અંબાણી અને અદાણી : એશિયાની સૌથી પૈસાદાર વ્યક્તિઓની ભારતમાં 5G પર પ્રભુત્વ મેળવવાની લડાઈ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નિખિલ ઇનામદાર
- પદ, બીબીસી બિઝનેસ સંવાદદાતા, મુંબઈ
ભારતની સૌથી મોટી 5જી ઍરવેવ્સની હરાજી સાત દિવસ બાદ આખરે પૂર્ણ થઈ ગઈ છે. અને તેનાથી હવે એશિયાના સૌથી અમીર બે વ્યક્તિઓ, ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી, વચ્ચે ભારતના ડિજિટલ ભવિષ્ય વિશે જંગ થઈ શકે છે.
કુલ 72 ગિગાહર્ટ્સ સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવી હતી. ભારતના ટેલિકૉમ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 71 ટકા પર ઑફર હતી જેનું વેચાણ થઈ ચૂક્યું છે.
આ હરાજીના માધ્યમથી સરકારે આશરે 19 બિલિયન ડૉલર મેળવ્યા છે. આ હરાજીમાં ત્રણ મુખ્ય ખેલાડી સાબિત થયા છે - અંબાણીની રિલાયન્સ જીયો અથવા R-Jio, વોડાફોન આઇડિયા અને ભારતી ઍરટેલ. આ રેસમાં હવે અદાણી ડેટા નેટવર્ક્સે નવી ઍન્ટ્રી લીધી છે.
ક્રિસિલ (CRISIL) રિસર્ચ પ્રમાણે આ હરાજીમાં આશા કરતાં વધારે ફાયદો થયો છે કેમ કે હરાજીની રકમ માર્ચ 2021 કરતાં બમણી થઈ ગઈ છે.
આ હરાજીમાં આર-જીયો સૌથી વધારે 11 અબજ ડૉલરના સ્પેક્ટ્રમ ખરીદ્યા છે જ્યારે અદાણી ગ્રૂપે માત્ર 26 મિલિયન ડૉલર ખર્ચ્યા છે.
બાકી બચેલી રકમના સ્પેક્ટ્રમ ભારતી ઍરટેલ અને વોડાફોન આઇડિયાએ ખરીદ્યા છે.

અદાણીની ઍન્ટ્રીથી શું ફેર પડશે?

ઇમેજ સ્રોત, PTI
માહિતી પ્રમાણે ભારતી ઍરટેલ અને આર-જીયોએ આખા ભારતની ઍરવેવ્સ માટે બોલી લગાવી હતી જ્યારે વોડાફોન-આઇડિયાએ માત્ર મહત્ત્વના સેક્ટર્સ પર ધ્યાન આપ્યું છે.
આર-જીયોએ એક નિવેદનમાં કહ્યું, "જીયો 5Gને શરૂ કરવા માટે તૈયાર છે અને એ પણ થોડા જ સમયમાં. તેનું કારણ આખા દેશમાં જીયોના ફાઇબરની ઉપસ્થિતિ અને ટેકનૉલૉજીની ઇકૉસિસ્ટમમાં મજબૂત વૈશ્વિક ભાગીદારી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અદાણી ગ્રૂપે ખાનગી સ્પેક્ટ્રમ ખરીદ્યા છે જે ચોક્કસ જગ્યાઓ પર મળી રહેશે જેમ કે ઍરપૉર્ટ, બંદર વગેરે - આ એવાં ક્ષેત્ર છે જ્યાં કંપનીએ પહેલેથી ઘણું રોકાણ કરેલું છે.
મુકેશ અંબાણીની આર-જીયો એ ભારતીય ઇન્ટરનેટ બજારમાં જાણીતું નામ છે. અને તેમાં હવે ગૌતમ અદાણીએ સ્પેક્ટ્રમ ખરીદી લોકોને સરપ્રાઇઝ આપી છે. અદાણીનો વેપાર બંદરો, ઍરપૉર્ટ, ઊર્જાની આસપાસ ફેલાયેલો છે અને હાલ જ 112 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે તેમણે વિશ્વની ચોથી સૌથી ધનિક વ્યક્તિ બિલ ગેટ્સનું સ્થાન લીધું હતું.
અદાણી ગ્રૂપે કહ્યું છે કે પ્રાઇવેટ સ્પેક્ટ્રમની બહાર પ્રતિસ્પર્ધામાં ઉતરવાનું તેમણે હજુ વિચાર્યું નથી. જોકે, નિષ્ણાતો કહે છે કે આ માત્ર તેમનું એક પહેલું પગલું હોઈ શકે છે.
ગૉલ્ડમેન સાક્સે એક નોટમાં કહ્યું, "અમે માનીએ છીએ કે જો અદાણી ગ્રૂપ આગામી હરાજીમાં સ્પેક્ટ્રમ ખરીદે છે તો તેનાથી પ્રતિસ્પર્ધા વધવાની શક્યતા છે. તેનાથી અદાણી ગ્રૂપ મોબાઇલ સર્વિસની દુનિયામાં પણ ગ્રાહકો માટે દરવાજા ખોલી દેશે."
આ પગલાંથી વોડાફોન આઇડિયા અને ભારતી ઍરટેલની પણ હાલત ખરાબ થવાની છે. આ બંને ટેલિકૉમ કંપનીઓ હજુ પણ 2016ના ઝટકામાંથી બહાર નથી આવી જેમને આર-જીયોએ સસ્તાં પ્લાન લૉન્ચ કરીને ઝટકો આપ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાના ભાવ પણ ઘટાડ્યા, પરંતુ કોઈ ફેર ન પડ્યો. હવે કદાચ તેમણે આ કરોડપતિઓ સામે વધારે પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.
અંબાણી માટે આ એક અણધારી પ્રતિયોગિતા છે.

