એવી ઍપ્લિકેશન, જે આંખો પરથી બીમારીના સંકેત આપી દે છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બાર્બરા પિયર્સિયોનેક
- પદ, બીબીસી ન્યૂઝ

- કીકી પ્રકાશ સામે તુરંત પ્રતિસાદ આપે છે
- આંખનાં પોપચાં પણ ઘણી બીમારીઓના સંકેત આપી શકે છે. તે સામાન્યપણે આંખનાં પોપચાંની ગ્રંથિઓ સાથે જોડાયેલા હોય છે
- પિંગ્યુક્યુલા એ પીળા રંગનો જાડો ગઠ્ઠો હોય છે જે આંખના સફેદ ભાગ પર દેખાય છે
- લાલ ધબ્બા નાની રક્તવાહિની ફાટી જવાના કારણે થાય છે
- પીળી આંખ સામાન્યરીતે કમળાનો સંકેત આપે છે

તમને કહેવામાં આવે કે તમારા સ્માર્ટફોનનો કૅમેરા તમારી આંખ જોઈને કહી દેશે કે તમે બીમાર છો, તો શું તમને વિશ્વાસ આવશે? યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોએ એક એવી સ્માર્ટફોન ઍપ્લિકેશન બનાવી છે જે અલ્ઝાઇમર અને અન્ય ન્યૂરોલૉજિકલ રોગોના સંકેત મેળવી શકે છે.
હવે તમને થશે કે એવું કેવી રીતે થઈ શકે? તો આ ઍપ્લિકેશન ફોનના ઇન્ફ્રારેડ કૅમેરાનો ઉપયોગ કરે છે અને વ્યક્તિની આંખની કીકીમાં થઈ રહેલા ફેરફાર સબ મિલિમિટર સ્તરે ટ્રેક કરે છે. આ ઍપ્લિકેશનથી મળેલી માહિતી વ્યક્તિના સ્વાસ્થ્ય અંગે જણાવી શકે છે.
ટેકનૉલૉજીની મદદથી આંખો રોગને તપાસવાનું એક મહત્ત્વનું માધ્યમ સાબિત થઈ શકે છે કેમ કે તેમાં શરીરના અન્ય ભાગોની સરખામણીએ ઓછી તપાસની જરૂર હોય છે.
આ તો થઈ ટેકનૉલૉજીની વાત, પણ જો ટેકનૉલૉજી ન હોય તો પણ તમે ઘણી સ્વાસ્થ્ય સમસ્યા વિશે માત્ર આંખમાં જોઈને જાણી શકો છો. તેના માટે કેટલાક ચેતવણી સંકેત પણ મળે છે.

કીકીનો આકાર
કીકી પ્રકાશ સામે તુરંત પ્રતિસાદ આપે છે, જ્યાં વધારે પડતો પ્રકાશ હોય ત્યાં કીકી સંકોચાઈ જાય છે અને થોડો અંધકારમય માહોલ હોય ત્યાં કીકી પહોળી થઈ જાય છે.
જો કીકીનો આકાર ધીમી ગતિએ અથવા મોડો બદલાય તો તેનો મતલબ છે કે વ્યક્તિને ઘણી બીમારીઓ છે જેમાં અલ્ઝાઇમર જેવા ગંભીર રોગનો પણ સમાવેશ થાય છે. તે દવાઓની અસર અને ડ્રગ્સનો ઉપયોગ થવાના પુરાવા તરીકે પણ સામે આવે છે.
પહોળી થયેલી આંખની કીકી એ કોકેઇન અને એમ્ફેટામાઇન્સ જેવા ઉત્તેજક ડ્રગ્સનું સેવન કરતા લોકોમાં જોવા મળે છે. તો હેરોઇન વાપરતા લોકોની કીકી ખૂબ નાની દેખાય છે.

લાલ અથવા પીળી આંખો

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે આંખના સફેદ ભાગનો રંગ બદલાય તો તે એ દર્શાવે છે કે શરીરમાં કંઈક ગરબડ છે. વધારે પડતા દારૂ અથવા ડ્રગ્સના ઉપયોગથી આંખનો રંગ લાલ થઈ જાય છે. આંખોનો રંગ લાલ કોઈ પ્રકારની બળતરા કે ચેપ લાગવાથી પણ થાય છે જે થોડા દિવસમાં ઠીક થઈ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો રંગ સતત બદલાયેલો રહે તો તે ગંભીર ચેપ, બળતરા અથવા કૉન્ટેક્ટ લેન્સના રિએક્શનનો સંકેત હોઈ શકે છે.
અતિ ગંભીર કેસમાં લાલ આંખ ગ્લુકોમાના સંકેત આપી શકે છે. તે એક એવો રોગ છે જે વ્યક્તિને અંધ બનાવી શકે છે.
આંખનો સફેદ ભાગ જ્યારે પીળો બની જાય છે, ત્યારે સામાન્યપણે તે કમળાના સંકેત હોય છે અથવા તે લીવર સાથે સંકળાયેલી બીમારી હોય છે.
કમળાના કારણો અલગ અલગ હોય છે. તેમાં લીવરમાં બળતરા, આનુવંશિક અથવા ઑટોઇમ્યુન રોગ, કેટલીક દવાઓ, વાઇરસ અને ટ્યુમરનો સમાવેશ થાય છે.

