સાપે ડંખ માર્યો તો પણ સારવાર ન લીધી અને મૃત્યુનો અનુભવ લખવાનું શરૂ કર્યું અને 24 કલાક પછી...

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી મૂંડો
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
સપ્ટેમ્બર 1957માં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં લિંકન પાર્ક ઝૂમાં કામ કરતી એક વ્યક્તિ તે શહેરના મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રીમાં 76 સેન્ટિમીટરનો સાપ લાવી, જેથી તેની ઓળખ કરી શકાય.
વિખ્યાત હર્પેટોલોજિસ્ટ (સર્પ વિજ્ઞાની) કાર્લ પીટરસન શ્મિટ એ સર્પની ઓળખ કરવાના હતા.
પબ્લિક રેડિયો ઇન્ટરનેશનલ (પીઆરઆઈ)ના સાયન્સ ફ્રાઈડે પ્રોગ્રામના એલિઝાબેથ શૉકમૅનના મતે કાર્લ પ્રતિષ્ઠિત સર્પ વિજ્ઞાની હતા અને તેઓ સર્પ પ્રજાતિઓને ઓળખવામાં માહેર હતા.

ઇમેજ સ્રોત, CHICAGO DAILYTRIBUNE
25 સપ્ટેમ્બરના રોજ કાર્લે ખરાઈ કરી કે એ સાપ આફ્રિકન મૂળનો હતો, તેની ચામડી ચળકતી હતી અને તેનું માથું સબ-સહારન આફ્રિકામાં રહેતા ઝેરી સાપ બૂમસ્લેંગ જેવું હતું.
હર્પેટોલોજિસ્ટને આ સાપ ખરેખર બૂમસ્લેંગ છે કે કેમ તે અંગે શંકા હતી, કારણ કે તેમણે તેમની ડાયરીમાં નોંધ્યું હતું તેમ, "સાપની ગુદા પ્લેટ વિભાજિત ન હતી".
સર્પ નિરીક્ષણ માટેનું કાર્લનું આગળનું પગલું તેમના માટે જીવલેણ સાબિત થયું, તેમણે નજીકથી જોવા માટે સાપને ઉપાડ્યો.
કાર્લ વિસ્મયપૂર્વક સાપનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે સાપે તેમના ડાબા અંગૂઠા પર ડંખ માર્યો, જેનાથી ત્રણ મિલીમીટર ઊંડા બે ઘાવમાંથી લોહી નીકળ્યું.
કાર્લે ઘાને ચૂસવાનું શરૂ કર્યું. તબીબી સહાય મેળવવાને બદલે તેમણે તેમની ડાયરીમાં પોતાના પર ઝેરની અસરોને નોંધવાનું શરુ કર્યું. ચોવીસ કલાક પછી તેમનું મૃત્યુ થયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

