામલાને કોર્ટમાં લઈ જશે કે રેગ્યુલેટર સમક્ષ લઈ જશે તે જોવું રહ્યું. જો આવું થઈ પણ જાય તો સવાલ એ રહે છે કે શું કાયદો તેમને કોઈ મદદ કરશે?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