લાલ ધબ્બા

ઇમેજ સ્રોત, Getty Images
આંખના સફેદ ભાગમાં લાલ રંગનો ધબ્બો થોડો ડરામણો લાગી શકે છે અને તે નાની રક્તવાહિની ફાટી જવાના કારણે થાય છે. મોટાભાગે તેનું કોઈ કારણ નથી હોતું અને તે થોડા સમયમાં આપમેળે ઠીક થઈ જાય છે. જોકે, તે હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને બ્લડ ક્લોટિંગ ડિસઑર્ડરનો સંકેત હોઈ શકે છે જેનાથી વધારે લોહી નીકળે છે.
લોહીને પાતળું કરતી દવા ઍસ્પિરિન પણ લાલ ધબ્બાનું કારણ હોઈ શકે છે. જો આ સમસ્યા લાંબા ગાળા સુધી ચાલે તો ડૉક્ટરની સલાહ લેવાની જરૂર પડે છે.

કોર્નિયા (નેત્રપટલ) આસપાસ રિંગ
કોર્નિયાની આસપાસ સફેદ અથવા ગ્રે રંગની રિંગ જોવા મળે તો તે વધેલા કોલેસ્ટ્રોલ અને હૃદયરોગના વધતા ખતરાની નિશાની છે.
તેનાથી એ પણ ખબર પડે છે કે વ્યક્તિ દારૂ પીવે છે અને કેટલીક વખત તે વૃદ્ધ લોકોની આંખોમાં જોવા મળે છે.

જાડો ગઠ્ઠો

ઇમેજ સ્રોત, Getty Images
ક્યારેક આંખમાં દેખાતી એવી વસ્તુ જે વધારે ખતરનાક લાગતી હોય છે પરંતુ તે વધારે સૌમ્ય હોય છે અને તેનો ઇલાજ પણ સહેલો હોય છે.
પિંગ્યુક્યુલા એ પીળા રંગનો જાડો ગઠ્ઠો હોય છે જે આંખના સફેદ ભાગ પર દેખાય છે. તે ચરબી અને પ્રોટીનનું મિશ્રણ હોય છે. તેનો ઇલાજ ટીપાંથી અને અથવા નાનું ઑપરેશન કરાવીને થઈ શકે છે.
ટેરિજિયમ એ વસ્તુ છે કે જે ગુલાબી રંગના રૂપમાં આંખના સફેદ ભાગ પર વધે છે. તેનાથી આંખની દૃષ્ટિને નુકસાન ત્યાં સુધી નથી પહોંચતું જ્યાં સુધી તે કોર્નિયા પર ન પહોંચે. સદભાગ્યે ટેરિજિયમ ખૂબ ધીમે ધીમે વધે છે અને પિંગ્યુક્યુલાની જેમ સહેલાઈથી કાઢી શકાય છે. પરંતુ તેને તે કોર્નિયા પર પહોંચે તે પહેલાં કાઢી નાખવું જરૂરી હોય છે.
જો તે કોર્નિયા પર પહોંચી જાય, તો તેનાથી દૃષ્ટિને નુકસાન પહોંચી શકે છે. ટેરિજિયમ અને પિંગ્યુક્યુલા ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિને સૂર્યમાંથી વધારે પડતી અલ્ટ્રા વાયોલેટ લાઇટ મળે છે.

બહાર આવી ગયેલી આંખ

ઇમેજ સ્રોત, Getty Images
કેટલીક વખત આપણે એવી આંખો જોઈએ છીએ જેને ગૂગલી આંખ તરીકે ઓળખવામાં આવે છે. આવી આંખો સામાન્ય હોઈ શકે છે. પરંતુ જો આંખો પહેલા એવી ન હોય અને પછી ગૂગલી જેવી આંખોનો સંબંધ થાઇરોઇડ સાથે હોઈ શકે છે અને મેડિકલ સારવારની જરૂર પડે છે.
જો એક આંખ મણકાની આંખ જેવી દેખાય તો તેમાં કોઈ ઇજા થઈ હોઈ શકે છે અથવા તો કોઈ ચેપ, કે પછી આંખની પાછળ કોઈ ગુમડું થયું હોઈ શકે છે.

પફી અથવા આંખનાં પોપચાં પર સોજો

ઇમેજ સ્રોત, Getty Images
આંખનાં પોપચાં પણ ઘણી બીમારીઓના સંકેત આપી શકે છે. તે સામાન્યપણે આંખનાં પોપચાંની ગ્રંથિઓ સાથે જોડાયેલા હોય છે.
ખૂબ સામાન્ય સ્થિતિમાં આંખનાં પોપચાં પર સોજા જેવું થઈ જાય છે અને ઉપરના ખુણામાં તે લાલ ગઠ્ઠા જેવું દેખાય છે. નીચેના ભાગમાં જો એવું થાય તો તે બ્લોક થયેલી તેલની ગ્રંથિના કારણે હોઈ શકે છે.
આંખનાં પોપચાં પર આવેલો સોજો સામાન્યપણે પોતાની મેળે જ જતો રહે છે અથવા તો તે સેકથી આરામ મળે છે. જો તે લાંબો સમય રહે તો તેને સામાન્ય પ્રક્રિયાથી હઠાવી શકાય છે.
ઝબકતાં આંખનાં પોપચાં બળતરા, ગરમીના કારણે થઈ શકે છે. તે દેખાય છે તેના કરતાં વધારે દર્દનાક હોય છે. મોટાભાગના કેસમાં તેનાથી કોઈ નુકસાન થતું નથી અને તેનો સંબંધ તણાવ, અપૂરતું પોષણ અને વધારે પડતાં કૅફેઇનના ઉત્પાદનોનું સેવન કરવા સાથે છે.
આ લેખ માત્ર માર્ગદર્શન માટે છે. જો તમને તમારા સ્વાસ્થ્ય વિશે કોઈ સવાલો હોય તો નિષ્ણાતની સલાહ લો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