એ છેલ્લો દિવસ

ઇમેજ સ્રોત, Science Photo Library
કાર્લ કદાચ માનતા ન હતા કે સાપનો ડંખ જીવલેણ હશે. તેઓ ટ્રામમાં બેસીને ઘરે ગયા અને તેમની ડાયરીમાં ઝેરની અસર નોંધવા લાગ્યા:
"સાંજના 4:30-5:30 વાગ્યાનો સમય: ભારે ઊબકા આવે છે પણ ઊલટી થતી નથી. ટ્રામમાં હોમવૂડ જવા નીકળ્યો.
સાંજના 5:30-6:30 વાગ્યાનો સમય: ભારે ઠંડી અને ધ્રુજારી આવે છે, તે પછી 101.7 (38.7 C)નો તાવ આવે છે. મોંમાં લાળમાં મોટે ભાગે પેઢામાંથી રક્તસ્રાવ લગભગ 5:30ની આસપાસ શરૂ થયો.
રાત્રિના 8:30નો સમય: મેં ટોસ્ટના બે ટુકડા ખાધા.
રાત્રિના 9:00થી 12:20નો સમય: હું સારી રીતે સૂઈ ગયો. મેં મધરાતે 12:20 વાગ્યે પેશાબ કર્યો, પેશાબમાં મોટે ભાગે લોહી નીકળ્યું, જોકે થોડી માત્રામાં.
સવારે 4:30 વાગ્યાનો સમય: એક ગ્લાસ પાણી પીધું, ત્યાર પછી ભારે ઊબકા અને ઊલટી થઈ, રાતે ખાધું હતું તે પચી ગયું. મને ઘણું સારું લાગ્યું અને સવારે 6:30 વાગ્યા સુધી હું સૂઈ ગયો."
જાગ્યા પછી કાર્લે હંમેશની જેમ સવારનો નાસ્તો કર્યો અને તેમની જર્નલમાં ઝેર અંગેની પ્રતિક્રિયાઓ રેકૉર્ડ કરવાનું ચાલુ રાખ્યું.
સપ્ટેમ્બર 26
સવારે 6:30 વાગ્યાનો સમય: તાપમાન 98.2 (36.8ºC). નાસ્તામાં ટોસ્ટ, સફરજન અને કોફી પર કઠોળ અને બાફેલાં ઈંડાં લીધાં હતાં. પેશાબ આવતો નથી પરંતુ પેશાબમાં દર ત્રણ કલાકે લગભગ એક ઔંસ (29.6 મિલી) લોહી આવે છે. મોં અને નાકમાંથી રક્તસ્રાવ ચાલુ રહે છે. નોટ એક્સેસિવલી (અતિશય નહીં)."
શ્મિટે તેમની ડાયરીમાં દાખલ કરેલો છેલ્લો શબ્દ "એક્સેસિવલી" હતો.
બપોરના 1:30 વાગ્યાના સુમારે તેમને ઊળટી થઈ અને તેમણે તેમનાં પત્નીને ફોન કર્યો. જ્યારે મદદ પહોંચી ત્યારે કાર્લ બેભાન હતા અને તેમનું શરીર પરસેવાથી રેબઝેબ હતું.
હૉસ્પિટલ પહોંચતા સુધીમાં એક ડૉક્ટરે તેમને જીવિત રાખવાનો પ્રયાસ કર્યો. બપોરે ત્રણ વાગ્યે કાર્લને "રેસ્પાઈરેટરી પેરાલિસિસ (શ્વાસ અટકી જવો)" મૃત જાહેર કરવામાં આવ્યા.

રક્તસ્રાવ

ઇમેજ સ્રોત, Getty Images
બૂમસ્લેંગનું ઝેર ઝડપથી કાર્ય કરે છે. તેની માત્ર 0.0006 મિલીગ્રામ જેટલી માત્રા મિનિટોમાં પક્ષીને મારી શકે છે.
ઝેરનું પ્રસરણ ઇન્ટ્રાવાસ્ક્યુલર કૉગ્યુલેશનનું કારણ બને છે, જે દંશપીડિતોમાં રક્તસ્રાવનું કારણ બને છે.
કાર્લના ઑટોપ્સી રિપોર્ટ અનુસાર, તેમનાં ફેફસાંમાંથી લોહી નીકળ્યું હતું, તેમની આંખોમાંથી લોહી નીકળ્યું હતું, તેમજ તેમનાં હૃદય, કિડની અને મગજમાંથી લોહી નીકળ્યું હતું.
શિકાગો ડેઇલી ટ્રિબ્યુને અહેવાલ આપ્યો કે કાર્લને તેમના મૃત્યુના થોડા કલાકો પહેલાં તબીબી સહાય લેવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ આ સર્પ વિજ્ઞાનીએ એમ કહીને ના પાડી કે "ના, આ લક્ષણોમાં ફેરફાર આવશે."
કેટલાક માને છે કે કાર્લનું મૃત્યુ એ "જિજ્ઞાસાએ વૈજ્ઞાનિકને મારી નાખ્યો"નો કેસ હતો.
જોકે, કેટલાક લોકો નિર્દેશ કરે છે કે નિષ્ણાત હર્પેટોલૉજિસ્ટ હોવાને કારણે કાર્લ એ જાણતા જ હશે કે બૂમસ્લેંગના ઝેરનું મારણ ફક્ત આફ્રિકામાં જ ઉપલબ્ધ છે. બીજા શબ્દોમાં કહીએ તો, એવી શક્યતા છે કે તેમણે તેમના મૃત્યુને સહજતાથી સ્વીકાર્યું હશે.
કેસ ગમે તે હોય, પણ પીઆરઆઈ સાયન્સ ફ્રાઈડે શોના નિર્માતા ટોમ મેકનામારા કહે છે, કાર્લ મોતના આરે હતા ત્યારે પણ તેણે પીછેહઠ કરી નહીં. બલકે, એ "અજ્ઞાત પ્રદેશમાં કૂદી પડ્યા."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













