ખેડૂતે ગાયના શિકારનો બદલો લેવા બે વાઘને ઝેર આપી મારી નાખ્યા, કેવી રીતે ખૂલ્યો ભેદ?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, એસ પ્રશાંત
- પદ, બીબીસી માટે
એક ખેડૂતે બદલો લેવા માટે વાઘને ઝેર ખવડાવ્યાનો એક મામલો સામે આવ્યો છે.
તામિલનાડુમાં વાઘ સતત મૃત્યુ પામી રહ્યા છે. ગયા મહિને છ વાઘના મોત થયાં હતાં.
અધિકારીઓના જણાવ્યા મુજબ, એ પૈકીના બે વાઘનું મોત ઝેરીલા આહારને કારણે થયું હતું.
નીલગિરિના વન અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે એક ખેડૂતે તેની ગાયની હત્યાનો બદલો લેવા માટે બે વાઘને ઝેર આપ્યું હતું.
ખરેખર શું થયું હતું?
પશ્ચિમી ઘાટમાં સ્થિત મુદુમલાઈ રિઝર્વ નીલગિરિ જિલ્લા હેઠળ આવે છે. તામિલનાડુના મોટાભાગના વાઘ આ અભયારણ્યમાં રહે છે. નવમી સપ્ટેમ્બરે બે વાઘ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. એ પૈકીના એકની વય ત્રણ વર્ષ અને બીજાની આઠ વર્ષ હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ, બન્ને વાઘ એમેરાલ્ડ પ્રદેશમાંના અવલંચી ડેમ ખાતે શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા. એ વિસ્તારમાં કૉફીનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે. વાઘના મૃતદેહ પાસે એક ગાય પણ મૃત હાલતમાં મળી આવી હતી.
આ ઘટનાની તપાસ કરવા અધિકારીઓએ 20 કર્મચારીઓની ટીમ બનાવી હતી. સ્નિફર ડૉગ્ઝ પણ તહેનાત કરવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

‘ગાયના શિકારનો ગુસ્સો’

ઇમેજ સ્રોત, TAMIL NADU FOREST DEPARTMENT
વન અધિકારીઓએ જણાવ્યું હતું કે એક ખેડૂત દ્વારા ઝેરીલો ખોરાક ખાવડાવવાને કારણે વાઘનું મોત થયું હતું. વાઘના મૃતદેહથી 30 મીટર દૂર એક ગાય મૃત હાલતમાં મળી આવી હતી. અમને શંકા હતી કે ગાયનું માંસ ખાવાથી વાઘનું મોત થયું હશે. તેથી અમે વાઘ અને ગાયના શબના નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા.
વન વિભાગના અધિકારીઓએ અવલંચી ડેમની આસપાસના વિસ્તારોમાંથી કોઈ ગાય ગુમ થઈ છે કે કેમ તેની તપાસ કરી હતી. તેમને જાણવા મળ્યું હતું કે શેખર નામના એક ખેડૂતની ગાય 10 દિવસ પહેલાં એમરાલ્ડ વિસ્તારમાં ગુમ થઈ ગઈ હતી.
શેખરને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કબૂલ્યું હતું કે તેણે જ વાઘને મારી નાખ્યા છે. શેખરે જણાવ્યું હતું કે જાનવરે કરેલા હુમલાને લીધે તેની ગાયનું મોત થયું હતું. તેણે બદલો લેવા માટે ગાયના મૃતદેહમાં ઝેરી જંતુનાશક દવા ભેળવી દીધી હતી.
એ ગાયના શબને ખાધા પછી બે વાઘ મૃત્યુ પામ્યા હતા, એમ મુદુમલાઈના ફિલ્ડ ડિરેક્ટર વેંકટેશને બીબીસીને જણાવ્યું હતું.

30 દિવસમાં 6 વાઘનાં મોત

ઇમેજ સ્રોત, TAMIL NADU FOREST DEPARTMENT
તામિલનાડુમાં છેલ્લા 30 દિવસમાં 6 વાઘનાં મોત થયાં છે. પર્યાવરણવિદોએ તેને ચિંતાજનક બાબત ગણાવી હતી અને આ બાબતે મોટો વિવાદ સર્જાયો હતો.
નીલગિરિ ખાતેની એક ખાનગી એસ્ટેટમાં 17 ઑગસ્ટે સાત વર્ષનો એક વાઘ શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવ્યો હતો. એ પછી મા વગરના વાઘના બે બચ્ચાં મૃત્યુ પામ્યાં હતાં. એ 14 દિવસનાં જ હતાં. એક અન્ય ઘટનામાં વાઘ સાથેની લડાઈમાં એક વાઘણનું મોત થયું હતું.
અવલંચી ડેમ પર ઝેરી માંસ ખાવાને લીધે મૃત્યુ પામેલા બે વાઘ સહિત 30 દિવસમાં કુલ 6 વાઘનાં મોત થયાં હતાં.