5જીની હરાજીથી સરકારને કેટલો ફાયદો થયો?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં 5જીના આગમનની સાથે હાઇ-સ્પીડ ઇન્ટરનેટનો નવો યુગ શરૂ થશે જેમાં લોકો ગણતરીની સેકંડમાં વીડિયો ડાઉનલોડ કરી શકશે અને ક્લાઉડ કમ્પ્યુટિંગ સિસ્ટમનો પણ લોકો ઉપયોગ કરી શકશે.
5જીની સ્પીડ વધારે હશે, એટલે એવું લાગે છે કે ગ્રાહકોએ ટેલિકૉમ કંપનીઓને તેના માટે વધારે રકમ ચૂકવવી પડશે. અત્યાર સુધી તેમણે 2જી અને 3જીની સરખામણીએ 4જીના પ્લાન માટે વધારે કિંમત વસૂલવાનું ટાળ્યું છે.
પણ નોમુરા પ્રમાણે 5જીની સાથે લાગે છે કે ટેલિકૉમ કંપનીઓ વધારે નફો મેળવશે.
જોકે, ભારતમાં 5જી ધીમે-ધીમે આગળ વધશે, તેના વધેલા ભાવોના કારણે. બીજું એક પરિબળ એ પણ છે કે આશરે સાત ટકા મોબાઇલ ફોન જ એવા છે જેમાં 5જી ટેકનૉલૉજીથી ચાલી શકે છે.
સરકારની વાત કરીએ તો તેમને ખૂબ ફાયદો થયો છે. 2010થી અત્યાર સુધીના સાત રાઉન્ડની સરખામણીએ સરકારને સૌથી વધુ કમાણી કરવાનો મોકો હવે મળ્યો છે. તેનાથી ભારતની રાજકોષીય ખાધ જે 6.4 ટકા પર પહોંચવાની છે તેમાં સરકારને રાહત મળશે.
નિષ્ણાતોના મતે ભારતના ટેલિકૉમ્યુનિકેશન વિભાગને આગામી 20 વર્ષમાં 1.6 બિલિયન ડૉલર મળશે.
આશા છે કે સરકાર ઍરવેવ્સની ફાળવણી ઑગસ્ટમાં કરી દેશે અને આ વર્ષે ઑક્ટોબરમાં 5જીની સેવા મળવા લાગી શકે છે.
અશ્વિની વૈષ્ણવ કહે છે, "એકાદ વર્ષમાં આખા દેશમાં 5જીની સેવા શરૂ થઈ શકે તેમ છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













