તમારા નખ પીળા પડી જાય તો એ કઈ બીમારીની નિશાની હોઈ શકે?

નખ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલાક લોકોના નખનો રંગ તેમના માટે એક સમસ્યા હોય છે.
    • લેેખક, પ્રિસિલ્લા કારવાલ્હો
    • પદ, બીબીસી સંવાદદાતા, બ્રાઝિલ
લાઇન
  • નખનું પીળાપણું આનુવંશિક પણ હોઈ શકે છે કે પછી વધતી ઉંમર પણ એનું કારણ હોઈ શકે છે
  • જે લોકો વધારે પ્રમાણમાં ધૂમ્રપાન કરે છે એમના નખનો રંગ પણ સિગારેટના સીધા સંપર્કના કારણે પીળો દેખાવા લાગે છે
  • માઇકોસિસ ફંગલ ઇન્ફેક્શનનું કારણ હોય છે અને સારવાર બંધ કર્યા પછી તે ફરીથી થઈ શકે છે
  • નિષ્ણાતો અનુસાર, કોઈ કેમિકલ પ્રોડક્ટના સંપર્કમાં આવવાના લીધે નખ તૂટવા કે ખરી જવાની હદ સુધી સુકાઈ જાય છે

નખની સંભાળ રાખવી એ બ્યૂટી કે નેલ પાર્લર જવા કરતાં ઘણી વધારે મહત્ત્વની બાબત છે. શરીરનો આ ભાગ તમારી તબિયત અને ઘણી બધી સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓનો સમય કરતાં વહેલો સંકેત આપે છે.

તેથી નખના રંગ અને એમાં થતા ફેરફારો પર ધ્યાન રાખવું જરૂરી છે. નખ પર ડાઘ કે ચકતાં થવાં કે બીજું કશુંક થવું તે આવનારી બીમારીની ચેતવણી હોઈ શકે છે.

જ્યારે પણ આવું થાય ત્યારે કોઈ ચામડીના રોગના નિષ્ણાતને બતાવવાની સલાહ આપવામાં આવે છે, જેથી લોહીની તપાસ અને અન્ય રીતે ડૉક્ટર પોતાના દર્દીની સ્થિતિ સમજી શકે.

અને જ્યારે વિષય ગંભીર હોવા અંગેની શંકા પડે તો સ્પેશિયાલિસ્ટ બાયોપ્સી કરાવવા માટે કહી શકે.

એવા રોગ પણ હોય છે જે આપણા શરીરના એક કે વધારે અંગોને અસર કરે છે, ભલે તે બીમારી હાથ પર હોય કે પછી પગ પર.

સ્વાસ્થ્યની મોટા ભાગની સમસ્યાઓ કિડની, ત્વચા (ચામડી/સ્કિન), લીવર, ઇંડોસ્રીન (અંતઃસ્રાવી-ગ્રંથિ), પોષણ અને રોગપ્રતિકારકતંત્ર સાથે સંકળાયેલી હોય છે.

સારી વાત તો એ છે કે, એ નિશ્ચિત નથી કે નખમાં થતો કોઈ પ્રકારનો ફેરફાર હંમેશાં કોઈ ગંભીર સ્વાસ્થ્ય-સમસ્યા જ દર્શાવે. ક્યારેક ક્યારેક આવું રૂટીન રીતે પણ થતું હોય છે.

ચામડીના રોગનાં નિષ્ણાત વલેરિયા ઝાનેલા ફ્રૅઝને કહ્યું કે, "પગના નખની સંભાળ ઓછી રાખવામાં આવે છે અને ઘણી વાર એમાં સમસ્યા વધારે હોય છે. ઉદાહરણ તરીકે, તે પીળા પડવા લાગે છે અને જાડા થઈ જાય છે."

અમે આગળ કેટલીક એવી સ્થિતિઓ વિશે જણાવીશું જે આવનારી સ્વાસ્થ્ય-સમસ્યાઓના સંકેત આપે છે અને જેના અંગે ધ્યાન આપવું જરૂરી છે.

line

સફેદ નખ

નખ

ઇમેજ સ્રોત, Getty Images

જો કોઈને એમ લાગે કે એમના નખમાં કશો અસામાન્ય ફેરફાર થઈ રહ્યો છે તો સૌથી પહેલાં એમણે એના રંગ પર ધ્યાન આપવું જોઈએ.

