બે બાળકના જન્મ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ અને માતાના મૃત્યુનું જોખમ કેટલું?
- લેેખક, રોહન નામજોશી
- પદ, બીબીસી મરાઠી
એક અભ્યાસ મુજબ, સ્વાસ્થ્યની દૃષ્ટિએ બે બાળક વચ્ચે ઓછામાં ઓછું એક વર્ષનું અંતર હોવું જોઈએ.
જોકે, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશનની ગાઇડલાઇન મુજબ બે બાળક વચ્ચે 18 મહિનાનો ગાળો હોવો જોઈએ.

ઇમેજ સ્રોત, Getty Images
જો બે બાળકો વચ્ચે ઓછું અંતર હોય તો પ્રિમેચ્યોર બેબી થવાનું, બાળકો ઠીંગણાં થવાનું અને માતૃ મૃત્યુદર વધવાનું જોખમ રહે છે.
સંશોધકોનું માનવું છે કે મોટી ઉંમરનાં મહિલાઓને આ સંશોધનથી ફાયદો થઈ શકે છે.
ડૉ. વેન્ડી નોર્મન દ્વારા કરવામાં આવેલા આ સંશોધન અનુસાર, 35 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ માટે એક સારા સમાચાર છે.
ડૉ. વેન્ડીએ કહ્યું, "આ સંશોધન મોટી ઉંમરે માતા બનેલી મહિલાઓનાં બાળકો વચ્ચે યોગ્ય અંતર પર પ્રકાશ પાડે છે."
તેમણે વધુમાં કહ્યું કે, "મોટા ભાગની મહિલાઓ માટે એક વર્ષનો ગાળો શક્ય છે. તેનાથી આગળની સમસ્યાઓ પણ ટાળી શકાશે."
આ સંશોધન યુનિવર્સિટી ઑફ બ્રિટિશ કોલંબિયા અને હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા કૅનેડામાં 1,50,000 બાળજન્મોના આધારે હાથ ધરવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંશોધનમાં જાણવા મળ્યું છે કે બે ડિલિવરી વચ્ચે 12થી 18 મહિનાનું અંતર હોવું જોઈએ.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 2018માં જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, બે બાળકો વચ્ચેનું અંતર 24 મહિના હોવું જોઈએ અને 18 મહિનાથી ઓછું ન હોવું જોઈએ.

સંશોધનમાં મળી આવેલું વધારાનું તથ્ય

ઇમેજ સ્રોત, Getty Images
- જો તમને એક વર્ષની અંદર બીજું બાળક થાય તો જટિલતાઓ ઊભી થવાની શક્યતા રહે છે અને આ શક્યતા બધી વયનાં મહિલાઓને લાગુ પડે છે.
- 35 વર્ષનાં મહિલાઓમાં જોખમ રહેલું છે. અલબત્ત, તમામ ઉંમરનાં મહિલાઓ માટે જોખમ છે જ, પરંતુ સૌથી વધુ જોખમ 20થી 34 વર્ષની વય વચ્ચે છે.
- 35 વર્ષની ઉંમર પછી જન્મ આપનારાં મહિલાઓમાં મૃત્યુનું જોખમ 1.2% હોય છે.
- જો બે ડિલિવરી વચ્ચે 18 મહિનાનું અંતર હોય તો મૃત્યુનું જોખમ 0.5% છે.
- જેઓ છ મહિને ગર્ભવતી બને છે તેમના માટે 8.5 ટકા જોખમ છે. જો તમે 18 મહિના રાહ જુઓ, તો જોખમ 3.7% છે.
સંશોધન લેખના મુખ્ય લેખક લૌરા શૂમર્સે જણાવ્યું હતું કે, "જો બે ગર્ભાવસ્થા વચ્ચે કોઈ અંતર ન હોય તો, માતા અને બાળક બંનેને જોખમ રહે છે. 35 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને પણ જોખમ રહેલું છે.
"અમારું સંશોધન મોટી ઉંમરની મહિલાઓ માટે વધુ મહત્ત્વનું છે, કારણ કે તેમને બે ગર્ભાવસ્થા વચ્ચે વધુ અંતર હોતું નથી."
આ સંશોધન માત્ર કૅનેડિયન મહિલાઓ પર કરવામાં આવ્યું છે. તેથી તે વિશ્વના અન્ય ભાગોમાં કેટલું લાગુ પડે છે તે સ્પષ્ટ નથી.
ડૉ. સોનિયા હર્નાન્ડીઝના મતે દરેક વય જૂથ માટે અલગ-અલગ જોખમ હોય છે.
"જન્મ વચ્ચેનું અંતર ઓછું રાખવાથી અપરિપક્વ ગર્ભપ્રસવનું જોખમ વધશે. ખાસ કરીને યુવાન સ્ત્રીઓમાં જોખમ છે.
રૉયલ કૉલેજ ઑફ મિડવાઈવ્ઝના મેન્ડી ફોરેસ્ટરે જણાવ્યું હતું કે સંશોધન ખૂબ જ ઉપયોગી હતું. તે અગાઉના સંશોધન માટે પૂરક છે.
"હકીકતમાં ઉંમર ગમે તે હોય પરંતુ દરેક સ્ત્રીની પોતાની પસંદગી છે કે બે ગર્ભાવસ્થા વચ્ચે કેટલું અંતર રાખવું. અલબત્ત, માહિતી મેળવવી જરૂરી છે. યોગ્ય માહિતી હોવી પણ મહત્ત્વપૂર્ણ છે. ગાયનેકોલૉજિસ્ટ હંમેશાં તેમના નિર્ણયનું સન્માન કરશે."
તેમણે કહ્યું, "મહિલાઓને ગર્ભનિરોધક વિશે સલાહ આપવા માટે યોગ્ય લોકો મળી રહે તે જરૂરી છે."

ભારતમાં શું સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, AFP
પુણેનાં જાણીતા ગાયનેકોલૉજિસ્ટ ડૉ. શિલ્પા ચિટનીસ જોશી આ વિશે માહિતી આપે છે.
તેઓ કહે છે, "ભારતમાં 21 વર્ષ પહેલાં જ્યારે કુટુંબ નિયોજન અને વસ્તી નિયંત્રણ કાર્યક્રમ લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે બે બાળક વચ્ચે ત્રણ વર્ષનું અંતર રાખવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. તેથી લોકોએ વિચાર્યું કે આ અંતર ત્રણ વર્ષ હોવું જોઈએ."
તેમના કહેવા અનુસાર, પણ આજકાલ ભારતમાં અને મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં માત્ર એક જ બાળકને જન્મ આપવાનો ટ્રેન્ડ છે. જો બે બાળક હોય તો ત્રણ વર્ષનો ગાળો આજે પણ સાચો માનવામાં આવે છે, કારણ કે ત્યાં સુધીમાં પ્રથમ બાળકને સાચી સમજ મળી જાય છે. પરંતુ શહેરી વિસ્તારમાં દંપતીની કારકિર્દીને કારણે હવે આ ગાળો 3થી 8 વર્ષનો થયો છે.
જોકે મહારાષ્ટ્રમાં એક જ બાળકનો ટ્રેન્ડ છે, પરંતુ ઉત્તર પ્રદેશ, બિહાર અને મેઘાલયમાં હજુ પણ એક કરતાં વધુ બાળકનો ટ્રેન્ડ છે.
જોકે, ડૉ. જોષી કહે છે કે બંને બાળકો વચ્ચેનો ચોક્કસ તફાવત કહી શકાય તેમ નથી.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












