5જી : અદાણી અને અંબાણી વધુ એક વખત સામસામે હશે ?

ઇમેજ સ્રોત, PTI
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી

- ભારતમાં સાત દિવસ ચાલેલી 5જી સ્પેક્ટ્રમની હરાજી સમાપ્ત થઈ ગઈ છે.
- તેમાં એક 'સરપ્રાઇઝ ઍન્ટ્રી' અદાણી ડિજિટલ નેટવર્ક્સ લિમિટેડની હતી. જે સૌથી ધનિક ભારતીય ગૌતમ અદાણી જૂથની કંપની છે.
- 5-જી સ્પેક્ટ્રમ મળ્યા પછી અદાણી જૂથ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તીમાં અનેક મહત્ત્વકાંક્ષાઓ તથા યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભારતમાં સાત દિવસ ચાલેલી 5જી સ્પેક્ટ્રમની હરાજી સમાપ્ત થઈ ગઈ છે. જેમાં મુખ્ય સ્પર્ધા મુકેશ અંબાણીની આર-જિયો, સુનિલ મિત્તલની ભારતી ઍરટેલ તથા આઇડિયા-વોડાફોન વચ્ચે હતી.
જોકે, તેમાં એક 'સરપ્રાઇઝ ઍન્ટ્રી' અદાણી ડિજિટલ નેટવર્ક્સ લિમિટેડની હતી. જે સૌથી ધનિક ભારતીય ગૌતમ અદાણી જૂથની કંપની છે.
એક સમયે બંને ઉદ્યોગગૃહોનાં હિતોનો પરસ્પર ટકરાવ થાય તેવાં ક્ષેત્રોમાં ઝંપલાવ્યું ન હતું, પરંતુ છેલ્લાં પાંચેક વર્ષથી અદાણી જૂથે અગાઉથી જ જે ક્ષેત્રમાં રિલાયન્સ ગ્રૂપ સક્રિય હોય તેવા ધંધાઓમાં પણ ઝંપલાવ્યું છે.
આ હરાજીમાં આર-જીયો સૌથી વધારે 11 અબજ ડૉલરના સ્પેક્ટ્રમ ખરીદ્યા છે જ્યારે અદાણી ગ્રૂપે માત્ર 26 મિલિયન ડૉલર ખર્ચ્યા છે.
સ્પૅક્ટ્રમની હરાજી પરથી સ્પષ્ટ છે કે ભવિષ્યમાં અદાણી અને અંબાણી જૂથ વચ્ચે સ્પર્ધા થઈ શકે છે, જે મોબાઇલસેવા ક્ષેત્રમાં નહીં હોય.
ચાલુ વર્ષના અંતભાગ સુધીમાં સમગ્ર દેશમાં 5-જી સેવા ઉપલબ્ધ થઈ જશે, તેવી આશા ભારતના ટેલિકોમમંત્રી અશ્વિની વૈષ્ણવે કરી છે.

મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી મોબાઇલસેવા પ્રદાતા કંપની છે