જો નખનો રંગ સફેદ જેવો લાગે તો તે માઇકોસિસ, સોરાઇસિસ, ન્યુમોનિયા અને એટલે સુધી કે હૃદયસંબંધી બીમારી હોવાનો પણ સંકેત હોઈ શકે છે.

પોષક તત્ત્વોની ઊણપ, ઓછા પ્રોટીનવાળો ખોરાક પણ એના માટે કારણરૂપ હોઈ શકે છે.

ચામડીના રોગનાં નિષ્ણાત જુલિયાના પિક્વેટનું કહેવું છે કે, "નખ ફિક્કા પડી જાય તો તે એનિમિયા (રક્તની ઊણપ)નો સંકેત હોઈ શકે છે. શરીરમાંની આયર્નની ઊણપ નખને ચમચી જેવા આકારના અને પોલા બનાવી શકે છે."

લ્યૂકોનિકિયા જેવી પણ એક સ્થિતિ હોય છે, જેમાં નખ પર સફેદ રંગનાં ચકતાં પડવા લાગે છે. પરંતુ એનાથી કશું નુકસાન નથી થતું અને તે શરીરમાં કશા પરિવર્તન તરફ સંકેત નથી કરતાં.

આવી સ્થિતિઓની સારવાર કરવા માટે સામાન્ય રીતે ડૉક્ટર દર્દીઓ પાસેથી સમસ્યાનાં સાચાં કારણ જાણવાની કોશિશ કરે છે.

જો તમારા નખનો રંગ સફેદ થવા લાગ્યો હોય તો ચામડીના રોગના નિષ્ણાતની પાસે જાઓ અને ત્યાં જો કોઈ મેડિકલ ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવે તો ચોક્કસ કરાવો, જેથી, આગળ જતાં જરૂરિયાત ઊભી થતાં કોઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનો સંપર્ક કરી શકાય.

line

પીળા નખ

ધ્રૂમપાન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ધ્રૂમપાન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

નખનું પીળાપણું આનુવંશિક પણ હોઈ શકે છે કે પછી વધતી ઉંમર પણ એનું કારણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં તે જાડા થવા લાગે છે અને એનું પીળાપણું પણ દેખાવા લાગે છે.

ફંગલ ઇન્ફેક્શનના કારણે પણ આવું થઈ શકે છે. સાથે જ, કેટલાક ગંભીર કિસ્સામાં, તે સોરાઇસિસ, એચઆઈવી અને કિડનીની બીમારીનો પણ સંકેત કરે છે.

જે લોકો વધારે પ્રમાણમાં ધૂમ્રપાન કરે છે એમના નખનો રંગ પણ સિગરેટના સીધા સંપર્કના કારણે પીળો દેખાવા લાગે છે.

આવા કિસ્સામાં અંગૂઠા અને તર્જની (અંગૂઠાની બાજુમાં આવેલી પહેલી આંગળી)માં પીળાપણું વધારે દેખાય છે.

line

નખ પર સફેદ ડાઘા

નખ

ઇમેજ સ્રોત, Getty Images

સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આને 'પિટિંગ' પણ કહે છે. નખ પર તે નાના સ્પૉટ જેવા દેખાય છે. મોટા ભાગે એક નખ પર એક જ હોય છે.

તે એટૉપિક ડર્મટાઇટિસ (એક પ્રકારનો એગ્ઝિમા), સોરાઇસિસ કે ત્વચાનો અન્ય કશો રોગ અથવા વાળની સમસ્યા સાથે સંકળાયેલો હોઈ શકે છે.

ફેડરલ યુનિવર્સિટી ઑફ સાઓ પાઉલોના ચામડીના રોગનાં નિષ્ણાત જુલિયાના ટોમાએ કહ્યું કે, "નખ પર ઊપસી આવતો સફેદ ભાગ જો ચોખ્ખો લાગે તો તે એલોપેસિયા એરિયાટા (અચાનક વાળ ખરવા લાગવા) સાથે સંકળાયેલો હોઈ શકે. એવી સ્થિતિમાં તમારે તમારા વાળની સમસ્યાની સારવાર કરાવવી જોઈએ."