‘વન વિભાગ દ્વારા યોગ્ય તકેદારીનો અભાવ’

વાઘનાં મોતના મુદ્દે પર્યાવરણવાદીઓ અને પ્રાણીપ્રેમીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. વન વિભાગની નિષ્ફળતાની ટીકા પણ થઈ રહી છે.
વાઘ વિશે સંશોધન કરી રહેલા ડૉ. કુમાર ગુરુએ બીબીસીને કહ્યું હતું, "શિકારીઓ જંગલમાં ઘૂસીને વાઘનો શિકાર કરે એ પછી જ વન અધિકારીઓને ખબર પડે છે. નીલગિરિ વિસ્તારમાં વાઘનો શિકાર કરીને શિકારીઓ ગાઢ જંગલમાંથી ભાગી જાય છે. તેનું કારણ એ છે કે વન વિભાગના સર્વેલન્સ સિસ્ટમ યોગ્ય નથી."
તેમણે ઉમેર્યું હતું, "વન વિભાગ પશુઓને જંગલમાં છૂટથી ચરવા દે છે, પરંતુ ખેડૂતો અભયારણ્યમાંથી વાઘને ભગાડી રહ્યા છે. તેથી વાઘ ગાયો પર હુમલા કરે છે. તેમના પર દેખરેખ રાખવાની સાથે ચોક્કસ પ્રકારના નિયંત્રણો પણ લાદવાં જોઈએ."
જોક, મુદુમલાઈ ટાઇગર રિઝર્વમાં સર્વેલન્સ વધારવામાં આવ્યું હોવાની માહિતી આપતાં ફિલ્ડ ડિરેક્ટર વેંકટેશને કહ્યું હતું, "અમે શિકારીઓને રોકવા માટે રક્ષકોની સંખ્યામાં વધારો કર્યો છે. સર્વેલન્સ પણ વધાર્યું છે. તેથી જ અમે મૃત વાઘની ભાળ તરત મેળવી શકીએ છીએ."

વાઘ શા માટે જરૂરી છે?

ઇમેજ સ્રોત, DEEPAK RAJBANSHI
ડૉ. કુમાર ગુરુએ જણાવ્યું હતું કે પર્યાવરણના સંરક્ષણ માટે વાઘ બહુ જરૂરી છે. પ્રકૃતિમાં સંતુલન માટે પણ વાઘ જરૂરી છે. વાઘનું સંરક્ષણ નહીં કરવામાં આવે તો પર્યાવરણીય સંતુલનને નુકસાન થશે.
તેમણે કહ્યું હતું, "વાઘ નહીં હોય તો હરણ અને સસલાં જેવાં પ્રાણીઓની સંખ્યા ઝડપથી વધશે. આ પ્રાણીઓ ઘાસ અને અન્ય છોડને નુકસાન કરે છે. તે બહુ જોખમી છે, કારણ કે પાણી જાળવી રાખવામાં ઘાસ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે."
"વાઘને જંગલમાં સ્થાન નહીં મળે તો તે માનવ વસવાટવાળા વિસ્તારોમાં ઘૂસી જશે. તેને પગલે માનવો અને વન્યજીવ વચ્ચે સંઘર્ષ થશે."
ડૉ. કુમાર ગુરુએ કહ્યું હતું કે "ફૂડ ચેઈનમાં વાઘ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. ભલે ગમે તેટલા પૈસા ખર્ચવામાં આવે પરંતુ વાઘનું સ્થાન કોઈ લઈ શકશે નહીં".

કુલ કેટલા વાઘ?
નેશનલ ટાઇગર રિઝર્વના આંકડા અનુસાર, 2022 સુધીમાં ભારતમાં વાઘની કુલ સંખ્યા 3,682 થવાની અપેક્ષા હતી. 2006માં તે સંખ્યા 1,411 હતી. તામિલનાડુમાં 2006માં 76 વાઘ હતા અને 2022 સુધીમાં તેની સંખ્યા વધીને 306 થવાની અપેક્ષા હતી. એકલા નીલગિરિ વિસ્તારમાં 114 વાઘ હોવાનું આંકડા દર્શાવે છે.