ઇમેજ સ્રોત, Getty Images
અદાણી જૂથે મોબાઇલસેવાક્ષેત્રમાં ઝંપલાવી શક્યું હોત, પરંતુ તેણે પોતાના વપરાશ માટે જ સ્પેક્ટ્રમ ખરીદવાનો નિર્ણય કર્યો છે. તેની પાછળનું એક કારણ ભારતનું સ્પર્ધાત્મક બજાર છે. ભારતમાં 4જી ઇન્ટરનેટના મોબાઇલ ડેટાના ભાવ વિશ્વમાં સૌથી નીચા છે.
2016માં જ્યારે રિલાયન્સ જિયોની સાથે બજારમાં ઊતર્યું, ત્યારે ગળાકાપ સ્પર્ધા થઈ હતી, જેના કારણે અનેક સ્પર્ધકો બજારમાંથી હઠી ગયા, ઘણા એકમો વેચાઈ ગયા અથવા તો મર્જ થઈ ગયા. હાલમાં બજારમાં મુખ્યત્વે ત્રણ જ સેવાપ્રદાતા છે. જેમાં રિલાયન્સ ઉપરાંત ભારતીય ઍરટેલ તથા આઇડિયા-વોડાફોનનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આજે મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી મોબાઇલસેવા પ્રદાતા કંપની છે. કંપનીએ 'સંપૂર્ણ સ્વદેશી' 5જી ટેકનૉલૉજી વિકસાવવાનો દાવો કર્યો છે. તાજેતરમાં આકાશ અંબાણીને તેના સીઈઓ અને એમડી જાહેર કરવામાં આવ્યા હતા. જેને મુકેશ અંબાણીની હસ્તાંતરણ યોજના તરીકે જોવામાં આવે છે.
જો અદાણીએ બજારમાં પ્રવેશવું હોય અને નોંધપાત્ર હિસ્સો હાંસલ કરવો પડે તો ભાવોની સ્પર્ધામાં ઊતરવું પડે, જેના કારણે તેની બૅલેન્સશીટ ઉપર દબાણ ઊભું થયું હોત.
કાઉન્ટરપૉઇન્ટ રિસર્ચનાં ઍનાલિસ્ટ ચારૂ પાલિવાલે 'ધ મૉર્નિંગ સ્ટાન્ડર્ડ' સાથે વાત કરતાં કહ્યું હતું, "ભારતમાં મોબાઇલસેવા ક્ષેત્ર ખૂબ જ સ્પર્ધાત્મક છે. આ સિવાય તે ખૂબ જ મૂડી માગી લે તેવું ક્ષેત્ર છે. ભારતની અગ્રણી ટેલિકોમ કંપનીઓ માટે પણ ગ્રાહકદીઠ સરેરાશ આવક રૂ. 180 કરતાં પણ ઓછી છે. એટલે તેમાં ધંધાની તક ન દેખાય તે સ્વાભાવિક છે."
અદાણી જૂથે જુલાઈ મહિનામાં હરાજીમાં ભાગ લેવા માટે રૂ. 100 કરોડની રકમ જમા કરાવી, ત્યારથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે તે સ્પેક્ટ્રમનો ખૂબ જ મર્યાદિત ઉપયોગ કરવા માગે છે.
ટેલિકોમ ઇન્ડસ્ટ્રીના એક જાણકારે બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ જયદીપ વસંતને જણાવ્યું હતું, "અહીં મુખ્યસ્પર્ધા 5જી ઍન્ટરપ્રાઇઝ સૉલ્યુસન્સ માટે છે. ભારતી, રિલાયન્સ અને ટાટા અગાઉથી જ આ ક્ષેત્રમાં સક્રિય છે. ભારતી અને રિલાયન્સ મોબાઇલસેવા આપે છે, જેમાં ખર્ચની સરખામણીમાં આવક ઓછી છે. દેશના કુલ મોબાઇલ ડિવાઇસના લગભગ સાત ટકા જ આને માટે સક્ષમ છે, એટલે સેવા લૉન્ચ કર્યા પછી, ડિવાઇસની ઇકૉસિસ્ટમ પણ કંપનીઓએ ઊભી કરવી પડશે."
"બીજી બાજુ, ઍન્ટરપ્રાઇઝ સૉલ્યુસન્સમાં રોકાણ અને ખર્ચની સરખામણીમાં નફો વધુ છે. અદાણી જૂથ અગાઉથી જ ક્લાઉડ કૉમ્પ્યુટિંગ, ડેટા સેન્ટર ક્ષેત્રે કાર્યરત છે."
જ્યારે અદાણી ઉપરાંત ટાટા જૂથ તથા કેટલીક ટેક કંપનીઓએ ખાનગી સ્પેક્ટ્રમ મેળવવા માટે રસ દાખવ્યો હતો, ત્યારે મોબાઇલ સેવા પ્રદાતા કંપનીઓના સંગઠને તેનો વિરોધ કર્યો હતો અને આરોપ મૂક્યો હતો કે તેનાથી અન્ય ખાનગી કંપનીઓને 'પાછલા દરવાજે પ્રવેશ' અપાઈ રહ્યો છે. તેનાથી આ ક્ષેત્રમાં રોકાણ કરતા કંપનીઓ ખચકાશે અને સરકારી તિજોરીને નુકસાન થશે.
અદાણી જૂથે ગુજરાત,મુંબઈ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુ જેવાં આઈટી સેવાઓની કંપનીઓના હબ મનાતાં રાજ્યોમાં 5જીના અધિકાર મેળવ્યા છે.

અદાણી વિ. અંબાણી

ઇમેજ સ્રોત, Getty Images
મુકેશ અંબાણી કંપનીની વાર્ષિક સભામાં તથા કેટલાંક જાહેરસંબોધનોમાં 'ઇન્ટરનેટ ઑફ થિંગ્સ' અને 'સુપર ઍપ'ની વાત કહી ચૂક્યા છે. કંપનીના તાજેતરના કેટલાક અધિગ્રહણ પણ આ દિશામાં થઈ રહેલી પ્રગતિને સૂચવે છે.
5-જી સ્પેક્ટ્રમ મળ્યા પછી અદાણી જૂથ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તીમાં પણ 'સુપર ઍપ' તથા 'આઈઓટી'ની મહત્ત્વકાંક્ષાઓ તથા યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અલગ-અલગ ઍપ્સની સેવાઓને એક જ ઍપમાં આવરી લેતી ઍપ્લિકેશનને સામાન્ય રીતે 'સુપર ઍપ' તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મુખ્યત્વે શૉપિંગ, પેમૅન્ટ, ન્યૂઝ અને મનોરંજન જેવી સેવાઓ સમાવિષ્ટ હોય છે.
રિલાયન્સ રિટેલ દ્વારા આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે, આ સિવાય જિયોમાર્ટ ઍપ પણ છે, જ્યારે અદાણી-વિલમરએ 'ફૉર્ચ્યુન માર્ટ' સ્ટૉર્સ દ્વારા સક્રિય છે. રિલાયન્સ રિટેલનું સંચાલન મુકેશ અંબાણીનાં પુત્રી ઈશાને સોંપવામાં આવશે, એવી ચર્ચા છે. કંપની તેનો આઈપીઓ પણ લાવવા માગે છે. તેની સરખામણીમાં 'ફૉર્ચ્યુન માર્ટ'ને નાનો ખેલાડી ગણવામાં આવે છે.
રિલાયન્સ જૂથ 'કલર્સ', 'ઈટીવી' અને 'મની કંટ્રૉલ' જેવી બ્રાન્ડ્સ દ્વારા મીડિયાક્ષેત્રમાં સક્રિય છે. એપ્રિલમ મહિનામાં અદાણીજૂથે એએમજી મીડિયા નેટવર્ક્સ દ્વારા મીડિયાના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું. કંપનીએ 'ધ ક્વિન્ટ' વેબસાઇટમાં હિસ્સો ખરીદ્યો છે. આ સિવાય પણ તેના અન્ય પ્રકલ્પો વિશે ચર્ચા થતી રહે છે. 5જી નેટવર્ક તેમાં તેને મદદ કરી શકે છે.
મુકેશ અંબાણીએ જાન્યુઆરી મહિનામાં ભારતને ગ્રીન ઍનર્જી સુપરપાવર બનાવવા માટે 75 અબજ ડૉલર જેટલું રોકાણ કરવાની જાહેરાત કરી હતી, તેના ગણતરીના મહિનાઓમાં જ અદાણી જૂથે પણ ગ્રીન ઍનર્જી ક્ષેત્રમાં 70 અંબજ ડૉલર જેટલું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
આઈપીએલની આગામી આવૃત્તિમાં ટીમ ખરીદવા માટે અદાણી જૂથે પણ બોલી લગાવી હતી, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. બીજી બાજુ, રિલાયન્સ જૂથ આઈપીએલની શરૂઆતથી જ 'મુંબઈ ઇન્ડિયન્સ' ટીમનો માલિકી હક ધરાવે છે.
રિલાયન્સ જૂથ સિલિન્ડર દ્વારા એલપીજી ગૅસ વિતરણક્ષેત્રમાં સંકળાયેલું છે, તો અદાણી જૂથ દેશના અનેક શહેરોમાં પીએનજી વિતરણના અધિકાર ધરાવે છે.
રિલાયન્સ જૂથ સિમેન્ટઉત્પાદન, માળખાકીય સુવિધા, બંદરવિકાસ, વીજવિતરણ વગેરે ક્ષેત્રમાં કાર્યરત હતું, પરંતુ વિભાજન બાદ અનેક વેપારી હિતો મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલને મળ્યાં હતાં. જેમણે નાદારી જાહેર કરી છે અને સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે.
જ્યારે અદાણી જૂથ દેશનું સૌથી મોટું ખાનગી વીજઉત્પાદક અને વિતરણ જૂથ છે. ખાનગી પૉર્ટનું સૌથી મોટું સંચાલક છે. કંપનીએ અમદાવાદ મુંબઈ જેવા શહેરોમાં ઍરપૉર્ટ સંચાલનના અધિકાર પણ મેળવ્યા છે.
બંને જૂથ ઉપર વિપક્ષ તથા ટીકાકારો દ્વારા એક સામાન્ય આરોપ મૂકવામાં આવે છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિકટતા ધરાવે છે, જેનો તેમને લાભ મળે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