કેટલાક વિશિષ્ટ કિસ્સામાં તે સિફલિસ નામના એક યૌન સંક્રામક રોગનો પણ સંકેત હોઈ શકે છે.

line

વાદળી નખ

જોકે, આવા નખ વધારે જોવા મળે છે. નખ વાદળી થવાનું કારણ કોઈ ખાસ દવાનો ઉપયોગ હોઈ શકે છે.

આવા કેસ ખીલ કે મેલેરિયાની દવાઓ લેનારા લોકોના નખમાં જોવા મળે છે.

જ્યારે આવું થાય ત્યારે ડૉક્ટરને જણાવવું જોઈએ શું કોઈ ખાસ દવા લેવાનું બંધ કરવાની જરૂર છે કે સારવાર બદલવાની જરૂર તો નથી ને?

line

નખ પર વારંવાર ફંગલ ઇન્ફેક્શન થવું

નખ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એવી જગ્યાઓએ જવાનું ટાળવું જોઈએ જ્યાં આવું ઇન્ફેક્શન લાગી શકે છે, જેમ કે, ટાઇટ અને ગરમ જૂતાં, સ્વિમિંગ પૂલ અને સૉનાનો ઉપયોગ.

માઇકોસિસ ફંગલ ઇન્ફેક્શનનું કારણ હોય છે અને સારવાર બંધ કર્યા પછી તે ફરીથી થઈ શકે છે. જો એના પર સરખું ધ્યાન આપવામાં ના આવે તો તે ફરીફરીને થઈ શકે છે.

પગના નખમાં આવી સમસ્યા ઘણી વાર થાય છે. ડૉક્ટરોનું કહેવું છે કે સારવાર શરૂ કર્યા પછી એને છ મહિના ચાલુ રાખવી જોઈએ.

જો હાથમાં એવું થાય તો 3થી 4 મહિના સારવાર કરવી જોઈએ. આદર્શ રીત તો એ છે કે, દર્દીએ સમયસર દવા લેવી (પીવી) જોઈએ અને જ્યારે ડૉક્ટર કહે ત્યારે જ જરૂરી સાવચેતી સાથે બંધ કરવી જોઈએ.

સાથે જ, એવી સલાહ પણ આપવામાં આવે છે કે, એવી જગ્યાઓએ જવાનું ટાળવું જોઈએ જ્યાં આવું ઇન્ફેક્શન લાગી શકે છે, જેમ કે, ટાઇટ અને ગરમ જૂતાં, સ્વિમિંગ પૂલ અને સૉનાનો ઉપયોગ.

line

નખ પર રેખાઓ

આને 'બ્યોઝ લાઇન્સ' પણ કહે છે. નખ પર તે આડી રેખાઓ જેવી દેખાય છે.

સામાન્ય રીતે ખૂબ તાવ કે કીમોથેરેપીની સારવાર પછી તે જોવા મળે છે.

જ્યારે આ રેખાઓ ઘાટા રંગની લાગે અને માત્ર એક જ આંગળી પર જોવા મળે તો તે મેલાનોમાનો સંકેત હોઈ શકે છે.

મેલાનોમા એક પ્રકારનું સ્કિન કૅન્સર છે.

line

નખમાં બરડતા

નખ

ઇમેજ સ્રોત, Getty Images

નિષ્ણાતો અનુસાર, કોઈ કેમિકલ પ્રોડક્ટના સંપર્કમાં આવવાના લીધે નખ તૂટવા કે ખરી જવાની હદ સુધી સુકાઈ જાય છે.

જો એવું થાય તો શરીરના તે ભાગમાં ડૉક્ટરની સલાહ અનુસાર ક્રીમ વગેરે દ્વારા ભીનાશ જાળવી રાખવી જોઈએ.

નખ નબળા થવાનાં બીજાં કારણ પણ હોઈ શકે છે, જેમ કે, ખોરાકમાં પ્રોટીન, બાયોટીન (બી7) અને અન્ય બી વિટામિન્સ ઓછાં હોવાં.

શાકાહારી લોકો જો વિટામિન બી12 અને અન્ય પોષકતત્ત્વોની પર્યાપ્ત માત્રા લે તો તેઓ પોતાના નખને ટૂટતા અને ખરી જતા બચાવી શકે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન